STORYMIRROR

Ravindra Parekh

Drama

2  

Ravindra Parekh

Drama

હોલી ઇસ હોલીડે

હોલી ઇસ હોલીડે

4 mins
114

ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લેવો હતો એટલે તેમણે હિરણ્યકશ્યપુનો જન્મ કરાવ્યો. નામ પણ કેવું? જીભના લોચા વળી જાય એવું. તેને પાછો અસુર બનાવ્યો. હવે આજે તો અસુર રહ્યા નથી એટલે શ્વસુરથી જ સંતોષ માનવો પડે એ સ્થિતિ છે. હવે એચ.કશ્યપુને રાક્ષસ બનાવો તો પ્રહલાદને ભક્ત જ બનાવવો પડે. તે બનાવ્યો. શું છે કે એ વખતમાં કોઈને બહુ કામ રહેતું જ નહીં. ભગવાને પણ શેષશૈયા પર પડી રહેવાનું હતું,ચાર ચાર હાથો સાથે. તે પણ બધા જ શંખ,ચક્ર,ગદા,પદ્મથી એંગેજ ! સૂતાં સૂતાં હાથમાં આ બધું પકડી રાખવાનું ફાવે પણ કેમ,ભગવાન જાણે ! સાલી, ખંજવાળ આવે તો ખંજવાળવા કોઈ હાથ પણ ફાજલ નહીં. માણસ બોર થાય ને પછી ઢોર થાય તો,આ તો ભગવાન વિષ્ણુ ! એમને મન થયું કે આ વખતે નર અને સિંહનું કોમ્બિનેશન કરી જોઈએ. અર્ધનારીશ્વર જો શક્ય હોય તો નર ને સિંહનું, નૃસિંહ કેમ ન થાય ? ટૂંકમાં,ભગવાને તો નક્કી કરી જ લીધું હતું કે આ વખતે તો યુનિક અવતાર જ લેવો.

વેલ, હિરણયકશ્યપુને રાજા બનાવ્યો. હવે રાજા હોય ને જુલમ ન કરે એવું તો બને જ કેમ ? આજે મંત્રીઓ મંતરે છે તેનાં મૂળ રાજામહારાજાઓમાં પડેલાં છે. વારુ,પ્રજા ત્રાસ ગુજારવા માટે જ હોય છે તે કંઈ આજનું નથી. એ તો પરાપૂર્વથી ચાલી આવે છે. આજની જેમ ત્યારે પણ પ્રજા કૈં કરી શકતી નો'તી ને ત્યારે તો ચૂંટણી પણ નો'તી કે પાંચ વર્ષે રાજાને ઉથલાવી દેવાય. એટલે ચુમાઈને બેસી રહેવા સિવાય પ્રજા પાસે કોઈ વિકલ્પ જ નો’તો.

બીજું શું હતું કે એચ. કશ્યપુને વરદાન હતું કે તેને કોઈ માણસ કે પશુ મારી નહીં શકે. એટલે જ નરમાં સિંહને પ્લસ કરી એચ. કશ્યપુને નરસિંહ ભગવાને માઈનસ કરવો પડ્યો. એચ. કશ્યપુને માઈનસ એટલે કરવો પડ્યો કારણ એ રાજા તરીકે ફાટીને ધૂમાડે ગયો હતો.

જેમ આજે બાળકો એકચિત્તે મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેમ પ્રહલાદ ભગવાનની ભક્તિમાં મસ્ત રહતો હતો. ફાધર એચ. ક્શ્યપુને એ પસંદ નો’તું. તે તો કહે,'આયેમ યોર ફાધર ! હું જ ઈશ્વર છું. કોઈ કામ ન કરવું હોય ને ભક્તિ જ કરવી હોય તો મારી કર !'

પણ આજની જેમ જ છોકરાં ત્યારે પણ અવળચંડાં હતાં જ, ફાધરનું બહુ માને નહીં ! એટલે બધા ફાધરની જેમ એચ. કશ્યપુનું ભેજું પણ બહુ ફાટ્યું. છોકરાને સમજાવી જોયો,પણ માને તો છોકરો શાનો? છેવટે એચ. કશ્યપુએ પોત પ્રકાશ્યું. પ્રહલાદને પહાડ પરથી ગબડાવ્યો,પણ તેને કૈં થયું નહીં. છેને કમાલ ! આપણા જેવા પહાડ પરથી ગબડે તો હાડકાં સલામત રહે કે ? આપણાં હાડકાં જોડતાં જોડતાં હાડવૈદના હાડકાં છૂટા પડી જાય એવું બને.

પ્રહલાદ બચી ગયો કારણ કે તે ભગવાનનું નામ લેતો હતો ને બાપનું તો નામ પણ લેતો ન હતો. દેખીતું છે કે ફાધર આગબબુલા થઈ જ જાય. તે વિચાર્યા કરતો હતો કે પ્રહલાદને ભણાવ્યા વગર જ પાઠ કેમ ભણાવવો? ત્યાં તેને સ્ટ્રાઈક થયું કે હોલિકાની હેલ્પ લીધી હોય તો !

શું છે કે હોલિકાને એવો વહેમ હતો કે તેને અગ્નિ પણ બાળી નહીં શકે. એચ. કશ્યપુએ તેને કહ્યું,’આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ભક્ત પ્રહલાદ ! કુછ ભી કર કે ઇસ કુત્તેકી બોટી બોટી કરકે કુત્તેકો ખિલા દો! ’

‘સોરી,ભૈયા. મેં વેજીટેરીયન હું. જોકે,તમારી મુશ્કેલીનો એક ઉપાય છે. ’ હોલિકા બોલી.

‘બોલો,બહેના,જલદી બોલો !’

‘હું અગ્નિથી બળું તેમ નથી. પ્રહલાદને ખોળામાં લઈને બેસું ને ફરતે અગ્નિ પ્રગટાવવામાં આવે તો હું બચી જઈશ અને પ્રહલાદ. . . ’

હોલિકા વેમ્પ જેવું લુચ્ચું હસી. એચ. કશ્યપુએ પણ મૂછે તાવ દીધો.

પ્રહલાદને પટાવીને હોલિકાએ પૂછ્યું,’તું મારા ખોળામાં બેસીશ ને દીકરા ?’

‘સોરી,ફોઈ ! તમારો પ્લાન મારો ધૂમાડો કરવાનો છે તે હું જાણું છું,પણ છોટા બચ્ચા જાનકે હમકો ના સમઝાના રે. . . !’

હિરણ્યકશ્યપુને આ વાતની ખબર પડી તો એનું તો ફટકી જ ગયું,’તેરી ઇતની હિંમત કે બાપ કો ના બોલે ? મોટો ભગવાનનો ભગત છે તો ડરે છે કેમ ?’

‘ફાધર,ઝેરનાં પારખાં ન હોય !’પ્રહલાદે સંયમથી કહ્યું.

‘હાળા,પોચકીદાસ ! ફાટે છે એમ કહેને !’

‘તો તમે બેસોને ! છે હિંમત ?’

એચ. કશ્યપુ થથરી ગયો. અગ્નિનો સ્વભાવ જ બાળવાનો છે તો કોઈ પણ બચે કઈ રીતે? તેને બહુ જ આશ્ચર્ય થયું કે એક ક્પૂતના ઘરમાં આ સપૂત પાક્યો કઈ રીતે ? પ્રહલાદને ઘણી લાલચ અપાઈ. રાજપાટ આપવાનું પણ કહ્યું. તો એણે વિવેકથી કહ્યું,’તમારા પછી તો એ બધું મારું જ છેને ! આઈ વિલ વેઇટ !’

પ્રહલાદ ના માન્યો તે ના જ માન્યો. એચ. કશ્ય્પુને એટલી ખબર હતી કે પ્રહલાદ બહુ મસ્તીથી ઊંઘે છે એટલે તેણે નક્કી કર્યું કે છોકરો ઊંઘતો હોય ત્યારે હોલિકાએ તેને લઈને અગ્નિમાં બેસવું. એમ જ થયું. અગ્નિ પ્રગટ્યો ને હોલિકા ચીખવા માંડી,’બચાવો,બચાવો. ’પણ તેનું સાંભળે કોણ ? છોકરાંઓ તો ઢોલ નગારાં વગાડવામાં એટલા તલ્લીન હતાં કે હોલિકાની ચીસો કોઈને સંભળાઈ જ નહીં. તેની રાખ થઈ ગઈ ને પ્રહલાદ ફાયરપ્રૂફ શૂટ પહેરીને સૂઈ ગયેલો એટલે બચી ગયો.

એ દિવસથી હોળીની શરૂઆત થઈ. પ્રહલાદ બચી ગયો એટલે ભક્તોએ બીજે દિવસે રંગોત્સવ મનાવ્યો જયારે હોલિકા બળી મરી તેની પીડામાં અસુરોએ ધૂળ ઉડાડી એટલે તે ધૂળેટી ગણાઈ. આપણે અક્કલના ઈસ્કોતરાઓ તહેવારનું નામ રંગોત્સવ નથી રાખતા, પણ ધૂળેટી રાખીએ છીએ તે પણ સૂચક છે.

એક વાર હોલિકા સળગાવી એટલાથી પત્યું નહીં. પછી તો આપણે ગામેગામ ને નગરેનગર હોળી પ્રગટાવી. હવે તો આખા દેશમાં હોળી કરીએ છીએ. બહારથી હવે હોળી અંદર આવી છે. જો હોળી રોજ જ ઘરમાં થતી હોય તો બહાર કરવાની જરૂર ખરી ? મેં કહ્યું,’એકવાર મારે ઘરે આવ તો બતાવું કે હોળી કેવી રીતે પ્રગટે છે ને હોળીનું નાળિયેર કોણ, કેવી રીતે બને છે ?’

‘તમારા ઘરમાં હું જોવા નહીં આવું. હું જાતે જ જોઇશ કે ઘરમાં હોળી કેવી રીતે થાય છે !’બોલતો એ ગયો.

હવે એને કેમ સમજાવું કે લગ્નમાં ને હોળીમાં અગ્નિ કોમન છે એટલે ભડકો તો થવાનો જ! ઠીક ત્યારે,સૌને હોળીની શુભેચ્છાઓ !


Rate this content
Log in

Similar gujarati story from Drama