Dr Rajesh Vankar

Romance Thriller

4  

Dr Rajesh Vankar

Romance Thriller

મારી શોધ આગળ એક ‘ત’

મારી શોધ આગળ એક ‘ત’

5 mins
13.9K


વાદળોનો ગડગડાટ સાંભળીને મોરનો ટહુકાર વનરાજીને ભરી દે છે

ને હું –

હું તો તમને ક્યારનોય ખોળું છું.

તમારા મિલનને ઝંખતો અધ્યાપક બનીને ઝીણી ઝીણી વાતોને ફોલવા બેસું છું. આ ફોલવાનું કામ ખરું હો; જાણે! કોઈ ડુંગળીનું એક પડ ખોલ્યું ને બીજું તૈયાર જ, એને પાર પાડવાનું તો તોબાહ જાણે. પણ મઝા આવે ખરી હો; પાછું આંખોમાં પાણીય આવી જાય ! કોઈ આવીને પૂછે તો કહેવું પડે કે તમને મળતા નથી એટલે આ તો – અરે ! ક્લાસ રૂમ પણ આવી ગયો. અદાથી તમારા ક્લાસ રૂમમાં પ્રવેશ કરું છું ને તમે તો છેક છેલ્લી બેંચ પર છો. મારાથી એક જ વિદ્યાર્થી પર સ્થિત નજર તો કેમ રખાય ? એટલે આછેરી નજરે મેં તમને જોયા. હા, હા, જોયા વળી ! ને હોંશભેર ભણાવા પણ માંડ્યો. બધુંય જાણે એકરસ થતું હોય ! ને મને તો એવી મજાય આવેને પછી… ને અચાનક મારી દ્રષ્ટિ સ્થિર થઈ. તમને નિરખવાસ્તો વળી ! પણ એ તમે નહોતા કોઈ બીજું જ – ને હું લેક્ચર પૂરો થવાની રાહ જોવા લાગ્યો.

તમારી શોધાશોધ.

તમને મળવા જ હવે બગીચામાં આવ્યો છું. મને ખાતરી છે કે તમે અહીં તો હશો જ. ફૂલોના મઘમઘાટ વચ્ચેથી હું પસાર થયો. કેટલાક સંવાદોના ટૂકડાઓ મારા કાને અથડાતા રહ્યાં.

‘હું તને ચાહીને…’

‘જો તું ન મળે તો…’

‘અરે ! આ ફૂલ પણ…’

‘પણ… પણ… આપણા મિલનનું શું?’

સંવાદો મને વાગતા અથડાતાં રહ્યાં. અથડાતો કૂટાતો બધે જ તમને શોધતો પેલી જુઈ નીચે… ઢગલો ફૂલ ખેરવીને ઊભેલી બારમાસીના ઝુંડ પાસે… ગુલાબોની મહેકમાં… મહેંદીની વાડ પાછળ… ને ખાસ આવ્યો મોગરાના ફૂલો… ફૂલો જ નજરે પડે છે એવી આ જગ્યાએ… ને હાશ ! તમારી પીઠ દુરથી દેખાય છે.

અચાનક આવીને તમારી આંખો પર પાછળથી મારી આંગળીઓ ગોઠવી દઉં. પણ, ના રે ! જે આંખો વિશે કંઈ કહેવા મારી પાસે શબ્દો જ નથી એ આંખો જ પ્રથમ વાંચી લેવાનો મોકો કેમ કરી ગુમાવું? ઓચિંતા તમારી સમક્ષ મારે પ્રગટ થવું છે, પેલું શું કહે છે? હા, યાદ આવ્યું સરપ્રાઈઝ ! પણ…. પણ… જ્યાં તમારી સાથે મારા જીવનનું સૌ પ્રથમવારનું મુક્ત અને આનંદી હાસ્ય વેરવાની પેરવીમાં છું ને આ આંખો…. આંખો કહે છે એ તમે નથી. શું, શું એ તમે નથી જ?

આખરે તાજમહેલ નાટ્યગૃહમાં તમે મળી શકો એમ છો, ચાલ જીવ…. પણ ટીકીટ મને ન મળી. તમે કઈ રીતે લીધી હશે ? થોડો હર્યો ફર્યો… હવે સરસ નાટકો બનાવાય છે. આધુનિક… ચા પીતાં પીતાં વિચારતો હતો. પીવી પડી, શું કરું ? સમયને કંઈ… હા, ઘડિયાળમાં જોયું – ત્રણમાં દસ જ મિનિટ બાકી છે. ત્રણમાં નીકળવાનું દ્વાર એક જ છે. વારે વારે ઘડિયાળમાં જોયા કરું છું. દસ જ મિનિટ બાકી…. આહા ! તમે મળશો ને પછી… તો પણ…

આ સેકન્ડ કાંટો ક્યાં ખસે છે ! દુનિયાભરના સેકન્ડ કાટાંઓને આ એક જ મિનિટ માટે દોડાવી દઈએ તો ! – મિનિટો સહન નથી થતી. કલાકો પછીની આ મિનિટો ક્યાં ખસે જ છે? હવે તો સેકન્ડનો સવાલ છે… લો દ્વાર ખુલ્યું જાણે ખૂલ જા સીમ સીમ…. એક… બે… ત્રણ. આ માણસો પણ સેકન્ડ કાંટાની જેમ કેટલા ધીમા છે. ભીડ વીંધી અચાનક મને કોઈએ કહ્યું,

- એ અંદર તો નથી જ.

- અરે ! પણ મારી વાત…

એમના વાક્ય પર વિશ્વાસ મૂકીને મારે મિલનની ક્ષણેક્ષણને…. સપનાને….

હવે, પગ સાવ ઢીલા છે.

શ્વાસ લેવાની ઇચ્છા પણ નથી થતી પણ શું કરવું ?

શક્ય નથી ? તમારા મિલન વિના હવે શું કરવું ? ને તોય શક્યતાઓની ધાર પર તો ચાલવાનું જ છે. ચાલ્યા જ કરવાનું છે.

હવે તો –

તમારી શોધ માટે જ થોડી પેટ પૂજા કરવી પડશે ને હું હોટલ તાજ તરફ વળ્યો. ટોકન લઈને જ્યાં બેસવા જાઉં છું ત્યાં બેસતાં બેસતાં જ ઊભા થઈ જવું પડે છે. કારણ કે સામે જ – સામે જ તમે છો. જે શોધ પાછળ આટલો બધો સમય કેવી રીતે ગુજાર્યો એ પણ યાદ નથી એવા સ્વયં તમે જ. હા, ને હું હવે કઈ રીતે બેસી શકું ? શું કરવું ? તમને કઈ રીતે મળવું. તમારી સામે કઈ રીતે પેશ આવવું ? એ બધા વિચારોની સાથોસાથ પગની ગતિ તો તમારા તરફ જ હતી. આંખો પર વિશ્વાસ નહોતો આવતો ! તમે કઈ સ્થિતિમાં છો ? ને હું તમારી તરફ ગતિ કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ વાતાવરણ તમે જ સંમોહિત કર્યું છે. હા, તમારા સિવાય કોણ હોઈ શકે ? ને મને ગતિ કરવા પાછળથી કોઈનો હાથ સધિયારો આપી રહ્યું છે. કોઈ શબ્દો કાને પડે છે. મને પ્રોત્સાહિત કરવા શબ્દો હશે. પણ એ શબ્દો કરતાં મારું હ્રદય પોતે જ પ્રોત્સાહક જ છે ને !

‘સર, સર, પ્લીઝ એ તરફ ન જાવ ત્યાં આપણા હોમ મિનિસ્ટર બેઠાં છે. કોઈપણ ત્યાં નહીં જઈ શકે.’

‘હેં ! હા… હા… સો… સોરી.’ મારાથી ચીસ જેવું બોલાયું ને અહીં તમારા મિલન માટે મેં કરેલા ગાંડપણને લોકો હસી નાખે એ પહેલાં હાથ – મોં ધોવાના નળ તરફ વળ્યો. આંસુ પણ ભેગા ધોવાયા હશે. તમે કેટલી બધી જગ્યાએ નથી મળ્યા ? નિરાશ કર્યો છે. તમે મળો પછી વાત.

હવે ક્યાં શોધવા તમને?

ચાલ મન એ જ જગ્યા પર હશે

- ત્યાં ? ત્યાં હોઈ શકે?

જાઉં તો ખરો,

ને દરિયા કિનારે થઈને બિયરબાર તરફના રસ્તે ગયો.

ઘુઘવાટ કરતાં દરિયાના મોજા ઉછળી ઉછળીને મારી હાંસી ઉડાવતાં હતાં.

ને –

પેલા વળાંક પાછળ –

મેં આંખ મીંચી દીધી, તો શું કરું ? કોઈના સંવન્નને તે વળી જોઈ શકાય ? બે શરીરો એકબીજામાં પૂરેપૂરા સમાઈ જવાની કોશિશમાં હતાં. દરિયામાંથી ચળાઈને આવતા પવનની ખારાશ હોઠો વડે પીવાની આહ્લાદક પ્રવૃત્તિમાં મગ્ન…

આ તો મેં અંખો ખોલી ને ત્યાં જ નજર પડીને એ દ્રશ્ય જોવાઈ ગયું પણ –

આ તો તમે જ –

શક્ય જ નથી.

મેં સ્થિર દ્રષ્ટિએ જોવાનો નમ્ર પ્રયાસ કર્યો.

મારો પગરવ સાંભળીને એ લોકો ઊઠ્યાં. ઊઠીને ઝાડીમાં જતાં રહ્યાં.

હા, મારી શંકા સાચી હતી. એ તમે નહોતાં. ને હાશ !

શું હાશ ? તમે તો મને મળ્યાં જ નથી. મળો તો હાશકારો – ને નિરાશ આંખે પેલા મનને ઉલેચું છું તો.

તમે મને સાંભળતા ક્લાસ રૂમોમાં નથી.

તમે કોઈ નાટકના દર્શનમાં નથી

તમે કોઈ હોટલની ડિશ પાસે પણ નથી.

ને સંવનન કરતાં યુગલમાં પણ નથી.

તો ક્યાં છો?

હવે,

કોઈ જગા નથી. જ્યાં તમે હો.

ને વિચાર વમળોની સાથે લહેરાતા સમંદર પર દ્રષ્ટિ સ્થિર થાય છે. ત્યાં સૂરજ નથી પણ… પેલું દૂર દૂર હા –

એ દૂર પેલા વહાણમાં મીણબત્તી જ સળગે છે. અરે ! એ તમે જ સળગાવી શકો ! હું દોડ્યો શ્વાસ લેવાની પણ હવે નવરાશ નથી. એવી મૂલ્યવાન ક્ષણોનો માલિક એવો હું સંપૂર્ણ વિશ્વાસથી એ મીણબત્તી સુધી પહોંચું છું. ને વહાણ પર સળગતી એ મીણબત્તી તમારા હોવાપણાનો અહેસાસ આપતી. મને ભરદરિયે કુદાવનાર પોતે જ પૂરી થઈ જવાની અણી ઉપર ! થોડીક ક્ષણોનો જ સવાલ છે પછી ઘોર અંધારું ને હું ફટાફટ ઉપર - નીચે - આગળ - પાછળ ચોમેર તમને શોધવા માંડું છું ને મીણબત્તીનો છેલ્લો પ્રકાશ પણ સમાપ્ત.

અંધકાર.

છતાં પણ –

પણ –

અંધારાં ફંફોસતો હું તમને… તમને… ને તમને જ શોધી રહ્યો છું ને મારી શોધ નિરંતર બનવા માંડી… નિરંતર હતી અને નિરંતર રહેશે જ.

કારણ કે એ તમારી શોધ છે.

તમારી… 


Rate this content
Log in

Similar gujarati story from Romance