કોણ હતું ?
કોણ હતું ?
બાજુની ખુરશીમાં બેઠેલી વ્યક્તિ સ્હેજ હલચલ કરે અને તેની એ ઓચિંતી હરકતથી પણ ધ્રાસકો પડી જાય તેવી ભયાનક હોરર ફિલ્મની નાઈટ-શોમાં મજા માણ્યા પછી અભય અને તેનો ખાસ દોસ્ત કૃષ્ણ અભયનાં ઘર તરફ જતાં હતાં. જો કે અચાનક જ કૃષ્ણને તેના ઘરેથી ફોન આવ્યો અને તેણે અભયનાં ઘરે રાત્રી રોકાણનું આયોજન માંડી વાળવું પડ્યું. અભયનો પરિવાર બહારગામ હતો અને આવું જ્યારે પણ બનતું ત્યારે તે કૃષ્ણને પોતાની ઘરે જ બોલાવી લેતો. ક્યારેક કોઈ સંજોગોમાં કૃષ્ણ ન આવી શક્યો હોય તો તે પોતાના બીજા કોઈ મિત્રને રાત્રે ઘેર બોલાવી લેવાનું ચુકતો નહીં. જો કે આનું એક ગૂઢ કારણ પણ હતું. જે અભય સીવાય કોઈને ખબર ન હતી. અભયને ઘરમાં અને ખાસ કરીને રાત્રે એકલાં રહેવાનું થતું ત્યારે અકળ ડર લાગતો હતો.
કૃષ્ણએ પોતાનાં અનિવાર્ય કારણોસર અધવચ્ચેથી પોતાનાં ઘેર જવું પડ્યું. તેનાં કોઈ નજીકનાં સગામાં મરણ થયું હોવાનું ઘરેથી ફોનમાં જણાવવામાં આવતાં તે જતો રહ્યો. પણ અભયને તો પોતાનો મિત્ર કૃષ્ણ એ વખતે રણછોડ બન્યો હોય તેવી વિચિત્ર લાગણી થઈ આવી હતી. તેણે ઘરે પહોંચતા પહેલા રસ્તામાંથી પોતાના ઘણાં મિત્રને ફોન કરી જોયા પણ કોઈને અનુકુળતા નહોતી અભયનો સાથ આપવા. આખરે અભય પાસે પોતાનાં ભયને દબાવીને આજની રાત એકલા વિતાવવાનું સાહસ કર્યા સીવાય છૂટકો ન રહ્યો.
ખબર નહીં તેને કેવી રીતે આવો ફોબિયા તેના અંતરમાં પેસી ગયો હતો પણ અભય આજે ઘર તરફ પહોંચતા-પહોંચતા ''જે થાય તે જોયું જશે '' તેવી મક્કમતા એકત્ર કરતો જતો હતો. એક તો એમ પણ તેને રાત્રે એકલા રહેવામાં બીક હતી અને ઉપરથી આજે કૃષ્ણે પરાણે તેને હોરર ફિલ્મ દેખાડી દીધી હતી. જો કે કૃષ્ણ રાત્રે સાથે રહેવાનો હોવાથી અભયે પોતાનો ડર દેખાડ્યા વગર તેની સાથે ફિલ્મ તો જોઈ કાઢી પણ હવે તેની હાલત મોત સાથે મુલાકાત જેવી કફોડી થઈ ગઈ હતી. અભયને ખબર હતી કે તેને ડર લાગવાનો છે પણ હવે તેનો સામનો કર્યા સીવાય છૂટકો ય નથી. વળી આજે તેને પોતાના નાહક ભયને કાયમ માટે દફનાવી દેવાનો પણ મોકો મળ્યો હોય તેમ તે પોતે પણ હિંમત કરી લેવા માગતો હતો. તે જાણતો હતો કે આવો ભય આખી જીંદગી પાલવે નહીં. ક્યારેક તો તેણે આમાંથી બહાર આવવું જ પડશે. આવું વિચારતા તે પોતાના ઘરે પહોંચ્યો.
સામાન્ય રીતે જ્યારે પણ તેને ઘરે એકલું રહેવું પડતું ત્યારે સાંજે કે બપોરે ઘરથી નીકળતી વેળા ફળીયાની લાઈટ અગાઉથી જ ચાલું રાખીને જતો રહેતો. જેથી રાત્રે મોડો આવે તો આવતાં વેંત અંધારાનો સામનો કરવાનો ન થાય. જો કે આજે તેની માઠી હતી. તે પોતાનો એ ક્રમ જાળવી શક્યો ન હતો. ઘરનાં ડેલે પહોંચતા જ તેણે પોતાની જાતને કોસી હતી કે સાલું આજે જ લાઈટ ચાલું કરવાનું ભૂલી ગયો. સારા એવા મોટા મકાનનો મેઈન ગેટ ખોલીને તેણે અંધારામાં જ પોતાનું બાઈક અંદર લીધું અને પોતાને કોઈ જ ડર લાગવાનો નથી દંભ પોતાની જાત જોડે કરતાં કરતાં તેણે દરવાજો બંધ કરી દીધો. સ્ટ્રીટ લાઈટનાં આછાં ઉજાસમાં તેણે થોડા વૃક્ષો વાવેલું ફળીયું પસાર કર્યુ અને મકાનનાં દરવાજા પાસે પહોંચ્યો.
અચાનક તેને યાદ આવ્યું કે મેઈન ગેઈટનો દરવાજો અંદરથી બંધ કરવાનું તો તે ભૂલી ગયો છે. તે ફટાફટ દોડીને પાછો ગયો અને અંદરથી આકડીયો મારી દીધો. ફરી તે ઘરનાં મુખ્ય પ્રવેશે આવ્યો. ખીસ્સામાંથી ચાવી કાઢી અને લોક ખોલ્યું. દરવાજો આખ્ખો ઉઘાડીને તેણે પોતાની જમણી બાજુની દિવાલ ઉપર કી-સ્ટેન્ડને અડકીને આવેલા સ્વીચ બોર્ડ ઉપર હાથ ફેરવીને બહાર ફળીયાની લાઈટ કરી નાખી. તેના પ્રકાશથી ઘરમાં પણ સ્હેજ ઝાંખો પ્રકાશ આવ્યો અને આખો હોલ પસાર કરીને સામે રસોડા અને મમ્મી-પપ્પાનાં બેડરરૂમની વચ્ચેની દિવાલ ઉપર આવેલા સ્વીચ બોર્ડમાં વારાફરતી બે ત્રણ સ્વીચ દબાવી જોઈ. જેમાંથી એક સ્વીચ દબાતાં જ હોલ પ્રકાશિત થઈ ઉઠ્યો. ભારે થઈ ગયેલું વાતાવરણ ઘડીભરમાં ફેલાયલા પ્રકાશમાં અલોપ થયું.
અભય બરણું બંધ કરવાં માટે પરત આવ્યો. મન ઉચક હતું અને તેને થયું કે ઘરે એકલો છે તો એકવાર મકાન ફરતે નવેળા જેવી ચાલીમાં પણ સ્હેજ તપાસી લેવું સારું. તે ફરી ફળીયામાં આવ્યો અને મનમાં રહેલો ડર દબાવતાં-દબાવતાં આખા ઘરને ફરતે ચક્કર મારી લીધું. કંઈપણ અસામાન્ય જોવા મળ્યું નહી. ફરી ઘરમાં આવ્યો અને બારણું બંધ કરીને હોલમાં રહેલું ટીવી ઓન કરીને સોફા ઉપર આડો પડ્યો. ફળીયાની લાઈટ તેણે ઈરાદા પુર્વક ચાલું રાખી હતી. જેથી રાત્રે તેને ડર જેવું લાગે તો બહાર જઈ કે જોઈ શકાય.
તેનું મન ટીવીમાં આવતી એકપણ ચેનલમાં ચોંટતું ન હતું. વારેઘડીએ તે ચેનલો બદલ-બદલ કરતો હતો. રાત્રે દોઢ વાગવા આવ્યો હતો પણ તેની આંખ જાણે ઉંઘવાનું નામ જ લેતી ન હતી. તેને ધીમેધીમે લાગવા માંડ્યું હતું કે આજની રાત તો જાગીને જ કાઢવી પડશે. તેનાં લાખ પ્રયાસ છતાં પણ ફોબિયાની જકડમાંથી તે બહાર આવી રહ્યો ન હતો. તે પરાણે ટીવીમાં મન પરોવવાનાં પ્રયાસ કરતો હતો ત્યારે જ અચાનક જ ટીવીમાં કેબલનું પ્રસારણ ખોવારઈ ગયું અને ઝરમરીયા આવી ગયા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. તેણે ઉભા થઈને કેબલનાં દોરડાને છંછેડી જોયો પણ તેનાથી ટીવીએ કોઈ મચક આપી નહીં. ત્યાં જ અભયને ફાળ પડી...
છમ્મ...
છમ્મ...
ઝાંઝરા જેવો અવાજ તેનાં કાનમાં ઝણઝણાટી કરી ગયો. તેણે ધ્યાનથી અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો. થોડીથોડી વારનાં અંતરે તેને આવો અવાજ સાંભળવા મળી જતો હતો. તેને રુંવાડા ઉભા થઈ ગયા. આંખ પટપટવાની બંધ થઈ ગઈ હતી અને કાન સતત સરવા રહેવા લાગ્યા. તેણે ધ્યાન પુર્વક સાંભળ્યું તો લાગ્યું કે ઝાંઝરા જેવો એ અવાજ કદાચ ઉપરનાં માળેથી આવતો હતો. આજ તો બધાં ડરનો સામનો કરી લેવાની હિંમત એકઠી કરીને તે હોલમાંથી જ ઉપર જતાં દાદરા પાસે ગયો અને ધીમે...ધીમે... દબાયેલા પગે ઉપર જવા લાગ્યો. ઉપરનાં માળે બે ઓરડા હતાં. બન્ને રૂમ વચ્ચે હોલ. નીચેનાં હોલની લાઈટનાં પ્રકાશથી દાદરા ઉપર તો થોડોઘણો પ્રકાશ હતો પણ હોલ અંધકારમાં ઘેરાયેલો હતો. હોલમાં જઈને ઝાંઝરાનો અવાજ સાંભળવાનું ચુકાઈ ન જાય તેની તકેદારી રાખતાં તે અંદાજનાં આધારે સ્વીચ બોર્ડ સુધી પહોંચ્યો. લાઈટ ચાલું કરી. કંઈ જ નહોતું. તેણે બન્ને રૂમ પણ ખોલીને તપાસી લીધા.
આ દરમિયાન તેને એકેયવાર ઝાંઝરું સંભળાયું નહીં. ઉપરની લાઈટ પણ ચાલું રાખીને તે નીચે ઉતરી ગયો. હોલમાં આવ્યો અને સોફા ઉપર બેઠો. રીમોટ ઠપકારીને ફરી ચેનલ બદલવાનો પ્રયાસ કર્યો. ટીવી ઝરમરીયા સીવાય કંઈ દેખાડવા રાજી નહોતું. ત્યાં જ ફરી તેનાં કાનમાં ઝનકાર સંભળાઈ. છમ્મ... ઘડીક તો તે હૃદયનો ધબકારો ચુકી ગયો. અચાનક જ તેના દિમાગમાં પણ બત્તી થઈ. તેનું ધ્યાન સીધું ઉપર પંખામાં પડ્યું. રસોડા નજીક રહેલા ડાઈનીંગ ટેબલ પાસે ગયો, એક ખુરશી લીધી અને પંખાની નીચે રાખી. ખુરશી ઉપર ચડીને થોડીવાર પંખા પાસે કાન ધરીને તે ઉભો રહ્યો. ત્યારે તેને હાશકારો થયો... પંખાનું બેરીંગ ઓઈલ વગર કણસતું હતું. તેનો કીચુડ-કીચુડ અવાજ ઝાંઝરા જેવો લાગતો હતો.
તે ખુરશી ઉપરથી નીચે ઉતર્યો અને તેને પાછી ડાઈનીંગ ટેબલ પાસે ગોઠવી પોતે પણ પરત આવી ટીવી સામે સોફા ઉપર ગોઠવાયો. તેની શંકાનું સમાધાન તો થઈ ગયું હતું. ટીવી ઝરમરીયાભેર ચાલુ રાખીને તેણે આંખ બંધ કરી સુવાનો પ્રયાસ શરૂ કર્યો. એક-એક મિનિટ કલાકની જેમ પસાર થતી હતી. તેને ઉંઘ પણ નહોતી આવતી કે નહોતી સવાર પડતી. પરાણે આંખ મીચીને તે પડ્યો હતો. પંખો ક્યારેક ક્યારેક છમકારો સંભળાવી દેતો હતો પણ અભયને હવે બીજી કંઈક અજૂગતી ઘટના ઘટવાનો ડર લાગવા માંડયો હતો. તે મનમાં વિચારતો હતો કે આજે પેલી ડરામણી ફિલ્મ જોવા ન ગયો હોત તો કદાચ આટલી ખરાબ હાલત તેની ન થઈ હોત. ગળું સુકાઈ ગયું હતું. આંખ ખોલીને તે રસોડામાં ફ્રીજ તરફ જવાનું વિચારતો હતો. ત્યાં જ ભયનો ભુકંપ સર્જાયો.
છાતીનાં ધબકારાને ધણધણાવી નાખતાં ધબકારા તેને દરવાજે સંભળાયા. ભડકી ગયેલો અભય દરવાજા તરફ જતો જ હતો ત્યાં તેને ચમકારો થયો. તેને યાદ આવ્યું કે બહારનો ડેલો તો તેણે બે વખત ચેક કર્યો હતો. તો કોઈ સીધું ઘરનું બારણું કેવી રીતે ખખડાવે ? પરસેવે રેબઝેબ થઈ ગયો. ભયભીત અભય મોટેથી બરાડી ઉઠ્યો
'કોણ છે બહાર... ?'
કોઈ જ વળતો જવાબ ન આવ્યો. ફરીથી બારણે જોરદાર ધબ્બો પડ્યાનો અવાજ તેનાં કાનમાં આવ્યો.
'કોણ ?'
અભયે દરવાજાની નજીક જઈને ત્રાડ પાડી. આ વખતે ઘોઘરાં અવાજમાં જવાબ આવ્યો.
'કોઈ નહીં...'
આંખમાં ડર, નીતરતું કપાળ, કંપતું શરીર, ખડા રૂવાડાં સાથે અભય બારણાની નજીક ગયો અંદરથી આંકડીયો મારેલા બારણાની સેફ્ટી ચેઈન બાંધીને તેણે સ્હેજ દરવાજો ખોલીને બહાર નજર નાખી. કોઈ નહોતું. તેણે ફરીથી પુછ્યું...
'કોણ છે બહાર...'
ફરી વળતો જવાબ આવ્યો 'કોઈ નહી...'
અભય દોડાદોડ રસોડામાં ગયો. એક હાથમાં દસ્તો અને બીજા હાથમાં શાકભાજી સમારવાની છરી ઉપાડીને બારણે આવ્યો, સેફ્ટી ચેઈન ખોલતાં ફરી રાડ પાડી...
'કોણ?'
ફરીથી એ જ જવાબ... કોઈ નહીં.
તેણે હિંમત કરીને બારણું ખોલ્યું અને ભયમાં ગરકાવ હોવા છતાં છાતી કાઢીને બહાર આવ્યો. તેની આંખ ફાટી રહી ગઈ...
બહાર સાચે જ કોઈ ન હતું... તો પછી હતું કોણ ?