Parul Thakkar "યાદે"

Inspirational

3  

Parul Thakkar "યાદે"

Inspirational

કૃષ્ણ

કૃષ્ણ

2 mins
1.3K


કૃષ્ણ વિશે આમ તો કાઈ કહેવાનું જ ન હોય. એના વિશે તો કહીયે એટલું ઓછું અને લખીએ એટલું ઓછું પડે. પણ દરેક બાળકમાં કાનુડો છે, દરેક મા પોતાના દિકરામાં કાનુડાને જોવે છે. કૃષ્ણને નાનો જ વહાલો લાગે છે, દરેકના ઘરમાં બાલ ગોપાલ, લડડું ગોપાલ જ પૂજાય છે. નટખટ કાનુડો સૌનો લાડકવાયો છે.


પણ અત્યારે વાત કરું છું કૃષ્ણની. તમને થશે કાનુડામાં અને કૃષ્ણમાં શુ ફેર ? બે ય એક જ ભગવાનના નામ તો છે. પણ ના કાનુડો નટખટ છે, ચંચળ છે, મસ્તીખોર છે, માખણચોર છે. જ્યારે કૃષ્ણ પીઢ છે, ધીર ગંભીર છે, સમજદાર મિત્ર છે, કુશળ સારથી છે, પથદર્શક છે. દ્રૌપદીને ભરી સભામાં લજ્જાથી બચાવનાર સખા છે, તો અર્જુનને કુરુક્ષેત્રમાં સાચો રાહ વતાવનાર પથદર્શક છે અને અર્જુનને સાચી રાહ પર લઈ જનાર સારથી પણ છે. સુદામાના કાઈ પણ કહ્યા વગર એની પરિસ્થિતિ જાણનાર સાચા મિત્ર પણ છે.


સમય પારખીને થોડી પીછેહઠ કરનાર રણછોડ પણ છે અને દ્વારિકામાં રાજ કરનાર દ્વારિકાધીશ પણ છે. જો સરખું ધ્યાનથી સમજો તો કૃષ્ણનું જીવન આપણને ઘણું બધું શીખવી જાય છે. જન્મ પહેલાથી જ જાણે નક્કી હતું મામા કંસના હાથે મૃત્યુ થવાનું છતાં જન્મ લીધો અને તરત માતાપિતાથી દૂર થયા અને નંદ મહારાજ અને મા યશોદાના ઘરે પાલનપોષણ થયું. છતાં કદી નિરાશા, હતાશા ચહેરા પર નથી લાવ્યા. બાળપણ તો ખૂબ જ મસ્તીમાં પસાર કર્યું. પોતાના સગા મામા હોવા છતાં અન્યાયના વિરોધમાં કંસનો વધ કર્યો, ત્યારથી જ શીખવ્યું કે સચ્ચાઈનો સાથ આપવો, અન્યાય સામે લડવું,


સાંભળ્યું છે કે એક વાર કૃષ્ણને કંઇક વાગ્યું હતું. એમાં દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણ ને બાંધ્યો હતો અને એના ફળ સ્વરૂપે ભરી સભામાં કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા. મતલબ કૃષ્ણએ પણ શીખવી ગયા કે કોઈએ કરેલા ઉપકારને કદી ભૂલવો નહિ. સમય આવ્યે તેનો બદલો અવશ્ય વાળવો. કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના જ સગાઓને સામે જોઈને જ્યારે અર્જુન લડવા માટે તૈયાર ન હતો, ત્યારે એને જે રીતે સમજાવ્યો એ આખું વર્ણન ગીતામાં છે જ. જે આપણા સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. આપણે ફકત આપણું કર્મજ કરવાનું છે. ફળ તો દરેકને દરેકના કર્મ અનુસાર મળવાનું જ છે.


કૃષ્ણ જેવા માર્ગદર્શક અત્યારના જમાનામાં તો મળવા મુશ્કેલ છે, તો કેમ નહિ કૃષ્ણના જીવનમાંથી જ આપણે માર્ગદર્શન મેળવીએ ? કૃષ્ણનો સાથ આપણાં જીવનમાં હંમેશાં હોય જ છે, બસ નક્કી આપણે કરવાનું છે કે આપણે શુ બનવું છે ? કંસ, જરાસંઘ કે કૌરવ બનશું, તો કૃષ્ણ આપણી સામા હશે. અને ગોવાળો, પાંડવ, વિદુર કે પછી સુદામા બનશું તો કૃષ્ણ આપણી પાસે હશે, સાથે હશે.


અર્જુનની સાથે હતા એમ આપણને પણ દિશા સૂચન કરશે. વિદુરની ભાજી આરોગી હતી એમ આપણો સ્નેહે ધરેલો પ્રસાદ પણ આરોગશે અને સુદામાની જેમ આપણને ગળે પણ લગાડશે. કૃષ્ણ એ જ છે બસ આપણે શુ બનવું છે એ આપણે જ નક્કી કરવાનું છે.

કૃષ્ણને સાથે રાખવા છે કે સામે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational