મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19
મારા ઠોઠ વિદ્યાર્થીઓ-19
'આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા'
સવારનો સમય હતો. શાળામાં રજા હતી, પરંતુ પ્રજાસત્તાકદિનની ઊજવણીના કાર્યક્રમમાં જવાની તૈયારી કરતો હતો. ત્યાંજ મોબાઈલની રીંગ રણકી. નંબર જોયો. વિદેશી લાગ્યો. અત્યારના સમયમાં છેતરપીંડીવાળાના ફોન ઘણા આવતા હોય છે. એટલે રીંગ વાગવા દીધી. થોડીવારમાં એજ નંબર ઉપરથી ફરી ફોન આવ્યો. થયું, લે ને ઉપાડી લઉં. આપણે કયાં એની ચુંગાલમાં ફસાઈએ એમ છીએ!
ફોન ઉપાડયો. સામેથી અવાજ આવ્યો, ‘‘આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા.''
મેં તેને એટલેથી જ રોકીને કહ્યું, ‘‘એ ભાઈ! બકવું હોય તો ગુજરાતીમાં બક!''
હવે તે ગુજરાતીમાં બોલે છે, ‘‘હલ્લો રામોલિયાસર! હું ધીરેન બોલું છું.''
હું બોલ્યો, ‘‘હવે આવ્યો સીધી લાઈનમાં! પણ ધીરેન એટલે કયો ધીરેન ?''
તેણે જવાબ આપ્યો, ‘‘ધીરેન હિંમતલાલ શાહ.''
મને યાદ આવી ગયું. તે મારી પાસે ભણતો. બાકી બધા વિષય તેને ફાવે, પણ ગણિત સાથે દુશ્મનાવટ. ગમે તેટલું સમજાવું તોયે ગણિત તેના મગજમાં ન ઊતરે. ગણિતના લીધે બે વખત નાપાસ પણ થયેલ. છતાં તે નિરાશ નહોતો થયો. ત્રીજા વર્ષે ગમેતેમ કરીને પાસ થવા જેટલું તો શીખી લીધું.
મેં પૂછયું, ‘‘પણ તું અમેરિકામાં ?''
તે કહે, ‘‘હા, હું અમેરિકામાં છું.''
ફરી પૂછયું, ‘‘ત્યાં શું કરશ ?''
તે બોલ્યો, ‘‘ઘણી પેઢીઓનું નામું લખું છું.''
તે નામું બોલ્યો ને મારાથી ઊંચા અવાજે પૂછાય ગયું, ‘‘તું, અને નામું ?''
અને પછી અમારા વચ્ચે આવો સંવાદ થયો :
‘‘હા, હું અહીં નામ
ુંજ લખવાનું કામ કરું છું.''
‘‘પણ તું તો ગણિતનો દુશ્મન હતો ને ?''
‘‘તમારી કૃપાથી મિત્ર બની ગયો.''
‘‘કઈ રીતે ?''
‘‘તમે જ એક વખત વર્ગમાં કહ્યું હતું કે, અઘરો વિષય કહો તો પણ ગણિત, અને સહેલો વિષય કહો તો પણ ગણિત. ગણિતમાં કંઈ ગોખવાનું હોયજ નહિ. ગણિતને તમે સમજવા લાગો, એટલે ગણિત સહેલું લાગશે. ન સમજે તેને અઘરું લાગે. ગણિતને સમજશો એટલે આપમેળે આવડવા લાગશે. જરૂર છે ગણિત પ્રત્યે દૃષ્ટિ બદલવાની.''
‘‘તો શું તેં તેને સમજવાની રીત અજમાવી હતી ?''
‘‘હા. હું હાઈસ્કૂલમાં ગયો ત્યારે મનમાં થયું કે સાહેબ કહેતા હતા તે સાચું હશે ? પછી હું દાખલાની રકમ જોઈને તેના વિશે ખૂબ વિચારવા લાગતો. તે રકમ સમજતો થયો અને પછી ગણિત મારા માટે સરળ બની ગયું. પછી તો આગળ ભણ્યો અને ગણિત સાથે મિત્રતા કરવાનું મન થયું. વચ્ચે કોમ્પ્યૂટર વગેરેનો કોર્ષ કર્યો, પણ ગણિતની મિત્રતા છોડવાનું મન ન થયું. એટલે સી.એ. કરવાનું નક્કી કર્યું અને ગણિત સાથેની મિત્રતાએ મને સી.એ. બનાવી પણ દીધો. મારા કામને લીધે અમેરિકાની એક પેઢીમાં નોકરી મળી ગઈ અને અહીં આવી બીજી પેઢીઓનું કામ પણ મળી ગયું. આ રીતે ગણિતની મિત્રતાથી ખૂબ લાભ થયો અને ખૂબ આનંદ છે.''
‘‘વાહ, ધીરેન વાહ ! તેં તો મારી વાતને ચાર ચાંદ લગાવી દીધા ! દરેક વિદ્યાર્થીએ આ વાત સમજવાની જરૂર છે. જે સમજે છે તેને ફાયદો થાય જ છે.''
અને પછી ફોન પરની વાત પૂરી કરીને હરખાતાં હૈયે હું કાર્યક્રમમાં ગયો. મનમાં અનેરો આનંદ હતો.