Ravindra Parekh

Drama Fantasy Thriller

3  

Ravindra Parekh

Drama Fantasy Thriller

કૃષ્ણ વિષે

કૃષ્ણ વિષે

4 mins
7.7K


કૃષ્ણ વિષે વિચારું છું ત્યારે ધરવ થતો નથી. એની ઘણી વ્યાખ્યાઓ થઇ શકે એમ છે કારણ કે એ કોઈ વ્યાખ્યામાં સીમિત થતો નથી. તેનો છેડો જડતો નથી ને છેડો આવતો પણ નથી. જન્મથી મૃત્યુ સુધીની અનેક ઘટનાઓમાંથી પસાર થઇએ છીએ ત્યારે કેટલા બધાં સ્વરૂપો એના પ્રગટ થાય છે! જન્મ અસાધારણ બાળક તરીકેનો છે, તો મૃત્યુ સામાન્યથી ય અતિસામાન્ય માનવ તરીકેનું છે. તે જન્મ દેનારી માતાનો મહિમા કરે છે તો પાલકમાતા પણ ઓછા મહત્વની નથી તે, તે સિદ્ધ કરે છે. ગોકુળ એટલે ગોપાલન. તે દૂધનો ડેરી ઉદ્યોગ વિકસાવી કંસનો ક્રોધ આસમાને પહોંચાડે છે. કૃષ્ણે જન્મથી જ જળનો અનેરો મહિમા કરે છે. જન્મ થતાં જ યમુનાને તે સ્પર્શે છે ને માર્ગ કરી આપે છે. કાલિનાગનું મર્દન કરીને નદીનું સ્વચ્છતા અભિયાન આદરે છે તે સૂચક છે. ગોપીઓ સાથેની ક્રીડા તેની સાથેના રાસ, તે નદી સાથે જોડે છે. તે સરળ છે તે સાથે જ અકળ છે ને તે સાથે જ સકળ પણ છે, સોનાની દ્વારિકા વસાવનાર શરૂઆત સાદાઈથી કરે છે. મોરપીચ્છનો મુગટ કરે છે ને વાંસને વાંસળીમાં ફેરવે છે. ગોપીઓના ચીર હરે છે ને દ્રૌપદીનાં ચીર પૂરે છે. કંસ દ્વારા મોકલાયેલાં મૃત્યુને બાળક રહીને પરાસ્ત કરે છે. બે માનો તે મહિમા કરે છે તો મામાનો ધ્વંસ કરે છે. મામા પણ બે કંસ ને શકુનિ. પણ બંને દુષ્ટ. બંનેનો અંત આવે છે.

રાધાને પ્રેમ કરે છે, પણ પ્રાપ્તિની ઘેલછા નથી. લગ્નબાહ્ય આ એક જ સંબંધ એવો છે જે સૌથી વધુ મંદિરોમાં વિરાજે છે. મંદિરોમાં રહ્યાં છે એટલું તો જીવનમાં ય રાધાકૃષ્ણ સાથે રહ્યાં નથી. કૃષ્ણ એટલે સ્નેહ તો કૃષ્ણ એટલે વ્રેહ પણ! ૧૬,૧૦૮ રાણીઓમાંથી મંદિર રુક્મિણીનું છે તે સિવાય કોઈનું મંદિર જાણમાં નથી. આટલી રાણીઓ છતાં તે બ્રહ્મચારી ગણાયો છે. કૃષ્ણ એટલે સખ્ય. કૃષ્ણના જીવનમાં મીરાં ક્યાંય નથી ને છતાં મીરાંનું તો જીવન જ કૃષ્ણ છે. દ્રૌપદીનો તે સખા છે. રાજાઓને ઘણી રાણીઓ હોય તેની નવાઈ નથી, પણ દ્રૌપદીને પાંચ પતિની પત્ની બનાવીને સમાજથી ઊફરો જતો નિર્ણય લેવડાવે છે એ તુક્કો નથી આ નિર્ણય મહાભારતની જીતનો પાયો બની રહે છે. એ જ કૃષ્ણ, કર્ણને દ્રૌપદીની લાલચ આપીને પાંડવોના પક્ષમાં કરી લઈને યુદ્ધ ટાળવાય મથે છે, તે વખતે હેતુ યુદ્ધની આવી પડનારી ભીષણતાને રોકવાનો છે.

કૃષ્ણ એટલે વિરોધાભાસ. તે જે કરે છે તેનો જ તે છેદપણ ઉડાડે છે. શિશુપાલનો વધ કરનાર ગાંધારીનો વધ ન કરતા શાપ માથે ચડાવે છે. તે વખત આવ્યે રણ, છોડે છે તો શસ્ત્ર ધારણ ના કરવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં ભીષ્મનો વધ કરવા પણ તૈયાર થઇ જાય છે. તે તકસાધુ લાગે, પણ તેની તક સાધુની છે તે ભૂલવા જેવું નથી. શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લઈને તે નિશ્સ્ત્રીકરણનો મહિમા કરે છે, પણ તેની અહિંસા કાયરની નથી. શસ્ત્ર ન ઉઠાવનાર શસ્ત્ર હેઠા મૂકી દેનાર અર્જુનને શસ્ત્ર ઉઠાવવા તૈયાર કરે છે ને એ રીતે અર્જુનની હતાશા ને, મોહ ને દૂર કરે છે.

જ્યાં સત્ય છે ત્યાં કૃષ્ણ છે. તે દ્યુતસભામાં નથી, અભિમન્યુ વધ વખતે નથી, પણ કર્ણના મૃત્યુ વખતે હાજર છે. તે વખતે ત્યાં હોવું જ સત્ય હતું. કર્ણે કરેલાં દ્રૌપદીનું અપમાન, પરશુરામ પાસેથી લીધેલી વિદ્યા ને અસત્યનો સાથ દેવા બદલ કૃષ્ણ દંડ દેવા ત્યાં હાજર છે. અભિમન્યુને અન્યાયથી મારનારને દંડ પણ યુદ્ધના નિયમનો ભંગ કરીને અપાય છે તે ધ્યાને લેવા જેવું છે.

કૃષ્ણ કંઇ પણ પોતાને માટે નથી કરતો. તેણે બધું જ મેળવ્યું ને બધું જ છોડ્યું. તેને કશાનો લોભ નથી. તે ગ્રહે છે ને ત્યજે છે. ગોકુલ છોડે છે, મથુરા છોડે છે, માતાપિતા છોડે છે, રાધા છોડે છે, તે સહે છે ને હસે છે. તેની બીજી ખૂબી જોઈ છે? તે છોડતાં છોડતાં આગળ વધે છે ને જ્યાંથી નીકળે છે ત્યાં ફરી આવતો નથી. કર્તવ્ય કરતાં જવાનું છે એ સિવાય તેનું કોઈ લક્ષ્ય નથી. બધામાં ઊંડે ઊતરે છે ને પૂરી નિર્લેપતાથી બહાર આવે છે. એટલે જ એ સામાન્ય છે તે સાથે જ અસામાન્ય પણ છે. જેટલી સહજતાથી તે વાંસળી ધારણ કરે છે એટલી જ સહજતાથી તે સુદર્શન પણ ધારણ કરે છે. તે પૂર્ણપુરુષોત્તમ છે. તે મર્યાદાપુરુષોત્તમ નથી જ. રામને આદર્શ છે, કૃષ્ણને સમાધાન એ જ આદર્શ છે. રામમાં નમસ્કાર છે કૃષ્ણમાં ચમત્કાર છે. રામને ખભે હાથ ના મૂકાય, કૃષ્ણને ખભે હાથ મૂકી વાત થઇ શકે. તે એક સાથે અનુરાગ છે તો ત્યાગ પણ. તે સક્રિય છે ને ગતિમાન પણ. તેની ગતિ વર્તુળાકાર નથી, ઊર્ધ્વગામી છે.

કૃષ્ણ ઈશ્વર છે. તે બધું જ જાણે છે, પણ તેને કશી ઉતાવળ નથી તો એવી ધીરજ પણ નથી. જન્મ- મરણ પોતે જ છે. પણ તે સીધું પરિણામ આપતો નથી. તે પોતે પસાર થાય છે ને બીજાને પસાર થવા દે છે. અર્જુનને અને જશોદાને બ્રહ્મ્માંડ દર્શન કરાવ્યા સિવાય તેણે મનુષ્યની મર્યાદા સ્વીકારી છે. તેનું ઉત્તમ ઉદાહરણ તો મૃત્યુની સ્વીકૃતિમાં મળે છે. કેવું મૃત્યુ! પારધીનું તીર વાગ્યું, ક્યાં? તો કે પગમાં! ને મૃત્યુ થયું. દુનિયાનો કોઈ માણસ પગમાં તીર વાગ્યું હોય ને મર્યો હોય એવો એકાદ દાખલો તો બતાવો. શું કહીશું આને?


Rate this content
Log in

Similar gujarati story from Drama