Nakul Desai

Drama Inspirational

4.7  

Nakul Desai

Drama Inspirational

ચહેરો

ચહેરો

2 mins
241


"મુઉં, આ લોકડાઉન ક્યારે પતશે?" પાપડી છોલતાં છોલતાં અનસુયાબેન આક્રોશ સાથે બોલ્યાં.

ટી.વી. પર રામાયણ જોતાં પિનાકીનભાઈ સમજી ગયા કે હવે પછીનું તીર એમની સામે આવવાનું છે.

"તમારી દવા ખલાસ થવા આવી છે અને ઘરમાં શાક પણ આ પાપડી જ છે. કાલથી ખીચડી અને ડખુ-ચોખા ખાઈને જ ચલાવજો, કારણ કે તમારાથી બળવંતભાઈને ફોન તો થશે જ નહીં. ગયા મહિને જેટલું કામ કર્યું તેનો પગાર માંગવાનો છે, હકનાં રૂપિયા છે. એમાંથી તમારી દવા અને આપણી જરૂરિયાતની વસ્તુઓ આવી જશે, પણ તમારાથી એમને એક ફોન નથી થતો."

સમુદ્ર પાર કરીને રામ લંકા પહોંચી ગયા હતા. રામ એક પર્વત પરથી અને રાવણ એમનાં મહેલમાંથી એક-બીજાને તાકી રહ્યા હોય એ દ્રશ્ય ચાલી રહ્યું હતું.

બળવંતભાઈનું નામ આવતાં જ પિનાકીનભાઈને અટ્ટહાસ્ય કરતાં અભિમાની અને ક્રૂર રાવણમાં એમનો ચહેરો દેખાયો. ઓફિસમાં નાની-નાની વાતમાં ગુસ્સે થઈ ઠપકો આપતાં શેઠનો ચહેરો સામે આવતાં જ એમનું મ્હોં કડવું થઈ ગયું. છેલ્લા બે દિવસથી બળવંતભાઈને ફોન કરવા મોબાઈલ હાથમાં લેતાં હતાં, પણ જે વ્યક્તિ અડધી રજાનો પણ પગાર કાપી લેતો હોય, મહિનાની વચ્ચે ઉપાડ આપતો ન હોય, એ શું આ પરિસ્થિતિમાં મને પગાર આપશે? એ યાદ આવતાં જ ફોન પાછો મૂકી દેતાં હતાં.

એક તરફ ટી.વી. પર રાવણ અટ્ટહાસ્ય કરતો હતો, બીજી તરફ અનસુયાબેન પાપડી છોલતાં સતત બોલીને પોતાનો બળાપો કાઢતાં હતા, ત્રીજી તરફ શેઠ બળવંતભાઈનો વરંવાર ઠકરો આપતો ચહેરો સામે આવી રહ્યો હતો. પિનાકીનભાઈને લાગ્યું કે હમણાં જ માથું ફાટી જશે, એમણે બે હાથ કાન પર મૂકી દઈ આંખો બંધ કરી દીધી. તે જ ક્ષણે દરવાજા પર કોઈકે ઘંટડી વગાડી.

"અત્યારે કોણ હશે?" એમ વિચારતાં એમણે કુતૂહલવશ દરવાજો ખોલ્યો. અનસુયાબેન પણ એમની પાછળ આવીને ઊભી રહી ગયા. સામે ઊભેલી વ્યક્તિને જોઈને એમને આઘાત અને આશ્ચર્યની મિશ્ર લાગણી થઈ આવી.

"ઓહો! શેઠ તમે?" પિનાકીનભાઈને જાણે પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવ્યો.

દરવાજા પર બળવંતભાઈ બંને હાથમાં બે મોટા થેલા સાથે ઊભા હતા. એમણે બંને થેલા પિનાકીનભાઈ સામે લાવતાં કહ્યું, "આમાં અલગ-અલગ કઠોળ, લોટ ઉપરાંત થોડા નાસ્તાના પેકેટ છે. આમ તો અમે સેનેટાઈઝ કર્યા છે, છતાં તમે વ્યવસ્થિત સાફ કરીને પછી જ ઉપયોગમાં લેજો." એમ કહી શર્ટના ખિસ્સામાંથી એક સફેદ કવર આપતા કહ્યું, "આ તમને કામ લાગશે."

પિનાકીનભાઈએ કવર ખોલીને જોયું તો એમાં દસ હજાર રૂપિયા હતા.

"પણ શેઠ ઘરમાં તો આવો!" અનસુયાબેને આગ્રહ કર્યો પણ બળવંતભાઈએ પગ ઊપાડતાં કહ્યું, "બીજી કોઈ વખત ચોક્કસ આવીશ, હવે હું રજા લઉં." કહી દાદર ઉતરી ગયા. પતિ-પત્ની બંને ભીની આંખે એમની પીઠ તાકી રહ્યા હતા.

પિનાકીનભાઈની નજર ટી.વી. પર ગઈ, શ્રી રામનો હાસ્યસભર સૌમ્ય ચહેરો દેખાઈ રહ્યો હતો, કદાચ રાવણ પણ રામને ઓળખવામાં થાપ ખાઈ ગયો હતો.


Rate this content
Log in

More gujarati story from Nakul Desai

Similar gujarati story from Drama