'Sagar' Ramolia

Inspirational Children Stories

5.0  

'Sagar' Ramolia

Inspirational Children Stories

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 2

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 2

2 mins
681



     એક દિવસ માર્કેટમાં શાકભાજી લેવા જવાનું થયું. જુદા-જુદા અવાજો આવી રહ્યા હતા :

     ‘‘હાલો...! બટેટાં ૨૦ ના કિલો, ટમેટાં ૩૦ ના કિલો, ચોળી પ૦ ની કિલો!'' આવું-આવું ઘણું બધું. મેં પણ થોડી ખરીદી કરી. થોડો હરખાતો હતો, કે મેં આજે ભાવ ઓછા કરાવીને ખરીદી કરી. પણ એ હરખ વધુ વખત ન ટકયો.


     હવે હું ઘેર જવા માટે નીકળ્‍યો. ત્‍યાં એક જગ્‍યાએ વધારે ભીડ જોવા મળી. સાથે-સાથે અવાજ પણ સંભળાતો હતો : ‘‘બટેટાં બારના કિલો, ટમેટાં ત્રેવીસના કિલો, ચોળી ચોત્રીસની કિલો!'' હું ચમકયો. મેં ભાવ ઘટાડીને લીધેલી વસ્‍તુ અહીં તો એ કરતા પણ સસ્‍તી? કઈ રીતે? પેલા લોકો તો કહેતા હતા કે, હવે આનાથી ઓછામાં પોસાય એમ જ નથી, તો અહીં આમ કેમ? હવે શાક લેવાનું તો નહોતું! છતાં ખાતરી કરવાનું મન થયું. શિક્ષક ખરોને! કદાચ વાસી હશે એવું વિચાર્યું. જઈને જોયું. પણ એકદમ તાજાં શાકભાજી! છતાં ભાવ ઓછો! શું બીજા છેતરવાનું કામ જ કરે છે!


     હું ભીડમાં ઊભો રહ્યો, બોલ્યો : ‘‘બેન! તમે આ શાકભાજી આટલાં સસ્‍તાં કેમ વેચી શકો છો? માર્કેટમાં તો કયાંય આટલો ઓછો ભાવ નથી.''

     તેણે ઊંચું જોયું. પછી કહે, ‘‘મારે મારા ત્રણ અપંગ છોકરાને નભાવવા છે, સાહેબ!''

     હું ચમકયો. ત્રણ છોકરા, ને ત્રણેય અપંગ! કુદરત આટલી ક્રૂર! મારાથી પૂછાય ગયું, ‘‘ત્રણેય અપંગ? આ શું કહો છો, બેન!''

     તે કહે, ‘‘મને બેન કે તમે ન કહો, સાહેબ!''

     મેં કહ્યું, ‘‘અજાણ્‍યાને તું ન કહેવાય.''

     તે કહે, ‘‘હું અજાણી નથી.''

     મેં કહ્યું, ‘‘કઈ રીતે?''

     શાક લેવાવાળાને એકબાજુ રાખીને મંડી ગઈ બોલવા, ‘‘અરે, રામોલિયાસાહેબ! તમે તો મારા ગુરુજી છો! હું તમારી પાસે ભણતી. મારું નામ લીલી સવજીભાઈ રાઠોડ. તમે તો સાહેબ છો! અમારા જેવા તમને યાદ કયાંથી હોય? હા, સાહેબ! હું સાત ધોરણ ભણી. થોડાં વરસમાં મારું લગ્ન થયું. બેલડાના બે દીકરા થયા. પણ બેય અપંગ. મારા ધણીને આ ખબર પડી. એ થોડો પાણીપોચો! એટલે આ આઘાતમાં એનેય પક્ષઘાતનો હુમલો આવી ગયો. એમાંથી એ બચી તો ગયો, પણ અપંગ થઈ ગયો. સાવ છોકરા જેવો. એટલે એ સહિત હું ત્રણ છોકરા ગણું છું.''


     આટલું બોલ્‍યા પછી જરા અટકી. મારાથી નિઃસાસો નખાય ગયો. દિલ જાણે દુઃખતું હતું. હવે હું કંઈ કહું એ પહેલા તો એ ફરી બોલવા લાગી, ‘‘હા, સાહેબ! તમે ભણાવતાં-ભણાવતાં અલકમલકની વાતો કરતા. મને ભણવામાં તો રસ નહોતો, પણ તમારી વાતોમાં મજા આવતી. એક વખત તમે કહેલને કે, ‘ભીખ સૌથી ભૂંડી છે અને જે પ્રામાણિકતાથી કમાણી કરે છે, તેને ભગવાન પણ મદદ કરે છે.' જુવો સાહેબ! હું ઓછો ભાવ રાખું છું, તો પણ તેમાંથી નફો મળે છે. ખોટી રીતે કોઈને છેતરતી નથી. એટલે જાણે ભગવાન મદદ કરે છે અને મારું ઘર ચાલ્‍યા કરે છે. મારા ત્રણ અપંગને આગળ ધરીને ભીખ નથી માગતી, સાહેબ!''


     હું બોલ્‍યો, ‘‘તેં જે બોધ પછી લીધો, એવો બોધ જો ભણતા હોય ત્‍યારે જ સમજમાં આવી જતો હોય, અને વિદ્યાર્થીઓ તે મુજબ મહેનત કરતા હોય, તો કોઈ ઠોઠ રહે જ નહિ! અમારા પ્રત્‍યેની તારી નિષ્ઠાને હું વંદન કરું છું, લીલી!''


Rate this content
Log in

Similar gujarati story from Inspirational