Jalpan Vaidya

Children Stories Drama Crime

4.6  

Jalpan Vaidya

Children Stories Drama Crime

કિસ્મત સારી હતી

કિસ્મત સારી હતી

5 mins
11.9K


કવિશનું નાનપણથી સપનું હતું કે તે સોના-દાગીનાની દુકાન ચલાવે. આમ તો તેના પપ્પા ભરતભાઈ બીજે સોનીકામ કરવા જતાં જ પણ તેના પેઢીમાં આજ સુધી કોઈએ પોતાનો અંગત ધંધો ચલાવ્યો નહોતો. કવિશ જ એકમાત્ર તેનું અંગત ધંધો ચલાવવાના સપના જોતો હતો. તેની કિસ્મત બહુ સારી હતી. તેને ડગલેને પગલે સફળતાઓ મળતી આવી. ધોરણ ૧૨ સુધી નો અભ્યાસ અને કોલેજમાં સ્નાતક થયાં પછી તેણે સોના-દાગીનાના મોટા મોટા વેપારીઓ સાથે સંપર્ક સાધ્યો અને ત્રણ વર્ષ સુધી તેણે બધું શીખી લીધું. હવે વાત એમ છે કે તેને પોતાનો ધંધો શરૂઆત કરવો હતો એટલે જેટલી તેની અત્યાર સુધીની બચત હતી તેનો તેણે ઉપયોગ કર્યો. વધારાની મૂડી તેણે તેના કાકા વિરાભાઈ પાસેથી ઉછીની લીધી. બધું સેટલમેન્ટ થઈ ગયું હતું. હવે ફક્ત દુકાનનું ઉદઘાટન બાકી હતું. પણ કહેવાય છેને દરેક વખતે એકસરખી પરિસ્થિતિ નથી રહેતી ક્યારેક ઉતાર-ચડાવ પણ આવતાં હોય છે અને કવિશ સાથે એવું જ કંઈક ઘટવાનું હતું.

બીજે દિવસે સવારે કવિશની દુકાનનું ઉદઘાટન હતું અને આગલે દિવસે તે ખુબ જ ખુશ હતો તે તેના મિત્રો સાથે ચા પીવા ચા ની દુકાને આવ્યો હતો. તે તેના મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે તે દરમિયાન બાજુમાં ઉભેલો અજાણ્યો વ્યક્તિ તેની આ બધી બાબતો સાંભળી જાય છે, જે શહેરની પ્રખ્યાત સોના-દાગીનાનો હપ્તો વસુલનાર ગેંગનો માણસ હોય છે. કવિશ તેના મિત્રોને એમ કહ્યું હતું કે હાલ દુકાનમાં કિંમતી સામાન ક્યાં રાખ્યો છે. જે આ ગેંગન‍ા માણસને જાણ થઈ ગઈ હતી. તેણે તેના માલિકને આ વિશે વાત કરી જે ગેંગ નો બોસ હતો. તે લોકોએ નક્કી કરી લીધું કે આજે રાત્રે તે લોકો કવિશની દુકાનમાં ચોરી કરશે. અધૂરામાં પુરું દુકાન નવી હોવાને કારણે હજુ કવિશે તેમાં સીસીટીવી કેમેર‍ા પણ નહોતા લગાવડાવ્યા. હવે શું થશે!

તે જ રાતે તે ત્રણ-ચાર માણસો સાથે કવિશની દુકાને આવ્યા. જોયું ત્યાં બે મોટા તાળા લાગેલા હતા. તેઓનું તો આ અવારનવાર નું કામ હતું એટલે તેણે લોખંડ ના મોટા દસ્તા વડે ચાર-પાંચ વાર તાળા પર માર્યો. તાળું સ્ટીલનું હતું એટલે સરળતાથી તૂટી પડ્યું. ત્યારબાદ એક જણે ધીમેથી અવાજ ન આવે એ રીતે દુકાનનું શટર ખોલ્યું. દુકાનમાં અંધારું હતું જો લાઈટ ચાલુ કરે તો કોઈ ને કોઈ જોઈ જાય એટલે તે લોકોએ ટોર્ચનો ઉપયોગ કર્યો. આમતેમ ફાંફા માર્યા પણ કશુંજ હાથે ન આવ્યું. આખરે કવિશનું બોલવું તેના માટે નુકસાન દાયક નીવડ્યું. તેના માણસે કહ્યું કે પેલો સામે મોટો ફોટો લાગેલો છે,તેની પાછળ તિજોરી છે એમ દુકાનનો માલિક કહેતો હતો. તે લોકોએ તિજોરી ખોલવા મોટો ફોટો હટાવવા ગયા. હટાવવા ગયા ત્યાં તેના ઉપર ફોટો પડ્યો. જોરથી અવાજ થયો. તે લોકો ગભરાયા. માંડમાંડ ઊભાં થઈને તે લોકો થોડીવાર છૂપાઈ ગયા,એમ સમજીને કદાચ કોઈક અવાજ સાંભળી ગયું હોય અને ત્યાં આવી પહોંચે. પણ કોઈ જ ત્યાં આવ્યું નહીં. એટલે તે લોકો ધીમે પગલે બહાર આવ્યાં. તેના સરદાર ફોટો પડવાથી થોડી ઈજા પહોંચી હતી. કપડા પણ સાઈડમાંથી ફાટી ગયા હતાં. તે બધું જતું કરીને તેણે તિજોરી ખોલવા તરફ ધ્યાન આપ્યું. તેણે તેના માણસે તેને તિજોરી ખોલવા કહ્યું. એટલે તેણે ધારદાર હથિયાર વડે તેમાં બે વાર પ્રહાર કર્યો અને યોગાનું યોગ તિજોરીનું તાળું પણ ખૂલી ગયું. તિજોરી કિંમતી માલસામાનથી ભરેલી હતી. તે જોઈને તે લોકો ખુશખુશાલ થઈ ગયા. તે લોકો ઝટપટ તેમાંથી બધું ખાલી કરવા માંડ્યા. બધું મોટા પોટાલા બાંધીને તેઓ શટર ધીમેથી બંધ કરી ગાડીથી રવાના થયા.

બીજે દિવસે સવારે કવિશ અને તેનો પરીવાર ઉદઘાટન માટે દુકાને પહોંચ્યા ત્યારે તેઓ અચંબિત રહી ગયા. તેઓના આંખે અંધારા આવી ગયા. અને શું કામ ન આવે. પુરી દુકાન ગેંગના માણસો એ સફાચટ કરી નાખી હતી. પણ કહેવાય છે ને 'ચોર કી દાઢીમે તીનકા'. અહીંયા પણ એવું જ થયું. ગેંગ ના સરદારનો પર્સ ત્યાં દુકાનની અંદરથી કવિશને મળ્યો. જેમાં તેનો આધારકાર્ડ,પાનકાર્ડ વગેરે દસ્તાવેજ હતાં. કવિશને પોલીસને ફોન બધું થઈ ગયાં પછી કર્યો. પહેલા તેણે ચતુરાઈથી ગેંગના સરદારને ફોન લગાવ્યો,જે તેને આધારકાર્ડમાંથી પ્રાપ્ત થયો. ફોન પર કવિશે આ પ્રકારની વાત કરી કે તે એક મોટી ચોરબજાર ચલાવે છે અને તેને ખબર મળી છે કે તેના પાસે એક ૧૦૦ તોલાનો સોનાનો હાર ગીરવે આવ્યો છે પરંતુ હારના માલિકે તેને પૈસા એક વર્ષ થઇ ગયા બાદ હજુ સુધી ચૂકવ્યા નથી,તો મને જાણ મળી છે કે તમે સોના-દાગીનાનો વેપાર કરો છો એટલે તમને જોઈતો હોય તો મને મળી જાવ. કવિશની વાત સાંભળીને તે ખુશ થઈ ગયો. તેણે કવિશને હા પાડી દીધી અને મળવાનું સરનામું મેળવી લીધું. સરદારે તેના બીજા માણસોને કહ્યું મારી પાસે હાર મફતમાં પડાવાની એક યુક્તિ છે હવે હું જેમ કહું એમ જ તમારે ત્યાં કહેવાનું છે.

સરદાર અને તેના માણસો કવિશે આપેલ‍ા સરનામાં પર પહોંચી ગયાં. ત્યાં ફક્ત કવિશ અને તેના દુકાનનો એક માણસ હાજર હતો. સરદાર જોયું કે આ લોકો તો બે જણા જ છે આ લોકોને બંદુક બતાવીને કે પછી મારમારીને તેના પાસેથી હાર પડાવી લઈએ તો આ લોકો શું કરી લેવાના. એટલે તેણે તેની યુક્તિ માંડીવાળી. તેણે કવિશ પાસેથી હાર જોવા માટે માંગ્યો. કવિશે કહ્યું કે આ બોક્સમાં છે. કવિશે તેને બોક્સ આપ્યું. બોક્સ ખોલ્યા વિના તે અને તેના માણસો પાછળ પગ કરીને ભાગવા લાગ્યા. પણ વ્યર્થ. . પાછળ પોલીસ હાજર ઊભેલી હતી ! પોલીસે તેને ધર દબોચી લીધા. આ પહેલા સરદાર અને તેના માણસો સાથે આવી રમત આજ સુધી કોઈ રમી નહોતું ગયું,એટલે તેને પણ આશ્ચર્ય થવો વાજબી છે. પોલીસે તેની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી. ત્યાં તે લોકો પાસે પુછપરછ આદરી. પુછપરછમાં આજ સુધી લૂંટેલા દરેક સોના-દાગીનાનાં વેપારીની ભાળ મળી. પોલીસે કવિશનો ખુબખુબ આભાર માન્યો કે તેણે ખુબ ચાલાકીથી આ ગેંગને પકડાવી તે બદલ. કવિશ પણ ખુબજ ખુશ હતો. હવે તેણે દુકાનનું ઉદઘાટન પણ પૂર્ણ કર્યું. સુરક્ષા માટે તેણે સીસીટીવી કેમેરા પણ લગાવડાવ્યા.

તે દિવસે સાંજે તેને એક ફોન આવ્યો. કવિશ ફોન ઉપાડ્યો: હેલ્લો કોણ?. સામેથી જવાબ આવ્યો હું દિશા જ્વેલર્સથી કિરણભાઈ મણિયાર બોલું છું, મેં તમારી પ્રશંસા સાંભળી, તમે જે રીતે ચાલાકીથી શહેરની પ્રખ્યાત ચોરગેંગની ધરપકડ કરાવી તે બદલ તમને અભિનંદન પાઠવું છું. કવિશે તેમનો આભાર માન્યો. સાથે તેમણે એમ કહ્યું કે તેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત થયાં છે અને તેની સાથે સોના-દાગીનાનો વેપાર કરવા માંગે છે. આ સાંભળી કવિશ ખુશખુશાલ થઈ ગયો. તેણે કિરણભાઈનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો. આ સાથે તેનો આ ક‍ાંડ પૂર્ણ થયો. તેણે આ બધું થવા પાછળ પોતાની કિસ્મતનો કમાલ છે એવું માન્યું. કિસ્મત સારી હતી એમ બોલીને મંદ હાસ્ય તેના ચહેરા પર છવાઈ ગયું.


Rate this content
Log in