ક્યારેય અલવિદા ના કહેતી
ક્યારેય અલવિદા ના કહેતી




બધાં ચિંતાતુર થઈને હોસ્પિટલની નીચેના બગીચામાં બેઠા હતા. કોઈને હતું કે પૂજા બચી જશે તો કોઈને ખાતરી હતી કે હવે વાત આપણા કે પછી ડોકટરના હાથમાં પણ રહી નથી. છતાં બધા આખો દિવસ આવીને આ બગીચામાં બેસી રહે છે. સગા સંબંધીઓ રોજેરોજ ખબર લેવા ને એક જોતા સાંત્વના આપવા આવતા રહે છે. પૂજાના સસરા એનો પતિ પ્રણવ ને સૌ નજીકનાં સગાંવહાલાં ઉપર આવેલા આઇ.સી.યુ.માં વારે ઘડીએ બેસવા જતા હોય છે જેથી ડોકટર કોઈ દવા મંગાવે તો લાવી અપાય. લગભગ અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હતો પૂજાને સેન્ટર હોસ્પિટલમાંથી અહીં સિવિલમાં ખસેડયાને. પણ હજી સુધી એ વેન્ટિલેટર પર જ હતી એની તબિયતમાં કોઈ દેખીતો સુધારો જણાતો ન હતો. દિવસે ને દિવસે એનું શરીર કાળું પડતું જતું હતું, એના હાડકા ઉપસી આવતા હતા, એનો ચહેરો પણ બદલાઈ રહ્યો હતો. દિવસમાં એકાદવાર પ્રણવ અંદર આઈ.સી.યુ.માં જતો ને પૂજાને જોઈ આવતો. ગામડેથી એમ્બ્યુલન્સમાં લાવી પૂજાને સેન્ટર હોસ્પિટલમાં દાખલ રાખી ત્યાં સુધી પ્રણવ એકલો જ એની સાથે હતો. કેટલાય દિવસનો થાક એના પર જણાય આવતો હતો.
આજે કવન, પ્રણવના કાકાનો દીકરો પણ એનાં માતા-પિતાને લઈને રોજની માફક હોસ્પિટલ આવ્યો હતો. તેણે આવતા વેંત બધાને ટિફિન આપી જમવા મોકલી દીધાં. પછી એ ઉપર આઈ.સી.યુ. તરફ ગયો અને ત્યાં બેઠેલા પ્રણવને રીલિવ કર્યો. આવી રીતે કવનને પણ ઘણીવાર આઈ.સી.યુ. માં જવાનું થતું, પણ એ પૂજાને આમ જોઈ ન શકતો.
આખરે વિસમા દિવસે સાંજના ૮ વાગે ડોકટરે પ્રણવના જીજાજીને ઉપર બોલાવ્યા. પ્રણવના જીજાજી કલ્પેશકુમાર કવન ત્યાં હાજર હતો એટલે એને પણ સાથે ઉપર લઈ ગયા. આઈ.સી.યુ.માં બન્નેએ હાથે મોજા પહેર્યા, એક આખું ગાઉન પહેર્યું, માસ્ક પહેર્યું ને અંદર દાખલ થયા. ડોકટર એમને પૂજાના બેડ સુધી લઈ ગયા ને કહ્યું કે બેનનું કુદરતી ડેથ થઈ ગયું છે. સાંભળતા કવનથી પૂજા સામે જોવાયું જ નહીં ને કલ્પેશકુમાર મક્કમ રહ્યા. બન્ને સાથે નીચે ઉતર્યા ને નીચે જઇ એમને બધાને રોજની જેમ જ ઘરે મોકલી દીધા ને કોઈને વાતનો અંદાજ ન આવવા દીધો. પછી બધા ઘરે પહોંચીને જમી લીધા બાદ તેમણે પૂજાના ડેથની વાત જણાવી. રાતે ૧૧ વાગે શબવાહીની આવી પહોંચી ને પછી પૂજાને અંતિમવિધિ માટે ગામડે લઈ જવામાં આવી.
આખરે એ દુઃખદ ઘડી આવી પહોંચી જ્યારે પૂજાને છેલ્લીવાર શણગારીને સ્મશાન તરફ લઈ જવામાં આવે છે. કવન પણ ત્યાં જ હતો, આખરે જ્યારે પૂજાને લઈ જવામાં આવે છે ત્યારે આખો પરિવાર આક્રંન્દ કરે છે બધા સગાંવહાલાં રડી રહ્યા છે ... ત્યારે કવનથી રહેવાયું નહિ એટલે એ પણ ધોધમાર રડી પડ્યો ... આ જોઈ બધાને નવાઈ લાગી કેમકે કવનને પહેલા ક્યારેય કોઈએ આ રીતે રડતા નહોતો જોયો. કવનની પત્ની એની સામે જોવા લાગી ને જાણે પૂછતી હોય કે કેમ આટલું રડવું આવ્યુ? કવન આ જોઈ કઈ કહી તો નાં શક્યો પણ એ તેની પત્નીને ભેટી પડ્યો બસ પાંચ મિનિટ સુધી એમ જ ભેટ્યા પછી એ પ્રણવની સામે જોઈ રહ્યો ને જાણે વિચારતો હતો કે જેને આટલો અનહદ પ્રેમ કર્યો, જેની સાથે દિવસોના દિવસો ગાળ્યા, અગણિત રાતો કાઢી હવે એના વિના રહેવું કેટલું અસહ્ય હશે? કવનએ કલ્પના માત્રથી ડરી ગયો કે પોતાની જીવનસંગીનીનો સાથ આમ અધવચ્ચે છૂટી જાય તો શું થાય! ને છેલ્લે એણે પોતાની પત્નીનો હાથ જોરથી પકડી રાખ્યો ને જાણે કહેતો હોય કે, 'ક્યારેય અલવિદા ના કહેતી' !