લોકોનાં દિલ જીતે તે સરદાર
લોકોનાં દિલ જીતે તે સરદાર
ઈ.સ. ૧૯ર૮ની આ વાત છે. તે સમયે અંગ્રેજ સરકારની નજરે બારડોલી ચડી ગયેલ. અહીં પાકાં મકાનો વધ્યાં. ઢોર અને વસતીમાં વધારો થયો. ભાવ-વધારો થયો અને ગણોતધારો વધ્યો. જમીનની આવકો વધી હતી. આવું આ સરકારનું માનવું હતું. તેથી સરકારે બારડોલી તાલુકાનું મહેસૂલ વધારીને બમણું કરી દીધું. ફરી તપાસ થઈ અને મહેસૂલ વધારામાં સુધારો કર્યો તોયે ત્રીસ ટકા વધારો તો રાખ્યો જ.
હવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. મહેસૂલ વધારો રદ કરવા ખૂબ વિનંતી કરી, પણ અંગ્રેજ સરકાર એવું સાંભળે ? સરકાર તરફથી મહેસૂલ વસૂલીના હુકમો પણ છૂટયા. ત્યારે આ લોકો એક વીરને મળે છે. આ વીરે પણ કહી દીધું કે, જે મરી ફીટવા તૈયાર હોય એની સાથે જ હું રહેવા તૈયાર છું. સરકાર જૂનું મહેસૂલ લે તો જ ભરવું એવું નક્કી થયું. આ વીરે સભાઓ ભરી અને લોકોને સમજાવ્યા. દરેક કોમના લોકોને એક કર્યા.
આ વીરે સરકાર સાથે ધારદાર પત્રવ્યવહાર કર્યો. આ દરેક પત્ર છાપાંઓમાં પણ છપાય. જેથી લોકોને સરકારની ભૂલ જાણવા મળે. આ વીરે લોકોને ખુમારીના પાઠ શીખવી દીધા હતા. ખોટી રીતે કદી' ઝૂકવું નહિ એવું સમજાવી દીધું. સરકારે મહેસૂલ વસૂલી માટે ફરમાનો કર્યાં- નોટીસો બજાવી. જમીન ખાલસા કરવા માટેની કાર્યવાહી કરી. કોઈ જપ્તી કરવા આવે તો કયાંય કોઈ જોવા જ ન મળે. ઢોર અને લોકો ઘર બંધ રાખીને સાથે પૂરાઈ રહેતા. પણ જપ્તી કરવા આવનાર આ કોઈને જોઈ શકતા નહિ. જપ્તીમાં કોઈ સામાન ઉપાડે કોઈ મજૂર પણ ન મળે. કોઈ હિંમત હારતું નથી. કયાંથી હારે ! તેની સાથે તો એક અડગ વીર હતા. આ વીરે સૌને તાકાતવાન બનાવી દીધા હતા. આ વીરે કહ્યું હતું કે, ''સત્ય માટે ખુવાર થવા તૈયાર હોય તેને જ જીત મળે.'' અને લોકોએ આ વાણી બરાબર ઝીલી લીધી. જે લોકો સરકારી નોકરી કરતા હતા તેઓએ પણ રાજીનામાં ધરી દીધાં. લોકોની લડતમાં વેગ આવતો ગયો. સરકાર જ્યારે સમાધાન કરવા તૈયાર થઈ ત્યારે આ વીરયોદ્ઘાએ શરત રાખી કે, સત્યાગ્રહી કેદીઓને છોડી દેવા, જપ્તીમાં લીધેલ હોય તે પાછું આપવું અને જેને સજા કરવામાં આવી હોય તેની સજા માફ કરવી. આ વીરની આવી વીરતાભરી શરતો સરકારે કહૂલે સ્વીકારવી પડી અને મહેસૂલ વધારો રદ કર્યો. ગાંધીજીએ આ વીરને 'સરદાર' કહીને બોલાવ્યા અને એ જ આપણા લાડલા 'સરદાર' વલ્લભભાઈ પટેલ.
આંખમાં વસવું સહેલું, પણ લોકોનાં દિલમાં વસવું હોય તો લોકો સાથે રહેવું પડે. ગમે તેવી પરિસ્થિતિ આવે, લોકોને છોડવા જોઈએ નહિ. પોતાના સુખનો વિચાર કરતાં પહેલાં લોકોના સુખનો વિચાર કરવો જોઈએ, અને આ રીતે લોકોનાં દિલ જીતીને જ લોકોના સરદાર બની શકાય, તેમને ડરાવીને નહિ.
