મારા ઠોઠ વિદ્યાર્થીઓ - ૪
મારા ઠોઠ વિદ્યાર્થીઓ - ૪
સાહેબ અમારા ગબ્બરસિંગ
એક વખત હું કાપડની દુકાનમાં ગયો. મારા પહેલા ત્યાં બીજા લોકો પણ ખરીદી કરવા આવેલ. દુકાનમાં એક યુવાન મલકાતો-મલકાતો જુદી-જુદી જાતનાં કાપડ દેખાડી રહ્યો હતો. બધામાંથી પરવાર્યો ત્યારે તે યુવાનનું ઘ્યાન મારા તરફ ગયું. મને જોઈને તે થોડો ગંભીર થઈ ગયો.
હું બોલ્યો, ‘‘કેમ ભાઈ! અત્યાર સુધી તારા મુખ ઉપર જે મલકાટ હતો તે કયાં ગાયબ થઈ ગયો !''
તે તૂટક - તૂટક બોલ્યો, ‘‘રામોલિયા સાહેબ... હું મનાલ મણિમલ માલજાણી. તમે નિબંધ મેં ગબ્બરસિંગ.'' એ મારા પગે પડી ગયો.
તે આટલું બોલ્યો. મને યાદ આવી ગયું. આમ તો કવિ-લેખકનું હદય કોમળ હોય છે. પણ વર્ગમાં હું શિક્ષક બનીને જાવ. તેથી ત્યાં શીખવવાનો લોભ વધારે. વળી ત્યારે સરકાર તરફથી બાળકને મારવાની મનાઈ નહોતી. એટલે બાળકને વધુમાં વધુ શીખવવા હું સામ-દંડ-લાગણી જ્યારે જેવી જરૂરિયાત ઉપયોગ કરી લેતો. આ મનાલ ભણવામાં કક્કાનો કદી'ન બદલાયેલો મૂળ અક્ષર. પેલા તેના પ્રત્યે ખૂબ લાગણી દર્શાવી અને પ્રેમથી શીખવતો. માનોને કે, મારા કવિપણાની બધી કવિતા અહીં નાપાસ થઈ. ત્યારે દિલમાંથી કવિની કોમળતાને કોરાણે મૂકીને આ મનાલને એક ઝાપટ મારીને કહ્યું, ‘‘આટલું આ યાદ રાખવાનું જ છે.'' જાણે ચમત્કાર થયો ! તે તેણે યાદ કરી લીધું. કયારેક-કયારેક ઝાપટનો ચમકારો બોલાવવો પડતો અને એ રીતે એ વાંચતાં-લખતાં શીખી ગયો.
એક વખત મેં વર્ગમાં ‘મારા શિક્ષક' વિષય ઉપર નિબંધ લખવા કહ્યું. બાળકો લખતાં હોય ત્યારે ધીમા ડગલે બાળકો વચ્ચે ફરવાની મને ટેવ. જેથી તે શું કરે છે એ જોઈ પણ શકાય. આ મનાલે પણ નિબંધ લખ્યો. તેમાં અમુક વાકયો આ પ્રકારનાં હતાં, ‘છે ને અમારા સાહેબ ભણાવે તો બહુ. પણ તેમને જોઈને મને શોલે ફિલમ યાદ આવે. એનો પેલો ગબ્બર યાદ આવે. અમારા સાહેબ ગબ્બરની જેમ જ અમારી વચ્ચે આંટા મારે. મને સાહેબની બીક લાગે. પણ ભણાવે બહુ હો...'
મેં મનાલને કહ્યું, ‘‘તને હજી બીક લાગે છે ? કે મને જોઈને ગંભીર થઈ ગયો ! એવું કંઈ ન હોય. અમે એવું યાદ પણ ન રાખીએ. આ દુકાન કોની છે ?''
પછી તો એ ખીલ્યો, ‘‘આ દુકાન મારી જ છે. હું ૯ ધોરણ સુધી જ ભણ્યો. પણ તમે જે વાર્તાઓ કહેતા, તેમાંથી મને ઘણી યાદ છે. તમે ધીરૂભાઈ અંબાણીની વાતમાં કીધું હતું ને કે, તેઓ પહેલા તો ભંગારની ફેરી કરતા, પણ આગળ વધવાનું સપનું જોયું અને મહેનત કરી આગળ વઘ્યા અને ખૂબ ધનવાન બની ગયા. મેં પણ તમારી આવી વાતો યાદ કરીને આગળ વધવાનું નક્કી કર્યું. મેં થોડું કાપડ લઈને ખભે ગાંસડી ટીંગાડી ફેરી કરી વેપાર કર્યો. ધીમે-ધીમે પૈસા ભેગા કર્યા અને આ દુકાન બનાવી. હા, સાહેબ ! ખૂબ સારો વેપાર થઈ જાય છે. ''
મેં કહ્યું, ‘‘સરસ. તારી આ વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. તારી મહેનતને હું બિરદાવું છુ.''
તરત જ એ બોલ્યો, ‘‘ના, સાહેબ! મારી મહેનત નહિ, તમારીકૃપાથી આગળ વઘ્યો છું. તમારા શબ્દોએ, તમારા શિક્ષણે મને આ બળ આપ્યું છે.''
પછી તે ઊભો થયો અને પાંચેક જોડીનું સારું-સારું કાપડ લઈને મને આપવા લાગ્યો અને બોલ્યો, ‘‘ત્યારે હું કંઈ આપી શકયો નહોતો, પણ આજે મારા તરફથી તમને આ ગુરુદક્ષિણા.''
મેં કહ્યું, ‘‘ના, ભાઈ! એમ મારે ન લેવાય. વળી હું તો એક જ જોડીનું કાપડ લેવા આવ્યો છું. એ પણ આમ તો નહિ જ લઉં.''
તેણે પોતાના સમ આપીને પણ એક જોડીનું કાપડ તો આપ્યુંં જ. ત્યારે મેં તેને કહ્યું, ‘‘પણ મારા માટે તો સૌથી મોટી ગુરુદક્ષિણા તેં મારું શિક્ષણ યાદ રાખ્યું એ છે. મારું હૃદય ખૂબ આનંદિત થયું છે.''