કાકા
કાકા


1935ની જૂન મહિનાની છઠી તારીખે હુસેન કાકાનો જન્મ પાણપુર ગામના મુખી શ્રી માનજી ભાઈ ઇબ્રાહીમભાઇ વિજાપુરા અને એમની પત્ની અમીનાબેનના ઘરે થયો હતો. એમની પાસે આર્થિક સંપત્તિના હતી પણ ગર્વ લેવા જેવું ગામમાં માન અને ઈજ્જતનો વૈભવ હતો. ગામના મુખી હોવાને નાતે એ કોઈપણ નિર્ણય લેતા તો ખુબ શાંત ચિત્તે વિચારીને લેતા અને નિર્ણય લીધા પછી એ નિર્ણય પર મક્કમ રહેતા. તેઓ સ્વભાવે શાંત, પ્રખર બુદ્ધિશાળી અને હિંમતવાળા હતા, તેમના બધા ગુણ હુસેન કાકામાં આવેલા હતા. એમની પ્રેમાળ છત્રછાયા નીચે હુસેનકાકાને સંસ્કાર મળેલા હતા.
હુસેનકાકાએ પ્રાથમિક શિક્ષણ પાણપુરની પ્રાથમિકશાળામાં લીધું. એમનો શિક્ષણ પ્રત્યે ખૂબ ચાહ હતી. પણ દુર્ભાગ્ય વશાત્ પિતાનું મૃત્યુ થયું અને 15 વર્ષની કિશોરાવસ્થામાં એમણે બાપની છત્રછાયા ગુમાવી દીધી. ઘરમાં એ જ્યેષ્ઠ પુત્ર હતા. એમનો નાનો ભાઈ પણ હતો. માતાએ બે બાળકોને પાળવા માટે કમર કસી લીધી. બાપ દાદાનો ધંધો ખેતીવાડીનો હતો તેમાં બળદ જોતરી એ મધર ઇન્ડિયા બની ગઈ. પણ હુસેનભાઈને આ આવક પૂરતી લાગી નહિ તેથી એમને લુહારી કામ પણ ચાલુ કર્યું. પણ એમાં પણ ફાવટ આવી નહિ અને આવક વધી નહિ તો લુહારી કામ બંધ કરી દીધું. એ જમાનામાં દૂધની ડેરી હતી નહિ. તો હુસેનકાકાએ ઘરે ઘરે દૂધ પહોંચાડવાનું કાર્ય શરુ કર્યું. પાણપુરથી મહેતાપુરા પછી હિંમતનગર સાઇકલ ઉપર દૂધનાકેન લઇ લોકોને દૂધ પહોંચાડતા. અને જ્યારે સાંજે દૂધ ના વહેંચાય તો ગામના એક ચબુતરા પાર બેસી લોકોને વિનંતી કરી દૂધ લઇ જવા કહેતા કારણકે એ જમાનામાં ફ્રિજની સગવડતા ના હતી એટલે બીજા દિવસે દૂધ બગડી જાય. આ કામ એમને છ વર્ષસુધી કર્યું. આ સમય દરમ્યાન એમના લગ્ન મરિયમબેન સાથે થયા અને એમનાથી એમને એક પુત્ર નો જન્મ થયો એમનું નામ શફીમહંમદ રાખવામાં આવ્યું. હુસેનકાકા પુત્ર જન્મથી ખૂબ ખુશ હતા.પણ એમના મરિયમબેન સાથે લગ્ન ટકી શક્યા નહિ અને એમના છૂટાછેડા થયા. 1962 એમને જમીલાબેન સાથે ફરી લગ્ન કર્યા. જેનાથી એમને બે દીકરીઓ અને ત્રણ દીકરા થયા. મુસ્તાકભાઈ, ફારુખભાઈ અને જાહિદભાઈ. દીકરીઓ નૂરબાનુબેન અને રોમાનબેન.
હજુ આર્થિક સ્થિતિમાં ખાસ ફરક નહોતો. હુસેનકાકાના એક મિત્ર ડાહ્યાભાઈ હતા એમને પથ્થર પુરા પાડવાના કામની સલાહ આપી હુસેનકાકાએ ખૂબ ખુશી સાથે એ વાત સ્વીકારી લીધી. આમ તો માર્ગ કઠિન હતો. પણ કાકા કઠિન કામ કરવામાં પાછી પાની કદી કરતા ના હતા. પથ્થર સપ્લાયના કામકાજમાં કાકા ઘણા લોકોના સંપર્કમાં આવ્યા. અને એમનો વેપાર દિવસે ના વધે એટલો રાતે વધે. એમાં આ ધંધામાં પ્રગતિ કરતા ગયા. ખાનગીમાં પથ્થર સપ્લાય સાથે સાથે એમને સરકારી કચેરીમાં પણ પથ્થર પહોંચાડવાનું કામ શરુ કર્યું. અને જ્યારે માલ રિજેક્ટ થયો તો સરકારી કાર્યાલયના ધક્કા ખાઈ ખાઈને માલને પાસ કરાવી દીધો. જાણે કહેતા ના હોય,
હોય એટલું જોર હવે લગાવ જિંદગી
દમ હોય તો મને હવે સતાવ જિંદગી
દૂરથી લડી ના માપ્યા કર જોર મારું
દમ હોય તો બાથોબાથ હવે આવ જિંદગી
પડી પાછો બેઠો થાવ છું બમણા જોરથી
દમ હોય તો મને હવે હરાવ જિંદગી
કાકાને 1965માં એમણે ગુલામભાઇ મુખી સાથે પહેલીવાર ટેન્ડરમાં ભાગ લીધો અને એમને ઉદયપુર લૂસડિયા ગામની રેલવે ટ્રેક સરખી કરવાનું કામ મળ્યું. એજ વર્ષમાં સરકારે ગાંધીનગર પાટનગર બનાવવાનું કામ શરુ કર્યું જે કામ માટે હુસેનકાકા તથા ગુલામભાઇ મુખીએ વરસો સુધી પથ્થર પહોંચાડવાનું કામ કર્યું અને ખૂબ આવક ઉભી કરી. ગાંધીનગરમાં જે પહોળા માર્ગ છે તે કાકાની દેખરેખ નીચે બન્યા છે.
1967માં ગુલામભાઈનો પહેલો અક્ષર જી અને હુસેનકાકાનો પહેલો અક્ષર એચ લઇ જી એચ મેસર્સ જી એચ વિજાપુરા એન્ડ કંપનીને નામે સરકારી કામ માટે પેઢીની સ્થાપના કરી. ત્યારથી હુસેનકાકા "કાકા" ના હુલામણા નામથી પ્રખ્યાત થઇ ગયા. કાકાએ જીવનમાં કદી નાના મોટા પ્રતિકૂળ સંજોગો થી હાર માની નહીં. અને દ્ગઢતાથી પ્રગતિના સોપાન ચડતા ગયા. એમનામાં દીર્ઘ દ્રષ્ટ્રી અને નિર્ણય લેવાની શક્તિ અજોડ હતી. નાના નાના કામ કરતા કરતા એમને મોટા કોન્ટ્રાન્ક મળતા ગયા ને પહેલા પાનમ નહેરનું કામ, પછી રસ્તાના બનાવવાના કામમાં ઝંપલાવ્યું. એમાં એમને ખૂબ જ સફળતા મળી. આ કામ માટે એમને પેવરપ્લાન્ટ વસાવ્યો, જે સાબરકાંઠામાં પ્રથમ હતો. કાકાની પ્રમાણિકતા અને કામ કરવાની ધગશને કારણે એમની ઇજ્જતમાં ચાર ચાંદ લાગી ગયા.
1986-87માં ગુલામભાઇ અને હુસેનકાકાએ પોતાની પેઢીને અલગ કરી લીધી. આ કામ ખૂબ જ સમજાદારી અને સહિષ્ણુતાથી થયું. 1982માં કાકા એ હોટેલના ધંધામાં ઝંપલાવ્યું. એમના ત્રણ દીકરાઓ હવે હુસેનકાકાના પગલાં પર ચાલવા લાગ્યા હતા. આ દરમ્યાન એમને એક મોટું કામ મળ્યું જે એમને ફક્ત 77 દિવસમાં પૂરું કરી આપ્યું અને સરકાર પાસેથી પ્રશંસાપત્ર મેળવ્યો. સરકાર પાસે અઘરા કામ સમયસર પાર પાડી દેવા માટે સિક્કો જમાવી દીધો.
આ સફળતા પછી કાકાએ નેપાળનું કામ હાથમાં લીધું. નેપાળમાં પહાડી ઇલાકામાં પણ નદી કિનારાનું કામ હતું. કાર્યકરોએ નદીની તળેટીમાં કેમ્પ બાંધ્યો. કાકા મુલાકાત માટે આવ્યા તો કાકાએ તાત્કાલિક એ કેમ્પ હટાવી પહાડી પર બંધાવ્યો, જેમાં રૂપિયાનું ઘણું નુકસાન થયું પણ કાંઈ પરવા કરી નહિ અને થોડા સમયમાં ભારે વરસાદ આવ્યો અને નદી કિનારાના બધા કેમ્પ ધોવાઈ ગયા અને કાકાની દીર્ઘ દ્ર્ષ્ટીને કારણે કેમ્પ બચી ગયો.
કાકાને માણસની પરખ પણ ખૂબ હતી. એમને એક ગુરખો રાતની ચોકી માટે રાખેલો. કાકા જ્યારે કામની સાઈટ પર મુલાકાત લેવા આવ્યા તો પગાર માગવા લાગ્યો. કાકાએ પૂછ્યું તું રોજ ચોકી કરે છે. ગુરખા એ હા પાડી. કાકાએ શંકાને લીધે કહ્યું સારું તું કાલે રાતે આવીને પગાર લઇ જજે. બીજા દિવસે એ રાતે આવ્યો તો કાકાએ કહ્યું તું રોજ આવતો નથી એટલે પગાર નહિ મળે. ગુરખાએ પૂછ્યું તમને શી રીતે ખબર પડી ? કાકાએ કહ્યું જો તું રોજ આવતો હોત તો આ કૂતરો તને જોઈને ભસત નહિ આ કૂતરો તને ઓળખતો નથી તેથી ભસ્યો.
કાકાની ઉમર થતી જતી હતી પણ એમને કામને કદી છોડ્યું નહિ. એમનો સિદ્ધાંત હતો કે "સફળતા એ કોઈ અકસ્માત નથી પણ વ્યકતિએ પ્રયત્નપૂર્વક પાડેલી આદતોનુ ફળ છે. તેમની પાસે કરોડો રૂપિયા થઇ ગયા. પણ કાકાએ ખૂબ સાદગી ભરેલું જીવન વિતાવ્યું.
કાકા એ છુપા દાન પણ ઘણાં કર્યા છે. એમને ફક્ત મુસલમાનોની મસ્જિદોમાં જ નહિ પણ મંદિરો અને ચર્ચમાં પણ એટલાજ દાન કરેલા છે. એ ઇસ્લામ ધર્મને ચાહતા હતા તેમ છતાં દરેક ધર્મને એટલું જ માન આપતા હતા. સર્વ ધર્મમાં માનવતાનો ધર્મ શ્રેષ્ઠ છે એવું માનતા હતાં. એમના ઘરેથી કોઈ ગરીબ ભૂખ્યું ના જાય તેમ કોઈ જરૂરતમંદ ખાલી હાથે ના જાય. એમને હંમેશા શિક્ષણને ખૂબ મહત્વ આપ્યું છે. એ જમાનામાં જયારે મુસ્લિમ દીકરીઓ એટલું શિક્ષણ નહોતી લેતી ત્યારે એમને એમની મોટી દીકરી નૂરબાનુને આબુ ભણાવા માટે મુકેલા. એમને સ્કૂલ પાણપુરમાં સ્થાપી છે એમા દરેક આધુનિક સાધનો વસાવ્યા છે. જેમ કે કૉમ્પ્યુટર વગેરે અને એમના સુપુત્રો એમાં ઘણા આધુનિક સુધારા વધારા કરી રહયા છે. એમનું સપનું હતું સાક્ષર સમાજ.
એક કિસ્સો મને યાદ આવે છે કે કાકીને હુસેનકાકા એ એક જૂનો ઝભ્ભો સિલાઈ કરવા માટે દરજી પાસે લઇ જવા કહ્યું. કાકીએ કહ્યું કે તમે મને આવા કામના આપો દરજી મારા પર હસે છે કે કાકા પાસે ક્યાં ખોટ છે કે આવા જુના ઝભ્ભાને ઠીક કરાવવો પડે. કાકા એ મુસ્કુરાઇને કહ્યું,"દરજીને કહેજે કે કાકા પાસે કરોડો રૂપિયા હશે તો પણ કાકા તો દરેક વસ્તુની કદર કરવાનું પણ જાણે છે. " આવું સાદગી ભરેલું એમનું જવાન હતું। ભોજનમાં એ ફક્ત ખીચડી ને દૂધ લેતા હાતા। કાકા માનતા હતા કે મા ના પગ નીચે જન્નત હોય છે એટલે સવારે કોઈ પણ કામ માટે નીકળતા તો મા ને સલામ કરીને રજા લઈને નીકળતા. કુટુંબમાં કલેશ ની સખત વિરોધી હતા. એનાથી બરકત ઘટે છે એવું માનતા.
કાકા મારે ઘરે અમેરિકા આવીને ગયા. એમના સાંનિધ્યમાં મને ઘણું શીખવા મળ્યુ. કાકા જે કદી કોઈને ઘરે એક રાત પણ ના રોકાતા એ મારે ઘરે એક મહિનો રોકાયા. મને યાદ છે કે ક્યારેક જમીન સેલ પર હોય કે મકાન સેલ પર હોય એ મને કહેતા ચાલો ફોન લગાવો. અને ખૂબ રસથી અમેરિકામાં મળતી તકો વિષે વિચારતા. મને ફરી અમેરિકા આવીશ એવું વચન આપી ગયા હતા. અને એ પ્રસંગ પણ આવી ગયો. મારા દીકરાના લગ્ન જૂન 6, 2015 ના દિવસે રાખેલા. અને હું હોંશે હોંશે કાકાને કંકોત્રી આપીને આવેલી. કાકાનો પૂરો ઈરાદો હતો મારા દીકરાના લગ્નમાં આવવાનો પણ મે 21, 2015 દિવસે એક ટૂંકી બીમારીથી આ ફાની દુનિયા છોડી દીધી અને એમનું વચન પાળી ના શક્યા. કાકાનું જીવન આખું એક પ્રેરણાદાયી છે. દુનિયામાં રહી બધી જાતની મુશ્કેલીમાંથી પાર પડી અને છતાં એક પ્રામાણિક અને મિસાલ રૂપ જીવન જીવી ગયા.
કાકાની દીર્ઘ બુદ્ધિ અને દુર્નાદર્શિતા એમના ત્રણે પુત્રોમાં પણ આવી છે. કાકાના ધંધાને એમણે ચાર ચાંદ લગાવી દીધા છે. એમની કામ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતા એમને ભારત દેશના સર્વશ્રેષ્ઠ કોન્ટ્રાકટર તરીકે નવાજે છે. જી એચ વિજાપુરા લિમિટેડ કંપનીને મે મહિનાની ૨૮ તારીખે ૨૦૧૮માં કવોલિટી સમિટ તરફથી ન્યુયોર્કમાં બિઝનેસ પ્રેસ્ટીઝ માટે ગોલ્ડ એવોર્ડ આપવામાં આવ્યો. જેનાથી ફક્ત જી એચ વી લિમિટેડનું જ નહિ પણ આખા ભારત દેશનું નામ રોશન થયું. ભારત માટે પણ આ એક ગર્વ લેવા જેવી વાત છે.
આ ત્રણે ભાઈઓ ખંતથી કાકાના સપનાને સાકાર કરી રહયાછે. હું હંમેશા એમના કાર્યથી પ્રેરણા મેળવું છે. કશું પામવા માટે કશું ખોવું પડે છે. પ્રગતિની સીડીના એક એક પગથિયાં ચડવા પડે છે. છલાંગ મારીને સફળતા મળતી નથી. કાકા ગરીબ હતા અને એમાંથી અત્યારે એમની કરોડો રૂપિયાના બિઝનેસ કરે છે એ રાતોરાત નથી બન્યું. મહેનત, ડેડિકેશન અને પ્રમાણિકતાનું પરિણામ છે. હાલમાં એમની મુંબઈમાં રેડિશન હોટેલ છે. એ સિવાય ભારતના અલગ અલગ રાજ્યોમાં એમની હોટલો છે. એમનો બિઝનેસ ભારત સિવાય અન્ય દેશમાં પણ છે. રસ્તા બનાવવા સિવાય બીજા ઘણા ફિલ્ડમાં પોતાની શાખ જમાવી છે. આ બધા પાછળ મહેનત ને ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધાને હિસાબે થયું છે. કાકાનું આત્મબળ અને સંજોગો સામે ઝઝૂમવાની આવડત પુત્રોમાં પણ આવી છે. તેમજ કુટુંબ પ્રેમ પણ આ સફળતાની ચાવી છે. કારણકે એક આંગળી કોઈ મરડી શકે પણ મુઠ્ઠીને કોઈ તોડી ના શકે. એક સત્યકથા છે.