'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

ખુશામતખોરીથી બચે તે આગળ વધે

ખુશામતખોરીથી બચે તે આગળ વધે

2 mins
447


ખુશામત તો ખુદાનેય પ્યારી હોય છે. મળે તો ખુશ, ન મળે તો નાખુશ. આવી જ વાત આપણા રાષ્ટ્રીય આગેવાન ઈન્દુલાલ યાજ્ઞિક સાથે પણ બની. તેઓને કોઈની ખુશામત કરવી પસંદ ન હતી. તેથી તેઓ ગાંધીજીને માન આપી શકતા હતા, પણ ગાંધીજીના સાચા ભકતનાં વખાણ કોઈ કરે તો તેઓનું રકત ઊકળી ઊઠતું હતું. એ વખાણમાં પણ તેઓને ખુશામતખોરી દેખાતી હતી. પણ એ ભકતને તો આવી બાબતમાં રસ જ નહોતો. એ તો પોતાનું કામ જ કર્યે જતા હતા. કોઈનાં વખાણની તેઓને જરૂર પણ નો'તી અને પોતે પણ કોઈને ખોટી રીતે વખાણી શકતા નો'તા, પરંતુ સાચું હોય ત્યાં બધાની વચ્ચે વખાણતાં પણ અચકાતા નહોતા.

આવી વાત તો રોજ બનતી. કોઈ આ ગાંધી-ભકત પાસે સલાહ લેવા જાય તો પણ ઈન્દુલાલને ગમતું નહિ. એક વખત રવિશંકર મહારાજને પણ ઈન્દુલાલ કહે છે, ''મહારાજ, આઝાદીની લડતના સેનાપતિ તો ગાંધીજી છે, ને તમે ગમે ત્યારે તેમના ભકતની સલાહ લેવા પહોંચી જાઓ છો. શું આપણો ઉપલો માળ ખાલી છે? આપણે નિર્ણય નથી કરી શકતા? આ ભકતની આવી ખુશામતખોરી કરવાની શી જરૂર છે ?'' ત્યારે મહારાજ કહે છે, ''ખુશામતખોરી તો મને પણ પસંદ નથી. પણ જે સારું છે તે કહેવામાં સંકોચ પણ ન રાખવો જોઈએ. કોઈએ સારું કામ કર્યું હોય, તો તેની પ્રશંસા કરવી એ કંઈ ખુશામતખોરી ન કહેવાય! કોઈની આવડતને માન આપવું એ ખુશામતખોરી નથી. એમને પ્રશંસાનો ઉપહાર આપવો જોઈએ. આ ગાંધી-ભકતને આવી ખુશામતખોરી પસંદ પણ નથી. એને તો એ ભલા, ને ભલું એમનું કામ. એમને કોઈ વળતરની પણ આશા નથી. કોઈ પોતાનું કામ કઢાવવા તેમની પાસે જઈ વખાણ કરે, તો તેમને ચોખ્ખું પરખાવીને કાઢી મૂકે છે. પણ ખોટું તો જરાય ચલાવે જ નહિ. પોતે શું કામ કર્યું તેના હિસાબની તેઓને જરૂર નથી. તેઓ તો કોઈનું કામ કરીને રાજી થાય છે.''

આમ આ ગાંધી-ભકત ખુશામતખોરીથી પર હતા. ખોટું કદી' બોલતા નહિ ને ખોટું થાય ત્યાં બોલ્યા વિના રહેતા નહિ. આવા હતા તે ગાંધી-ભકત સરદાર વલ્લભભાઈ પટેલ.

શું આજે આ બાબત ખાસ જરૂરી નથી ? લાંચ-રુશ્વત બંધ થાય અને કામ આળસ વગર જલદી થાય? દેશની પ્રગતિનાં રોળાં દૂર કરવાની જરૂર છે. આ માટે દરેક વ્યક્તિ આ સમાજ અને ઈશ્વરનો ગુનેગાર ન બને એવી તકેદારી રાખે તો સમાજમાં કોઈને લાચાર થવાનું રહે જ નહિ. વર્તમાન લોકશાહીમાં વિલંબકારી ક્રિયાકાંડોને તિલાંજલિ આપવાનો સમય પાકી ગયો છે. વહેલાસર નહિ ચેતીએ, તો આપણે ખત્તા ખાશું ને કાળ કાળનું કામ કરી જશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational