મારા ઠોઠ વિદ્યાર્થીઓ- ૧૫
મારા ઠોઠ વિદ્યાર્થીઓ- ૧૫
એક વખત અમારા સંબંધીને મકાનનો પ્લાન બનાવવાનો હતો. એના માટે એન્જીનિયર પાસે જવાનું હતું. આ બાબતમાં એય અજાણ્યા અને હુંય અજાણ્યો. અન્યને પૂછીને એક ઓફિસમાં પહોંચ્યા. ઓફિસની ઝાકમઝોળ સરસ હતી. રિસેપ્શનમાં બેઠેલ યુવતીએ મીઠો આવકાર આપ્યો. અમે અમારી વાત કરી. એટલે તેણે કહ્યું, ‘‘સાહેબ હમણા આવશે. બેસો.'' અમે સાહેબની વાટ જોઈને બેઠા.
થોડીવાર થઈ. એક યુવાન ઓફિસમાં પ્રવેશે છે. તેનું ઘ્યાન મારા ઉપર પડયું અને થોભી ગયો. ત્યાંના કર્મચારીઓ ઊભા થઈ ગયા. એટલે મેં અંદાજ માર્યો કે, આ એના સાહેબ હોવા જોઈએ. મારી પાસે આવીને મને પગે લાગે છે. હવે હું એની સામે જોતો રહી ગયો. ત્યાંના કર્મચારીઓ તો એકીટશે જોતા રહી ગયા. તે યુવાને પોતાની ઓફિસમાં આવવા કહ્યું. અમે તેની સાથે ગયા. તેણે પોતાની ખુરશી ઉપર મને બેસાડયો. તે સામે બેઠો. હજી વધારે વાત થઈ નહોતી.
બહાર નામ તો વાંચ્યું હતું. તેનું નામ અજય જમનાદાસ ઘેલાણી. તેના વર્તન ઉપરથી હવે મને યાદ આવ્યું. તે મારા પાસે ભણતો. ભણવામાં ઠીક-ઠીક હતો. પણ ચિત્રકામ નબળું હતું. કયાંક કોઈ આકૃતિ દોરવાની હોય તો તેમાં શું દોર્યું છે તે ખબર ન પડે. એટલે ઘણી વખત ખીજાવું પણ પડતું. તેના લીધે વાંચવા-લખવામાં થોડું ઘ્યાન વઘ્યું, પણ ચિત્ર તો નબળું જ રહ્યું. સારું ચિત્ર દોરવા માટે મેં તેને ઘણી સલાહ અને માર્ગદર્શન આપેલ. પણ ત્યારે તો કોઈ અસર થઈ નહોતી.
તે બોલ્યો, ‘‘રામોલિયાસાહેબ ! મને ઓળખ્યો?''
મેં જવાબ આપ્યો, ‘‘હા, તને જોઈને તો ન ઓળખી શકયો, પણ તારું નામ જોઈને તારું ફિલ્મ નજર સામેથી પસાર થઈ ગયું. પણ તું સિવિલ એન્જીનિયર છો એ જાણીને તો આશ્ચર્ય થાય છે.''
તે કહે, ‘‘એમાં
આશ્ચર્ય શેનું?''
મેં કહ્યું, ‘‘આમાં તો પ્લાન બનાવવામાં ચિત્રાંકન વધારે આવે. તું ભણતો ત્યારે તને ચિત્રકામ તો ફાવતું નહિ ! છતાંયે તું સિવિલ એન્જીનિયર ? પ્લાન દોરતા આવડે છે કે આડાઅવળું કરીને ડિગ્રી મેળવી લીધી છે ?''
તે કહે, ‘‘સાહેબ! ડિગ્રી સાચીજ છે. તમારા પાસેથી નીકળ્યા પછી મને થયું કે સાહેબ મારી પાછળ મહેનત કરતા અને મને શિખામણ આપતા હતા તે સાચું હતું. ચિત્રકામ કયાંક તો કામ લાગશેજ. એટલે હું તે શીખવા લાગ્યો. ધીમે-ધીમે ફાવી ગયું. ધોરણ દસમાં સારું પરિણામ આવતાં એન્જીનિયર બનવાનું નક્કી કર્યું. તેમાંયે શીખેલા ચિત્રકામનો ઉપયોગ યાદ આવ્યો. એટલે સિવિલ એન્જીનિયર બનવાનુંજ નક્કી કર્યું. અને એક વાત કહું, સાહેબ ! આજે હું સારા પ્લાન બનાવી શકું છું અને કામ ખૂટતું પણ નથી.''
મેં કહ્યું, ‘‘સરસ, ભાઈ સરસ ! તેં મારી શિખામણની લાજ રાખી ખરી! મારી શિખામણ વ્યર્થ ન ગઈ. આ વાત જાણીને મને ખૂબ આનંદ થયો.''
તે કહે છે, ‘‘પણ સાહેબ! આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ? તમારે મારું શું કામ પડયું ?''
મેં કહ્યું, ‘‘મારે નહિ, પણ મારા આ સંબંધીને નવું મકાન ચણવું છે. તેનો પ્લાન બનાવવાનો છે. તું બનાવીશને ?''
તે કહે, ‘‘સાહેબ! મારા માટે તો આ આનંદ અને ગૌરવની વાત છે કે મારા ગુરુજી મારે ત્યાં આવ્યા છે. એવો પ્લાન બનાવી દઈશ કે સૌ ખુશ થઈ જશે અને હું પાસ પણ કરાવી દઈશ.''
અને ખરેખર, આ અજયે સરસ પ્લાન બનાવી દીધો. જે જાણે ચિત્રકામનો દુશ્મન હતો, તે આજે આવા સરસ પ્લાન બનાવી શકે છે. મનમાં કોઈ બાબત શીખવાની ધૂન લાગે તો ન આવડતી બાબત પણ આવડી જ જાય છે. જેનું ઉદાહરણ મારા માટે આ અજયરૂપે સાક્ષાત થયું હતું.