'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

કાર્ય પ્રમાણે પસંદગી જ રંગ લાવે

કાર્ય પ્રમાણે પસંદગી જ રંગ લાવે

2 mins
443


જો કોઈ કામ તેમાં હોશિયાર હોય તેને આપીએ તો તે કામ સફળ રીતે પાર પડે. પણ ઘણાને આ વાત સમજાતી નથી હોતી. પણ એ વખતના આપણા ગૃહપ્રધાન-નાયબ વડાપ્રધાન આ બાબતમાં સૌથી જુદા જ પડતા. કોઈપણ કામ આપતાં પહેલા તે વ્યક્તિ કેવું કામ કરી શકે છે તે જોતા. આ માટે પોતાના વિરોધીની પસંદગી કરવામાં પણ તેઓ ખચકાતા નહોતા.

તે વખતે એક કમિશન બનાવવાનું હતું. તેમાં કોણ સારું કામ કરી શકશે તેની વાટાઘાટો ચાલતી હતી. બધાએ પોત-પોતાના નજીકની વ્યક્તિઓનાં નામ સૂચવ્યાં. પણ આપણા એ નાયબ વડાપ્રધાનશ્રી તો કંઈક જુદું જ વિચારીને અટકી જતા હતા કે આ વ્યક્તિ આ પદને લાયક નથી. તો કોને આ કમિશનના ચેરમેન બનાવવા. ખૂબ ચર્ચા થઈ. પણ કોઈ વિકલ્પ મળતો નહોતો. ત્યારે આપણા નાયબ વડાપ્રધાનશ્રીએ સર સી. પી. રામસ્વામી અય્યરને આ પદ માટે લાયક ગણ્યા. તેઓની આ પસંદગીથી કેટલાયને આશ્ચર્ય થયું. કારણ કે આ અય્યરજીએ જ પહેલા ત્રાવણકોર રાજ્યને ભારતસંઘ સાથે જોડવાની અનિચ્છા દર્શાવી હતી. તેઓએ નાયબ વડાપ્રધાનને સહકાર આપ્યો નહોતો. આમ પોતાનો વિરોધ કરનારને આ પદ આપ્યું, એટલે સૌને આશ્ચર્ય થયું.

ત્યારે નાયબ વડાપ્રધાનશ્રીએ ખુલાસો કર્યો કે, 'આ અય્યરજી આ કામ માટે પૂરા લાયક છે. તેમની પાસે આ કામ કરવા માટેની આવડત છે. તો પછી દેશને એક ગૌરવશાળી વ્યક્તિ મળતી હોય તો એને સ્વીકારવામાં વાંધો લેવાનો જ ન હોય ! જે વ્યક્તિ જે પદ માટે લાયક હોય તેને એ પદ આપવું જ જોઈએ. દેશને એની સેવાનો લાભ મળે. દરેક પદ ઉપર એ પદને લાયક વ્યક્તિ મૂકવામાં આવે તો દેશની પ્રગતિને કોઈ રોકી શકે નહિ. દેશની પ્રગતિ હરણફાળ ભરે. પછી આપણે આપણો સ્વાર્થ ન જોવાનો હોય.'

અમેરિકાના પ્રમુખ લીંકને પણ પોતાના સેક્રેટરી તરીકે એની નિંદા કરનારને જ રાખ્યો હતો. અને આપણા કબીરજીએ પણ 'નિંદક નીયરે રખીએ, આંગન કુટી છવાય' કહ્યું હતું.

આપણા નાયબ વડાપ્રધાનશ્રી પાસે માણસને ઓળખવાની શક્તિ હતી. તે તેમને યોગ્ય હોદ્દો આપીને તેમની પાસેથી ઉત્તમ કામગીરી લઈ શકતા હતા. તેઓ હતા સરદાર વલ્લભભાઈ પટેલ.

આજે તો બધુ ઊંધું. પોતાની નજીકનાને નોકરીએ લગાડવા માટે તો ખૂબ રાજકારણ ખેલાતું હોય છે. લાયકાત હોય નહિ છતાં લાગવગ કરીને હોદ્દો અપાવી દેતા હોય છે. આવા દેશનું શું ભલું કરી શકવાના !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational