આળસ: એક વરદાન
આળસ: એક વરદાન
એક જમાનો હતો જ્યારે નિશાળના અને શિક્ષકોના દુર્ભાગ્ય હું પણ ભણવા જતો. લગભગ મારા ભીરુ સ્વભાવને ધ્યાનમાં રાખીને જ 'ચિત્રલેખા' દેવીએ મારા નસીબમાં એક જ શાળામાં અભ્યાસ કરવાનું ઠરાવેલું. એ શાળાના એક વર્ગમાં ભૂગોળ ભણાવતી વખતે અમારા સાહેબે અમને સવાલ પૂછ્યો કે,"મારા વ્હાલા ઠોબારાઓ ! કહો જોઈએ ઈશ્વરે માણસને આપેલું શ્રેષ્ઠ વરદાન ક્યુ ?" આમ તો શિક્ષકે કરેલા સંબોધન મુજબ વર્ગમાં બધા ઠોબારાઓ જ હતા પણ અપવાદ તો હોય જ ! એવા અપવાદરૂપ એક વિદ્યાર્થીની સાથે જ્યારે જવાબ આપવા મેં મારી આંગળી ઊંચી કરી ત્યારે શિક્ષકને એવો આઘાત લાગ્યો જાણે એની છોકરીને ભગાડીને પરણવાની ધમકી આપી હોય ! એક શાણા વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે,"સાહેબ પાણી એ શ્રેષ્ઠ વરદાન છે."પછી બીજા શાણા વિદ્યાર્થીએ પેલાના મતનું ખંડન કરતા કહ્યું કે,"ના,સાહેબ માત્ર પાણી નહીં પણ પંચતત્વો શ્રેષ્ઠ આશીર્વાદ છે."
અમારા દુર્ભાગ્યથી (અને છોકરીઓના સદભાગ્યથી) અમારા વર્ગમાં કોઈ છોકરીઓ નહોતી. કદાચ મને ધ્યાનમાં રાખીને જ અમારી શાળાએ સહશિક્ષણની રોમેન્ટિક વ્યવસ્થા નહોતી કરી. પણ જો કોઈ છોકરીને આ સવાલ પૂછ્યો હોત તો એ કહે કે, "સાહેબ માતા-પિતા એ જ શ્રેષ્ઠ વરદાન છે."પણ એવા જવાબનો અમારા વર્ગમાં દુકાળ હતો. દ્રોણાચાર્યના આશ્રમમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એવી જ રીતે મારી એકલી અટુલી ઊંચી થયેલી આંગળી હવે મારા શિક્ષકને દેખાઈ. એને મને જવાબ આપવાનું કહ્યું અને મારો જવાબ સાંભળ્યા બાદ અમારા શિક્ષક પોતાના મુખ પર ટમેટાનું કેચપ લગાવીને આવ્યા હોય એ રીતે ગુસ્સાથી રાતાચોળ થઈ ગયા. આખો વર્ગ સાહેબનું પેન્ટ વર્ગની સામે ઉતરી ગયું હોય એ રીતે ખડખડાટ હસવા લાગ્યો. પણ આ બધું કેમ થયું હતું એ હું જાણતો નહોતો કારણ કે મેં તો સાહેબના સવાલનો સીધો સીધો ઉત્તર આપેલો કે,"સાહેબ આળસ એ માનવજાતને મળેલ શ્રેષ્ઠ વરદાન છે." પછી આગળ શું થયું એ લખવાની આળસ આવે છે.
એ સમયે ભલે કદાચ શિક્ષક અને વિદ્યાર્થીઓ મારી સાથે સહમત ન થયા પણ છતાંય આજે હું દ્રઢપણે માનું છું કે આળસ એ માનવજાતને મળેલ શ્રેષ્ઠ વરદાન છે.ખબર નહિ કેમ પણ આ દુનિયાના શાણા માણસો 'આળસુ'ને ગાળો ભાંડે છે અને 'ઉદ્યમીઓ'ને વખાણે છે. મૂર્ખાઈ કરે છે આ શાણા લોકો, બિચાળાઓને બુદ્ધિનો લીલો દુકાળ છે. માણસજાત આળસ કરતા શીખી જાય તો કેટકેટલી મુસીબતોમાંથી બચી શકીએ એનો અંદાજ આ શાણા માણસોને હોતો નથી.આમ તો અંદર પહેરવાની ગંજીથી માંડીને શબ પર કેવા રંગનું કફન ઓઢાડવું એ તમામ બાબતોમાં સલાહ આપવા ભારતીય વડીલો કુખ્યાત છે.પણ ઉપરોક્ત અંદાજને અભાવે તેઓ એક ને એક સલાહ આપે છે કે,"આળસ ન કરો, કામ કરો." જો હિટલરે યહૂદીઓ પર અત્યાચાર કરવામાં આળસ કરી હોત તો કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધે આકાર જ ન લીધો હોત.જો કસાબે બંદૂક નો ઉપયોગ કરવામાં આળસ કરી હોત તો કેટલાય લોકોનો જીવ બચી ગયો હોત. પણ ખેર,જવા દો ! આવી પવિત્ર લાગણી 'આળસ'ની કિંમત કોઈને છે જ ક્યાં ! દુર્ભાગ્ય આપણા !
હવે તમારામાંથી કોઈ વકીલ હોય તો કદાચ એવી દલીલ કરે કે જો અર્જુને મહાભારતનું યુદ્ધ કરવામાં આળસ કરી હોત તો ધર્મરાજ્ય સ્થાપી શકાય ખરું ? વૈજ્ઞાનિકોએ આળસ કરી હોત તો આજે આટલી શોધખોળો થઈ શકી હોત ખરી ? વગેરે વગેરે વગેરે. પણ આવી દલીલ કરનારા આ પ્રશ્નના પરાપૂર્વ સંદર્ભ ભૂલી જાય છે. શાંતનુ રાજા એ મોહિત થવામાં આળસ કરી હોત અને પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા કરવામાં આળસ કરી હોત તો કદાચ અર્જુનને આળસ કરવાનો વખત જ ન આવત ! જ્યાં સુધી વાત વૈજ્ઞાનિકોની છે તો તેમણે આળસ કરી હોત તો આજે આપણે ભૌતિકવાદી ન બન્યા હોત.
આદિમાનવોએ ઉદ્યમ કરીને જ આપણા પર ત્રાસ વર્તાવ્યો છે. આદિમાનવે જ આળસ કરી હોત તો આજે જે સાંસારિક માથાકૂટો છે એનાથી કેટલું બચી જવાયું હોત ! આર્ય લોકો અને ગ્રીક લોકોમાં પણ 'આળસ'નો ગુણ નહોતો અને 'ઉદ્યમ'નો અવગુણ હતો જેથી આવડી મોટી સંસ્કૃતિઓ વિકસાવીને બેસી ગયા અને પરિણામ જુઓ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ વર્ષોથી અથડાયા કરે છે.ઉપરાંત એ લોકોને ઉદ્યમ કરવા બદલ ઈતિહાસના વિદ્યાર્થીઓની ગાળો ખાવી પડે છે તે અલગ ! પાછું આવડી મોટી સંસ્કૃતિ વિકસાવવાનો ઉદ્યમ કરીને આખરે તો કાલ પુરુષ બધું ઉડાડી ગયો-સાપ ગયો અને લીસોટા રહી ગયા ! વળી પાછા આ લિસોટા પર ઈતિહાસના અધ્યાપકો મોટા મોટા ભાષણ કરવામાં જો 'આળસ' કરે તો ઈશ્વરે કૃપા કરવાનો 'ઉદ્યમ' કર્યો હશે એમ માની શકાય.
કદાચ પંડિતોને પણ ખબર નહીં હોય એવી ગીતાની એક વાત હું જાણું છું. (આમ પણ આવી ઘણી બાબતો હું જાણું છું પણ આળસને લીધે અહીં એક જ મુકું છું) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને આળસની જ તરફેણ કરી છે. પણ બસ ફેર એટલો કે ભગવાને 'નિષ્કામ કર્મ'નું નામ આપી દીધું. આ નિષ્કામ કર્મ આળસનું જ શિષ્ટ રૂપ છે. કંઈ કરો નહીં છતાં કર્મના બંધનમાંથી મુક્તિ મળતી નથી તો પછી કૃષ્ણએ સૂચવેલી આળસ જ કેમ ન કરીએ ? મારુ તો ચાલે એમ નથી બાકી આખા જગતમાં 'ઉદ્યમપ્રેમી મુક્તિ અભિયાન' શરૂ કરી દઉં અને બધાને આળસ ઉર્ફે નિષ્કામ કર્મનો ઉપદેશ આપું - પણ હા ઉપદેશ આપવામાં આળસ ન આવે તો !
બસ,હવે મને આગળ લખતા પણ આળસ આવે છે એટલે અહીં અટકું છું - અટકવામાં આળસ કર્યા વિના !
" મળતા મળી ગઈ મોંઘેરી આળસ, આળસ મોરી મોરી રે."