અમર-આકાંક્ષા
અમર-આકાંક્ષા
કોઈ રીયાલિસ્ટીક ચિત્રકારે બનાવેલા હોય તેવા અણીદાર અંતવાળા અને લિપસ્ટીકને સદાકાળ માટે વર્જ્ય બનાવી નાખે તેવા આછા ગુલાબી હોઠ. શાંત દરિયામાં વહાણનાં પુરેપુરા તણાયેલા શઢનાં ઉભારને શરમાવે તેવા આ હોઠ ઉપર તાણી જાય તેવી પ્રવાહી મુસ્કાનનું પૂર. આકાંક્ષા એકધારી પોતાનું સ્મિત રેલાવતી રેલાવતી ભૂતકાળનાં એક દિવસમાં સરી ગઈ.
ડેમનાં ખળખળ કરતાં નીર, કાંઠાનાં પાણકે બેસીને તેમાં ઝબોળાયેલા પગ, હાથમાં રમતાં નાના-નાના પથ્થરા, પવનની લખેરખીમાં ઉડતાં વાળ, પવનનાં વેગથી સ્હેજ ઝીણી કરવી પડેલી આંખ અને આ ટાઢક વચ્ચે ખભ્ભે રહેલો એક હુંફાળો હાથ. આકાંક્ષા અને અમર ફરી એકવાર બન્નેની વ્હાલી જગ્યાએ બેઠાં હતાં અને પાણી ઉપરથી પોતાની નજર હટાવતાં આકાંક્ષા ઘડીભર આકાશને જોઈ રહી અને અચાનક બોલી. 'આજે તો તારે મને કહેવું જ પડશે કે શું જોઈ ગયો તું મારામાં? સાચું બોલ તને કેવી રીતે પ્રેમની લાગણી થઈ ?' આકાંક્ષાનાં ચહેરા ઉપર હોઠ મરક-મરક કરતાં હતાં.
અમર ઘડીભર નિ:શબ્દ રહ્યો અને પછી પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતાં બોલ્યો 'સ્ટેચ્યુ.' હળવી મુસ્કાન સાથે આકાંક્ષા મૂર્તિવત બની ગઈ. અમરે પોતાનાં ફોનમાં કેમેરા ઓન કર્યો, લેન્સ ઝૂમ કર્યો અને બટન દબાતા જ ક્લીક અવાજ થયો. અમરે ફોનમાં પાડેલો ફોટો નીરખીને જોયો અને પછી ફોન આકાંક્ષાનાં હાથ તરફ લંબાવતાં કહ્યું, 'બસ જો આના હિસાબે પ્રેમ થયો. આ જોયું પછી જાણે મને જીવવાનું કારણ મળ્યું. કદાચ નવજીવન મળ્યું.' સ્ટેચ્યુ મોડમાં રહેલી આકાંક્ષા રીલેક્સ મોડમાં આવી અને ફોનમાં પાડવામાં આવેલો ફોટો જોયો. જેમાં ફક્ત પોતાના મુલાયમ હોઠોની મુસ્કાન કેદ થઈ હતી. ફોટો જોઈને તરત તે બોલી ઉઠી 'બસ ફક્ત આટલું જ કારણ ?' અમરે તીવ્ર ભાવનાની છોળો ઉડાડતી નજરે તેની સામે જોતા કહ્યું 'આનાથી મોટું કારણ શું હોઈ શકે ?' ખબર નહીં કેમ પણ બન્ને એકબીજાને ભેટી પડ્યા. બન્નેની બાહુપાશ વધુ ને વધુ મજબૂતીથી એકબીજાને જકડવા લાગી.
સપનાની જેમ એ દિવસની યાદ અલોપ થઈ પણ આકાંક્ષાને એ દિવસ યાદ આવતાં જ હોઠ થોડા વધુ તણાઈને વધુ મોટી મુસ્કાનમાં ફેરવાઈ ગયા. કારણ કે એ દિવસે પહેલીવાર બન્ને પંખીની ચાંચ ટકરાઈ હતી ! આ યાદમાંથી આકાંક્ષા બહાર આવતાં વેંત જ બીજા એક દિવસમાં ગરકાવ થઈ ગઈ. બન્નેનાં પરિવારોએ લગ્નની સંમતી આપીને ધામધૂમથી સગાઈ કરાવી દીધા બાદ પહેલીવાર આકાંક્ષા પોતાના ભાવિ સાસરે પગલાં પાડવા ગઈ હતી. સાંજનાં સમયે એકાંત મળતાં જ બન્ને ઘરનાં એક ઓરડામાં એકમેકમાં વન્ય ઝાડીઝાંખરાની જેમ પરોવાઈ ગયા હતાં. આકાંક્ષાનાં ચહેરા ઉપર ત્યારની માદક મુસ્કાન જોઈને અમરે કહેલું 'આ સ્મિત આમને આમ જ રહેશે તો મને રોજેરોજ તારી સાથે નવેસરથી પ્રેમ થઈ જશે.' આકાંક્ષા પણ પ્રેમથી વધુ બીજી કોઈ અપેક્ષા ન હોય તેમ બોલી પડી 'આમ જ રહેશે આ મુસ્કાન... તને ગમે છે ને ? તો એ ક્યારેય ઓઝલ નહીં થાય.' માનસપટલમાં આ દ્રશ્ય અચાનક જ ઓઝલ થયું અને આકાંક્ષા ફરી નવી યાદનાં દરિયામાં ડૂબી ગઈ.
લગ્ન પછી બન્ને વચ્ચે એકવાર સારી એવી બોલાચાલી થઈ ગઈ હતી. આકાંક્ષાને ખબર હતી કે પોતાની ભૂલ હતી પણ ઉગ્રતામાં તે આ ભૂલ સ્વીકારી શકી ન હતી. જેમાં અમર ખુબ જ ગુસ્સે ભરાઈને જમ્યા વગર ઘરેથી જતો રહ્યો અને મોડી રાત્રે પાછો આવેલો. આકાંક્ષાએ આખો દિવસ કેવી રીતે સોરી કહેવું એ જ વિચાર્યા કર્યુ હતું. આખરે રાત્રે અમર આવ્યો ત્યારે તેણે આંખમાં ઝળઝળીયા સાથે ભેટી પડીને પોતાની ભૂલ કબૂલી હતી. જો કે અમર ટસનો મસ નહોતો થતો. તેનો ગુસ્સાની ચાડી ખાતો હતો તેનો ચહેરો. પોતાના પ્રેમી, પોતાના પતિને મનાવવામાં નિષ્ફળતાથી અકળાઈને આખરે આકાંક્ષા બોલી હતી 'તું કેવી રીતે માનીશ હવે ? શું કરવું મારે...?' અમરે હળવેથી કહ્યું 'એકવાર પ્રેમથી હંસી આપ... હું માની જ જઈશ.' આકાંક્ષાનાં ચહેરા ઉપર સંતોષનું સ્મિત છલકાઈ ગયું અને આ અમૃતથી જાણે અમરનાં ચહેરા ઉપર ગુસ્સો મોતને ભેટ્યો અને ફરીથી પ્રેમનો પુનર્જન્મ થયો હોય તેવું આકાંક્ષાને લાગ્યું.
આકાંક્ષાને ફરીફરીને એક જ સવાલ થતો હતો કે તેની મુસ્કાનમાં એવું તે શું જાદુ હશે ? તે હંસતા ચહેરે બીજા એક દિવસની યાદમાં જીવવા લાગી. તેના ઘરે તેની બહેન રોકાવા માટે આવી હતી. ઉંમરમાં અપેક્ષા કરતાં આકાંક્ષા માત્ર ચાર મિનિટ નાની હતી. બન્ને બેલડી બહેનો પહેલી નજરે પારખી ન શકાય તેવી અદલો અદલ હતી. અપેક્ષા પોતાનાં જીજુ સાથે ખુબ જ હંસી મજાક કરી લેતી. સાંજે જમવા બેસતી વેળા અપેક્ષાએ મજાકમાં કહેલું કે 'અમર તમને ખ્યાલ નહોતો કે હું આના કરતાં ચાર મિનિટ મોટી છું ? મારા પહેલા આનું લગ્ન થાય એ વાજબી નથી હો ! અમારા દેખાવમાં પણ કોઈ ફર્ક નથી. મારા પ્રેમમાં પડ્યા હોત તો હું કંઈ તમને રીજેક્ટ ન કરેત.' આટલું બોલીને તેણે હંસતા હંસતા આંખ મારી. આકાંક્ષા પણ મોટેથી હંસી પડી. અમરે ઉત્કટ પ્રેમભરી નજરે આકાંક્ષા સામે જોઈને કહ્યું, 'ફર્ક તો છે તમારા બન્નેમાં.' બન્ને બહેનો સ્હેજ ચકિત થઈ અને સાથે જ બોલી પડી 'શું?'. અમરે અપેક્ષા સામે જોઈને કહ્યું 'તારી મુસ્કાનમાં મને મારા જીવનનો અનુભવ નથી થતો. આકાંક્ષાનું સ્મિત મારા માટે શ્વાસ જેવું છે. આ મુસ્કાન જોવા માટે તો હું મરીને પણ પાછો બેઠો થઉ.' જાણે ફરીથી પ્રેમનાં ઢોલ વાગતાં હોય તેમ આ જવાબથી આકાંક્ષાનું હૃદય ધડક-ધડક કરવાં લાગેલું.
હૃદયનાં એ ધબકારનાં પડઘા વચ્ચે આકાંક્ષા ફરી વર્તમાનમાં આવી. ચહેરા ઉપર અત્યાર સુધીમાં ક્યારેય ન આવી હોય તેવી મુસ્કાન લાવવાનો પ્રયાસ કરતાં તેણે ઝૂકીને કાન ધર્યો. તેણે જ્યાં કાન ધર્યો ત્યાંથી સૂનકાર હતો. કોઈ જ અવાજ નહીં આવતાં તે ફરીથી ઉભી થઈ અને એકધારું મંદમંદ હાસ્ય ચાલું રાખ્યું.
આકાંક્ષા તો પોતાનામાં તલ્લીન જ હતી પણ તેની આસપાસનાં લોકોને લાગતું હતું કે જરૂરથી તેનું દિમાગ અત્યારે કામ કરતું અટકી ગયું છે, કદાચ તેનું ચસ્કી પણ ગયું હોય તેવી ચિંતા પણ કેટલાંયને થતી હતી. એકબાજુ તેની બહેન અપેક્ષા અને બીજીબાજુ તેની મમ્મીએ આકાંક્ષાને ઝાલી રાખી હતી. ઘણીવાર સુધી બધા લોકોએ તેની આ હરકતો જોયા રાખી હતી પણ આખરે અપેક્ષાથી રહેવાયું નહી અને તેણે હળવો તમાચો મારતાં નાની બહેનને કહ્યું 'કેટલીવાર હોય આવું ગાંડપણ ? હવે બસ કર... રડી લે બેન... રડી લે...'
અપેક્ષાનાં આ શબ્દોએ જાણે ઓરડામાં હાજર બધા લોકોને પોક મુકવાનો આદેશ કર્યો, અત્યાર સુધી સચવાઈ રહેલી ભયાવહ શાંતિની જાણે કત્લેઆમ થઈ ગઈ. કંપારી છોડાવનારા આક્રંદથી ઓરડો ગમગીન બની ગયો પણ આકાંક્ષા હજી પણ બેઠીબેઠી હસતી જ હતી. જાણે આસપાસ કોઈ છે જ નહીં. વહ્યા વગર આંસૂ તેની આંખમાં સુકાઈ ગયેલા અને પોતાની ગમખ્વાર ભાવનાઓને જકડી રાખીને તે પોતાની મુસ્કાનને પરાણે જીવતી રાખતી હતી. ચોમેર રોકકળ મચી હતી અને તે વચ્ચે બેઠી હંસતી હતી, હસતી રહેવા માગતી હતી. કારણ કે તેને ખબર હતી કે તેની મુસ્કાન જોઈને સામે પડેલો અમરનો નશ્વર દેહ હમણાં જ જીવતો થવાનો છે. તેણે ફરીથી અમરની છાતી ઉપર કાન ધર્યો. ધબકારાનો કોઈ અવાજ ન સંભળાયો. ફરી બેઠી થઈ અને ફરી તેના ચહેરા ઉપર એવું જ અમરત્વ આપી જાય તેવું સ્મિત હતું...

