Jalpan Vaidya

Crime Drama Inspirational

5.0  

Jalpan Vaidya

Crime Drama Inspirational

કર્મનો મહારથી

કર્મનો મહારથી

6 mins
521


મહેશ ખૂબજ મહેનતુ અને નિષ્ઠાવાન છોકરો હતો. તેના ઘરમાં ચાર સદસ્યો હતા. એક તે પોતે, બીજી તેની ધર્મપત્ની અને બે સંતાનો(દિકરો અને દિકરી). તેની એક અનોખી આદત કહો કે ભલમનસાઈ, તે કોઈને તેના કામ પ્રત્યે ગેરવાજબી વર્તનથી કરે તેનાથી ખિલાફ હતો. કોઈ પણ વ્યક્તિ જો પોતાનું કાર્ય ખામીવાળું કે કામ પ્રત્યે આળસ દર્શાવે તો મહેશનું લોહી ઉકળી જતું અને તે પોતાના કામ પ્રત્યે દિલચસ્પી રાખો, તમે જન્મ જ કાર્ય કરવા માટે લીધો છે વગેરે વગેરે, જેવા ઉપદેશો આપતો. આખરે તે વ્યક્તિને કબૂલાત કરાવીને જ છોડતો કે તે પોતાનું કાર્ય નિષ્ઠાથી અવશ્ય કરશે. તેના સંતાનો પણ તેના અભ્યાસ પ્રત્યે ગેરવર્તન કે આળસ કરે તો મહેશ તેને આંખો ફાડીને માર મારીને અભ્યાસ કરાવતો. પોતાના સંતાનો આળસુ કે કામચોર બને તે મહેશ નહોતો ઈચ્છતો. તેનું એક જ માનવું હતું કે વ્યક્તિને પોતાના કામ પ્રત્યે વફાદાર રહેવું એ અનિવાર્ય છે.


મહેશની પોતાની ખાનદાની કંપની હતી અને એનો તે માલિક. નાનો ભાઈ મનોજ હતો તેને કંપનીના હિસાબોની ગણતરીના કારભારમાં નિમ્યો હતો. હવે બન્યું એવું કે એક દિવસે મહેશને જરૂરી કારણોસર ત્રણ-ચાર દિવસો માટે બહારગામ જવાનું થયું તો તેનું કંપનીનું કાર્ય જે તે નિયમિત કરતો તે અધુરું ન રહી જાય તેથી તેની સોંપણી નાના ભાઈ મનોજને કરી. મનોજે ભલે હું જોઈ લઈશ એમ કહ્યું. જોઈ લઈશ નહી સંભાળી લઈશ એમ બોલ જો મારી ગેરહાજરીમાં કંઈ પણ ન ગમતું ન બનવું જોઈએ નહીતો તું છો ને હું છું! એમ મહેશે મનોજને ચેતવતા કહ્યું. અરે કંઈ નહીં થાય ભાઇ હું છું ને. મનોજે વિશ્વાસ સાથે કહ્યું. મહેશે મનોજ પર ભરોસો રાખ્યો અને ભલે કહીને જતો રહ્યો.


તે દિવસો દરમિયાન મનોજને હાથ પર સ્કૂટર પરથી પડી જવાને લીધે ઈજા થઈ હતી તેથી તે લખવાનું કામ નહોતો કરી શકતો. તેથી તેણે કંપનીના બીજા કર્મચારી સુરેશને હિસાબો સંભાળવાનું કામ સોંપ્યું. જ્યારે સુરેશ હિસાબી ચોપડામાંથી કોને કેટલા આપવાના અને કોના પાસેથી લેવાના તેનો હિસાબ કરી રહ્યો હતો ત્યારે તેને ઘરેથી ફોન આવ્યો તો ફોન પર વાત કરવામાં ને કરવામાં તેણે ભૂલથી જે કંપની પાસેથી પૈસા લેવાના હતા તેના ખાતે પચ્ચીસ લાખ રૂપિયા આપવાના છે તેવું લખી નાખ્યું. ફોન પર વાત પુરી થઈ ત્યારબાદ એક ભૂલને કારણે તાળો તો મળી ગયો. અને અધુરા માં પુરું તેણે ચેક પણ બનાવીને મોકલી આપ્યા. કંપનીનું આટલું મોટું નુકસાન થયુ હતું એ વાતથી મહેશ અને મનોજ સાવ અજાણ હતા. ત્રણ-ચાર દિવસો પછી મહેશ બહારગામથી પાછો ફર્યો. તેની ગેરહાજરી કેટકેટલું કાર્ય કર્યું તેની બહાલી તેણે મનોજ પાસેથી મંગાવી. બહાલી જોત‍ા જોત‍ા તેના હાથમાં સુરેશનો ભૂલ કરેલો ચોપડો હાથે લાગ્યો એ જોત‍ા જોતા તેની નજર એ ભૂલ પર પડી. મહેશની આંખો સામે અંધારા આવી ગયા. અને કેમ ન આવે! કંપનીની મૂડીનું આટલું નુકસાન થાય એ વાતથી અજાણ મહેશને આઘાત જો લાગ્યો હતો. તેની આંખો લાલ થવા લાગી, હોઠ થથરવા લાગ્યા તેણે મનોજની સામે ઉભા થઈને જોરથી એ હિસાબી ચોપડો મનોજના ખભ્ભા પર માર્યો.


આ કઈ રીતે થયું મુરખના સરદાર એવી જોરથી બુમ પાડી. મનોજ ત્યાં ને ત્યાં થાંભલાની જેમ ખોડાઇ ગયો. મોટાભાઈના ગુસ્સે થવાના કારણથી તે સાવ અજાણ જ હતો. ધ્રુજતા સ્વરે પુછ્યું: શું થયું મોટા ભાઈ? કેમ આટલ‍ા ગુસ્સે છો? મારાથી શું ભૂલ થઈ ગઈ? ઓહો. ભાઈ ભોળા થવાનું નાટક કરી રહ્યા છે. બેશરમ ક્યાંયના.. મહેશે કટાક્ષમાં કહ્યું. ના ના ખરેખર મોટા ભાઇ મને કંઇ જ નથી ખબર તમે કહો તેના સોગંદ ખાવા તૈયાર છું મનોજે ગભરાતાં કહ્યું. ઠીક છે તને નથી ખબરને તો જો આ ચોપડો અને સમજી લે તારી મુરખામીનું કારણ, ચોપડો ટેબલ પર પટકતાં મહેશે કહ્યું. મનોજે હિસાબી ચોપડો શરૂ થી અંત સુધી તપાસ્યો તેની નજરે સુરેશની ભૂલ દેખાણી તેણે જોયું કે સુરેશે કંપનીના પચ્ચીસ લાખ બીજી કંપનીને અમસ્થા જ સોંપી દિધા છે તો તેને પણ ગુસ્સો આવ્યો. તેણે સુરેશને તરતજ કેબીનમાં હાજર થવાનું કહ્યું. જ્યારે સુરેશ આવ્યો ત્યારે મહેશે તેની પાસે જઈને જોરથી તમાચો તેના ગાલ પર જડી દિધો. સુરેશ એકદમ બેબાકડાની જેમ જોતો જ રહી ગયો. જ્યારે મનોજે તેણે કરેલી ભૂલથી તેને વાકેફ કરાવ્યો તો તેને વિશ્વાસ જ ન આવ્યો. માટે મનોજે તેને હિસાબી ચોપડો બતાવ્યો તેમાં તેના જ અક્ષરમાં કંપનીના પચ્ચીસ લાખ બીજી કંપનીના નામે લખેલા હતા. આ સાથે તેની સહી પણ હતી. સુરેશને ત્યારે યાદ આવ્યું કે આવું થવા પાછળનું કારણ તેને ઘરેથી ફોન આવ્યો હતો તે છે. તેણે બધી થયેલ હકીકત મહેશ અને મનોજને કહી. મહેશે સુરેશનો કોલર પકડતા કહ્યું કે એક સાથે બે કામ તું કરી જ કઈ રીતે શકે, ફોનમાં વાત કરવાની સાથે સાથે તારે હિસાબી ચોપડામાં લખવાની શી જરૂર હતી. હવે કંપનીને તું પચ્ચીસ લાખ ભરપાઈ કરી આપવાનો છે? મહેશે ઉંચા સ્વરે કહ્યું. ના માલિક મારાથી આટલી મોટી રકમ કઈ રીતે ચૂકવી શકાય? સુરેશે કહ્યું. એ તો તારે ભૂલ કરતાં પહેલા વિચારવું જોઈતું હતું મનોજે તેને કહ્યું. વિચારવું તો તારે જોઈતું હતું મનોજ, હું તને બધા કામની સાથે આ હિસાબનું પણ સોંપી ગયો હતો ન કે આ સુરેશને. મહેશે ગુસ્સે થતાં કહ્યું. હા મોટાભાઈ તમે મને જ બધું સોંપી ગયા હતા પણ હું ઘરેથી સ્કૂટરમાં કંપનીએ આવતો હતો ત્યાં મારું સ્કૂટરનું આગળનું પૈડું સ્લીપ થતાં હું પડી ગયો અને હાથમાં માઈનર ક્રેકને લીધે ફ્રેક્ચર, લખી ન શકાતું તેથી મે આ સુરેશને આ કામ સોંપ્યું હતું મનોજે સમજાવતા કહ્યું. એ જે હોય તે અત્યારે નુકસાન તો કંપનીનું જ થયું ને. હવે ભરપાઈ કોણ કરશે તમારાં બન્ને માંથી?મહેશે કહ્યું. ભરપાઈ!અરે મોટાભાઈ આ સુરેશ મધ્યમવર્ગીય છે તે કઈ રીતે અ. . અ. . ને હું તો તમારો સગો ભાઈ છું તમે મારા પાસેથી પૈસા માંગશો? મનોજે અચકાતાં કહ્યું.


હવે મહેશનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો પોતાનાથી થયેલી ભૂલ બદલ માફી માંગવાને બદલે ઉલટું થયેલ ભૂલના પ્રાયશ્ચિતથી મનોજ અને સુરેશ ભાગત‍ા હતા. તેથી તેણે મનમાં નક્કી કરી લીધું કે આ બન્નેને પાઠ તો ભણાવવો જ પડશે. તેણે થોડા દૂર જઈને કોઈકને ફોન કર્યો. મનોજ અને સુરેશ બન્ને જોતા હતા કે મહેશ કોની સાથે વાત કરે છે. થોડા સમયમાં વાત પુરી થઈ ગયા પછી મહેશે ખુલાસો કર્યો: જુઓ તમે બન્નેએ ભૂલ કરી જ છે તો તમને તેની સજા પણ મળવી જ જોઈએ જેથી કરીને તમે બીજીવાર આવી ભૂલ ક્યારેય ન કરો, મહેશે ગંભીર અવાજે કહ્યું. જુઓ મોટાભાઈ તમે સમજો માણસ માત્ર ભૂલને પાત્ર, મનોજે થોડા ઢીલા પડતા કહ્યું. ના મનોજ! અહીંયા મનોજ અને સુરેશ સજાને પાત્ર, મહેશે હસતાં કહ્યું. જુઓ તમે હું કોઈને તેના કાર્ય પ્રત્યે બેદરકાર જોવું છું તો મને તેને સીધે રસ્તે લાવવાનું મન થાય છે,મહેશે સમજાવતા કહ્યું. મનોજ અને સુરેશ બીજું કશું બોલે ત્યાં પોલીસ આવી પહોંચી.


મનોજ અને સુરેશ બને જોઈને હેબતાઈ ગયા. માલિક પો. . પોલીસ અહીંયા? સુરેશે ગભરાતાં કહ્યું. હા અહીંયા એ તમારાં બન્નેની ધરપકડ કરવા આવી છે મહેશે કહ્યું. એક હિસાબી અસરની ભૂલને કારણે આટલી મોટા સજા! મનોજે આશ્ચર્યચકિત થઇને કહ્યું. હા,ભૂલ એ ભૂલ બીજીવાર આવી કોઈ ભૂલ તમે નહીં કરો એની શિક્ષા આ પોલીસ તમને આપશે મહેશે કહ્યું. પણ. . પણ. . મોટાભાઈ, મનોજ બીજું કશું બોલે તે પહેલા હવાલદારે તે બન્નેના હાથમાં હથકડી લગાડી દિધી. માલિક સાહેબ. . હવે આવું બીજીવાર નહીં કરું મને માફ કરો મારે જેલ નથી જવું. સુરેશે હાથ જોડતા કહ્યું. બીજીવાર નહીં જ થાય વાલા જેલ જઇને, ચિંતા ન કરો હું તમારા બન્નેની સજા ઓછી ચોક્કસપણે કરાવીશ, પણ એકવાર ભૂલ કરી છે એનું પ્રાયશ્ચિત કરી આવો. મહેશે સમજાવતા કહ્યું. મોટાભાઈ આજથી તમારાં ને મારા સંબંધ પર પૂર્ણવિરામ. મનોજે ગુસ્સે થતાં કહ્યું. ઈન્સપેક્ટર સાહેબ આ લોકોને લઈ જાવ મહેશે કહ્યું. આ સાથે પોલીસે તેમની ધરપકડ કરી લીધી અને કોર્ટે તેમને બન્નેને ત્રણ-ત્રણ મહિના જેલમાં રહેવાનું એવું ફરમાન કર્યું.


અઠવાડિયા પછી મહેશ જ્યારે તેની કેબીનમાં બેસીને છાપું વાંચી રહ્યો હતો ત્યારે તેનો કર્મચારી આવ્યો અને કહ્યું સર આ લો આ ચેક આ એ જ ચેક છે જે ગરવી કંપનીને પચ્ચીસ લાખ આપવાનો હતો, આ ચેક બાઉન્સ થયો છે. મહેશને તેની ખૂબજ ખુશી થઈ કે કંપનીના પૈસા સલામત છે પરંતુ દુ:ખ પણ કારણ કે પોતાના સગા ભાઇને જેલમાં મોકલ્યો, આમ છતાં મનોજ અને સુરેશને સારો એવો પાઠ શિખવ્યો તેની ખુશી પણ હતી. પણ મહેશ અને મનોજ વચ્ચે પડેલી તિરાડ એમ ને એમ જ રહી.


તો આ હતો કર્મનો મહારથી મહેશ. જેને પોતાના કાર્ય પ્રત્યે બેદરકાર રહેવું બિલકુલ પાલવે એમ નહોતું. એનો પાઠ ભણાવવા માટે એણે પોતાના સગા ભાઈને જેલમાં મોકલ્યો અને સંબધ સામે ન જોતાં કાર્યને મહત્વ આપ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Crime