મારા માનીતા પપ્પા
મારા માનીતા પપ્પા


આજ સોચા તો આંસું ભર આયે, મુદ્દતે હો ગઈ મુસ્કુરાયે,
બન ગઈ જિંદગી દર્દ બનકે, દર્દ દિલમે છૂપાએ છૂપાએ,
દિલકી નાજુક રગે તૂટતી હૈ, યાદ ઇતના ભી કોઈ ના આયે.
પપ્પાનું નામ આવે અને આંખમાં આંસુ ના આવે એવું તો બને જ નહીં. પપ્પાની યાદ દિલની નાજુક રગોને તોડી જાય છે. પપ્પાએ જિંદગી આખી છ દીકરીઓ અને બે દીકરાને પાળવામાં ખર્ચી નાખી. એક એક દિવસ પપ્પા સાથે ગુજારેલો નજર સામે તરવરે છે. દીકરીઓ માટે કેટલી મુશ્કેલી સહન કરી પણ ચહેરા પર વળ ના પડવા દીધો. મારી જિંદગીનો એક એક દિવસ મને યાદ છે...
જ્યારે પપ્પા રમકડુ મેગેઝીન લાવતા અને બધી બહેનો એમને ઘેરી વળતી. અને હું પહેલા હું પહેલાનો શોર કરતી અને પપ્પાના ચહેરા પર સંતોષની ભાવના જોવા મળતી. કેરમ રમવામાં કેટલા પારંગત હતા, અને હું કુકરી ચોરતી તો નજર અંદાજ કરી અને મને જીતાડતા. પપ્પા એટલે ખૂબ હિમંતવાળુ પાત્ર. પણ નજમાના મૃત્યુ સમયે તમને તૂટતા જોયા છે. તમારી આંખોમાંથી ચોધાર આંસું નીકળતા જોયા. પપ્પા તમે હદયમાં કેટલું છૂપાવી ફરતા હતાં. ક્યારેક નજમાના મૃત્યુ પછી ઉદાસ થતી તો પિક્માંચર લઈ જતા અને જાત જાતના બહાના કરી હસાવતા. પપ્પા સાથે જીવનમાં ખૂબ અન્યાય થયાં. એમના પિતા તરફથી વારસામાં અને ત્યારબાદ દીકરાઓ તરફથી. હા લખતાં દીલ તૂટી જાય છે કે પપ્પાના અને બાના જીવનના છેલ્લાં વરસોમાં બન્નેને જુદાં કરી નાખ્યા. હાં, બાગબાનની જ જેમ. બા તો પપ્પાનું પૂછડું હતાં જ્યાં પપ્પા ત્યાં બા ! પણ બા છેલ્લા વરસોમાં પડી ગયેલાં અને બા વ્હીલચેરમાં આવી ગયેલા. પણ બા વ્હીલચેરમાં રહીને પણ પપ્પા માટે ખાવાનું બનાવતા પપ્પા એમને મદદ પણ કરતાં.
પણ છેવટે બા કશું કરવાને કાબિલ ના રહ્યા તો બન્ને ભાઈઓએ નક્કી કર્યુ કે બન્ને એક એકને ઘરે લઈ જાય એક બાને અને એક પપ્પાને ! બાગબાનના પાત્રો અમિતાભ અને હેમા માલીની પ્રોઢા અવસ્થામાં હતાં, જ્યારે બા પપ્પા બુઢાપામાં. અને બાગબાનના બીજા હીસ્સામાં અમિતાભ 'બાગબાન' લખે અને પૈસાવાળો થાય પણ પપ્પાના કિસ્સામાં કોઈ બાગબાન લખાય નથી. બલ્કે હજારો બાગબાન બને છે પણ એમાંથી કોઇ અમિતાભની જેમ સ્વતંત્ર બની પોતાની જિંદગી જીવી શકતા નથી. એમને તો એમના દીકરાઓના ફેકેલા ટૂકડા પર જ જીવવાનું હોય છે અને અંતે મરી જવાનું હોય છે. ૫૫ વરસના લગ્નજીવન પછી એમને એકબીજા વગર રહેતા આવડતું જ ન હતું. પણ હવે બન્ને જુદાં હતાં. અને પપ્પા ક્યારેક બાને મળવા જતાં તો એમ કહીને એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા કે 'બાને ચડાવે છે,' પપ્પા, પપ્પા મને માફ કરી દો હું તમારા માટે કશું ના કરી શકી ! મને યાદ છે તમે મને કહ્યુ હતું કે 'બાનકી, તું મારી પાસે રહી જા આપણે બન્ને તારી બાનું ધ્યાન રાખીશું, પણ હું મારો સંસાર છોડીને આવી ના શકી ! અંતે બા ગુજરી ગયાં તમે એકલા થઈ ગયા. જાલીમ જમાનાએ છેલ્લા દિવસોમાં તમને એક થવા ના દીધાં.
હવે તમારો વારો હતો. હા તમારી હાલત પણ એવી જ થઈ. બાના મૃત્યુ પછી તમે બે વરસ જીવ્યા. પણ બીજાની હાથની કઠ્પૂતલી બનીને. મારા ખુદ્દાર સ્વમાની પપ્પા, કેવી હાલત કરી તમારી ! એક એક કોળીયા માટે તરસી ગયાં. મને યાદ છે જ્યારે હું તમને છેલ્લીવાર મળવા આવી ત્યારે તમને ઓલઝાઈમર થઈ ગયેલો. તમને કશું યાદ ના હતું. તમે મને પણ ઓળખી ના શક્યા. તમે પગ પર ઊભા થઈ શકતા ન હતાં. તમે ચાર પગે ગોઠણીએ ચાલી ઘરમાંથી બહાર નીકળી ગયા હતાં. એમ કહી કે મારે ૨૯૯માં જવું છે. ૨૯૯ બંગલો તમે બાંધેલો બા માટે અમારા માટે ! તમારા કેટલાય સંસ્મરણો એમાં મહેંકતા હતાં. બધું ભૂલી ગયાં પપ્પા પણ બંગલો ના ભૂલ્યાં જે તમે બા માટે બાંધેલો.
દીકરી એટલે વ્હાલનો દરિયો. અને દીકરી જ્યારે પપ્પાની લાડકવાયી હોય અને વરસોથી પરદેશમાં વસી ગઈ હોય તો અને અચાનક દીકરીને સમચાર મળે કે તારા વહાલસોયા પિતા છેલ્લાં શ્વાસ ગણી રહ્યા છે. દીકરી ઝટ ટીકીટ કઢાવી પ્લેનમાં બેસે છે. એકએક મિનીટ એક એક વરસ જેવી જાય છે. આખું બચપન નજર સામેથી પસાર થઈ જાય છે. આંખોનાં આંસું સુકાતાં નથી અને દીકરી દેશમાં પહોંચે છે. અને જ્યારે પપ્પાનો સુકાઈ ગયેલો હાથ પોતાનાં હાથમાં લઈને કહે છે કે પપ્પા તમારી દીકરી પરદેશથી આવી છે પપ્પાને મળવાં. અને પપ્પાની ફીકી આંખો દીકરીને ઓળખી શકતી નથી અને પૂછે છે કે 'આ બહેન કોણ છે ?' ત્યારે જે હાલત દીકરીની થાય છે ખરેખર એ હાલત શબ્દોમાં વર્ણવી ખૂબ અઘરી છે. એટલે આ એક પ્રયાસ છે પણ હજું પૂરી લાગણી વ્યકત નથી થઈ. પરદેશમાં રહેતી દરેક દીકરીની વ્યથા વર્ણવાનો પ્રયાસ છે. ત્યારે લખેલું એક કાવ્ય યાદ આવી ગયું.
પપ્પાની દીકરી ગઈ પપ્પાને મળવાં,
રડતી રડતી તડપતી પપ્પાને મળવાં.
પપ્પા આજ હું આ બધું ના લખતી, પણ ખબર નહીં દિલમાં છૂપાવેલું દર્દ જિંદગી બની ગયું છે. આજ જબાન પર આવી ગયું !પપ્પા એટલે શું ? મારી નાની બહેન બશીરાએ લખેલા વાક્યો હું ટાંકું છું.
'પપ્પા એટલે પરીક્ષા મા નાપાસ થવા છતા નવા ચોપડા નવુ દફતર નવો યુનિફોંમ અપાવે તે વ્યકતિ. ભર ઉનાળામાં બરફ શોધવા જાય બચ્ચા માટે તે પપ્પા. (૧૯૭૦સાલમા) પપ્પા એટલે નિરાશા વખતે કહે "ચાલ બેટા એક પાર્ટી કેરમની થઇ જાય તે પપ્પા. બાના ખીજાવા છતા મેટેની શોની ટિકીટ લઇ આવે તે પપ્પા. સવારના દુરદુર ખેતર સુધી સાયકલીંગ કરવામા સાથ આપે તે પપ્પા. વરસાદમાં સ્કુલની છુટ્ટી વખતે સ્કુલને દરવાજે છત્રી લઇ રાહ જોતી વ્યક્તિ એટલે પપ્પા. દુરદર્શનનુ સિગ્મેનલ લાવવા માટે અગાસીમા એન્ટીટીના ઘુમાવે તે પપ્પા. બેશક બચ્ચાની ખુશી માટે. શિયાળામાં સગડી પેટાવી ધાબળામાં હુંફ આપે તે પપ્પા. ઠંડીમા અડદીયો પાક, ગરમીમાં કેરીની મીઠાસ, અને ચોમાસામાં ભજીયાની બહાર એટલે પપ્પા. બગીચાના ફૂલ તેમજ ઘરના ફૂલની માવજત કરે તે માળી એટલે પપ્પા. પહેલા નંબરથી પાસ થવા કાજ જેની છાતી ગજ ગજ ફૂલે તે પપ્પા. જેમને ગયાં ને આટલા વર્ષ થયા છતા તેની યાદમા અડધી રાતે આંખમાંથી આંસું ટપકે તેનુ નામ પપ્પા. પપ્પા લવ યુ !
= બશીરા શેરીફુ મરચંટ
મારી નાની બહેન
હું નાની હતી ત્યારે ક્યારેક પપ્પા પગ કળવાની ફરિયાદ કરતાં ! તો તમારી ભૂરી થાકેલી આંખોથી તાકતાં તમે મને કહેતાં કે "બાનીયા, મારાં પગ બહુ કળે છે દબાવી દે" અને હું નાનું ફ્રોક પહેરીને તમારા પલ્ંગ પર ચડી જતી અને મચ્છરદાનીની બે લાકડીઓ પકડીને તમારા એસીડથી બળેલા અને સફેદ ડાઘવાળા પગ પર ચડીને હું ચાલ્યા કરતી. જ્યાં સુધી તમે સૂઈ ન જતાં.
પપ્પા હવે મારાં પગ કળે છે પણ એનાં પર ચાલવાવાળુ કોઈ નથી. પણ મારે તો એ નાની 'બાનકી' બની જવું છે જે ફ્રોક પહેરીને
તમારાં પગ દબાવતી હતી. પણ હવે તમારાં પગ નથી દબાવવા માટે અને સપના હવે નાની નથી. હા પપ્પા હવે હું નાની નથી મને બધી સમજ પડે છે. તમારા પર થયેલા જુલમની અને તમારી દુભાયેલી લાગણીની ! પપ્પા, કાશ હું તમારા દુખ લઈ શકતી !કાશ હુ તમારી સામે ઢાલ બની ઊભી રહી શકતી ! પણ મારા પગમાં પણ અણદેખી બેડીઓ પડેલી હતી. મારા તરફથી પણ તમને ખૂબ દુખ મળ્યું. હું ખૂબ શર્મિંદા છું. પપ્પા હું તમારો સાથ ના આપી શકી. ખાલી દીકરાની જવાબદારી નથી. દીકરીઓની પણ મા બાપ માટે જવાબદારી હોય છે. પણ ક્યારેક પતિ તો ક્યારેક સમાજની ચિંતાને લીધે આ જવાબદારી નીભાવી શકાતી નથી. આખી સિસ્ટમ જવાબદાર છે. સ્ત્રી લાગણીશીલ છે એ લાગણી અને પ્રેમથી માબાપની જવાબદારી ઉપાડી શકે છે.
હવે લોકો ખુદા પાસે દીકરાની નહી પણ દીકરીની દુઆ માંગે છે. પપ્પા તમારા દુખ તો ના લઈ શકી પણ એ દુખને હું અનુભવી શકું છું. પણ હું તમને માલિશ જરૂર !
તમારો બાનીયો.