Shaileshkumar Pandya

Inspirational Others

3  

Shaileshkumar Pandya

Inspirational Others

અંબિકા

અંબિકા

5 mins
7.4K


હોસ્પિટલમાંથી બહાર નીકળતા જ શ્રુતિના પગ ભારે થઇ ગયા. શ્રુતિના ચહેરા પર ઉદાસી લીંપાઈ ગઈ. ડૉ.સંધ્યા ભટ્ટનાં શબ્દો એના કાનમાં પડઘાયા.. “ખુશનસીબ છો શ્રુતિબેન, તમે એક સુંદર મજાની ઢીંગલીને પૃથ્વી ઉપર કિલ્લોલ કરાવા માટે નિમિત બનવાના છો.’ બેન, તમારે તો ખુશ થવા જેવું છે’. રસીલી અને મીઠી મધ ભાષા ડૉ.ભટ્ટની આગવી શૈલી હતી, પણ શ્રુતિના ચહેરા પરનો અણગમો ડૉ. ભટ્ટથી પણ અજાણ્યો ના રહ્યો. ‘કોન્ગ્રેચુલેશન્સ’. શબ્દો ડૉ. જાણે કે બચાવની મુદ્રામાં બોલ્યા હોઈ એમ હોઠમાંથી શબ્દો સરી પડ્યા.

સુકેતુની આંખો હર્શાશ્રુથી છલકાઈ, પણ શ્રુતિ હજુ અવાચક હતી. એની આંખોમાં હજુ ઉદાસીએ ડેરો જમાવેલો હતો. ‘એક દીકરી તો પહેલેથી જ ઘરમાં છે અને હવે આ બીજીને શું કરવી ? અણગમાએ એના ચહેરાની લાલીમાં ઉડાવી દીધી. અનાયાસે જાણે કે પેટનો ભાર વધી ગયો. દીકરો હોઈ તો કુળદીપક ગણાઈ, ઘડપણની લાકડી બને, પણ દીકરી તો સાપનો ભારો, પરાયું ધન જેવી પાંખો આવતા પંખી ઉડી જાય, એમ દીકરી તો સાસરે ચાલી જાય. શ્રુતિના નિસાસાએ વાતાવરણનો ભાર વધાર્યો.

દીકરાની ઝંખના શ્રુતિને વિહવળ બનાવતી. એક તો લગ્નના એક દશકા પછી ખોળો ભરાયો ને એય વળી પાછી દીકરી; અને હવે અધૂરામાં પૂરું ફરીથી દીકરી. હે ! ભગવાન, મારી પુત્ર-એષણા અધુરી રહી જશે. શ્રુતિની આંખોમાં ઝાકળના બિંદુ બાઝી ગયા. પેટનું વજન જાણે મગજમાં ઘર કરવા લાગ્યું. 

‘હવે શું ? વિચારોએ એને ઘેરી લીધી. “મારી દીકરાની ઝંખના શું અધુરી જ રહી જાશે ?” આંખોમાં આવેલા અશ્રુ પર એણે રૂમાલ રૂપી પરદો ઢાંક્યો. સુકેતુએ ત્રાસી નજરથી એ જોયું. આમેય સુકેતુ શ્રુતિની પુત્ર લાલસાથી વાકેફ તો હતો જ પણ સમજદારી એનું ઘરેણું હતું.

“શ્રુતિ, આ તો ભગવાનની પ્રસાદી કે’વાય, આમાં આપણા જેવા પામર મનુષ્યનું ના ચાલે. વિધિ સામે આપણે લાચાર છીએ. લલાટે જે લખ્યું હોઈ એ પ્રસાદ સમજીને ગ્રહણ કરવું એજ મનુષ્યની મહાનતા છે, શ્રુતિ, સ્વીકાર સિવાય બીજો કોઈ રસ્તો પણ ક્યાં ? તું ભણેલી-ગણેલી અને સમજુ છો. વાસ્તવિકતા સ્વીકારી લે. પણ શ્રુતિ ઉદાસ, દિવસ રાત વિચારોમાં ગુમ. એક ઉદાસીએ એના આંચલમાં કાયમી વસવાટ કર્યો હોઈ એમ એ ઉદાસી સમય સાથે સાથે ઘેરી થવા લાગી. દીકરાની વાંછનામાં જાણે કે જીંદગી નીરસ બની ગઈ.

‘કદાચ, હવે કદી એને દીકરો નહિ જ મળે.’ હાઈ, હાઈ,.....સફાળી એ જાગી જતી ને પછી આખી રાત ડુસકાં...’ સુકેતુનું ઓશીકું પણ ભીંજાતું.

એક રાત્રે બેડરૂમમાં સુકેતુના પ્રવેશ સાથે જ પોતાની વિચારોની મેલી એણે પોટલી છોડી.

‘સુકું, આપણે એબોર્શન કરાવી નાખીએ.’ દીકરી તો છે આપણે, બબ્બે દીકરી.. યુ નો, આ મોંઘવારીના સમયમાં કોઈને એક દીકરીએ નથી પોસાતી તો આપણને બબ્બે, સુકેતુએ એને અધવચ્ચે જ અટકાવી.

‘બસ શ્રુતિ, બસ, સ્ટોપ ઈટ. તને ભાન છે ..તું શું બોલે છે ?’ ‘દીકરીના જન્મ પહેલા..જ.. ભ્રુણ-હત્યા ? એક સ્ત્રી, એક મા થઇ તું આવું વિચારે છે ?’

‘પણ, સુકું, તું સમજ તો ખરો, પ્લીઝ...હજી કઈ મોડું નથી થયું.’ આપણે ડૉ.ને વાત કરીએ.’

‘નો શ્રુતિ નો, પ્લીઝ, તું આવું ના વિચાર આપણે માટે આવું વિચારવું એ પણ પાપ છે. પ્લીઝ પ્લીઝ..પ્લીઝ..સ્ટોપ ઓલ ધીઝ નોનસેન્સ.’

પણ શ્રુતિની આંખોની ચમક કઈ ઓર કહી રહી હતી. સુકેતુએ શ્રુતિની આંખમાં જોયું અને ખળભળી ગયો. એક જ સ્ત્રીના કેટલા સ્વરૂપ, મા, પત્ની, અને આજ આ ત્રીજું વરવું સ્વરૂપ એક હત્યારી મા.

‘હા..સુકેતુ..મારો આ નિર્ણય અફર છે. મને દીકરો જ જોઈએ છે. પ્લીઝ યાર તું સમજને..આ મોંઘવારીના સમયમાં બબ્બે દીકરી ...ના બાબા..ના..’

‘પણ’

‘કઈ પણ..બણ..નહિ..દીકરો એટલે દીકરો...’ શ્રુતિ મક્કમ હતી. એણે પેટના ભાગે આછેરી ધ્રુજારી મહેસુસ કરી, સુકેતુ તરફ પ્રશ્નાર્થ દ્રષ્ટિ ફેંકી, જાણે પોતાની ઓબોર્શનની વાત મનાવવા કન્ફર્મેશન માગતી હોઈ એમ એની દલીલનો દોર આગળ ચાલ્યો સુમીને, શીલાને, તૃપ્તિને, રેખાને....કેટલાના નામ કહું ? સૌ પોતાના દીકરાને રમાડે છે, વહાલ કરે છે, અરે ખોળાના ખુંદનાર માટે તો સ્ત્રી પોતે પોતાનું સર્વસ્વ અર્પી દેવા તૈયાર હોઈ છે. પણ.. પણ, તને એ નહિ સમજાય. તું સાવ ભોળો ભટાક. તારી સમજની ક્ષિતિજ બહુ સાંકડી છે, યાર. દીકરાથી આંગણું પવિત્ર થાય છે. દીકરો કુળદીપક, કુળને તારનારો છે, ને દીકરી; ભારોભાર નફરત સાથે શ્રુતિ પોતાના પેટ સામે જોઈ બોલી, ને મારે પેટ આ પાણો ? પેટના ભાગે આછેરી ધ્રુજારી મહેસુસ થઇ.

સુકેતુની આંખો ભરાઈ આવી. લાચાર દ્રષ્ટિથી એ શ્રુતિને જોઈ રહ્યો. એને વિસ્વાસ નહોતો આવતો કે આ એની શ્રુતિ, એના સ્વપ્નની પરી, કોલેજ બ્યુટીક્વીન શ્રુતિ. શ્રુતિ પડખું ફરી ગઈ. નીરસ, ઉદાસ ખામોશ રાત સમય સાથે તાલ મિલાવવા લાગી. ઘડિયાળનું ટીક ટીક સ્પષ્ટ સંભળાવવા લાગ્યું.

અચાનક જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો. પવનના સુસવાટા સાથે વીજળીનાં તેજલીસોટા થયા. બારીના પછડાટથી બારીના પરદા ખસી ગયા. જોરદાર વીજળીની ગડગડાટી સાથે જ . ધડાકા સાથે બેડરૂમનું બારણું ખુલ્યું, ધીમે ધીમે એક પ્રકાશપુંજ રૂમમાં દાખલ થયો. ઓરડો ચારે તરફ ઝળહળાં, પ્રકાશપુંજ મોટો થવા લાગ્યો. શ્રુતિની આંખો અંજાઈ ગઈ. ધીમે ધીમે પ્રકાશપુંજમાંથી અદભૂત,મનમોહક આકૃતિ સ્પષ્ટ થઇ. સિંહની સવારી સાથે સાક્ષાત મા અંબા સામે આવીને ઉભા રહ્યા. શ્રુતિની આંખો પહોળી થઇ ગઈ.

‘મા..માતાજી..અને એ માના ચરણમાં.

‘દીકરી..હું તારી મોટી દીકરીને લેવા આવી છું.’ ગેબી અવાજ ઘરમાં ચારે તરફ ફરી વળ્યો.

‘કોણ ?’

‘દીકરી..હું તારી મોટી દીકરીને લેવા આવી છું.’ ફરીથી આકાશવાણી જેવો ગેબી અવાજ આવ્યો.

‘મા,  તું... તમે.....’ એની જીભના લોચા વળવા લાગ્યા.

‘હા, હું, પોતે તારી દીકરી,’

‘જાન્હવીને ?’ શ્રુતિ ગભરાઈ.

‘હા, દીકરી, તારે બે દીકરી નથી જોતીને,એટલે એક મને આપી દે.’

‘પણ..મા ?’

“અરે પણ તારે એકને તો મારવી જ છે ને, તો જે જન્મી નથી એનો શું દોષ ? આ મોટી મને આપી દે. અને હા આમેય મોટીનું આયુષ્ય પાંચ વર્ષનું હતું જે પૂરું થયું, એટલે ચાલ જલ્દી..મોટી જાન્હવી મને સોંપી દે, એક હાથ લે એક હાથ દે.” માએ પ્રેમથી કહ્યું.

“પણ..જાન્હવી તો..મારી દીકરી..મેં એને મોટી કરી,મારી...જાન્હવીં તો કેવી મીઠડી છે..ના..ના..એની અંદરની માતા જાગી ઉઠી.

‘અરે..પણ..તું..આમેય અજ્ન્માને તો મારે છે..એટલે મને જાન્હવી સોંપી દે. તારે એક દીકરી જ જોઈએ છેને તો આ ભ્રૂણમાં છે એને શું કામ મારવી, આ જાહન્વીએ હવે દુનિયા જોઈ છે. એને હું લઇ જાવ.

‘પણ ..પણ.. જાન્હવી...શબ્દો સાથે જ શ્રુતિ ગળગળી થઇ ગઈ, બાજુમાં સુતેલી જાન્હવીને જોરથી છાતીસરસી ચાંપી દીધી. આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી.

‘અરે, પણ હું એને લેવા જ તો આવી છું.’ આકાશવાણી જેવા અવાજથી રૂમમાં પડઘા પડ્યા.

‘ના..ના..એક જોરદાર ચીસે ઓરડો ગજાવી મુક્યો.

‘આ..આ..જાન્હવી તો મારો દીકરો..છે.’ મુખમાંથી શબ્દો સરી પડ્યા.

પ્રકાશપુંજ સાથે માતાજી...નજીક આવ્યા.

શ્રુતિની બાજુમાં સુતેલી જન્હવીને હાથમાં પ્રેમથી તેડીને...પ્રકાશપુંજ ધીમે ધીમે...બારણા તરફ અદ્રશ્ય.

‘જાન્હવી..જાન્હવીની ચીસથી દીવાલો ખળભળી ઉઠી. શ્રુતિએ બેબાકળી થઇ મા અંબાની પાછળ દોટ મુકી, અને ધડામ કરતી દરવાજા સાથે અથડાઈ.

‘જાન્હવી ...જાનુ.....’ બોલતા જ એની આંખ ખુલી ગઈ. સામે જાન્હવી અને સુકેતુ નિરાંતે સુતા હતા. ભાવાવેશમાં આવી એને જન્હવીને તેડી, ચુમીઓથી નવરાવી દીધી. મમતાનું વાત્સલ્ય ઝરણું શ્રુતિની છાતીએ પ્રગટ્યું. જન્હવીને છાતીએ વળગાડી એ ક્યાય સુધી રડતી રહી. પાશ્ચાતાપનું પાવન ઝરણું જાણે એને નરકમાંથી બચાવીને સ્વર્ગમાં પહોંચાડી ગયું. આજનું સપનું એને મા બનાવીને તૂટી ગયું હતું. કેટલાક સપનાઓ માણસને સાચા સમયે જગાડી દેતા હોઈ છે. એમ આ સપનાએ શ્રુતિને ખરેખર જગાડી દીધી. એની આંખ ઉઘડી ગઈ.

થોડા સમયમાં ઘરમાં એક નવા મહેમાન.પધાર્યા..શ્રુતિએ એક નાનકડી ઢીંગલીને જન્મ આપ્યો અને શ્રુતિએ એનું નામ..અંબિકા રાખ્યું.

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational