પ્રથમ પરમાર

Comedy Fantasy

4  

પ્રથમ પરમાર

Comedy Fantasy

હાસ્યનો કંટાળો

હાસ્યનો કંટાળો

4 mins
213


(કેટકેટલી વાર્તાઓ વાંચી કાઢી હશે તમે અત્યાર સુધી સપના પર! પણ આ વાર્તા એ બધાથી કંઈક જુદી છે. અહીં મારી દુનિયામાં પૈસા છે જ નહીં,પરંતુ ચલણરૂપે હાસ્ય પ્રવર્તે છે. )

હું મારા બે ત્રણ મિત્રોને પરાણે આ અનોખા શહેરમાં ઢસડી લાવેલો. એ બંનેને જ્યારે મેં કહ્યું કે આપણે એ શહેરમાં જવાનું છે ત્યારે એ બંનેની પત્નીઓના અપહરણની મેં ધમકી આપી હોય એવી રીતે એ બંનેએ મારી સામે જોયું. પણ પરાણે એ બંનેને આ હાસ્યના શહેરમાં લઈ ગયો હતો.

હું ને મારા મિત્રો એ શહેરમાં જવા એ શહેરની બસમાં બેઠા. એ શહેર જવાના હાઈ વે પર ખબર નહિ કેમ પણ બધા હસતા જ જોવા મળતા હતા. કોઈ બાળક ચોકલેટ ખરીદીને હસતું હતું, વચ્ચે ટોલ નાકુ આવ્યું તો ડ્રાઈવર દસેક મિનિટ હસ્યો અને પછી બસ આગળ વધી. પણ સામાન્ય રીતે ટોલ નાકા પર પૈસા લેવામાં આવે છે પણ અહીં તો પેલો ડ્રાઇવર દસેક મિનિટ હસ્યો અને ટોલ નાકા પરથી બસ જવા દેવામાં આવી.

ને આખરે અમે પહોંચ્યા અમે એ શહેરમાં. શહેરના પ્રવેશદ્વાર પર લખ્યું હતું:"હસવાની હિંમત હોય તો જ આ શહેરમાં પ્રવેશવું. બાકી હેરાન થશો." હું ને મારી સાથે પરાણે આવેલા મિત્રો આ વાંચીને દંગ રહી ગયા. શહેર અનોખું છે એ તો સાંભળેલું પણ આ તે કેવી વિચિત્ર સૂચના! મારા મિત્રોએ તો આ વાંચીને જ મારી સાથે અંદર આવવાની ના પાડી દીધી. પણ પછી મેં એક વૃદ્ધ અધ્યાપકની માફક હાસ્ય પર લાંબું અને કંટાળાજનક ભાષણ આપવાની શરૂઆત કરી હતી ત્યાં તો એ બંને માની ગયા. અહીં આવવા પણ એ બંનેને એમ જ મનાવ્યાં હતા.

અમે શહેરની અંદર પ્રવેશ્યા. ત્યાં જ્યાં જુઓ ત્યાં બધા હસતા જ જોવા મળતા હતા. બધા એવી રીતે હસતા હતા જાણે કોઈને જીવનમાં કરવા માટે બીજા કોઈ કામ જ ન હોય ને માત્ર મોક્ષની જેમ એ લોકોનો ધ્યેય માત્ર હાસ્ય જ હતું. અમે હસતા ન હોવાથી એ બધાથી અલગ પડતા હતા. અમે જાણે વિદેશમાં ગયેલ અંગ્રેજી ન જાણતો વેપારી જેવા લાગતા હતા.

રસ્તા પર ચાલતા તમામ લોકો પણ હસતા જ હતા. ખબર નહિ કેમ પણ અમુક બુઢા માણસો પણ ત્રેવડ ન હોવા છતાં અને મોઢામાં ગુફા થઈ ગયેલ હોવા છતાં બસ હસ્યે જ રાખતા હતા. મારો હાથ અચાનક પાછળની બાજુ વાળ્યો અને ત્યાં લોખંડની સાંકળ બાંધવામાં આવતી હતી. મારા મિત્રો તો પહેલા જ બંધાયેલા હતા. કોઈ પાછળ રાક્ષસી જેવું હસતા બે ત્રણ સૈનિકોનું આ કૃત્ય હતું. અમે પૂછ્યું કે,"અમારો શો દોષ છે ?" પણ જવાબમાં તેને રામાનંદ સાગરજીની રામાયણના રાવણ જેવુ હાસ્ય આપ્યું. અમારી આંખો પર પાટા બાંધી દેવામાં આવ્યા. બાળક રમવા માંગતું હોય ને પિતા એને ઘરે લઈ જવા માંગતો હોય ત્યારે પિતા બાળકને જે રીતે ઢસડીને,ખેંચીને લઈ જાય એમ એ લોકો મને અને મારા મિત્રોને લઈ જતા હતા. ભલે હું સાંભળી શકતો નહોતો પણ નક્કી મારા મિત્રો મને ગાળો આપતા હતા એ નક્કી!

અમારી આંખો ખોલવામાં આવી અને આ શું ?સામે એક દુંદાળો માણસ બેઠો હતો અને એની છાતી પર એક હસતો વિદુષક દોરવામાં આવેલો હતો. પછી જ્યારે મેં જ્યારે મારી તીક્ષ્ણ દ્રષ્ટિએ જોયું ત્યારે ખબર પડી કે આ તો કોઈ ઇતિહાસમાં દર્શાવ્યો હોય તેવો રાજ્યદરબાર હતો. ત્યાં બેઠેલા તમામ લોકોની છાતી પર વિદુષક દોરેલા હતા. હું તરત જ મારા બે મિત્રો વિશે પૂછવા લાગ્યો. પણ પહેલા પંદર મિનિટ હસો એમ કહેવામાં આવ્યું. મારે પરાણે ન ગમતું હોવા છતાં હસવું પડ્યું. મારા જડબા દુઃખી ગયા બાદ તે લોકોએ મારા બંને મિત્રોના મને દર્શન કરાવ્યા તે લોકો મારી પાછળ જ હતા.

મારી એની સામે જોવાની હિંમત નહોતી. ત્યારબાદ એક પિશાચી હાસ્ય રેલાવનારા વ્યક્તિએ રાજાને કાનમાં કંઈક કહ્યું પછી રાજાએ મને એક કાગળ આપ્યો જેમાં ઉપર લખ્યું હતું:

આ શહેરની વ્યવસ્થા:-

૧. કોઈ હોટેલમાં રોકાવું હોય તો કાયમ અડધી કલાક હસવાનું ભાડું આપવું.

૨. કોઈ વસ્તુ ખરીદવી હોય તેના ઉપર લખ્યું હોય એટલા સમય કિંમતરૂપે હસવું.

૩. પરિવહનમાં કંડકટર કહે તેટલો સમય હસવું પડશે ભાડા રૂપે!

૪. રોડ પર ચાલવું હોય તો કરરૂપે સતત હસતા રહેવું.

૫. ઘર ખરીદવું હોય તો કાયમ સરકારના બાંધકામ વિભાગમાં બે કલાક હસવા જવું પડશે.

આ વાંચીને તો મને અને મારા મિત્રોને હૃદયનો હુમલો આવતા આવતા રહી ગયો. મારા મિત્રો તો આ વાંચ્યા બાદ મને મારી જ નાખશે એવું લાગ્યું. પણ હવે આવી ગયા બાદ થાય પણ શું?અમે ત્યાં એક દિવસ રોકાયા ને એટલું હસ્યાં છીએ કે હસવાનો કંટાળો આવી ગયો હતો. હસવું એમ કોઈ બોલતું તો પણ અમે ગુસ્સે થઈ જતા.

ત્યાંથી પાછા આવ્યા મારા એ બે મિત્રોની પણ હાલત એવી જ હતી. ને મારા એ બે મિત્રો હતા કાગળ ને કલમ જેના થકી હું મારી અને તમારી અંદર બેઠેલા કલ્પનાશીલ વ્યક્તિને આવા શહેરની સફરે લઈ ગયો હતો.

"હવે ઉભો થા,સાડા આઠ થયા,લેક્ચર નથી ?"હું સફાળો જાગ્યો અને મારા મમ્મીની સામે જોઇને હસવા લાગ્યો. સપનું તે સપનું, કાશ આવી દુનિયા હોય !


Rate this content
Log in

Similar gujarati story from Comedy