કટાક્ષ કણીકાઓ
કટાક્ષ કણીકાઓ
૧. સહાનુભૂતિ
એક મોટા શહેરમાં 'પારિજાત' નામના પાર્ટી પ્લોટમાં એક દીકરીના લગ્ન હતાં. લગ્ન પુરા થયા ત્યારબાદ વિદાયનો પ્રસંગ આવ્યો. દીકરીનો આખોયે પરિવાર ખૂબ રડ્યો. ત્યારબાદ જમાઈને દીકરીને ગાડીમાં બેસાડતી વખતે એના બાપે જમાઈ સામે કરુણતાભરી નજર કરી કહ્યું,"હવે તમારો (રડવાનો) વારો છે. મારી સહાનુભૂતિ તમારી સાથે છે. "
૨. સફેદ સાડલો
એક મધ્યમવર્ગીય અભણ અમદાવાદી સ્ત્રીનો પત્રકારે ઇન્ટરવ્યૂ કર્યો. પત્રકારે પૂછ્યું કે,"માનો કે તમારા પતિ મૃત્યુ પામે તો તમે પેલું કામ શું કરો ?" સ્ત્રીએ જવાબ આપ્યો કે,"પેલા તો સફેદ સાડલા સસ્તા ક્યાં મળે છે એની તપાસ કરું. "
૩. છૂટાછેડા
ફેમિલી કોર્ટમાં કેસ ચાલતો હતો છૂટાછેડાનો. જજે મુરતિયા પરનું આરોપનામું વાંચ્યું. દંગ હાલતમાં જજે સ્ત્રીની સામે જોયું અને કહ્યું,"તમારો પતિ
કમાઉ છે, દેખાવડો છે, પરિવાર તરફથી કોઈ ત્રાસ નથી. તો છૂટાછેડા કેમ જોઈએ છે ?" સ્ત્રીએ કહ્યું,"સાહેબ,મારી બધી બહેનપણીઓએ એના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા છે તો પછી હું શા માટે પાછી પડું ?"
૪. આધુનિક નારી
એક વખત એક નારીવાદી સુધારકે એક આધુનિક નારીને પૂછ્યું,"જો તમારે સ્ત્રી તરીકેની જવાબદારીઓમાં કોઈ એક પુરુષને આપવાની થાય તો કઈ આપો અને કેમ ?"આધુનિક નારીએ કહ્યું,"હું તો એક જ જવાબદારી સોંપું - બાળકની. કારણ કે એને લીધે અમારી ફેશન બગડી જાય છે. "
૫. બિલાડી
એક મરસિડિઝ કારમાં ઉદ્યોગપતિ એના પરિવાર સાથે જતો હતો ત્યાં વચ્ચે બિલાડી આડી ઉતરી. ઉદ્યોગપતિની માતાએ કહ્યું,"ગાડી ઊભી રાખી દે. હવે દસ મિનિટ પછી જ આગળ જવાય. "ત્યાં વાતડાહી વહુ બોલી કે,"બા, તમને બિલાડી બચાવવાના પુણ્યને લીધે નક્કી ઈશ્વર આવતા જન્મમાં તમને બિલાડી બનાવશે. "