'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

કલાને સમજે કલા પારખુ

કલાને સમજે કલા પારખુ

2 mins
518


કોઈ માણસની પસંદગી સારી હોય તો જોનાર ખુશ થઈ જાય છે. આવી પસંદગી જે કલાનો ચાહક હોય તે જ કરી શકે.

વકીલાતની ડિગ્રી મેળવી વકીલશ્રીએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી. તેઓએ પોતાની ઓફીસમાં એવું તો ફર્નિચર ગોઠવ્યું કે જોનારા તો જોતા રહી જાય. તે સમયનું આધુનિક ફર્નિચર મુંબઈથી મંગાવ્યું હતું. મંગાવી લીધું એટલું જ નહિ, તેની ગોઠવણ પણ એવી કરી કે તેમની અક્કલને દાદ દેવી પડે. તેમના વિરોધી પણ એક વખત તો આ ગોઠવણને વખાણ્યા વિના રહી શકે નહિ. વકીલ અને આવા કલા-ઉપાસક બંને સાથે કઈ રીતે હોઈ શકે એ કોઈ સમજી શકતું નો'તું. શેઠશ્રી કસ્તુરભાઈએ તો ત્યાં સુધી કહ્યું કે, 'મેં આવું ફર્નિચર અમદાવાદની બીજી કોઈ ઓફિસમાં જોયું નથી.'

હવે દેશનાં કામ કરવા તેઓએ વકીલાત છોડી દીધી હતી. પણ તેઓની કલાસૂઝ જરાય ઓછી થઈ નો'તી. સને ૧૯૩૮નો ફેબ્રુઆરી મહિનો હતો. સુરત જિલ્લાના હરિપુરામાં કોંગ્રેસનું અધિવશેન ભરાવાનું હતું. હતા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ, પણ સુશોભન વગેરેની જવાબદારી આ વકીલશ્રીએ લીધી હતી. અહીં પણ તેઓની કલાએ જોહર દેખાડયું. સુશોભન સારું થાય તે માટે તે સમયના પ્રસિદ્ઘ ચિત્રકારો નંદલાલ બોઝ, રવિશંકર રાવળ, કનુભાઈ દેસાઈ વગેરેને રોકી લીધા.

પછી તો શરૂ થઈ સુશોભનની કામગીરી. વિચાર વકીલશ્રીનો, તો કળા કળાકારો(ચિત્રકારો)ની. સુશોભન એવું તો બેનમૂન થયું, કે ત્યાં આવનારા જોતા જ રહી ગયા.

આ અધિવેશનમાં તેઓએ ખાદી-ગ્રામોદ્યોગનું પ્રદર્શન પણ રખાવ્યું હતું. આ પ્રદર્શનની ગોઠવણમાં પણ પેલા ત્રણેય ચિત્રકારોની મદદ લીધી હતી. અધિવેશન પૂરું થવાના સમયે વકીલશ્રીએ પોતાના પ્રવચનમાં આ ચિત્રકારોનાં પેટ ભરીને વખાણ કર્યાં. પોતાની વ્યવસ્થાશક્તિ અને કુનેહનો જશ પણ તેઓ બીજાને આપી શકતા એવી તો તેમની મોટાઈ હતી. તેઓ કામ કરનાર માણસોની કદર પણ કરી શકતા હતા. આવા મોટા મનના માનવી તે સરદાર વલ્લભભાઈ પટેલ.

કળાકાર પોતાની કલા બતાવવા અને દાદ મેળવવા ઉત્સુક હોય છે. પણ આપણે આપણામાં કલાની સૂઝ ન હોય તોય તેમની કલામાં ખામીઓ શોધવાનું અને પેલા કળાકારને નિરાશ કરીને તેમની કલાનું અપમાન કરતા હોઈએ છીએ. સાચું તો એ જ છે કે, આપણી પાસે કલાની જાણકારી ન હોય અને કયાંક કલાનું પ્રદર્શન જોવા ગયા હોઈએ તો મૌન રહીને તે નિહાળી લઈએ, પણ કળાકારની કલાનું અપમાન તો ન જ કરીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational