ખંડેર હવેલીને ખુણેથી
ખંડેર હવેલીને ખુણેથી
"આવી જ એક મેઘલી રાત હતી. એ દિ' સમી સાંજથી જ કાળાડિબાંગ વાદળા ધેરાણાં’તા." હનુભાએ ઉધરસ ખાતાં કીધું. પછી જગમાંથી પ્યાલામાં પાણી રેડી પીધું.
વળી શરૂ કર્યુ. "હવે તો એવા વરસાદેય ક્યાં થાય સે? એલીયું થાતી, આઠ્ઠાઠ દિ'ની ને લાઈટુય ક્યાં હતીયું?"
"ઈતો હવે સે બધુય. રોડ ઠેઠોઠેઠ લગી."
આતો વિહ પચ્ચી વરહ મોર્ય ની વાત સે. ઊભો વગડો ને સાધનેય ક્યાં હતા? તે હાલી ન જ જાવાનું." હનુભાએ થોડો શ્વાસ ખાધો...
"મારા કાકાના દીકરા જામભાના લગન હતાં. અહાડ મૈનામાં. આમ તો લગન નો હોય ને ખેડુ રાખેય નય પણ જામભા ના મામા માંદા થૈ ગ્યા તે કે જીવતાં - મરતાં દીકરીને વેલે બેહારી દઉં, તે ફુઈનાં ભાણુ વેરે સગપણ કરીન ઘડિયા લગન લીધેલા. ઈ શનેવારે લગન હતાં.
અમારામાં રાત્યના ફેરા હોય.
હું અમથો તો ઘોડો લઇન નીકળું, પણ તંઈ ધોડો જામભા ને સામા ચડવા મેકલેલો. હુંતો નવું અંગરખું સુરવાલ પેરીન માથે સાફો બાંધીન અંતર છાંટીને નીકળ્યો.
કલાકમાં તો પોગી જ જાત પણ વરસાદ કે મારું કામ, સુપડાધારે મંડ્યો વરહવા ને સામસામી તરવાર્યુ સમણતા હોય એવી વીજળીયુ. અને મે ગાજે કંઈ ગાજે." વાત કરતી વખતેય હનુભાની આંખમા આજેય ડર દેખાયો.
"વાત એમ હતી કે હું ને મારી ફિયાન્સી ડોલી બાઈક લઈને અમદાવાદથી રાજકોટ જવા નીકળેલા. લગનમાં જવું'તું. એટલે બેય તૈયાર થયેલાને સાથે ડોલીનાં થોડા દાગીનાયે હતાં. પણ અચાનક વરસાદ તૂટી પડ્યો. એટલે વરસાદ રહે એની રાહે અમે બાઈક હાઈવેથી નીચે કાચી સડક પર ઉતારી. જ્યાં એક ચાની હોટલ હતી.
હોટલ ઉપર કાટ ખાધેલ પતરામાં ખોપરી નીચે બે હાડકાં ક્રોસમાં હોય એવું ખતરાના નિશાનનું બોર્ડ હતું. મને નવાઈ લાગી પણ પછી રોડપર અકસ્માતવાળી જગ્યાનું સાઈન બોર્ડ લઈ લીધું હશે એમ માન્યું.
સાવ ખખડધજ જુની જગ્યા હતી.
ઉપર છાપરું ખૂબ જૂનું હતું. નવાઈની વાત એ હતી કે આટલો ધોધમાર વરસાદ પડતો હોવા છતાં હોટલની આસપાસ ક્યાય ભીનું હતું નહીં. મેં બાઈક પાર્ક કર્યુ.
અમે ઊભાં રહ્યાં. બે ચાનુ કહ્યું. ત્યાં અચાનક બીજા કોઈ પ્રૌઢકાકા આવી ઊભા. એ આવ્યા આમ ખેતર તરફથી પણ જરાય પલળેલા નહોતા. મને થયું, છત્રી હશે કદાચ. એ નેય ચા મંગાવી.
અમને જોઈએ પરિસ્થિતી પામી ગ્યા ને આમ ન નીકળવાની વણમાગી સલાહ પણ આપી. ડોલી ખૂબ અકળાયેલી હતી. ડરેલી પણ એવામાં અજાણી જગા જોકે એ ચૂપ જ રહી. એટલામાં ચા વાળાએ ચા આપી.
કંઈક અલગ જ રંગદેખાયો કપમાં. એટલે મેં એની સામું અણગમાથી જોયું.
"એ બોલ્યો દૂધ નથી."
મને ચીડ ચડી પણ નાછુટકે જેવી હોય તેવી પી લેવા મોઢે માંડી કમસેકમ ગરમાવો તો આવશે. પણ ચાનો સ્વાદ સારો હતો. ડોલીને પણ પી લેવા ઈશારો કર્યો.
પણ આગંતુકે ફરી ચાલુ કર્યુ. કે ક્યાક ભૂત બૂત ભેટી જાય.
એટલે હોટલ વાળોય ડોઢડાહ્યો થયો કે હનુભા, તમે કો'ને ઓલી વાત. ને હનુભાએ શરૂ કરેલું. ડોલીને ભૂતની વાત નહોતી સાંભળવી. મનેય બીક તો લાગતી પણ ડોલી વધુ ના ડરે એટલે હું બહુ રસ પડતો હોય એમ હનુભાની વાત સાંભળતો હતો.
મારે તો બીજા લુગડાં ભેગાં નઈ વિવાએ જાવાનું ને દખ થ્યું. ઝાડવાં હેઠે ઊભો'તો. એવામાં વીજળી એવ્વી થૈ ને મેં ગાજ્યો હડુડુડુ. ઘડીક તો કાનમાં ઘાક પડી ગઈ.
એજ વખતે જોરદાર કડાકો થયો ને લાઈટ ગઈ.
ડોલી વધુ ડરી ગઈ. હોટલવાળાએ ઝડપથી ફાનસ પેટવ્યું.
હનુભાએ જલ્દી કહી દેવા વાત પાછી શરૂ કરી. ઈ વીજળીનાં અજવાળામાં એક મકાન દેખાણું. આ સામે દેખાય છે નેએવુકહી એને આંગળી ચિંધીએ તરફ જોયું. તો વીજળીનાં અજવાસમાં ત્યાં કોઈ તુટેલ ખંડેર જેવું દેખાયું. હું તો ઝાંખરા ઠેકતો ન્યા પોગી ગ્યો.
કોક જુનાં વખતની હવેલી જેવું હતું. મને થ્યું કે વખતો વખત દિએ નીકળ. તૈ કેમ નૈ દેખાણું હોય!? મેં તો કમાડ ખખડાવ્યું. તે અઢારક વરહની દીકરીએ કમાડ ઉઘાડ્યું!
અમે તો દરબારુ, બાઈ માણસને શું કેવું, તે મે પૂછ્યું, "તમારા બાપુ કે કોઈ ઘરે છે? મારે ધડિક ઘરમા આશરો લેવો છે? મને કે વિયા આવો બાપુ પડખેના ગામ વિવાએ ગ્યા છે."
હું એકલી છું પણ આ વરસાદનાં ક્યાં જાશો ઓસરીમાં બેહો. હું ખાટલો ઢાળીને બેઠો. ઈ ઝડપથી પાછા પગલે જ ઓયડામાં ગઈ. જેવી ગઈ એવી જ ચા લઈ આવી. શું ચા હતો શરીરમાં ગરમાટો આયવો. વરસાદ... સાવ ધીમો થઈ ગ્યો તો. એટલે મેં જાવાનો વિચાર કર્યો પણ આ બાઈ ગઈ ક્યાં? ઘડીક તો મેં રાહ જોઈ. મને એમ કે સૂઈ ગઈ હશે. એટલે મેં જોરથી ઓયડાનું કડું ખખડાવ્યું.
કમાડ કીચુડાટી કરતુ ઊઘડી ગ્યું. ઈ હાથમાં નવા લુગડાં લઈને ઊભી'તી. મને કે લ્યો ઝટ પેરી લ્યો. હું તો મુંઝાણો મને કે વિવાએ આવે લુગડે જાસ્યો. મે મારા ડિલ સામુ જોયું. મારા નવા લુગડા ગારો ગારો થ્યેલા ને ઝયડામાં ભરાઈને ફાટીએ ગ્યેલા.
અમુક ઠેકાણે લોઈ વાળા ય થયેલા. જાજુ વિચાર્યા વિના એના હાથમાંથી લુગડાં લીધા મારો હાથ એને અડ્યો ટાઢો હીમ હાથ. મને તો ટાઢ ચડી ગઈ.
બીજા ઓયડામાં હું તિયાર થાવા ગ્યો. તે ઓયડો જાણે કોઈ દિ' ઉઘડ્યોજ નો હોયએવો બટઈ ગ્યેલી વાસ નાકમાં ગરી ગઈ. એ ઓયડાનાં ખુણાંમા કેટલાયે ભીના કોકે વરસાદમાં પલળીને બદલેલા હોય એવા લુગડાનો ઢગલો હતો. બધા આવા વિવા વાજનમાં પેરાયશ એવાજ લુગડાં.
પણ બાટની વાસ બઉ આવતી'તી. મેંય મારા સુરવાલ અંગરખુઈ ઢગલામાં નાખી દિધું. બાર ચીબરી બોલી.
હું ઝટ અંગરખું ચોયણી બદલીને બાર આવ્યો. ત્યાંતો ઈ પૈણવાનો કેસરી સાળું પેરી તૈયાર હતી. અસલ આ બેન જેવી. ડોલી ચીડાઈ ને ઊંધુ ફરી ગઈ.
મને થ્યું ઘરે જઈન ઘરના ને કવ કે તૌયાર થાતા આને ક્યાં વાર લાગી તમેતો ભવ ગાળો છો.
એ ફળિયામાં ઉતરી પણ જાણે પગલા માંડતી જનો હોય એમ જાણે હવા મેં ઉડતી હોર એવું.
નીચજઈ ખડકી ઉઘાડી કોક ને સાદ કર્યો ને જાણે આકાશમાંથી ઉતરી હોય એમ એક અસ્સલ જાતવાન વછેરી ખડી થઈ.
મને કે થઈ જાવ અસવાર મેં ઘોડીને થપથપાવી પણ ચાવી દિધેલ ઘોડી હોય લાકડાની એવું જ લાગ્યું.
હવે મને આ એકદમ બધું થાવા માંડ્યું તે જરાક વેમ પડ્યો.
પણ ત્યાં તો ઓલી આવી ને કે તમેય વરરાજા જેવાજ લાગો છો ને મારાથી કેવઈ ગ્યું તમે લાડી જેવાં.
એણે ખડખડાટ દાંત કાઢ્યા પણ અટ્ટહાસ્ય કરે એવા.
મને કે હાલોને ફેરા ફરી લઈ.
હું ના નો પાડી હક્યો.
મને થ્યું હવે ઘરે જાવું જ નથી.
આ ને લઈ મલક મા ક્યાક ઉતરી જઈશ.
અમે ઝાડવા ફરતે ફેરા ફરતાં'તાં. ઈ વડના ઝાડ માથે કાનકડીયા અવળા લટકતાં'તાં. એનાં મોઢા માણહ જેવા. નકરા કાનકડીયા.
"શું?" ડોલી બોલી.
"ચામાચીડીયા." મેં કહ્યું.
એકે તો ખખડીને દાંત કાઢ્યા. 'રવાદે, રવાદે...' બોલીને.
તૈણ ફેરા પછી મને બીક લાગી. ચોથે ફેરે મારો હાથ ઝાલી ફંગોળીને ઘા કર્યો. ને હું વડે ઊંધા માથે લટકી ગ્યો.
તંઈ મને સમજાણું કે ખંડેર હવેલીનાં ખુણામાં આટલાં લુગડાંનો ઢગલો કેમ હતો.
ને ઈ વાંહો વળીને ત્યાં તો ઠામકો વાંહો જ નઈ.
તારા આડી મેલડી કરી ને મે જે ઠેકડો માર્યો.
ડોલી બહુજ ડરી એટલે બોલી પડી, "બસ હવે કશુ ના કહેતા."
હવે કંઈ કે'વાનું રેતું જ નથી ને.
પછી તો આખે રસ્તે હું મુઠીયું વાળીને ભાગેલો તે આ હોટલ સુધી.
ને પછી આ જીવણો કે શું થ્યું? તે મેં વાહે ફરીને દેખાડ્યું કે પણે ડાકણ્ય સે.
વળી, ડોલી ખૂબ ડરી. મેં પણ ધ્રુજતા અવાજે કહ્યું, "આ બધા ગપ્પા હોય ડાર્લીગ."
ને મે એની કોરપાછું વાળીન નો જોયું હોત તો વાંધો નો'તો. પણ જેવું ફયરા એવા હું 'ને આ જીવણો બેય ભડકો.
ને વળી આકાશમાં કડાકો થયો ફાનસ બુજાયું. પણ આવખતે ડોલી ડરી નહીં. બસ એ ખંડેર હવેલી બાજુ દોડવા લાગી વાંસા વગરની.
