મા ! મારે ઊડવું છે -૧૨
મા ! મારે ઊડવું છે -૧૨
આવા વિચારો જ્યાં મગજમાં ચકરાવો લીધા કરતા હતા, ત્યાં જ કાલુને જે. પી. મોર્ગન વિશે જાણવા મળ્યું. વળી આજે પણ કાલુને થયું કે જે. પી. મોર્ગનની વાત બધાને કહું. જો કોઈ તેમાંથી કંઈ શીખે તો ! કાલુ સાહેબની રજા લઈને બોલવા લાગ્યો, ‘‘જે. પી. મોર્ગને યુ. એસ. સ્ટીલ કંપનીની સ્થાપના કરીને ખૂબ મહેનત કરી અને પોલાદ ઉદ્યોગના મહાન ઉદ્યોગપતિ બની ગયા. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ તેણે પોતાની કંપનીને જગમાં પ્રખ્યાત કરી દીધી. તેમની નામના આખી દુનિયામાં ફેલાઈ ગઈ. તેમનું કહેવું છે કે, કોઈપણ માણસ બે કારણસર કામ કરે છે, સારું કરવા માટે તથા સારું દેખાય તે માટે. જેટલું દૂર જવાય તેટલું જવું જોઈએ. ત્યાં જવાથી આગળનો રસ્તો દેખાશે. અઘરા સવાલને સરળ રીતે રજૂ કરતા આવડે તે તેનો જવાબ મેળવી શકે. જે મંદી વિશે વિચારે તે દેવાળિયો બને છે. ખરાબ વિચારને મનમાં આવવા જ દેવો ન જોઈએ. ખરાબ વિચાર જ માણસને ખરાબ બનાવે છે.’’
કાલુ કોઈ વાતનું અભિમાન કરતો નથી. કદી’ ખોટી બડાશ મારતો નથી. સમય કયારેય બગાડતો નથી. સમયની કિંમત બરાબર સમજે છે. એક એક ક્ષણને બરાબર માણે છે. દરેક ક્ષણ પાસેથી પૂરતું કામ લેવામાં માને છે. નવરાશનો સમય તો તેની પાસે છે જ નહિ. કયાંય ગપ્પા મારવા બેસતો નથી. કાલુ પોતે તો આગળ વધવા માગે છે અને બીજાઓને પણ ઉત્સાહ આપે છે. પણ કોઈ તેનું ધ્યાનમાં લેતા નથી. તે બધા તો એમ જ વિચારે કે જેના શરીરનો જ કોઈ નેઠો નથી એ શું આપણને શિખામણ આપે ! એવાની વાત શું માનવી ! પણ એ કોઈને એ વાત ધ્યાનમાં નહોતી આવતી કે કાલુનું મન પાંગળું નહોતું ! એનું મન તો સતત ઊડતું જ રહે છે ! ઊડતાં મનથી જ એ આગળ ઊડતો જતો હતો અને એ ઊડવાની ગતિને લીધે કાલુ બારમાં ધોરણના વિજ્ઞાનપ્રવાહમાં પણ અવ્વલ રહ્યો. હવે તેને ઈજનેર બનવું હતું. નાણાંની જરૂર હતી. મા મૂંઝાતી હતી. પણ કાલુની હિંમત અને તેની તેજસ્વીતા જોઈને એક પૈસાદારે તેની મદદ કરી. તેના અભ્યાસનો ખર્ચ તે વ્યક્તિએ આપવાનું નક્કી કર્યું.
કાલુને તો હવે જાણે સાચે જ પાંખો ફૂટી. તેની ઊડવાની ગતિ એકદમ તેજ બની. ઈજનેરી કામમાં તેને બીજા હાથનો ઉપયોગ જરૂરી બનતો હતો. કાલુને તે હતો નહિ. તેની આ મુશ્કેલી પણ બીજા એક પૈસાદાર વ્યક્તિએ દૂર કરી. કાલુના કાંડા ઉપર એવો નકલી હાથ કરાવી દીધો કે તેનાથી સામાન્ય કામ કરી શકાય અને પેલા હાથને મદદ પણ મળી શકે. હવે કાલુની હિંમતમાં જાણે ધોધ વછૂટયો. તે ખૂબ મહેનત કરે છે. બધાં કામ હસતાં મુખે સ્વીકારે છે અને કરે છે.
(ક્રમશ:)
