કૃષ્ણને મારો પ્રેમ પત્ર
કૃષ્ણને મારો પ્રેમ પત્ર


કૃષ્ણ વાસુદેવ યાદવ.
સરનામું : વૈકુંઠ ધામ, વૃંદાવન પાર્ક,
ગોકુળ નગર, મથુરા - ગૌલોક.
દ્વારકા તથા ભક્તનાં હૃદયમાં,
આ સૃષ્ટિનાં કણકણમાં.
મારા પ્રિયતમ કૃષ્ણ,
હું કૃતિ પટેલ. આ જગ મને કળિયુગની રાધા પણ કહે છે. ના ના તું એવું ન સમજતો કે હું રાધા બની બેઠી છું. અરે, ક્યાં રાધાજી ને ક્યાં હું. રાધાજી એટલે સ્વયં પ્રેમ. એ તો પ્રેમનાં દેવી છે. કોઈક કોઈક મને કળિયુગની મીરાં પણ કહે છે. એમણે તો ઝેરનાં કટોરા પીધા મારે તો કંઈ એવી કઠણાઈ પણ નથી આવી એટલે હું મીરાં પણ નથી. એ તો તારા પરમ ભક્તસખી હતાં. એટલા ઊંચા સ્થાનની અધિકારી હું નથી. હા આ બંને પાસેથી પ્રેરણા લઈને હું પ્રેમલક્ષણાભક્તિ કરતાં શીખી છું. હું તો. તારા ચરણોની દાસી છું તારી ચરણરજ છું. એટલે કે હું તો 'કૃષ્ણપ્રેમી - કૃષ્ણ પ્રિયા' છું.
આહા. તને તો હું શું કહું માધવ. હે કેશવ, હે મુરારી. અરે ઓ શામળા. મારા હૃદયનાં ધબકાર. તારા એટલા બધા તો નામ છે કે કયું નામ લખું ને કયું રહી જાય ખબર જ નથી પડતી. સાચું કહું તો જેટલાં લખું ને મને તો ઓછા જ પડે છે. પણ નામથી શું ફર્ક પડે છે. કોઈ પણ એક નામે લખું ને. અરે અનામી લખું ને તો પણ આ મારો પત્ર. નહીં નહીં. આ તો પ્રેમપત્ર. તારા સુધી તો પહોંચી જ જવાનો છે.
મારા નાથ. મારા વ્હાલા. મારા હૃદય તણા ધબકાર એવા હે નટખટ કાનુડા. આમ તો તું એક એક ક્ષણ મારી સાથે જ છે. એ હું જાણું છું. પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે તું પણ એંધાણ આપે જ છે. તારો મારી જ સાથે અહીં મારી પાસે જ બાજુમાં જ હોવાનો અહેસાસ મને સતત થયા જ કરે છે. છતાંય તારી યાદોમાં હું એટલી વ્યાકુળ થઈ જાઉં છું કે તું ક્યારે મળીશ મને. મને મળવા તું ક્યારે આવીશ. . ? એની રાહ હું તો ગાંડાની જેમ જોઉં છું. તને એટલો પ્રેમ કરું છું કે મને મારા દરેક કાર્યમાં બસ તું જ દેખાય છે. જ્યાં જ્યાં મારી નજર પડે છે આ સૃષ્ટિનાં કણ કણમાં મને તારી જ છબી દેખાય છે. કાન્હા હું આ જગ સામે ખુલ્લેઆમ સ્વીકાર કરું છું કે, "હું તને અને માત્ર તને જ પ્રેમ કરું છું. તારી સામે હું જ્યારે હોઉં છું તો હું ન મમ: હોઉં છું. મારામાં મારાપણું હોતું જ નથી બધું તું જ હોય છે. અને હંમેશા તું જ છે. હું એવું તો ન કહી શકું કે મારૂં સર્વસ્વ તારૂં. કારણ મારૂં કશું છે જ નહીં બધું તું જ છે અને બધું તારૂં જ છે. આ મને મળેલું જીવન એ તારી જ પ્રસાદી છે.. " ઓ પ્રિયવર, બંસીધારી તું રૂબરૂ મળવા ક્યારે આવીશ હું તો તારી એ જ રાહ જોઈને દિવસ-રાત તને યાદ કરતાં તને જ અનુભવતા કાઢું છું. ક્યારેક તો તારી સાથે મને વિચારીને એકલી એકલી શરમાઈ જાઉં છું. . એકાદ હવાની લહેરખી આવે ને હળવેકથી મારા ગાલ પરથી વાળની લટને ઉડાવી પાછી ધકેલે ક્યારેક રમત કરે તો થાય છે. ક્યાંક આ તું તો નથી. . ! બારણે ટકોરા પડે ને થાય કે તું આવ્યો હશે. . ત્યારે વિચારતાં હૃદય મારું ધબકાર ચુકી જાય. અચાનક પગરવ સંભળાય ને થાય તું આવ્યો મને મળવા. વરસાદની આ ભીની સોડમ, વર્ષાની એ ટીપ ટીપ કરતી બુંદો. જ્યારે મને ભીંજવી જાય થાય કે તું જ છે. . જાણે મને ભીંજવી ને પછી તારી નજીક તું ખેંચી જાય છે. તારા એ સ્પર્શને વિચારી અનુભવતા હું શરમાઈ જાઉં છું. તું આવે જો રૂબરૂમાં મળવા તો આવા સુંદર આહ્લાદક વાતાવરણમાં તારી પાસે બેસી તારા ખભા પર માથું રાખી તારો હાથ પકડી હું બેસું આપણે આ વરસાદમાં સાથે ભીંજાઈએ. . તારી હયાતીથી શરમાઈ જાતી હું શીશ ઝુકાવું ને તું વાંસળીના હળવા ટેકાથી મારી હડપચીથી મારો ચહેરો ઉપર ઉઠાવે. ને હું તારાથી જ શરમાઈને તારો જ ઓથો લઈ તારી જ બાંહમાં હું મારી જાતને છુપાવી લઉં. ને તું વાંસળીનાં મીઠડા મધુરા સૂર વહાવે. . હે માધવ. હે સખા. હે કૃષ્ણ. તારી એ વાંસળીનાં સૂર મને આકુળવ્યાકુળ બનાવી મૂકે છે.
હે કૃષ્ણ, હું તને અગાધ અનંત અથાગ પ્રેમ કરૂં છું. આ વર્ષા ની ઋતુ મને તારી યાદથી સતત પાગલ કરે છે. તારી સાથે હોવાનાં અનુભવોથી, અહેસાસોથી મને તરબતર કરી મૂકે છે. . તું રૂબરૂ થવા આવ હવે હે માધવ.
હે સખા. મારી દરેક પરિસ્થિતિમાં મારી સાથે તને જ જોયો છે અનુભવ્યો છે. . એ દુઃખ હોય કે સુખ હોય. તું હંમેશા મારો માર્ગદર્શક રહ્યો છે. હું એટલી મહાન નથી એટલી પરાકાષ્ઠાએ પણ નથી કે સુખ દુઃખ મને એકસમાન લાગે. પણ હા તું સાથે જ છે એ વિચારથી મને આ બધું જ વહન કરવાની નવી ઊર્જા મળે છે. મને તો આ સુખ દુઃખ પણ તારા તરફથી મળેલી પ્રસાદી જ લાગે છે. પણ હું એ પણ જાણું છું તારી સાથે પ્રણયરાહમાં ચાલવું હોય તો આ બધું જ સુખ દુઃખ મારે એક જ ભાવથી અતુટ શ્રધ્ધાથી અખંડ વિશ્વાસથી અનંત પ્રેમથી વહન કરવાનું છે એ પછી તું આવીશ જ એ મને વિશ્વાસ છે.
હું તારી રાહ જોઉં છું મારા કૃષ્ણ. મારા પ્રિયતમ. બસ જલદી આવજે એટલું જ કહીશ. કારણ મારે તને ફરિયાદ કરવાની જરૂર નથી તું અંતર્યામી છે. . મારા હૃદયની વાતથી પણ તું કાંઈ અજાણ નથી. પણ છતાંય એ હૃદયની વાત તને કિધા વિના કેમ રહેવાય તું જ વિચારી જો. આ તારું આ જ હાસ્ય મને અનંત આનંદ અને અનંત ઊર્જા આપે છે. બસ તું આવ હવે મને મળવા. મને તારી સાથે લઈ જવાનું નહીં કહું પણ તને વારે વારે મળવા આવવાનું જરૂર કહીશ. કારણ કે મારે તારા સોંપેલા કાર્ય પણ તો કરવાનાં છે. આ જીવન આ દેહ તેં પ્રસાદી રૂપે આપ્યા છે તો એનો યોગ્ય ઉપયોગ તારા કાર્ય સીવાય બીજો કયો કહેવાય?. ચાલ હવે અત્યાર પૂરતું રૂબરૂમાં નહીં તો સ્વપ્નમાં તો આવી મળજે. આમ તો તારે માટે કંઈ અશક્ય નથી પણ હું એ પણ જાણું છું તું નટખટ છે એમ સતાવ્યા વગર શેનો આવે !. પણ સાચું કહું તારું આ સતાવવું પણ મને આનંદ આપે છે. બસ ચાલ હવે તું રૂબરૂમાં જલદી આવજે પણ એથી પહેલા આજે સ્વપ્નમાં આવી મળી જા. હું રાહ જોઉં છું. આવજે કાન્હા તું, હોં ને.
લિ.
તારી ને માત્ર તારી જ રાહ જોતી,
તારી ચરણરજ દાસી.
તારી અને માત્ર તારી જ,
'કૃષ્ણપ્રેમી'