STORYMIRROR

Yashvant Thakkar

Tragedy

4  

Yashvant Thakkar

Tragedy

કિંમત

કિંમત

2 mins
29.7K


અમેરિકાથી અમદાવાદ આવ્યા પછી બીજા જ દિવસે અંજનાએ પોતાના પપ્પા પાસેથી ઇરફાનનું સરનામું મેળવ્યું. ઇરફાનના પરિવારને ભેટ આપવા માટેની વસ્તુઓ લઈને એ રિક્ષામાં ઇરફાનના ઘરે પહોંચી.

ઇરફાનની પત્ની શબાનાએ બારણું ખોલ્યું.

‘ઇરફાનભાઈનું ઘર આ જ કે?’

‘હા. પણ એ તો અત્યારે લંડન છે.’

‘તમે ?

‘હું શબાના, એમની બીબી.’ શબાનાએ શરમાઈને કહ્યું.

‘ઓહ! શબાનાભાભી.’ કહેતાંની સાથે અંજના એને ભેટી પડી.

શબાના મૂંઝાઈ ગઈ કે આ કોણ હશે?

‘મારી ઓળખાણ આપું. હું અંજના. જેને તમારા હસબન્ડે નવી જિંદગી આપી છે એ.‘

શબાનાને કશી સમજ પડી નહિ.

‘ભાભી, બે વર્ષ પહેલાં તમારા હસબન્ડે ચેન્નઈ આવીને જેને પોતાની એક કિડની આપી હતી એ હું.’

સાંભળતાની સાથે જ શબાના સ્તબ્ધ થઈ ગઈ.

‘કિડની? એ ચેન્નઈ તમને કિડની આપવા માટે આવ્યા હતા ?’

‘હા, ભાભી. મારી બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. આજે હું ઇરફાનભાઈને લીધે જ જીવું છું.’

‘પણ મને તો એમણે આ વાત કરી જ નથી. એ તો ચેન્નઈ કોઈના લગ્નમાં ગયા હતા.’ શબાનાનો આઘાત હજી શમ્યો નહોતો.

અંજના પણ સ્તબ્ધ થઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો કે, ઈરફાને કિડની આપ્યાની વાત એની પત્નીને કરી નથી. એને અહીં આવવામાં મોટી ભૂલ થઈ હોવાનું લાગ્યું.

શબાના મનોમન તાળો મેળવવા લાગી. બે વરસ પહેલાં ઇરફાનના મનમાંથી લંડન જવાનું ભૂત દૂર થતું નહોતું. એ વારંવાર કહેતો હતો કે, ‘તને અને છોકરાઓને સુખી કરવા માટે જે કરવું પડે તે કરીશ. હું ગમેતેમ કરીને પણ લંડન જઈશ અને ખૂબ કમાણી કરીશ.’ એ ઘણુંય સમજાવતી હતી કે, ‘આપણે અહી સુખી છીએ. તમે અમારી ફિકર ન કરો અને શાંતિથી જીવો.’

પરંતુ ઇરફાન સતત પૈસાના બંદોબસ્ત માટે દોડધામ કરતો હતો.

અને એક દિવસ એણે બે લાખ રૂપિયાની લોન મળી હોવાની વાત કરી હતી.

શબાનાથી ઠપકાભરી નજરે ઇરફાનના ફોટા સામે જોવાઈ ગયું. ‘અમને સુખી કરવા માટે આટલી મોટી કિંમત ચૂકવી અને મને જાણ પણ ન કરી.’ એ મનોમન બોલી.

ફોટામાં હસી રહેલા ઇરફાનને જોઈને શબાના પોતાની જાતને ધ્રૂસકે ધ્રૂસકે રડતાં રોકી ન શકી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy