મા ! મારે ઊડવું છે -૨૭
મા ! મારે ઊડવું છે -૨૭
કાલુ વિમાન બનાવવાના કામમાં અને રીપેરીંગ કરવાના કામમાં મસ્ત રહે છે. સાથે સાથે તે વિમાન ચલાવવાનું પણ શીખતો જાય છે. પોતાના ડુપ્લીકેટ પગ અને ડુપ્લીકેટ હાથનો પણ પૂરો ઉપયોગ કરી લે છે. કાલુને કોઈ એક બાબત શીખીને જ સંતોષ નથી. તેને તો નવું નવું શીખવું જ છે, અને શીખતો પણ જાય છે. આ શીખવાની ધગશ જ તેને અહીં સુધી લાવી છે. કામ કરતા કરતા તે વિમાન ઊડાડવામાં પણ હાથ મારતો જાય છે. અને એક દિવસ તેને વિમાન ઊડાડવાનું પણ બરાબર ફાવી જાય છે. તેને પોતાના ડુપ્લીકેટ પગ કે હાથ ખૂબ ઉપયોગી બને છે. આ ડુપ્લીકેટ વડે પણ તે વિમાન ઊડાડી લે છે. કયાંય કોઈ અડચણ નથી. નવું શીખવાની ધગશે તે પાયલોટનું કામ પણ કરી લે છે. કાલુ સતત નવું નવું શીખતો જાય છે.
વોલ્ટ ડિઝનીનું પણ આવું જ હતુંને ! એક સમય તેમના માટે એવો હતો કે નિરાશાની ગર્તામાં સરી પડેલ. તે અને તેમનો ભાઈ ટ્રેનમાં બેઠા હતા. ત્યારે આડા-અવળા લીટા કરતા કરતા ‘મિકી માઉસ’ ચિત્રનું સર્જન થઈ ગયું. પછી તો આ મિકી માઉસે ધૂમ મચાવી દીધી. એક ઉંદર બાળકોમાં પ્રિય થઈ ગયો. વોલ્ટ ડિઝનીનું કહેવું છે કે, ‘‘કામ કરવાની ઈચ્છા હોય, તો વાતો કરવી બંધ કરીને કંઈક કરો ! મુશ્કેલીઓ આવે તો તેમનો સામનો કરવાથી મનોબળ દૃઢ બને છે.’’ આ વોલ્ટ ડિઝનીએ બાળકોને સ્વર્ગનો અનુભવ કરાવનાર ‘ડિઝનીલેન્ડ’ બનાવ્યું. આ તેણે પૈસો કમાવા માટે નહોતું બનાવ્યું ! બાળકોનો આનંદ પણ તેમણે ધ્યાનમાં રાખ્યો હતો. તેમના કામે તેમને ખૂબ પૈસો અપાવ્યો અને એક દિવસ તેમની ગણના ધનાઢયમાં થવા લાગી. તેમનું એ પણ કહેવું છે કે, ‘‘કોઈ એક કામમાં સફળતા મળી જાય, તો તે એક જ ન કર્યે રખાય. હંમેશાં નવું નવું કામ કરતા રહેવું જોઈએ. આપણે બીજાથી અલગ, અદ્વિતીય બનવું હોય તો પોતાની જાતને પ્રેમ કરવો જોઈએ. આપણે હંમેશાં ચાર ‘C’ની વાત યાદ રાખવી જોઈએ. સફળતામાં તે ખૂબ ભાગ ભજવે છે. આ ચાર ‘C’માં ક્યુરીઓસિતી એટલે કે જિજ્ઞાસા, કોનફિડનસ એટલે કે આત્મવિશ્વાસ, કરેજ એટલે કે હિંમત અને કોસ્ટન્ટસી એટલે કે નેકનિષ્ઠા. આ વાત યાદ રાખનાર આગળ વધે જ છે.’’ કાલુએ વોલ્ટ ડિઝનીની વાતો બરાબર યાદ રાખી છે અને આગળ વધે છે.
(ક્રમશ:)
