Shaileshkumar Pandya

Inspirational Classics Tragedy

3.0  

Shaileshkumar Pandya

Inspirational Classics Tragedy

મા

મા

6 mins
13.6K


“ટન... ટન... ટન...”

રીસેશ પૂરી થયાનો બેલ પડતાજ બધા છોકરાઓની મસ્તી જાણે કે અટકી પડી. ધીમે ધીમે અનિચ્છાએ બધા ફૂલોના રસ્તાઓ ક્યારા તરફ વળ્યા. કલાસરૂમમાં જીવંતતા પ્રવેશી. બાળકો ખુશી અને નાખુશી સાથે વર્ગખંડોમાં પ્રવેશવા લાગ્યા. અધુરી રમતનો વસવસો અને તાસ પ્રત્યેનો અણગમો એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. કીડીઓની હાર જેમ દરમાં ભરાઈ એમ સૌ વર્ગમાં જવા લાગ્યા. વાતાવરણ પણ શાંત થયું. થોડીવાર પેલાનું જીવંત મેદાન હવે વેરાન થયું.

પ્રભાશંકર માસ્તર ચોક-ડસ્ટર લઇ તૈયાર થયા. ૩૦વર્ષની આયુ, કદમાં ઉચા, મજબૂત બાંધો, વાંકડિયા વાળ, ચહેરા પર સંતોષ અને સેવાના ભાવનું સંમિશ્રણ, હસતો ચહેરો ને કરુણતાસભર આંખો. સ્વભાવે પ્રેમાળ અને સાલસ એવા પ્રભાશંકર શિક્ષણને જ પોતાનું કર્મ ગણતાને સરસ્વતીને આરાધ્યદેવી માની પૂજતા. મા સરસ્વતીની પૂજા એને મન દુનિયાની સૌથી મોટી પૂજા હતીને પોતે મા સરસ્વતીના દર્શન નાના નાના ભુલકાઓમાં કરતા અને હા એટલે જ તો આ વ્યવસાય સાથે એને ખૂબ જ ઊંડો લાગાવ હતો એના વૃદ્ધ પિતાની પણ એજ ઈચ્છા હતી કે પ્રભાશંકર એક સાચો માસ્તર બને. બીજા શું કરે એ ક્યારેય ના જોવે, પોતાની મસ્તીમાં મશગૂલ, અને હંમેશ શિક્ષણમાં સો ટકા આપવાની મથામણમાં કદાચ એ બીજા સહકર્મીઓથી અળખામણા બની ગયા હતા. આળસ નામનું પ્રાણી ક્યારેય એની આસપાસ ભટકવાનું વિચારી પણ ના શકતું. બાકી સ્ટાફના બધા જ કર્મીઓ તો આવતા ત્યાંથી રજાના બિગુલ વગાડ્વામાંથી નવરા જ ના થતા. આળસે એમના મગજમાં એવા તો ઝાળા બનાવ્યા હતા કે હવે કદાચ ઉપરથી વિધાતા આવે તો પણ એના ઝાળા સાફના થાય. ક્યારેક સહકર્મીઓમાં ટીખળ થતી.

“આને બેસ્ટ ટીચરના એવોર્ડ માટે સરકારમાં રજૂઆત કરીએ તો...” કોઈ હસીને કહેતું, “આ વખતે તો આ અવોર્ડ આપણા લાડીલા પ્રભાશંકર ને જ હો... માત્ર આપણા જ નહિ આ છોકરાઓના પણ.” અને કોઈનું કટાક્ષભર્યું હાસ્ય. તો કોઈ કહેતું, “આ બધી સસ્તી લોકપ્રિયતા મેળવવાના નુસખા છે ભાઈ. વિદ્યાર્થીઓમાં સારી છાપ પાડીને ટ્યુશન કરવાના પેતારાઓ છે. જો જો તમે આ બધો લક્ષ્મીજીનો...” ત્યાં જ સામેથી પ્રભાશંકરને આવતા જોઇને વાતો પર પડદો પડી જતો. જો કે પ્રભાશંકર આ બધી ટીકાઓથી ટેવાઈ ગયા હતા, અને બીજું એ કે સ્ટાફમાં ઉમરમાં સૌથી પોતે નાના હોવાથી એક આદરભાવ વડીલ પ્રત્યેનો એને હંમેશા મૌન રહેવા પ્રેરિત કરતો. પણ સ્ટાફમિત્રોને તો ભાવતું'તું ને વૈધે કીધા જેવું થાય, પ્રભાશંકરરનું મૌન એને વધારે ઉશ્કેરતું ને વધારે ને વધારે ટીકાઓનો મારો ચાલતો.

પ્રભાશંકરને કુટુંબમાં એક મોટો ભાઈ. જે વડોદરા સ્થિર થયેલો. અવારનવાર પ્રભાશંકરને મળવા ગામડે આવે ને પછી આગ્રહ પણ કરે કે ભાઈ તું મારી સાથે વડોદરા આવીજા આપણું મકાન પણ મોટું છે ને ભગવાનની દયાથી મારી પ્રેક્ટિસ પણ સારી ચાલે છે. શું કામ આ ગામડાની ધૂળમાં તારું જ્ઞાન ધૂંધળું કરે છે. પિતાજીના મૃત્યુ પછી તો રીતસર એણે પ્રભાશંકરને બરોડા લઇ જવા માટે આજ્ઞા જ કરી, પણ પ્રભાશંકરની લાગણીઓ સામે એ લાચાર થઇ જતો.

“મોટાભાઈ, મારું કામ શિક્ષણનું, અને તમેં જાણો છે એમ શહેર કરતા ગામડામાં આજ શિક્ષણની તાતી જરુરિયાત છે. શહેરમાં તો સારી સારી શાળાઓ છે જ જે શહેરી બાળકોને સારામાં સારું શિક્ષણ આપે પણ ગામડામાં ક્યા ? જો ગામડું શિક્ષિત થશે તો દેશની પ્રગતી આપોઆપ થશે, મોટાભાઈ મને અહીં રહેવા દો. અને બીજું ઈ કે બાપુજીના અવસાન પછી અહી આટલી મિલકત, ઘર, જમીન, એ બધું કઈ વેચાઈ છે થોડું, પિતાજીની યાદો આ ઘરમાં છે એટલે મને ઘરમાં પ્રવેશ્તા જ શુકન મળે છે. આ ઘરે મને બધું જ આપ્યું છે. હવે આ ઘરને હું કેમ છોડું, મોટાભાઈ. આ ઘર, આ સીમ, આ શાળા કે જ્યાં વર્ષો સુધી પિતાજી શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે એ શાળા મારાથી કેમ છોડાય. પિતાજીના શબ્દો એને સાંભળવા મળતા. “દીકરાઓ, આ ગામનું આપણા પર ઋણ છે, આ માટીમાં તમારું બચપણ રગદોળાયેલું છે.”

વતનની માટીમાંથી ભીના સ્મરણોની ખુશ્બુ બધાને નસીબ નથી હોતી, મોટા થઈ આ ગામનું ઋણ ચોક્કસ ઉતારવું એ આપણી ફરજ છે.” મોટાભાઈ, મને આ ગામ પ્રત્યે ખુબજ લાગાવ છે. મારી સંસ્કૃતિ અને પ્રકૃતિ ગ્રામ્ય છે. એટલે પ્લીઝ, ‘મને અહી ગામમાં રહેવા દો.’ અને મોટાભાઈ વધારે આગ્રહ ના કરતા. પ્રભાશંકરને એ સમજતા હતા. અને મોટાભાઈની આંખો પણ ભરાઈ આવતી.

આંસુ બંને ભાઈઓને ભીંજવી જતા. સમાજની ધ્રુષ્ટતાઓથી જોજનો દુર બંને ભાઈઓનું ભાતૃત્વ રામ - લક્ષ્મણને પણ ઈર્ષા કરાવે એવું અજોડ હતું.

તાસ શરુ થતા જ પ્રભાશંકરે વર્ગમાં પ્રવેશ કર્યો.

“મિત્રો, આજ આપણે એક નિબંધ શીખવા જઈ રહ્યા છીએ, શીખવો છે ને ?” બોલતા બોલતા જ બોર્ડ પર નિબંધનો વિષય લખ્યો.

“મા તે મા.” માની મમતાના ગુણ-ગાન ગાઈએ એટલા ઓછા. અને એણે એક કહેવત દોહરાવી.

“મિત્રો, ઈશ્વર બધી જ જગ્યાએ પહોચી શકતા નહોતા એટલે એણે માતાનું સર્જન કર્યું.’ માં વિના સુનો સંસાર.મા એ નિર્વ્યાજ પ્રેમની મૂર્તિ છે. કરુણતા,દયા,મમતા,વાત્સલ્ય,પ્રેમ સદાયે માતાની આંખોને સભર રાખે છે. માનો મહિમા અપરંપાર છે.મા એ એકાક્ષરી મંત્ર છે. માના પ્રેમનો સેતુ ગર્ભથી બંધાઈને છેક મૃત્યુના દ્વાર સુધી અતુટ રિશ્તો નિભાવે છે. જો ઈશ્વરે માનું સર્જન ના કર્યું હોત તો કદાચ આ દુનીયામા પ્રેમ નામનું તત્વ શૂન્યાવકાશ બની રહી જાત. માનું ઋણ આપણે ક્યારેય ચુકવવા સમર્થ નથી. મા એ ઈશ્વરે આપેલ વરદાન નથી પણ વરદાનમાં મળેલા ઈશ્વર છે. ભગવાનને પણ માતાનો પ્રેમ દુર્લભ હોઈ છે. એટલે જ માતા કૌશલ્યાનો ખોળો ખુંદી ભગવાન શ્રીરામ પોતાની જાતને ધન્યતા બક્ષે છે. કૃષ્ણની તો શું વાત કરવી ? કેવો નસીબદાર એક નહિ બબ્બે માના વાત્સલ્યનું ઝરણું સદાએ તેના પર પ્રેમાભિષેક કરતુ રહેતું. માનાં પ્રેમનું ઝરણું કદી સુકાતું નથી. આટલું બોલી પ્રભાશંકરે પોતાનું રચેલું એક કાવ્ય રજુ કર્યું.

“મારી મા એટલે સોનેરી ઉગતો સુરજ,

મારી મા એટલે ,મંદિરનો ગોળ ગુંબજ.

મારી મા એટલે અષાઢી હેતની હેલી,

મારી મા એટલે ગોપી કોઈ કાનઘેલી.”

પ્રભાશંકરની અસ્ખલિત વાણીના પ્રવાહમાં વર્ગના વિદ્યાર્થીઓ મન ભરીને ભીંજાતા રહ્યા.પ્રભાશંકરની એજ તો ખૂબી હતી કે વિષયમાં એટલા ઓતપ્રોત થઇ જાય કે વિદ્યાર્થીઓ એકરસ થઇ એને સાંભળવામાં મશગુલ થઇ જાય. સમયથી પર આ માસ્તર સૌ વિધ્યાર્થીઓના હ્રિદય સિંહાસન પર એટલે જ તો રાજ કરતો હતો. થોડા સમય પછી આસ્થાની આ સરવાણી પર પૂર્ણવિરામ મૂકી પ્રભાશંકરે ફરી વર્ગમાં અવતરણ કર્યું. કોઈ બીજી જ દુનિયામાંથી આવેલા આ યુગ-શિક્ષકની વંદના કરતા સર્વ વિદ્યાર્થીઓ પણ વર્ગમાં પાછા..

“મિત્રો, આપણી કક્ષા પ્રમાણે આટલું પુરતું જ છે. થોડી વાર શાંતિ રહ્યા પછી પ્રભાશંકરે બીજી હરોળમાં બેઠેલા એક વિદ્યાર્થીને ઉભો કર્યો

“બોલ,સંજય, આજના વિષય વિષે તું શું સમજ્યો છે દીકરા...?

બાળક ઉભો થયો પણ મૌનથી આગળ એ જઈ શક્યો જ નહિ.

“બોલ,બોલ, બેટા, કેમ ખચકાઈ છે ?”

ગાઢ મૌન.

પ્રભાશંકરને એનું મૌન અકળામણભર્યું લાગ્યું. એ ઉભા થયા, બાજુમાં જઈ, છોકરાના વાહામાં હાથ રાખી એટલીજ ધીરજથી સવાલ દોહરાવ્યો.

ફરી એજ મૌન. પ્રભાશંકરના ચહરે અકળામણ વ્યાપી, પણ સંયમ સાથે ફરી પૂછ્યું.

છોકરો મૌન, યથાવત. પણ એની આંખોના ખૂણા સહેજ ભીના થયા, ઉદાસી એને ઘેરી વળી.

હવે સાહેબને ગુસ્સો આવ્યો., એ બાજુમાં ગયા.

“ક્યા ધ્યાન રાખે છે ?” મેં જે સમજાવ્યું એ કઈ તારા ફળદ્રુપ ભેજામાં ઉતર્યું છે કે નહિ ?’

વર્ગમાં થોડો ગણગણાટ. પ્રભાશંકરનો ગુસ્સો વધ્યો. અચાનક એણે જોરથી પૂછ્યું.

“એલા કેમ કઈ બોલતો નથી ? મોમાં માગ ભર્યા છે કે શું ? અને એક જોરદાર તમાચાના અવાઝ્થી ઓરડો ગુંજી ઉઠ્યો.

તમાચાની પાછળ ધીમે ધીમે ડુસ્કાઓ શરુ થયા. રડતા રડતા... સંજય માંડ એટલું બોલી શક્યો

“સર, મારી મા તો...”

“શું ? શું મારી મા ? પ્રભાશંકર અકળાયા.

“સર, મારી મા તો...મારા જન્મ સાથે જ...” શબ્દોનું સ્થાન ડુસકએ લીધું.

પ્રભાશંકર અવાક રહી ગયા. આવેશમાં આવીને પોતે આ શું કરી બેઠા એની એને જાણ થઇ. સુન્ન થઇ એ ખુરશી પર ફસડાઈ પડયાને બેલ પડ્યો.

“ટન.. ટન..”

ઝડપથી વર્ગની બહાર, ભીની આંખોમાં સામેનું બધું ધૂંધળું દેખાયું. ચશ્માં સાફ કરી, અડધી સી.એલ.મૂકી સીધા જ ઘરે પુજાના રૂમમાં, માની તસ્વીર સામે બેસી ગયા. ચોધાર આંસુએ રૂમની દીવાલોને ભીંજવી દીધી. માની તસ્વીરને સુખડનો હાર ઉતારી ગળે લગાડી પ્રભાશંકર ક્યાય સુધી રડતા રહ્યા

બહાર જોરદાર વરસાદ, ને અંદર પ્રભાશંકર પોતાની માની યાદમાં ચોધાર વરસતો રહ્યો. આજ પ્રભાશંકરને એની જન્મદાત્રી, મા, એના જન્મ સાથે જ મૃત્યુ પામી એ વાતનું સૌથી વધારે દુખ થયું. પ્રભાશંકરને ખુદને ખબર નહોતી કે આ આંસુ એણે બાળકને મરેલા તમાચાના છે કે નસીબે એને મારેલા તમાચાના...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational