Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

પ્રથમ પરમાર

Comedy


4  

પ્રથમ પરમાર

Comedy


હું તો લેંઘો જ પહેરીશ !

હું તો લેંઘો જ પહેરીશ !

6 mins 192 6 mins 192

"હવે પરણાવવા જેવડો થયો ઘરમાં તો ઠીક બહાર જાય ત્યારે તો આ લેંઘા ને બદલે વ્યવસ્થિત કપડા પહેરતા શીખ તો સારું છે." લગ્નની કંકોતરી તૈયાર થઈ ગઈ હોય,બધા મહેમાન આવી ગયા હોય અને મંડપ રોપાઈ ગયો હોય ત્યારે વરરાજો ના પાડે કે ના હું નહિ પરણું અને જેવા ચહેરા એ વરરાજાના માબાપ ના થાય એવા ચહેરે મને મારા મા-બાપે ઉપરનું બ્રહ્મવાક્ય કહ્યું. મને ઘરમાં કે બહાર (આમ તો કહેવું જોઈએ કે કંઇ પણ પહેર્યા વિના રખડવું ગમે પણ વિવેચકોના ડરથી નથી લખતો) માત્ર ને માત્ર એક,અખંડ અને સૌથી વધુ સુખદ વેશ પહેરવો ગમે અને તે છે 'લેંઘો' !

  વાચકને થશે કે એ તો જાણે નીચેની વાત પણ ઉપર શું ગમે ? હું જાણું છું કે આ લેખ વાંચતાં કોઈ પણ વાચકને હું ઉપર કે નીચે શું પહેરું છું એનાથી કોઈ ફેર પડતો નથી છતાં હું અત્યારે પહેરેલા લેંઘાની કસમ ખાઈને કહું છું કે એની ઉપર મારે ગમે તે ચાલે.પણ મને એ સમજાતું નથી કે લોકો તેને 'નાઈટ ડ્રેસ' કેમ કહે છે ? આપણા પૂર્વજો દિવસ-રાત-બપોર લેંઘો પહેરતા તો પછી હું આખો દિવસ એ પહેરવાની જિદ કરું ત્યારે મારો વિરોધ કેમ ? પણ ઝીણવટપૂર્વક અભ્યાસ પરથી જાણવા મળે છે કે ખરેખર એ લોકોને કદાચ આ કપડાવાળા લોકો કમિશન આપતા હશે.જો બધા જ આખો દિવસ લેંઘા પહેર્યા કરે તો બીચાળા નીત નવીન કપડા રાખનારા દુકાનદારોની શું હાલત થાય ? એ ન્યાયે એ લોકો મને મારી દરેક રૂંવાટી ખેંચનારા,કમર સુધી ચડાવવા માટે સો હાથીનું બળ જોઈએ એવા 'સ્ટ્રેચેબલ' પેન્ટ પહેરવા દબાણ કરતા હશે. મારી હંમેશા એવી માંગ રહી છે કે કપડાં એવા હોવા જોઈએ કે તમે પહેરો છતાં તમને એમ જ લાગે કે તમે નિર્વસ્ત્ર છો પણ આ નવી ફેશન વાળા તો સ્ત્રીઓમાં જાણીતી અને માનીતી 'લેગીંગસ' જેવા પેન્ટ બનાવતા જાય છે એ પ્રદૂષણ કે ભ્રષ્ટાચાર જેવો જ ચિંતાજનક મુદ્દો છે.

  વિષયાંતર કરવું અને વાચકોને શક્ય હોય એટલો કંટાળો આપવો એને હું મારો ધર્મ ગણું છું એટલે આવું ઘણી વખત મારી અંકે રૂપિયા દસની કલમમાંથી ઉપરોક્ત લખાણ જેવા પરિચ્છેદ લખાઈ જાય છે. પણ વાત કરતા હતા મારા 'લેંઘા પ્રેમ'ની ! લોકો ભલે ભારતીય સંસ્કૃતિ ભૂલી જાય, ભારતીય સંસ્કૃતિની અંદર રહેલા ગૂઢ તત્વને દબાવવા મથે પણ હું તો એને વળગીને જ રહેવાનો કારણકે હું ઇતિહાસનો વિદ્યાર્થી છું અને એ બાબત મારી લેંઘા પર જે પ્રીતિ છે એના પરથી સાબિત થશે. તમે લોકો આખી સંસ્કૃતિ પર નજર કરો બધા જ પૂર્વજો ધોતી પહેરતા હતા ! અરે ગાંધીજી સરદાર સુધ્ધા ધોતી પહેરતા હતા ! કેમ ? કારણકે તેનાથી શરીરને પૂરતી માત્રામાં હવા મળતી રહે અને એકંદરે માણસ સ્વસ્થ રહે છે. દવાખાનામાં એટલે જ એના શર્ટ લેંઘો પહેરાવે છે એવું મારું માનવું છે. અલબત્ત આ દવાખાનામાં આવું પહેરાવે એવું માત્ર ફિલ્મો ધારાવાહિકોમાં બતાવે છે,પ્રત્યક્ષ અનુભવ નથી ! આપણા ગુજરાતી લોકોને પહેરાવે તો પછી એ વેશ ચોરાઈ જવાની ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાવા લાગે તો નવાઈ નહીં.

 કાળક્રમે અંગ્રેજોની અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય થયો અને તેમાંથી ભારતની ધોતી અને અંગ્રેજોના પેન્ટ એ બંનેનું માન રાખતો 'લેંઘો' સર્જાયો ! પણ આજે લેંઘાનો ઇતિહાસ મેં કહ્યો તે મારા માતા-પિતા કે મહેમાનો સમજવા તૈયાર નથી. એમાં અમુક અંગત સ્વજનો તો મને પરણાવવાની ધમકી આપ્યા કરે છે જાણે પરણવું જ મારા જીવનનો ધ્યેય હોય ! એક વખત એક સજ્જન મારા ઘરે આવ્યા. ઉંમર વધી ગઇ હોવા છતાં યુવાનીના ઉભરા શમતા ન હોવાથી તેણે પોતાના વાળની સાથે, મૂછો અને ને પણ હેરડાય કરેલ હતા- સારું થયું દાઢી છોડી દીધી હતી ! પ્રતિક્ષણ એ માણસ ખાવાનું જ કાર્ય કરતો હશે એવું થયા વિના ન રહે તેવું એનું મોટું પેટ હતું. રખેને કોઈ છોકરી સામું જોઈ લે તો મોજ આવી જાય એવા હવાઈ કિલ્લા બાંધીને બજેટ બહારના જીન્સ પેન્ટ અને ટીશર્ટ એણે પહેરેલા હતા.

  એ સજ્જન અંદર પધાર્યા ને મને જોયો ને જાણે હું એની દીકરીને ભગાડી ને લગ્ન કરી આવ્યો હોય એવી રીતે મારી આખી પાતળી દેહયષ્ટિ ને તે ધારી ધારી ને જોવા લાગ્યા.મને ક્ષણવાર તો થયું કે નક્કી આજે આ માણસ મને જવા દો... ! સજ્જન (સજ્જન હતા કે નહીં યાદ નથી)મારી પર ત્રાટક્યા,"શું આખો દિવસ લેંઘા પહેરીને ફર્યા કરે છે ? "

" કેમ આ લેંઘામાં વાંધો શું છે ? "

"અરે મૂળા ! (આ એક કાઠીયાવાડી શાકભાજીમાંથી બનેલ ગાળ છે.) વાંધાની ક્યાં કરે છે, આમાં કોઈ વેપારી માણસ ઘરે આવે તો કેવું લાગે ? "

"જો સાચો વેપારી હોય તો લેંઘાનો વેપાર કરવાનું સૂઝે."

"એ લબરમૂછિયા ! જરાય મજાક કરવાની ઈચ્છા નથી,આવોને આવો રહ્યો હતો તો કોણ દીકરી આપશે ? "

"કાકા એટલા માટે તો તમારી સાથે સંબંધ રાખેલ છે,તમારે જ મારું ગોઠવવાનું છે."

કાકાએ મારા પર એક મુરતિયાને જોતી વખતે છાજે એવી નજર કરીને કહ્યું કે,"ડોબા હું કોઈની છોકરીની જિંદગી બગાડવા માગતો નથી."

 હશે, કાકા કહેતા હશે એ સાચું જ હશે ! મુઆ છોકરીના ભાગ્ય બીજું શું ? એમ વિચારીને મેં મારા ઓરડામાં વાંચવાનું બહાનું કરીને સીધાવ્યું અને એ સજ્જન કાકા મારા પિતાજીને મારી ફરિયાદ કરતા હોય એવું લાગ્યું અને પછી મારા મા-બાપે મને લેખની શરૂઆતમાં કહ્યા તે વચનો સંભળાવ્યા પણ હું એમ કંઈ સાંભળી લઉં એટલો પણ સીધો નથી. આમ તો બહુ નબળો માણસ છું પણ મને જે બાબત લાગુ ન પડતી હોય તે બાબતમાં, બાકી મને જે બાબત નડે એમાં હું એકદમ સાવધ, શક્તિશાળી અને હોશિયાર માણસ બની જાઉં છું એમ મને મારા મિત્રો કહે છે અને હું પણ એ ભ્રમમાં માનું છું. બિચાળા મિત્રોનો ભ્રમ તોડીને તેમને શા માટે દુઃખી કરવા ?

 "પણ તમને હવે છેક સૂઝ્યું ? અત્યાર સુધી પહેરતો હતો તો કોઈને વાંધો નહોતો ? પેલા કાકા કહી ગયા એટલે મારી પાછળ પડી ગયા ને ? "આવું મને લેખની શરૂઆતના પ્રશ્નોના જવાબરૂપે કહેવાનું મન થયું પણ મારામાં મૂર્ખતાની સાથે થોડી સંસ્કારિતા પણ છે એટલે માત્ર મા-બાપના મુખમાંથી કપડાતરફી જે વાણી સરતી હતી તે હું નિભંરાની જેમ સાંભળી રહ્યો. બીજે દિવસે બીજો દિવસ ઉગ્યો. લગભગ મને એવો વહેમ છે કે આ સૂર્ય મારી રાત્રીની અધૂરી ઊંઘ હજી પૂરી ન થઈ હોય ત્યાં જ ઊગી જાય છે, બહુ નફફટ છે. હું મારા રોજના ક્રમ મુજબ લેંઘો ટીશર્ટ પહેરી બહાર નીકળ્યો ત્યાં પાછળથી મારા કાન માં અવાજ અથડાયો."આવ્યો, લેંઘા માસ્તર આવ્યો !" મને એમ કે ભ્રમ છે પણ ફરીથી એ જ આવ્યો.જોયું તો છોકરાઓ કૂતરાને બતાવીને કહેતા હતા કે જો પેલો સાયકલમાં લેંઘા માસ્તર ચાલ્યો જાય છે. કૂતરો મારી પાછળ દોડે,લેંઘો ફાટે,આબરૂ જાય...એ પહેલાં જ મારા એપાર્ટમેન્ટમાં ચાલ્યો ગયો-જ્યાં જવું હતું એ મુલતવી રાખીને !

  ઘરે આવીને વૃતાંત કહ્યું. મને એમ કે મારી ભોળપના વખાણ કરી, મારા પર માતા-પિતાને દયા આવશે એને બદલે તો દાદા-દાદી બનવાના હોય એવી રીતે ખુશ થયા અને ''બરાબર થયું,તું એ જ લાગનો છે." એમ કહેવા લાગ્યા. મને પારાવાર દુઃખ થયું પછી સાંજે મારા એકમાત્ર અને આદરણીય પિતાજીએ લેંઘો પહેરવાના ગેરફાયદા અને કપડા પહેરવાના ફાયદા વિશે લાંબું ભાષણ આપ્યું મારા માતૃશ્રીએ પરણી નહિ શકે, કોઈ બોલાવશે નહીં, મૂર્ખ ગણાઈશ, બધું વાંચેલું અફળ જશે એવી કંઈક ધમકીઓથી મને લેંઘો ન પહેરવા બદલ (અલબત્ત, આખો દિવસ) સમજાવ્યું પણ મારું મન, હૃદય અને મગજ ત્રણેય દેહને સાથે લઈ આંદોલનકારીની અદા સાથે કહેતા હતા કે ,"નહીં ઈશ્વરે લેંઘો તારા માટે જ બનાવ્યો છે અને તારે પહેરવાનો જ છે.આથી મારી જીભે એ આંદોલનકારીઓના બળવાને ઝીલ્યો અને મારા માતા-પિતાને કરોડરજ્જુની મદદથી ઊભા થઈ કહી દીધું કે,"હું તો લેંઘો જ પહેરીશ !"


Rate this content
Log in

More gujarati story from પ્રથમ પરમાર

Similar gujarati story from Comedy