ક્ષિતિજ
ક્ષિતિજ
તિથલના દરિયા કિનારે સમી સાંજનો સમય છે. નેત્રા અને નયન હાથમાં હાથ રાખીને સસ્મિત ક્ષિતિજ પર અસ્ત થઇ રહેલા સૂર્યને જોઈ રહ્યા હતા. બંને ખુશ કેમ નહિ હોય, આજે એમને દુનિયાભરની ખુશી મળી ગઈ હતી. બાળપણની મિત્રતા, એ મિત્રતામાંથી પ્રેમ અને આજે એમના પ્રેમને બંનેના માતા-પિતાની મળેલી સંમતિ. ત્રણ મહિના પછી મુહૂર્ત પણ લેવાઈ ગયું હતું. પરંતુ અસ્ત થઇ રહેલા સૂર્યના લાલ કિરણો અત્યારે જ જાણે નેત્રાના સેંથામાં સિંદૂર ભરી રહ્યા હતા.
"નીતિનભાઈ, તમે શું કહી રહ્યા છો એ તમને ખ્યાલ છે ?" બળવંતભાઈ આક્રોશથી ધ્રુજી રહ્યા હતા.
લગ્નને એક જ મહિનો બાકી હતો અને નેત્રાના પિતા નીતિનભાઈ, નયનના ઘરે આવી તેના પિતાને સગાઇ તોડવાની વાત કહી રહ્યા હતાં. એમની વાત સાંભળી નયનના માતા ખુરશી પર ફસડાઈ પડ્યા. આગળ શું બોલવું તે બળવંતભાઈ સમજી શકતા ન હતાં. લગ્નની ઘણી બધી તૈયારીઓ થઇ ગઈ હતી. નજીકના સગા-વ્હાલાઓને જાણ થઇ ગઈ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો પણ અચાનક જ આવેલા વાવાઝોડાએ એ ખુશીઓને વેરવિખેર કરી દીધી હતી.
"હું જાણું છું તમને તકલીફ થશે, પણ મારી દીકરીનું ભવિષ્ય મારી અગ્રતા છે. ખુબ જ પૈસાપાત્ર અને ભણેલો છોકરો છે, મારી દીકરી એની સાથે સુખી થશે એ હું જાણું છે." નીતિનભાઈ ખુબ જ રુઢતાથી વાત કરી રહ્યા હતા. એમના શબ્દો બળવંતભાઈના હૃદયને તીરની જેમ વેધી રહ્યા હતા.
"આ નિર્ણય શું નેત્રાનો પણ છે ?" બળવંતભાઇએ વેધક સવાલ કર્યો, જેનો કોઈ જવાબ નીતિનભાઈ પાસે ન હતો. તેઓ પીઠ ફેરવી ઘરની બહાર નીકળી ગયા.
"પપ્પા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, અમને જૂદા કરશો તો અમે જીવી નહિ શકીએ." નેત્રા રડતા રડતા કહી રહી હતી. નયને એનો હાથ પોતાના હાથમાં લઇ સાંત્વના આપવાની કોશિશ કરી.
"પપ્પાજી, માન્યું કે એ છોકરો પૈસાપાત્ર છે, ખુબ ભણેલો છે, ફક્ત આ કારણથી તમે અમને જૂદા કરી રહ્યા છે ? તમે નેત્રનો વિચાર નહિ કર્યો ?" નયને છેલ્લી કોશિશ કરતા અણિયાળો સવાલ કર્યો.
"નેત્રનો વિચાર કરીને જ મેં આ નિર્ણય લીધો છે. આવતા મહિને લગ્ન નક્કી થયા છે, તમે સહકુટુંબ લગ્નમાં આવશો તો ગમશે." કહી બળવંતભાઇએ હાથના ઇશારાથી નયનને દરવાજો બતાવ્યો. નેત્રના હાથમાંથી પોતાનો હાથ છોડાવી છેલ્લી વખત તેની સામે જોઈ નયન મ્લાન પગલે ઘરની બહાર નીકળ્યો. એનું હૃદય નેત્રા સાથેની જૂદાઈના વિચારોથી આક્રંદ કરી રહ્યું હતું.
બે મહિના બાદ નયન તિથલના સમુદ્ર કિનારે એ જ જગ્યા એ આવીને બેઠો જ્યાં એ નેત્રા સાથે બેસતો હતો. એની નજર ક્ષિતિજ પર હતી.
નેત્રા પણ પોતાના ઘરની બાલકનીમાંથી ક્ષિતીજી તરફ જોઈ રહી હતી.
બંને ક્ષિતિજ પર અસ્ત થઇ રહેલા સૂરજને નિહાળી રહ્યા હતા, જાણે કે તેઓ એકબીજાને જોઈ રહ્યા હોય.
અસ્ત થઇ રહેલા સૂરજના લાલ કિરણો જાણે નેત્રાના સેંથામાં સિંદૂર...... ના, નેત્રાને એની જરૂર ન હતી.