જીવનની પાઠશાળા
જીવનની પાઠશાળા


વાસદાનું અંતરિયાળ ગામડું બોરી. સાંજના સાતેક વાગ્યે ગામમાં જતી છેલ્લી બસમાંથી હું ગામમાં ઉતર્યો. ગાયોનું ધણ ઘર તરફ જઈ રહ્યું હતું. બે ચાર સ્ત્રીઓ માથે ઘાસનો ભારો લઈ ઘર તરફ જતી હતી. પંખીઓ માળામાં ફરી રહ્યા હતા. થોડેક દૂર ઝરણાંઓ ખળખળાટ સંભળાઇ રહ્યો હતો. હું આ ગામમાં તદ્દન નવો હતો. વિસ્તાર પણ મારા માટે નવો હતો. એમ તો ડ્રાઇવર કંડકટર પાસે થોડી માહિતી મેળવી હતી.તેમણે કહ્યું- અહીંથી થોડે દૂર એક પ્રાથમિક શાળા છે. આસપાસ થોડા ઘર છે ,ત્યાં પૂછી લેજો રહેવાની વ્યવસ્થા થઈ જશે.
હું અજીત પટેલ. સુરતમાં રહી ભણ્યો. બી.એડ.સુધીનો અભ્યાસ સુરતમાં જ થવાથી ગામડાનો મને કંઈ અનુભવ નહીં. ટેટ પરીક્ષા પાસ કરી અને પહેલી નોકરી વાંસદાના બોરી ગામમાં મળી. પિતાએ આખી જિંદગી હીરાના કારખાનામાં કામ કરી મને ભણાવ્યો. હવે એમને વધતી ઉંમરને ધ્યાનમાં લઇ હું આ ઉંડાણના ગામડાની નોકરી લઈ લેવા મક્કમ થયો. અને અહીં આવી પહોંચ્યો.
શાળા નજીકના ઘર પાસે પહોંચી ગયો. ઓટલે બેઠેલા દાદાએ મને બોલાવ્યો, ક્યાંથી આવે છે દીકરા ? કોને ત્યાં જવું છે? મેં કહ્યું '-દાદા હું સુરતથી આવું છું. મારું નામ અજીત પટેલ. તમારા ગામની આ શાળામાં શિક્ષક તરીકે મારી નિમણૂક થઈ છે. દાદા એ તો આજુબાજુવાળાને તરત જ બોલાવી લીધા અને સુચના આપી દીધી ,-"આ માસ્તર સાહેબ ની રહેવાની વ્યવસ્થા કરી દો "એ પાસે જ ઊભેલો કનુ કહે -દાદા મારો દીકરો સુરત કમાવા ગયો છે એનો રૂમ ખાલી જ છે. હું સાહેબને મારા ઘરે રાખીશ.
કનુના ઘરમાં કનુની પત્ની કમલી અને એની 20 વરસની દીકરી રેવા. હું ઓછા સામાન સાથે ગયો હોય થોડા દિવસનું જમવાનું પણ કનુના ઘરમાં જ ગોઠવી દીધું. કનુ અને કમલી તો પશુપાલન અને એમની થોડી ઘણી ખેતીમાં રચ્યા-પચ્યા રહે. મારી ચા, જમવાનું બધું રેવા જ ધ્યાન રાખે. શાળાએથી આવી કપડા ધોવા બેસું કે તરત જ રેવા આવીને કહે -'ઉઠો માસ્તર સાહેબ આ તમારું કામ નહીં'.
અઠવાડિયા પછી શનિ રવિ હું સુરત આવી મારો રસોઈનો સામાન અને ગેસ સગડી સાથે પાછો ફર્યો. કનુને કહી દીધું હવે હું જાતે રસોઈ બનાવી જમી લઈશ. કનુએ કહ્યું ભલે સાહેબ પણ આ તમારા ચૂલા પર મારી રેવા તમને રાંધી દેશે. મને પણ ક્યાં સમય હતો રાંધવાનો? વળી બરાબર આવડતું પણ ન હતું.
બોરી ની શાળા વર્ગ શાળા 1 થી 4 ધોરણ. તેમાં મારે બે ધોરણ ભણાવવાનાં. ઉપરથી અઠવાડિયામાં બી.એલ.ઓ નો ઓર્ડર મળ્યો. પહેલાં તો સમજ ના પડી આ વળી બી.એલ.ઓ. શું છે!! પરંતુ સાથી શિક્ષક ભાઈ કહે- એતો કરવું જ પડે. સરકારી કામ કહેવાય. આખો દિવસ થોડું ઘણું ભણાવી પત્રકોમાં વધારે ડૂબેલો હોઉં. ને પાંચ વાગ્યે તો હું નીકળી પડું ગામમાં. ગામમાં છૂટાછવાયાં ઘર. દૂર-દૂર ટેકરી પર તો વળી કેટલાંક ઘર તળેટીમાં. ઘરે ઘરે જઈ માહિતી અપડેટ કરતાં ખાસ્સો સમય નીકળી જાય. થાક્યો-પાક્યો ઘરે આવું. રેવાએ જે બનાવ્યું હોય એ જમી સુઈ જાઉં.
એક દિવસ રેવા ને પૂછ્યું -"તું કેટલું ભણી છે? આગળ કેમ ભણતી નથી?" રેવા કશું બોલી નહીં. પણ પિતાએ કહ્યું- મારી દીકરી રેવા કોલેજ સુધી તો ભણી છે. બધા કહે -હવે નોકરી લેવા પરીક્ષા દેવી પડે. ક્લાસ કરવા જવું પડે!! તે સાહેબ, એ બધું કરાવવા મારી પાસે પૈસા નથી. જેમ-તેમ અમારું ગુજરાત ચાલે છે. છોકરો સુરત એનો ખરચ કાઢે છે. રેવા મૂંગા મોઢે મારા માટે શાક રોટલા બનાવતી રહી. મારા મનમાં ક્યાંક પ્રેમના અંકુર ફૂટયા તો ખરા, પણ પાછું સમાજ, ઘર, મા-બાપને યાદ કરતાં પ્રેમને ભીતર ધરબી રાખ્યો.
ક્યારેક મળી જતી નજર રેવા તરત નીચી ઢાળી દેતી. મને ખબર ના પડી કે એ પણ મને પ્રેમ કરે છે.! દિવસો વીતતા રહ્યા. દિવાળીની રજામાં સુરત ગયો. માતા-પિતાએ મને પૂછી બી.એડ ભણેલી સમાજની દીકરી માટે માંગુ નાખી દીધું અને સગાઈ થઈ ગઈ.
વેકેશન પૂરું થતા હું ફરી બોરી પહોંચ્યો. કનુ કમલી ને મારી સગાઈની વાત કરતો હતો. રેવા એની ટેવ મુજબ કામ કરતાં કરતાં જ સાંભળતી હતી. તે પણ કોઈ પ્રત્યુતર વિના !!
એક દિવસે સવારે રેવા ક્યાંય દેખાય નહીં. કનુ કમલી ખેતર પાદર જોઈ વળ્યા. આખા ગામમાં તપાસ કરી. હું પણ શાળામાં રજા મૂકી શોધવામાં સાથે રહ્યો. છેક સાંજે એક માણસે ખબર આપી ગામનો ઉતાર રઘલા સાથે રેવા ભાગી ગઈ છે. ધૂળિયા તરફ જતી બસમાં બેસતાં જોયા છે. હું ખૂબ નિરાશ થઈ ખાટલે આડો પડવા જતાં જરાક ઓશીકું સરખું કર્યું ત્યાં નીચેથી એક નાનકડી ચિઠ્ઠી મળી. લખ્યું હતું- "સાહેબ હું તમને ખૂબ પ્રેમ કરતી હતી ક્યારેય કહી શકી નહીં. હવે તમારી સગાઈ થઈ ગઈ છે. તો તમે સુખરૂપ જીવન જીવી શકો એ માટે હું જાઉં છું ક્યારેય પછી નહીં ફરવા માટે.
લિ.રેવા.
ચિઠ્ઠી વાંચી મને લાગ્યું જીવનની પાઠશાળામાં ક્યાંક હું નાપાસ થયો.આંખેથી વહેતું અશ્રુને વહેવા દીધું..