માફી મોટી મિત્રતા
માફી મોટી મિત્રતા
ઘણા માણસોને કોઈની વાત વધારીને બીજાને કહેવાની ટેવ હોય છે. આ પ્રસંગમાં પણ એવું જ બન્યું હતું. આપણા આ મહાન નેતા રમૂજી પણ હતા. વાતવાતમાં એક વખત તેઓથી જયપ્રકાશજી અને પ્રભાવતીબહેનના દામ્પત્ય-જીવન અંગે થોડી રમૂજ થઈ ગઈ. આ વાત એક માણસે સાંભળી. વાતમાં ભભરાવ્યું મીઠું-મરચું. જઈને કહી પેલા જયપ્રકાશજીને. જયપ્રકાશજી તો ખૂબ નારાજ થઈ ગયા. તેમણે તો આ નેતાને પત્ર લખ્યો. પત્ર વાંચી આપણા આ નેતાને ખૂબ દુ:ખ થયું. રમૂજથી પણ કયારેક કોઈનું દિલ દુભાતું હોય છે એવું તેમને ભાન થયું. તેમનું મન વિચારે ચડી ગયું.
હવે તેઓએ જયપ્રકાશજીની માફી માગવા માટે પત્ર લખ્યો. તેમાં લખ્યું કે, 'તમારા માટે મેં જે રમૂજ કરી હતી તેમાં તમારું દિલ દુભાવવાનો કોઈ આશય હતો નહિ. તમે હાજર હોત તો પણ હું આ રમૂજ કરી શકત. તેમાં કોઈ અપ્રિય બાબત હતી જ નહિ. છતાં આપને ખરાબ લાગ્યું હોય તો હું માફી માગું છું. આજે મને સમજાયું છે કે, ભિન્ન વિચારસરણીવાળા સાથે નિર્દોષ રમૂજ પણ ન કરવી જોઈએ. તમારાં બંને પ્રત્યે મને ખૂબ આદર છે. તમારા વિશે હું રમૂજમાંય ખરાબ બોલી ન શકું. તમને દુ:ખ થાય એવું મારાથી કેમ થયું એ હું જાણતો નથી. કદાચ તમને કહેનારની સમજમાં ફેર હશે. ફરી તમારાં બંનેની માફી માગું છું.'
જયપ્રકાશજીએ આ પત્ર વાંચ્યો. તેમના મનમાં પણ ઝબકારો થયો કે, મેં બીજાની વાત સાંભળી એક મિત્રની વાત પર દુ:ખ લગાડયું. મારાથી તેમને સમજવામાં મોટી ભૂલ થઈ ગઈ છે. અને આવા વિચાર સાથે મિત્રની વાતથી જે દુ:ખ લાગ્યું હતું તે તો હવામાં ઓગળી ગયું. તેમનું મન હળવું થઈ ગયું. અને તેઓની કાનભંભેરણી કરનાર પેલા માણસને પણ તતડાવી નાખ્યો.
ભૂલ ન હોવા છતાં માફી માગનાર નેતા તે સરદાર વલ્લભભાઈ પટેલ. તેમની માફીએ જયપ્રકાશજીનું હ્રદય સાફ કરી નાખ્યું. પછી બંને વચ્ચે કયારેય આવી ગેરસમજ થઈ નહોતી.
આજે તો વારંવાર ભૂલ કરીએ છીએ, માફી પણ માગીએ છીએ. છતાં ફરીથી ભૂલ કરીને અનેકને દુ:ખ લગાડતા રહીએ છીએ. આપણી ભૂલ કરવાની પ્રકૃતિને કોઈ ભૂલવાની ભૂલ કેમ નથી કરતા? આ પ્રકૃતિને ભૂલવાની ભૂલ કરશું તો કોઈની માફી પણ નહિ માગવી પડે અને કોઈને દુ:ખ પણ નહિ લાગે.
