સુખડી
સુખડી
ચંદુ રમતાં રમતાં દોડ્યો ને એની ચડ્ડી ગોઠણની નીચે ઊતરી ગઈ.
રેવા ખડખડાટ હસી પડી. ’અલી બોન, તારા છોકરાને સારી ચડ્ડી તો પહેરાવ.’
‘હોવી જોઈએ ને…’ કમુ બોલી.
‘ન હોય તો લઈ દે બિચારાને.’
‘એના બાપને મેં કેટલીય વાર કીધું, પણ મૂઓ પીવામાંથી ઊંચો આવે તો ને ?’
‘તું પીવા દે છે ત્યારેને ? મારા ધણીને તો હું અડવાય ન દઉં.’
‘આ તો મને ગાંઠતો જ નથી. મૂઓ મારવા લે છે. અબી હાલ પીવા જ ગ્યો છે. આવીને ઉપાડો લેવાનો જ છે.’
‘મારો ધણી તો…’ રેવાએ ખુશાલનાં ગુણગાન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે કમુ વાલજીનાં અપલક્ષણો કહેતી ગઈ. કમુના વાસામાં પડેલી સોળો કમુના વસ્ત્રોથી ઢાંકી ઢંકાતી નહોતી. કમુ બોલે કે ન બોલે એ સોળો બોલ્યા વગર રહેતી નહોતી.
…વાલજીને આવતો જોઈને કમુ બોલી: ’આ આવ્યો. મૂઓ સો વરસ જીવવાનો છે.’
‘પી…ને જ આવ્યો લાગે છે.’
‘ના. ના. આજે પીધો નથી લાગતો. પીધો હોય તો એની ચાલ જ ફરી જાય.’
‘મને તો કાંઈ ફેર લાગતો નથી.’
‘તને ખબર ન પડે. મારા ધણીને હું ઓળખું એટલો તું ન ઓળખે.’
‘એ તો એમ જ હોય.’
રેવા પોતાનાં ઝૂંપડામાં જતી રહી. વાલજીએ આવીને ઝૂંપડાની બહાર, લીમડાના ઝાડ નીચે ખાટલામાં પોતાની જાતને ફેંકી.
‘કેમ આજે કોરા ?’ કમુએ પૂછ્યું.
‘એની બોનને…. માલ જ નહીં આયો.’ વાલજીએ જવાબ દીધો ને ખાટલામાં લાંબો થઈ ગયો.
‘સારું થયું.’ કમુએ છણકો કરીને કહ્યું.
‘તારી માની ટાંગ સારું થયું.’ વાલજી ખાટલામાં બેઠો થઈ જતાં બોલ્યો.
કમુ ચૂપ થઈ ગઈ. વાલજી થોડો બબડાટ કરીને પાછો ખાટલામાં લાંબો થઈ ગયો.
રેવાની મોટી છોકરી ગંગા કમુને પૂછી ગઈ કે: ‘માસી, ચંદુને ઘર ઘર રમાંડું ?’
‘રમાંડને મારી બોન.’ કમુ કુંડી પાસે બેસતાં બોલી. કુંડી ઉલેચાતી ગઈ. કુંડીનું પાણી રસ્તા પર ફેલાતું ગયું…..કમુને હાંફ ચડતી ગઈ.
…..મેદાનની સામે પારની સોસાયટીમાંથી માઈકનો અવાજ આવ્યો ને વાતાવરણ આળસ મળડીને બેઠું થઈ ગયું. ઝૂપડાંની બાઈઓ છોકરાંને લઈ ને બહાર આવી ગઈ. ચંદુ ને ગંગા ઊભાં થઈને જોઈ રહ્યાં.
‘અલી….સરઘસ આવ્યું લાગે છે.’ રેવા ઝૂંપડામાંથી બહાર આવીને બોલી.
‘કોને ખબર!’ કમુએ કહ્યું. ‘માસી, ચંદુને જોવા લઈ જાઉં ?’ ગંગાએ કમુની રજા માંગી.
’લઈ જા ને બોન. તો તો તારા જેવું કોઈ નહીં’. કમુએ હા પાડી દીધી.
પણ વાલજી ફરીથી ખાટલામાં બેઠો થઈ ગયો. તેણે ખીજવાઈને ના પાડી દીધી. ‘ફાળો ઉઘરાવે છે એમાં શું જોવાનું છે? તમે આલવાના છો કાંઈ?’
ચંદુ અને ગંગાના હાથ છૂટી ગયા. પગ રોકાઈ ગયા. આંખો વાલજીના ચહેરા પર ખોડાઈ ગઈ.
‘શાનો? ગણપતિનો ફાળો?’ કમુએ પૂછ્યું.
વાલજી વધારે ખીજવાયો. ’હવે તારે ચૂપ મરવું છે? કાંઈ ખબર ના પડતી હોય તો બોલવું જ નહિ.’
રેવા હસી. કમુને મજા પડી ગઈ. ’ખબર ના પડતી હોય તો પૂછવું ય નહિ?’ એણે છણકો કર્યો.
‘ગણપતિને ડુબાડી દીધા પછી ક્યાંય ગણપતિનો ફાળો જોયો છે?’ વાલજી બોલ્યો.
‘તો હશે નવરાત્રિનો.’ કમુ હસી.
‘અલી… નવરીની… આ તારા કાકા ધરતીકંપનો ફાળો ઉઘરાવે છે.’ વાલજીએ હાથ લાંબો કર્યો.
‘હું તો ભૂલી જ ગઈ.’ કમુએ કહ્યું.
કમુ અને રેવા ધરતીકંપની વાતોએ ચડ્યાં. તેઓ પાયમાલ થઈ ગયેલાં લોકોની દયા ખાવા માંડ્યાં ત્યારે વાલજીથી બોલ્યા વગર ન રહેવાયું.
એણે બીડી સળગાવતાં કહ્યું: ’પણ મદદ કેટલી આવી છે એની ખબર છે? ઠેઠ અમેરિકાથી વિમાન આવ્યાં છે! ને એ… ગાડીઓ ને ગાડીઓ ઠલવાય છે ત્યાં.’
‘અલી બોન. સુખડીની પણ ગાડીઓ ભરી ભરીને જાય છે.’ રેવાએ કહ્યું.
‘સુખડીને શું કરશે?’ કમુએ જાણીજોઈને પૂછ્યું.
ને વાલજી બગડ્યો. ’નવરીના પેટની… ભૂખ્યાંતરસ્યાં લોકો ખાશે. તને તો કાંઈ ભાન પડે છે કે નહિ?’
‘હાલોને આપણે ય ત્યાં પોગી જઈએ.’ કમુ હસતાં હસતાં બોલી.
-વાલજીનાં હૈયામાં રહેલી મોટી ગાળ તેના હોઠ પર આવી જવાની તૈયારીમાં હતી ત્યાં તો –
‘હા મા, હાલો આપણેય ત્યાં પોગી જાઈ.’ ચંદુ કમુનો સાડલો પકડતાં બોલ્યો.
‘ત્યાં તારા બાપનું કાંઈ દાટ્યું છે?’ વાલજીએ થોડા કૂણા થઈને ચંદુને પૂછ્યું.
‘ત્યાં સુખલી ખાવા મળશે.’ ચંદુએ આંખો નચાવતાં કહ્યું.
ને બધાં હસી પડ્યાં. વાલજી પણ. ગંગાએ ચંદુના ગાલે બકી ભરી લીધી.
… માઈકનો અવાજ સંભળાતો બંધ થયો પણ ચંદુનો કજિયો ચાલુ જ રહ્યો. બસ એક જ વાત:
‘મારે સુખલી ખાવી છે. અબી ને અબી. નઈં તો હાલો સલઘસમાં સુખલી ખાવા.’
‘અરે ગાંડા, સુખડી આંય નથી વહેંચવાના.’ વાલજીએ બીજી બીડી સળગાવતાં કહ્યું.
‘તો ક્યાં વહેંચવાના છે?’ ચંદુએ પૂછ્યું.
‘ધરતીકંપ થયો છે ત્યાં.’
‘ધલતીકંપ થાય ત્યાં સુખલી વહેંચાય?’
‘એ… હા.’
‘આંય ધલતીકંપ ક્યારે થાશે?’
‘મર મૂઆ. આવું શું બોલસ?’ કમુએ ચંદુના વાંહામાં એક ધબ્બો દઈ દેતાં કહ્યું.
ચંદુએ ભેંકડો તાણ્યો.
વાલજી ઉકળ્યો, ’નવરીની. છોકરા પર હાથ ઉપાડસ ? શરમ વગરની.’
‘પણ જુવોને. કેવું બોલ્યો?’
‘એને ખબર પડે છે?’ વાલજીએ હોલવાઈ ગયેલી બીડીનો કુંડીમાં ઘા કરતાં કહ્યું. ’ભાળય, કોઈ દાડો છોકરા પર હાથ ઉપાડ્યો છે!.મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય.’
‘ઉપાડવોય પડે.’ કમુએ જવાબ દીધો.
એ જવાબ પર વાલજી ખાટલામાંથી ઊભો થઈ ગયો ને કમુને મારવા ફરી વળ્યો. રેવા પોતાના ઝૂપડામાં જતી રહી. ચંદુ બીકનો માર્યો સુખડીને ભૂલી ગયો ને ગંગાની પાસે જઈને ઊભો રહી ગયો. ગાળાગાળી સાંભળીને બીજાં ઝૂંપડામાંથી કોઈને જોવા આવવાની જરૂર લાગી નહીં. રસ્તે જનારાં થોડી વાર ઊભા રહીને ચાલ્યા ગયાં.
થોડી વાર પછી એ તમાશો પણ બીજું ઝૂપડું શોધવા ત્યાંથી જતો રહ્યો. ફરીથી બધું હતું એમ ને એમ જ ! વાલજી ફરીથી ખાટલામાં લાંબો થઈ ગયો. કમુ ફરીથી ઘરનાં કામમાં વળગી.
ચંદુની જીભે ફરીથી ‘સુખલી’ નું રટણ શરૂ થઈ ગયું. ’મા….મારે સુખલી ખાવી છે.’ એણે કમુની પાસે આવીને રડતાં રડતાં કહ્યું.
કમુથી રહેવાયું નહીં તે બહાર આવી. ’આજે તમારી પોટલીના પૈસા બચ્યા છે તો આ છોકરાને કાંઈક ભાગ તો લઈ દો’ એણે વાલજીને કહ્યું.
‘હેં……’ વાલજી બોલ્યો.
‘હેં હેં. શું કરો છો ? એના નસીબના હશે એમ માનો ને બિચારાનો કજિયો ભાંગો.’
‘હા. સાલી એ વાત સાચી થઈ. હાલ્ય દીકરા, આજે તો તને ચોકલેટ ખવડાવું.’ વાલજી ખાટલામાં બેઠો થઈને બોલ્યો.
ચોકલેટનું નામ સાંભળીને ચંદુ રાજી થઈને કૂદવા માંડ્યો. એની ચડ્ડી પાછી ગોઠણની નીચે પહોંચી ગઈ.
વાલજી ખીજાયો. ’આની ચડ્ડીનાં તો ઠેકાણાં નથી. તબાલામાંથી એને દુકાને લઈ જાઉં.’
‘એવું જ હોય. આપણે કાંઈ અલકાપુરીમાં નથી રહેતાં, સમજ્યા?’
‘એટલે? માણસની રીતે નહિ રહેવાનું?’
‘જોઈ હવે તમારી માણસની રીત.’ કમુએ છણકો કર્યો.
‘તું મારી વાત રહેવા દે. માણસના પેટની હો તો મારી હારે મગજમારી રહેવા દે કહું છું. નહિ તો…..’ વાલજી ઊભો થઈ ગયો.
‘સારું હવે. હાથ ઉપાડવાની કાંઈ જરૂર નથી. બહુ થઈ ગયું છે આજે.’
‘તો મગજમારી કેમ કરી?’
‘નહિ કરું હવે. જાવ.’
‘છોકરાને ચડ્ડી સરખી પહેરાવ.’
‘હું શું કરું? રહેતી જ નથી.’
‘ના કેમ રહે? સૂતળી બાંધ. તારું નાડું બાંધ. મારે બધું કહેવાનું…નવરીની…’
વાલજી બબડતો રહ્યો. કમુએ ચંદુની ચડ્ડીને એની કમર સાથે સૂતળીથી કચકચાવીને બાંધી દીધી.
‘જાવ.’ કમુએ ચંદુને મીઠો ગુસ્સો કરીને કહ્યું. ચંદુ મલકાતો મલકાતો વાલજી પાસે ગયો.
વાલજી ઊભો થયો. ચંદુનું બાવડું પકડીને તે બોલ્યો…. ’હાલો. હીરો હીરાલાલ.’
ચંદુ ખડખડાટ હસી પડ્યો. કમુ વહાલથી ચંદુને જોઈ રહી…ચંદુએ વાલજીની આંગળી પકડી.
…ને ધનિયાએ વાલજીના ઝૂંપડાની સામે જ રસ્તાની કોરે સાઈકલ ઊભી રાખી દીધી.
વાલજીને થોડીઘણી સમજણ પડી ગઈ. ચંદુને લઈને તે ધનિયા પાસે પહોંચ્યોં.
‘કેમ લ્યા? છે કાંઈ ખબર?’ વાલજીએ પૂછ્યું.
‘હા.માલ આઈ ગયો છે એ કહેવા આયો છું.’ ધનિયાએ ધીમેથી કહ્યું.
‘હત તેરીકી. હું તો આ છોકરાને ભાગ અલાવવા જતો’તો.’
‘મેં તો મારી ફરજ પૂરી કરી. હવે તમે જાણો.’
‘એમ કર ને. તું જા. હું તારી પાછળ પાછળ જ આયો…’ વાલજીએ તરત જ નિર્ણય લઈ લીધો. ધનિયાએ સાઈકલ દોડાવી.
ચંદુ પાસેથી આંગળી છોડાવતાં વાલજીએ કહ્યું: ’તને કાલ ચોકલેટ લઈ દઈશ હોં.’
ચંદુ રડવા જેવો થઈ ગયો. કમુને દૂર ઊભા ઊભા જ વાત સમજાઈ ગઈ. ’કહું છું કે આજ ન જતા હોં. બિચારા છોકરાને ભાગ વગરનો ન રાખતા.’ એણે બૂમ પાડીને કહ્યું.
‘તું ચૂપ મર.’ વાલજીએ સામી બૂમ પાડી.
ચંદુને મૂકીને વાલજી ચાલતો થયો. કમુએ કકળાટ કર્યો પણ વાલજીએ પાછું વળીને જોયું જ નહીં. ચંદુએ રડ્વાનું શરૂ કર્યું. રેવા ઝૂંપડામાંથી બહાર આવી.
‘શું થયું કમુ?’ એણે પૂછ્યું.
‘ધનિયો…એની માનો…ક્યાંથી આવી પડ્યો? એનું નખ્ખોદ જાય. મારા છોકરાની મનની મનમાં રહી ગઈ.’
‘મારે સુખલી ખાવી છે.’ ચંદુએ આવીને કહ્યું.
કમુએ એને છાતીએ વળગાડ્યો. ’અલી બોન, આજે આનો બાપ ભાગ લેવા લઈ જતો’તો ત્યાં તો નખ્ખોદિયો ધનિયો આંય પોગી ગયો ને આના બાપને પીવા બોલાવી ગયો.’
‘અરેરે…’
‘બિચારો એટલો રાજી થઈ ગયો’તો… પણ નસીબમાં નહિ હોય ત્યારેને...નહિતર આજે તો માલેય નહોતો આયો. કોણ જાણે! ધનિયો શું કહી ગયો કે એ તો આને મૂકીને થયા હેંડતા. હવે જોજે બેય જણા પી… ને જ આવશે.’
‘મારો ધણી તો કોઈની વાદે ચડે જ નહીં. ’ રેવાએ પોતાના ધણીનાં વખાણ શરૂ કર્યાં…
કમુ પોતાના નસીબનો દોષ કાઢતી રહી… સમય લથડિયાં ખાતો આગળ ચાલ્યો….કમુ ચૂલે વળગી…
ગંગા ચંદુને પટાવીને રમવા લઈ ગઈ. એક ખાબોચિયા પાસે બંને રમવા લાગ્યાં.
…એકદમ જ ચંદુ ઊછળી ઊછળીને કૂદકા મારવા માંડયો. ’સુખલી…સુખલી….’ એ તાળીઓ પાડી પાડીને બોલ્યા માંડયો…..
ઝૂંપડાની અંદર ચૂલો ફૂંકતી કમુનું રોમરોમ રાજી થઈ ગયું. એણે માન્યું કે, મૂઆને અક્કલ આવી હશે એટલે જ છોકરા સારું મીઠાઈ-બીઠાઈ લાવ્યો હશે….એતે દોડતી બહાર આવીને જોઈ રહી….
ને જોતી જ રહી ગઈ… એને બે ધડી તો સમજણ પણ ન પડી કે છોકરાના રાજીપા પર હસવું કે રડવું.
રસ્તાને કાંઠે, ખાબોચિયાનું પાણી સુકાઈ જવાથી જે કાદવ જામી ગયો હતો એમાં ગંગા ચાકા વડે ચોસલાં પાડતી હતી. અને, એ ખરેખર સુખડીનાં ચોસલાં હોય એમ સંભાળીને બાજુમાં મૂકતી જતી હતી.
સુખલી આવી હોય એ જાણીને ચંદુ ખુશીનો માર્યો કૂદકા મારતો હતો અને ‘સુખલી.. સુખલી’ ની બૂમો પાસતો હતો. .
…ને કમુ હસવા માંડી. મન મૂકીને હસવા માંડી. એની આંખોમાં આંસુ આવી ગયાં તો ય હસતી રહી.
‘અલી, ગાંડી તો નથી થઈ ગઈને?’ રેવાએ પૂછ્યું.
‘જો તો ખરી.’ કમુએ કાદવનાં ચોસલાં તરફ આંગળી ચીંધી. રેવા હસી.
રેવા હસી એટલે કમુ વધારે હસવા માંડી...
‘અલી બોન, બસ કર. ગાંડી થઈ જઈશ.’ રેવા બોલી. પણ કમુ તો હસતી જ રહી….
…ને કમુ અટકી ગઈ. જાણે વીણાનો તાર તૂટી ગયો. તે હોઠ બીડીને સ્થિર નજરે એ તરફ જોઈ રહી જે તરફથી વાલજી લથડિયાં ખાતો ખાતો ઘર તરફ આવી રહ્યો હતો.
