મારા પપ્પાનું નામ લખી રાખો
મારા પપ્પાનું નામ લખી રાખો
વૃદ્ધાશ્રમ પાસે એક રીક્ષા ઉભી રહી. તેમાંથી પતિ, પત્ની, એક અશક્ત વૃદ્ધ અને છ વર્ષનો બાળક ઉતર્યા.
"અમે મારા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા આવ્યા છીએ."
"પણ અહીં તો પચાસ માણસોનું વેઇટિંગ છે."
"બધે આજ રામાયણ છે. ક્યાંય જગ્યા ખાલી નથી. શું થઈ ગયું છે બધાને ?"
"હું પણ તમને એજ પૂછું છું તમને શું તકલીફ છે ? બધે શું કામ ભટકો છો ?" પતિએ પત્ની સામે જોયું જવાબ ન આપ્યો. "એમ કરો મારા પિતાનું નામ વેઇટિંગમાં લખી લ્યો. બને એટલું જલ્દી કરજો."
"ટ્રસ્ટી દાદા મારા પપ્પાનું નામ પણ વેઇટિંગમાં લખી લ્યો. આજે દાદા માટે પચાસનું વેઇટિંગ છે. પપ્પા માટે આવીએ ત્યારે પાંચસોનુ વેઇટિંગ હોય. પપ્પા મારી વાત સાચી છે ને ?"
ટ્રસ્ટી દાદા સજળ આંખે બાળકનાં માસૂમિયત ભર્યા સવાલ અને ચહેરા સામે જોઈ રહ્યા.
