Pushpak Goswami

Inspirational

4  

Pushpak Goswami

Inspirational

ખેડૂત પુત્રી

ખેડૂત પુત્રી

4 mins
290


રામુકાકા નાનપણથી જ ગરીબીમાં ઉછરેલા એટલે તેમને પૈસાની કદર હતી. પોતે પાંચમા ધોરણમાં ભણતાં હતાં, ત્યારે જ તેમના પિતા ગુજરી ગયેલા. તેમની પાસે જમીન હતી તેમાંથી દેવું પૂરું કર્યું અને જે ટુકડો વધ્યો તેમાં પોતે ખેતી કરી અને માંડ માંડ ઘરનું પૂરું કરતાં હતાં. તેમનો દીકરો પરેશ ભણવામાં ઠીક ઠીક હતો, પરંતુ શારીરિક રીતે ખડતલ હતો. તેથી ગામનાં કોઈ ભણેલા વ્યક્તિએ લશ્કરમાં જોડાવાની સલાહ આપી. પરેશે ખૂબ જ શારીરિક મહેનત કરી અને લશ્કરની પરીક્ષા પાસ કરી તેમાં જોડાઈ ગયો. રામુકાકા અને પરેશ બંનેની મહેનત રંગ લાવી. હવે રામુકાકાની દશા વળી હોય તેવું તેમને લાગી રહ્યું હતું.

રામુકાકાએ પોતાના દીકરા પરેશ માટે કન્યા જોવાનું શરૂ કર્યું. થોડાક જ દિવસોમાં એક સારા ઘરની કન્યાનું સામેથી માંગુ આવ્યું અને રામુકાકાએ તરત જ હા પાડી દીધી. છોકરી સુખી ઘરની હતી પરંતુ તેને પિતાની મિલકતનું જરા પણ અભિમાન નહોતું. તેને મન હવે પરેશનું ઘર જ પોતાનું ઘર હતું અને પરેશ તેમજ રામુકાકા જ તેનો પરિવાર. ત્રણ જણનો નાનકડો પરિવાર, નાનકડા ગામના એક નાના ઘરમાં સુખેથી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. હવે તો પરેશે રામુકાકાને ખેતરનું કામ કરવાની પણ ના પાડી દીધી હતી. રમેશ પોતાના પગારમાંથી દર મહિને ૧૦ હજાર રૂપિયા રામુકાકાના ઘરખર્ચ માટે મોકલતો હતો. રામુકાકા પોતાના સ્વભાવ પ્રમાણે તેમાંથી પણ બચત કરી લેતાં.

પરેશ અવાર નવાર ઘરે આવતો અને પત્ની તેમજ પિતા માટે કંઈક ને કંઈક વસ્તુ લેતો આવતો. નાનકડો પરિવાર એક નાના ગામમાં પણ પોતાની સીમિત જરૂરિયાતોના કારણે સુખેથી રહેતો હતો. પરંતુ કહેવાય છે ને કે સુખ વધારે સમય ટકતું નથી. રામુકાકાના કિસ્સામાં પણ તેવું જ થયું. એક સવારે લશ્કરની એક જીપ રામુકાકાના ઘરે આવી ચડી. રામુકાકાનો પરેશ સરહદ પર લડતાં લડતાં શહીદ થઈ ગયો હતો. ઘરમાં જુવાનજોધ પુત્રવધૂ વિધવા બની તેથી રામુકાકા પર તો જાણે આભ તૂટી પડ્યું. પરંતુ વિધિના લેખમાં મેખ ન હોય તેમ માનીને પણ જીવન જીવવું જ રહ્યું. જમીન તો રહી નહોતી એટલે ખેતી કરવાનો પ્રશ્ન હતો નહીં, તેથી સહુથી પહેલા ચિંતા થઈ આવકની. પરંતુ કાયદા પ્રમાણે સરકારે ૧૦વીઘા જમીન ફાળવી હતી, તે જાણી રામુકાકાને હૈયે ટાઢક વળી. રામુકાકા અને પરેશની પત્ની વસુંધરા જેને લાડમાં બધા વાસુ કહીને બોલાવતા, બંને જમીન જોવા ગયા. જમીન સાવ ઉજ્જડ હતી, તેમાં વર્ષોથી કોઈ ખેતી થઈ નહોતી. રામુકાકા સાવ હિંમત હારી ગયા, પરંતુ વાસુએ તેમને હિંમત આપી કે, "પપ્પા, આપણી પાસે અત્યારે આવકનો આ એક માત્ર ઉપાય છે. તેથી આપણે અહીંયા રહીશું અને ખેતી કરીશું." રામુકાકા તરત બોલ્યા, " પણ બેટા ! આવી ઉજ્જડ જમીનમાં આપણે શું ખેતી કરીશું ?" ત્યારે વાસુએ તેમને આશ્વાસન આપતાં કહ્યું કે, "તમે ચિંતા ન કરો. જેણે આટલી મુસીબતોનો પહાડ આપ્યો છે, તે રસ્તો નહીં આપે ?"

બીજા દિવસે બધા ત્યાં રહેવા માટે જતા રહ્યા. રામુકાકા તો જમીન જોઈને જ હિંમત હારી ગયા હતાં. પરંતુ વાસુએ મનમાં નક્કી કર્યું હતું કે ખેતી તો કરવી જ છે, અને એ પણ આ જ જમીન ઉપર. તેથી બીજા જ દિવસથી વહેલી સવારે વાસુ ગાડું જોડીને જમીન ખેડવા લાગી ગઈ. બે મહિનાની સખત મહેનત બાદ જમીન ખેડાઈ ગઈ હતી અને ત્યાં સુધી વાવણીની સીઝન પણ આવી ગઈ. રાત દિવસ જોયા વગર બે મહિનાની તનતોડ મહેનત બાદ પણ જમીનમાં કંઈ પાકશે તે વિશે વાસુનાં મનમાં અનેક શંકા કુશંકાઓ હતી. રામુકાકાએ આજુબાજુ વાળા જોડેથી ઉછીના પૈસા ભેગા કરી અને બિયારણ તેમજ ખાતર લાવ્યા હતાં. વાવણી થઈ ગઈ અને જરૂર મુજબ ખાતર પાણી પણ અપાઈ ગયાં. હવે ફક્ત વરસાદની રાહ જોવાનો સમય હતો.

પ્રદેશ સુકો હતો એટલે વરસાદ સિવાય બીજો પાણીનો સ્ત્રોત મળવો ખૂબ જ મુશ્કેલ હતો. બે મહિના સુધી વાસુ ઊગતાં સૂરજના પહેલા કિરણની સાથે બળદ જોડીને ખેતર ખેડવા લાગી જતી, અને હવે વરસાદ લંબાયો. રામુકાકાની હિંમત તો ક્યારની ખૂટી ગઈ હતી, હવે તો વાસુની ધીરજ પણ જવાબ આપવા લાગી હતી. વાદળો બંધાય અને વિખેરાઈ જાય. વરસાદનું ક્યાંય નામ નિશાન નહીં. એક દિવસ આકાશ સામે મીટ માંડીને બેઠેલા વાસુ અને રામુકાકા ભગવાન ભરોસે બધું મૂકીને સૂઈ ગયાં. રાત્રે અચાનક ઝરમર વરસાદ વરસવા લાગ્યો અને બંનેની આંખોમાં એક ચમક આવી ગઈ. સવાર સુધીમાં તો ધરાઈને વરસાદ પડ્યો. ભીની માટીની સુગંધ રામુકાકા અને વાસુ બંનેના હૈયાને ટાઢક આપી ગઈ.

જોત જોતામાં ઉજ્જડ જમીન હરિયાળી થઈ ગઈ અને તેમાં મબલખ પાક પણ થયો. રામુકાકા અને વાસુ બંનેની મહેનત રંગ લાવી અને વાસુએ ઈશ્વરમાં મુકેલી શ્રધ્ધા ફળી ગઈ. થોડા સમય પહેલા જ્યાં સુકો પ્રદેશ હતો તે આજે હરિયાળી ચાદરમાં ફેરવાઈ ગયો હતો. ધન્ય છે એ રામુકાકાને અને વાસુને જેમણે આટલી મુશ્કેલી હોવા છતાં પણ ઈશ્વરમાં શ્રદ્ધા ટકાવી રાખી અને પોતાની મહેનતથી વેરાન જમીનમાં પણ મબલખ પાક પકવ્યો. નતમસ્તક છીએ ભારતની આવી ખેડૂત પુત્રીઓ સામે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational