STORYMIRROR

Dhara Modi

Inspirational

3  

Dhara Modi

Inspirational

મારાં લવ્લી મમ્મીજી

મારાં લવ્લી મમ્મીજી

12 mins
619


આજે આરતીબેનનાં મોટા દિકરા મિલનની 27 મી વર્ષગાંઠ હતી. વ્હલાજીની કૃપાથી નવું ઘર લેવાઈ ગ્યું ને મિલનની વર્ષગાંઠ ના દિવસે મંદિરમાં મનોરથ કરી ઘરનું વાસ્તુ ધામધૂમથી કર્યુ ને નવાં ઘરમાં રહેવા આવી ગયાં.


આરતીબેન અને મગનભાઈ બહુજ ખુશ હતાં પણ બધાં માતા -પિતાની જેમ એનાં હૃદયમાં પણ ઘરમાં એક વહુ આવી જાય એ ઉત્સુક્તા હતી. આરતીબેને તો ભગવાનની માનતાઓ રાખી લીધી કે મિલન આપણે જે છોકરી જોઈ આવ્યાં તેનાં માટે 'હા' કહે.... સંસ્કારી કુટુંબની ભણેલી, સુંદર, સુશીલ, સપ્રમાણ બાંધો ધરાવતી પંક્તિ ઘરમાં બધાંને જ ગમી ગઈ હતી. પંક્તિ એકદમ એનાં નામ જેવી જ હારબંધ, સ્નેહ વહાવતી ધારા...કહી શકાય...

ને મહત્વની વાત કે પંક્તિ ના પરિવાર તરફથી તો 'હા ' આવી ગઈ હતી..


પંક્તિને જોઈ આવ્યાં ને વીસ દિવસ થઈ ગયાં હતાં. દરરોજ આરતીબેન સવારમાં મિલનને ઊઠાડી પૂછતાં મિલન તને પંક્તિમાં શું વાંધો છે..? અત્યારનાં મોર્ડન જમાનામાં પાછું પૂછવું જરૂરી કે તને બીજી કોઈ છોકરી કદાચ આપણી જ્ઞાતિની ના હોય એ ગમે છે ?? કારણકે... આપણાં દિકરાને ગમતી ના હોય એવી છોકરી ઘરમાં લાવીએ તો એ દિકરી સાથે અન્યાય કર્યો જ કહેવાય.. ને અત્યારે છોકરા કરતાં એની માતા ને જ વધારે ચિંતા હોય છે કે મને કેવી વહુ મળશે...! આરતીબેને પંક્તિના કુટુંબનાં સંસ્કાર જોઈને પંક્તિ ગમી હતી પરંતુ તે મિલનને પોતાની પસંદ થોપવા માંગતા ના હતાં.. 


મિલનને બીજી જ્ઞાતિની છોકરી પસંદ હોય તો પણ તૈયાર હતાં તો એ વિષે પૂછી જોયું.. એનાં ઉત્તરમાં મિલને પણ 'ના ' કહી.. શું કારણ હોય પરંતુ મિલનનું હૃદય પંક્તિ માટે 'હા' પાડતું ના હતું. છેલ્લો એક પ્રયત્ન કરી આરતીબેને મિલનના ખાસ ફ્રેન્ડ એવાં અમિતને ફોન કરી કહ્યું કે તું મિલનના હૃદયની મને જાણી દે તો સારું થશે... 


આરતીબેનને દિકરી તો હતી નહીં એટલે ઘરમાં બે વહુ આવશે એનાં પર જ આશા હતી..ને હવે તો અમિતનાં ફોનની રાહ જોતાં હતાં ને અમિતનો ફોન આવ્યો. આંટી મેં મિલનના મનની વાત જાણી છે. તમે ચિંતા નહીં કરતાં ને કાંઈ પૂછતાં નહી મેં એને મારી રીતે સમજાવ્યો છે..મેં પંક્તિનો ફોટો જોયો છે મિલન અને પંક્તિની જોડી ખુબ જ મસ્ત લાગે છે.

આપણે ત્રણેય કાલે એક દૂકાને મળશું...ત્યારે આપણે બંન્ને સાથે મિલનને સમજાવશું..આજનો દિવસ ભલે એ વિચારી લ્યે..


હા.... અમિત મને કે તો ખરી કે મિલનને પંક્તિમાં શું વાંધો હતો?? 


આંટી પંક્તિ અત્યારની પફ વાળતી હોય એવી ફેશનેબલ ટાઈપની છોકરીઓથી તદ્દન વિરુદ્ધ.. .. સાદી, સિમ્પલ છે મિલનને એ પ્રોબ્લેમ છે....મેં મિલનને સમજાવ્યું કે.. આ કાંઈ મોટી વાત નથી.. તું જેમ કપડાં ડીઝાઈન કરે છે એમ પંક્તિને કહી શકે તું આ સ્ટાઈલ કર તારાં પર દીપી ઉઠશે.


ને આંટી તમને તો ખબર જ છે આમ પણ છોકરીની તો ખાનદાની, સરળતા, સ્વભાવ, એની સમજદારી એ જોવાની હોય છે નહીં કે એનો રંગ કે લૂક જોવાનો હોય..!


ઓ...હો... આ જ વાંધો હતો ને મિલનને...હું તો વિચારીને થાકી ગઈ હતી કે આ છોકરાને શું પ્રોબ્લેમ હશે એ.. ને અમિત તારી વાત બિલકુલ બરાબર છે પંક્તિ તો ગોરી જ છે. ને આમેય મકાનની દિવાલો રંગવી હોય તો રંગ પસંદ કરાય આપણી વાત તો ગૃહ લક્ષ્મીની છે...!સારું અમિત તે મિલનને સમજાવી મારી ચિંતા મટાડી દીધી છે.. આવજે બેટા.


આરતીબેનને તો તરત જ ભગવાનનો આભાર માન્યો.. ને હવે આવતી કાલ થાય એની રાહમાં હતાં. રાત્રે બધાં જમીને ટી.વી જોતાં હતાં.. ને મિલને આરતીબેનને કહ્યું મમ્મી તારી પાસે છે એવી સાડી અમિત ને ભાભી માટે લેવી છે તો અમિતે કહ્યું કે આપણે સાથે શોપીંગ માટે જાએ...હું ઓફિસેથી આવું પછી આપણે જશું.


આરતીબેન સમજી ગ્યાં કે અમિતે આ પ્લાન કર્યો હશે એટલે તરત કહ્યું હા... બેટા હું આવીશ.. રાત્રે મગનભાઈને બધી મિલનની વાત કરી કે તમે ચિંતા નહીં કરતાં મિલન પંક્તિને ના કહેતો હતો એમાં કોઈ મોટું કારણ નથી.


ને નિરાંતે ઊંઘ આવી ગઈ. આજ તો આરતીબેને સવારે પણ મિલનને પંક્તિ વિશે કાંઈ પૂછ્યું નહીં. સાંજે મિલન ઓફીસેથી ઘરે આવે છે. આરતીબેન, મિલન અને અમિત ત્રણેય સાડીની દુકાને મળે છે. ત્યાંથી શોપીંગ કર્યા બાદ અમિતે શાંતિથી મિલનને પૂછ્યું કે તે પંક્તિનું શું વિચાર્યું ? 


"તમે અહીં ખરીદી માં પણ પંક્તિની વાતો કરવા લાગ્યા.. મમ્મી તો આખો દિવસ પંક્તિની વાત કરે છે અમિત તું પણ..."

મિલન થોડો ગુસ્સો કરી દે છે. બંન્નેએ ભેગાં થઈને મિલનને ઘણું સમજાવ્યું. 


મિલને કહ્યું એ પંક્તિ પોતે રહી ટીચર... ને પાછી જોબ કરે છે એટલે ઈગો તો હોય જ એને.....! હું કહું એ રીતે થોડી કાંઈ બદલવા તૈયાર થાય... પણ તમે ક્યો છો તો બીજી વખત એને મળીશ પછી હું કાંઈક કહીશ.


આરતીબેને તો તરત કહ્યું કે... હા તારાં પપ્પાને કહી બીજી વખત મીટીંગ ગોઠવીએ.. ને અમિતનો આભાર માને છે. આવીને જોયું તો શીતલમાસી ઘરે આવ્યાં હતાં. આરતીબેનની બહેન શીતલ દર વર્ષે વેકેશનમાં બેનની ઘરે રોકાવા આવતાં. આરતીબેન મગનભાઈ અને શીતલને બધી વાત કરે છે. મગનભાઈએ કહ્યું એક વખત આપણે એ લોકો ને કહ્યું કે તમારી છોકરી અમને પાતળી લાગે છે હવે બીજી વખત ફોન થોડો કરાય પાછું મોટા ઉપાડે મિલ્યો કહે છે કે મારું હજી કાંઈ નક્કી નથી.


તો શીતલમાસીએ કહ્યું કે... સારું હું ફોન કરી ને બધું સ્પષ્ટ કહીશ કે લગ્ન તો લેખની વાત છે થાય કે ના થાય એ.. આપણે બીજી મીટીંગ ગોઠવીએ...ને તરત જ શીતલમાસીએ ફોન કરી વાત રજૂ કરી. પંક્તિના પરિવારે 'હા' કહી ને મંગળવારે બીજી મીટીંગ ફાઈનલ થઈ. 


મંગળવાર આવી ગ્યો ને બંન્ને પરિવાર વચ્ચે મિટિંગ થઈ. મિલને વિચાર્યું હતું એનાથી ઘણી જ આ વખતે પંક્તિ સુંદર લાગતી હતી. એની સાદગીમાં ખરેખરે એ શોભતી હતી.


બાજુમાં ગાર્ડન હતું ત્યાં બંન્નેને એકાંતમાં વાત કરવાં મોકલે છે. પંક્તિને તો મનમાં એવું હતું કે મિલનને કોઈ ફેશનડિઝાઇનર હોય એવી છોકરીની અપેક્ષા હશે એટલે જ મને પહેલી વખત 'ના' કહી હશે...

તો પંક્તિએ તો એ જ પ્રશ્ન પૂછ્યો...

મિલને કહ્યું ના...ના... મારે એવી અપેક્ષા નથી..( મિલન વિચારતો હતો કે એને લૂક ચેન્જ કરવાનું પૂછું કે શું...)


ત્યાં તો પંક્તિએ જ કહ્યું કે તમારી બીજી કોઈ અપેક્ષા હશે તો હું ચોક્કસ પૂર્ણ કરવાં પ્રયત્ન કરીશ. 

ને મિલનને એનો જવાબ મળી ગયો.. ને પંક્તિએ જીંદગીના સુખ - દુ:ખમાં સાથ આપવાની વાત કરી.

મિલને એકદમ કોન્ફીડન્સથી સાથ દેવાની' હા ' કહી.


જે પંક્તિ માટે ના કહેતો એ જ પંક્તિની સરળતા મિલનને સ્પર્શી ગઈ કારણકે..પંક્તિને ઘમંડ કે એટીટ્યુડ ના હતો. પંક્તિ પલવારમાં બધાંને પોતાનાં કરી લેતી ને એમ સમજતી કે સામેની વ્યક્તિએ પણ મને પોતાની જ માની લીધી છે.. સૌનાં દુ:ખમાં અવશ્ય આગળ રહે તેવી હતી.


બંન્ને વાત કરીને બહાર આવ્યાં તો બંન્નેના મુખ ઉપર એક અનોખું સ્મિત હતું. તરતજ મગન ભાઈએ મિલનને પૂછી ને એ લોકો તરફથી 'હા ' કહી દીધી.. ને આ બાજું પંક્તિના પરિવારે પણ 'હા' કહી ને ચાર દિવસ પછી સગાઈનું નકકી કરી પંક્તિનો પરિવાર રજા લઈને એનાં ગામ નીકળે છે. આરતીબેનની તો ખૂશીનો પાર ના રહ્યો... એ તો વ્હાલાજીને પગે લાગી આભાર માનીને સગાઈની તૈયારી કરવા લાગે છે... 


પંક્તિને તો પહેલેથી જ મિલનની સાદગી ગમી ગઈ હતી. મિલન ખૂદ આમ સિમ્પલ પણ હેન્ડસમ ને આકર્ષક દેખાવ હતો.. એને પોતાની વાઈફ તો એટ્રેક્ટીવ દેખાઈ એવી જ ગમે.

પંક્તિ ને મિલન વચ્ચે ફોનનંબરની આપલે તો થઈ ગઈ હતી. તો મિલન પંક્તિને એક ફોટો મોકલી કહે છે કે તું શગાઈમાં આ રીતે રેડી થાજે ને તારાં માટે હું અહીં ચોલી મોકલું છું એ પહેરજે.... પંક્તિ તો એકદમ મિલનની અપેક્ષા પૂર્ણ કરવાં માટે તૈયાર હતી. એને મિલનને પોતાનો જ માની લીધો. મિલને એને નવો લૂક કરવાંનું કહ્યુંને તો એ સમજતી હતી કે મિલન મને કેવું સરસ અત્યારના સમયમાં રહેતાં શીખવાડે છે...મનોમન ખુબ જ ખુશ થાતી કે મિલન મારા માટે કેટલું બધું વિચારે છે.


સગાઈનો દિવસ આવી ગયો... ધામધૂમથી સગાઈની રશમો પૂરી થઈ ને પંક્તિને કંકુ પગલા કરવાં સાસરે લઈ જાય છે. અહીં ચાર દિવસ પંક્તિ ને રહેવાનું હતું..પંક્તિ માટે તો બધું જ નવું હતું. ચાર દિવસમાં એકદમ બોલકી પંક્તિ ફક્ત મિલનને સાંભળવાનું ને સમજવાની કોશિષ જ કરે છે. મિલનની પસંદ મુજબ પોતે આખી ચેન્જ થઈ જાય છે. પંક્તિ આરતીબેનની પસંદ ને ઘરની રૂઢી ને એ બધું પણ શીખતી હતી. મિલન અને પંક્તિ સાથે બહાર ફરવા જાય છે ને એકસાથે સમય વિતાવે છે. ક્યારેક પંક્તિને એવું લાગતું કે હું આટલાં સંબંધો કઈ રીતે નીભાવીશ..!

પણ વિચારતી કે મિલનનો સાથ હશે તો બધું કરી શકીશ.. આ ચાર દિવસ દરમિયાન પંક્તિ ને મિલન બંન્ને એકબીજાની પસંદ ઓળખે છે એથી વધારે ક્લોઝ આવતાં નથી... આરતીબેનને પણ પંક્તિનો સ્વભાવ ખૂબ સારો લાગતો હતો. 


મિલન જે રીતે પંક્તિને બદલતો હતો એ બધું આરતીબેન નીહાળી રહ્યાં હતાં..એને આ ગમતું ના હતું. તો પણ પોતાનાં દિકરા માટે જ પંક્તિ ચેન્જ થઈ એ સારું કહેવાય..

એટલે એનાં માટે વધારે માન જાગ્યું. કે સારૂં થયું કે મિલને પંક્તિ માટે 'હા' કહી આપી મને તો ભગવાને પંક્તિ રૂપે એક દિકરી જ આપી દીધી.. દૂધમાં જેમ સાકર ભળી જાય એમ પંક્તિ આરતીબેન સાથે મળીને રહેતી.


આરતીબેને પંક્તિને કહ્યું ખરેખર હવે મને ઘરમાં એકલુ નથી લાગતું. તને તો આજે હવે તેડવાં આવશે.. તું જલદી હંમેશા માટે અહીં આવી જા બસ...આપણે બંને ફ્રેન્ડલી રહેશું. તારે ક્યારેય મનમાં મુંજાવાનું નહીં તું ગમે ત્યારે મારી પાસે રડીને હૈયું ઠાલવી દેજે... આટલું બોલતાં તો આરતીબેનની આંખોમાંથી દડદડ... આંસુ આવી ગયાને પંક્તિ પણ આરતીબેનને ભેંટીને રડી પડી. મમ્મી તમે કાંઈ ચિંતા નહીં કરો હું તમારી દિકરી થઈને જલદી આવી જાઈશ... ને બપોરે પંક્તિને એનો ભાઈ તેડી જાય છે. 


પંક્તિ ઘરે આવીને બધાને ખુશ થઈને કહે છે કે મારા મમ્મીજીનો સ્વભાવ ખૂબ જ સ્નેહવાળો છે. ને મિલન તો મને રાણીની જેમ રાખે છે...હમેંશા મારો સાથ નિભાવશે. શગાઈ તો થઈ ગઈ પછી ચટ્ટ મંગની ને પટ્ટ વ્યાહ એમ તરત જ એક મહિના પછી પંક્તિ ને મિલનના લગ્નનનું નક્કી કર્યું. મિલનને પંક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ઢળતી ગઈ એ ખૂબ જ ગમતું. ને એક મહિના દરમિયાન દરરોજ મિલન અને પંક્તિ ફોન પર વાતો કરતાં. પંક્તિ એ સાથે અવશ્ય રોજ આરતીબેન જોડે ફોનમાં વાત કરતી. પંક્તિ આરતીબેનને વાતવાતમાં કહેતી કે મમ્મી આ છેલ્લો રવિવાર છે મિલનને ખરીદીમાથી થોડો સમય કાઢી ઘરે મોકલજો ને..આરતીબેનનો ને પંક્તિનો સંબંધ ખૂબ ગાઢ બનતો હતો. સગાઈ ને મેરેજ વચ્ચે નો સમય એ સોનેરી ક્ષણો કહેવાય... પંક્તિને તો મિલનને મળવાનું ખૂબ જ હરખ થતો. પણ મિલન એને પોતાની રીતે કાંઈક સમજાવી દેતો ને પંક્તિ માની જાતી. આરતીબેનના કહેવાથી એક રવિવારે સમય કાઢી મિલન પંક્તિને મળવા જાય છે. પંક્તિએ તો આ ક્ષણને હમેંશા સાચવી લે છે. ને તદ્દન જમાનાથી વિરુદ્ધ પંક્તિ મિલન માટે પોતાનો સ્નેહ ને લાગણી ભર્યો પ્રેમપત્ર લખીને આપે છે. 


ને લગ્નનો દિવસ આવી જાય છે. આરતીબેન અને મગનભાઈ તો એકદમ ખુશ હોય છે. દિકરાનો બાપ તો હોય એનાંથી દિકરાના લગ્ન સમયે જુવાન બની જાય છે. શરણાઈ ને ઢોલ વાગે છે. મિલન અને પંક્તિના ધામધૂમથી લગ્ન થાય છે. અગ્નિની સાક્ષી એ ફેરા ફરાય છે બંને એકબીજાને વચનો આપે છે. ને પંક્તિનો પરિવાર હૃદય પર પથ્થર રાખી દિકરીને વિદાય આપે છે... પંક્તિ મિલનને સમર્પણ થઈ જાય છે ને બે આત્માનું મિલન થાય છે.


પંક્તિના ઘરમાં આવવાથી આનંદ, કિલ્લોલ થાય છે. આરતીબેન અને પંક્તિ ઘરમાં ફ્રેન્ડની જેમ જ રહે છે. એક મહિના સુધી તો બધું સરખું ચાલ્યું... પણ કુદરત કસોટી તો કરે જ છે.. મગનભાઈ તો પંક્તિને આરતીબેનની ચમચી જ કહેતાં.


હવે મિલન પંક્તિની નાનામાં નાની ભૂલો બતાવતો... પણ પંક્તિ સમજદારીથી દર વખતે ભૂલ ના હોય તો પણ મિલનને નમી જતી ને આરતીબેનને કાંઈ જ ખબર ના પડવા દેતી. કોઈપણ વાતમાં મિલન પંક્તિને કહેવાનો મોકો જવા દેતો નહીં. હવે તો આરતીબેનને પણ બધી ખબર પડી જતી હતી. રાત્રે બેડરુમમાં પણ મિલન મોડો જતો હતો. પંક્તિના પરિવારમાં તો ક્યારેય મિલન ફોન જ નહીં કરતો.


આરતીબેને પંક્તિ ને કહ્યું બેટા હું મિલનને સમજાવીશ.. પરંતુ પંક્તિ વિચારતી હતી કે હું આટલી મિલન માટે બદલી ગઈ છતાં એ મારી સાથે આવું અજાણ્યા જેવું વર્તન કેમ કરે છે. સતત આવું બધું ત્રણ મહિના સુધી ચાલે છે.... મિલનની સાથે આરતીબેનને પણ તેનું સાસુપણુ આવી ગયું. એ હવે ભૂલો કાઢવા લાગ્યાં હતાં. પંક્તિ ને એ વાતનું અસહ્ય દુઃખ થયું હતું.. કે... મમ્મી પણ... 

બહું જ બોલકી પંક્તિ હવે શાંત રહેવાં લાગી હતી...અંદરથી તૂટી ગઈ હતી.


પંક્તિ મિલનને અનહદ ચાહતી હતી પરંતુ જો મિલનની પસંદ કોઈ બીજી હોય તો પંક્તિ મિલનનાં નિર્ણય ને માથે ચડાવવા તૈયાર હતી.


પંક્તિ તેનાં ઘરે કોઈને કહી શકતી ના હતી તો મિલનનો મિત્ર અમિત. ને તેની વાઈફ એટલે કે ઈનાભાભી સાથે પંક્તિને ખુબજ બનતું તો મિલનની અને આરતીબેનની બધી વાતો મેસેજમાં કહી દીધી... ને રાતે મિલનના હાથમાં આ મોબાઈલ આવી જાય છે ને એ બધાં જ મેસેજ વાંચી લ્યે છે.. હવે મિલનનો ગુસ્સો વધી જાય છે ને આખા ફેમેલિ વચ્ચે પંકિતને જેમ તેમ બોલે છે. પંક્તિ આરતીબેનને પોતાની વાત કહી. પરંતુ એ હજી ચૂપ જ હતાં.. આ પરથી મિલનને થયું કે મમ્મી મારી સાથે છે.. તો મિલને હદ પાર કરી નાખી પંક્તિ ને ચોખા શબ્દોમાં એનાં ઘરે જતી રહેવાનું કહી દે છે..તે મારી આબરુના કાંકરા કરી નાખ્યાં...બસ... તું કેમ કરી શકે આવું..

ને પંક્તિની આંખોમાંથી તો ધોધમાર અશ્રુ વહેતાં હોય છે પંક્તિ રડીને નીચે પડી જાય છે...શું બોલે પંક્તિ...મિલનને તો કાંઈ જ પડી ના હોય એવું વર્તન હતું.


ને હવે આરતીબેન ઊભાં થાય છે ને એનું માતૃહૃદય જાગે છે..

પંક્તિને ઊભી કરીને પાણી પીવડાવે છે... ને મિલનને એક ગાલ ઉપર એક સણસણતો તમાચો લગાવે છે... ને કહ્યું તને શું લાગે છે કે હું તારી સાઈડ છું.. જરા પણ નથી.. આ જાપટ પહેલાં જ મારવાની જરૂર હતી.. પણ મેં તારી રાહ જોઈ કે તું તારી જાતે સમજીશ.


મિલન હું પંક્તિથી નારાજ જરૂર છુ પરંતુ એનો મતલબ એવો નથી કે પંક્તિ ઘરમાંથી કાઢી મુકવી છે... બરાબર...હજી પણ અમારાં બંને વચ્ચે એટલાં જ સ્નેહભર્યા સંબંધો છે. મેં તને પંક્તિ જોડે વાત ચાલતી હતી ત્યારે કેટલી વખત પૂછ્યુ હતુ કે તને કાઈ વાંધો હોય તો કે... પણ તે કાઈ જ કહ્યું ના હતું. તું કેટલા દિવસ થયા પંક્તિ જોડે અજાણ્યા જેવુ વર્તન કરે છે તો એ કેમ સહન કરે...? 


પંક્તિ એ એક જ વખત ઈના જોડે આપણી વાત કરી તો આબરુના કાંકર થઈ જાય... ને તું તો અગ્નિની સાક્ષીએ ફેરા લઈને તારી પત્ની સાથે આવું ખરાબ વર્તન કરે એમાં તારી આબરુનાં કાકરાં થાય છે...કદાચ પંક્તિ એ વાત કરી તો કરી..ને તું એની વાત સાંભળવાં તૈયાર ના હતો એટલે થઈ ગઈ...ને સાંભળી લેજે હવે તારી પસંદ મુજબ પંક્તિ બહું રહી છે હવે એને ગમશે એમ જ એ રહેશે.


તને પણ અમિત કહેતો જ ને કે એનાં મમ્મીનો સ્વભાવ થોડો કડવો છે... ઈના એની સાથે ભળતી નથી... પંક્તિ તો મારી સાથે ભળી ગઈ તો પણ હું એનું હૈયાવરાળ સાંભળી ના શકી... ને પંક્તિ તારાં માટે પૂરી રીતે બદલી તો પણ તું એનું અપમાન કરે છે... હું તો ધન્ય છું કે આ જમાનામાં મને પંક્તિ જેવી વહુ મળી....તને આવી પત્ની મળી.


તારી સાથે મારી જ ભૂલ છે હું હમણાં પંક્તિની વાત સાંભળતી જ ના હતી...મને મારું સાસુપણુ આડું આવી જતું હતું...

એમ કહીને આરતીબેન પંક્તિને ભેટી જાય છે ને કહ્યું બેટા...મારી ભૂલ થઈ ગઈ.. પંક્તિ તો કહે છે મમ્મી તમે માફી ના માંગો.. મારી વાત કોઈ સાંભળવા જ માંગતું ના હતું એટલે મારાં થી પણ મિલનની વાત ઈનાભાભીને થઈ ગઈ. ..મને મમ્મી તમારા પરનો સ્નેહ ક્યારેય ઓછો નહીં થાય હમેશાં આપણો સંબંધ લાગણી ભર્યો જ રહેશે..તમે મારાં લવ્લી મમ્મીજી છો.....!


મિલન તો એકદમ શાંત થઈને બધું જ સાંભળતો રહ્યો.


ને પંક્તિએ હિંમત કરી મિલન ને શાંતિથી કહ્યું મિલન જો હું તમને પસંદ ના હોવ તો તમારો નિર્ણય ખુશીથી માથે ચડાવવા તૈયાર છું.


શું બોલે મિલન...! પંક્તિનું આટલું બધું અપમાન કર્યા પછી પણ એ હજી મારાં નિર્ણયને માન આપવાં માંગે છે... પંક્તિ તો એ જ સ્નેહ , પ્રેમ અને લાગણી વહાવતી ધારા હતી..ને...!


મિલન ખાલી એટલું બોલ્યો કે ...પંક્તિ શું સાચે હવે તું મને રોવડાવીશ...કે... તારાં કરતાં મારી ભૂલો ઘણી વધારે છે મને માફ કરી દે... તું સંપૂર્ણપણે મારી માટે બદલી ગઈ ને હું તારી લાગણી ને ના સમજ્યો..આજે પહેલી વખત મિલનની આંખોમાં આંસુ આવે છે ને પંક્તિ દોડીને મિલનને ભેંટી પડી છે... ને સાચા અર્થમાં આજે બંન્ને આત્માનું મિલન થયું. આરતીબેનની આંખોમાં હરખના આંસુઓ છલકાઈ જાય છે.


પંક્તિ તરત જ આરતીબેનને પગે લાગે છે ને કહ્યું કે જે ઘરમાં મમ્મી તમારાં જેવાં માતૃસ્નેહ આપતાં સાસુ હોય તે ઘર હમેંશા મંદિર જ હોય...ને આરતીબેને પણ કહ્યું કે પંક્તિ જેવી વહુ હોય તો કોઈ પણ સાસુ - સસરાને વૃધ્ધાશ્રમની જરૂર ના રહે..ને મિલને પણ કહ્યું કે જે ઘરમાં તમારી જેમ સંપીને સાસુ-વહુ રહે તો દિકરો ક્યારેય બે વચ્ચે ફસાઈ જ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational