STORYMIRROR

Nayana Viradiya

Inspirational

4  

Nayana Viradiya

Inspirational

જીવન લડત

જીવન લડત

8 mins
409

મંજૂબા એક એવું પાત્ર છે જેને પોતાના જીવન નકશા ને પોતાના આગંળી ના ટેરવે એવું તો બદલ્યું કે ભલભલા તેને જોઈને જીવન જીવવાની પ્રેરણા લે તો ચાલો આપણે પણ મળી એ મંજૂ બા ને. શેરીમાંથી નીકળો એટલે મંજૂ બા ઘર ના ઓટલે બેઠા હોય, ક્યારેક હાથમાં સૂપડું હોય તો ક્યારેક કંઈક વીણતા હોય, ક્યારેક શાકભાજી, લસણ ફોલવાનુ ને કંઈ ન હોય તો રૂ લઈને વાટુ કરતા હોય તેને નવરા બેસતા મેં ક્યારેય જોયા નથી, પાંસઠ- સિત્તેર વર્ષની ઉમંર હશે એવું તેમને જોતાં લાગે પણ એમના વિશે જાણ્યું ત્યારે ખબર પડી કે તેઓ ને માત્ર છપ્પન વર્ષના જ છે જીવનકાળની અનેક થપાટો ખાઇને અડીખમ ઉભેલા ગિરનાર જેવું અડગ વ્યકિતત્વ, જીવનમાં જવાબદારીઓને કર્તવ્યના અવીરત પ્રવાહમાં સતત ઘસાતા રહીને જાણે નદીના ધસમસતા પ્રવાહમાં ઘસાઈને લીસા ને ચમકતા પથ્થર સમાન ચહેરો, જીવનના કડવા ઘૂંટડા પીને પણ ટકી રહેલ શરીરનો એકવડીયો બાંધો, અનુભવનું ઉત્તમ ભાથું પિરસતો સ્વભાવ, દુઃખ કે વેદનાને ઊંડે ધરબી દઈ સતત હસતો ચહેરો, સતત કાર્યશીલ, સખત મહેનતું, આપબળે ઊભા થયેલા એવા મંજૂ બા નું જીવન જ કોઈપણ હારી ચૂકેલા, જીવન વ્યથાથી થાકેલા, નિરાશ વ્યકિત માટે પ્રેરણારૂપ છે.

 મંજૂબા પાંચ બહેન ને ત્રણ ભાઈ ના, પરિવારમાં સૌથી નાના. બાપુજી, બા ને મોટી ત્રણ બહેનો ખેતીનું કામ કરે ભાઈ બધા ભણે, મંજૂબા ઘર સંભાળે પોતાને પણ ભણવાની ઘણી હોંશ પણ ત્યારના સમયમાં ભાગ્યે જ કોઈ દીકરીને ભણાવતું એટલે ભણવાનું તેના ભાગે આવ્યું નહીં ક્રમશઃ મોટા ભાઈ બહેનોના લગન થતાં ગયાં મોટા બે ભાઈ ભણી ને નોકરીએ લાગી ગયા. હવે તો મંજૂબાને ઘર કામની તમામ જવાબદારી માથે આવી. ભાભીઓ હતી પણ તેઓ તો જુદા રહેતા હતા પરિવારમાં હવે તેના બા- બાપુજી પોતે ને નાનો ભાઈ જ હતા. તે હંમેશા જ તેના બાપુજી ને કહેતા કે જોવો આ પેટે પાટા બાંધી ને ભણાવ્યા એટલે જ જવાબદારીઓને પાટુ મારી ને ચાલ્યા ગયા. ત્યારે તેના બાપુજી હંમેશા કહેતા, પંખી તેના બચ્ચા ને કેટલા માવજતથી ઉછેરે છે. એ તેને ઊડતા શીખવે છે પણ એ બચ્ચા ઊડી જાય ત્યારે જરાય દુઃખી નથી થતી તેમ મને પણ કોઈ વાતનું દુઃખ નથી. પરંતુ એ આનંદ છે કે મેં મારા દીકરા દીકરીઓનો સારો ઉછેર કયૉ કે જેથી દીકરાઓ આજે પગભર છે. દીકરીઓ પણ તેના સંસારમાં સુખી છે. બસ હવે તારા માટે સારૂ ઠેકાણું મળી જાય એટલે ગંગા નાહ્યા. લગનની વાત આવતા મંજૂબા શરમાય ગયા. સાથે દુઃખ પણ થયું કે પોતાને આ ઘર છોડીને જવું પડશે.   

સમયના વહેણ ને કોણ રોકી શકે ? મંજૂબા ને પણ સારૂ ઘર- ઠેકાણું જોઈ સાસરે વળાવ્યા.હવે જ ચાલુ થઈ મંજૂબાના જીવનની સાચી સફર. સાસરીમા ઘર તો ખાધે પીધે સુખી હતું. પણ સાસુ ભારે આકરા ને એથીય આકરા તેના ધણી ઘર માં તેના ધણીનો પડયો બોલ જીલાતો, એકવાર તે કંઈ કહે પછી તે થઈને જ રહે. તેમાં કોઈનાથી કંઈ ફેરફાર ન થાય, સાસુ પણ આખા કંઈ ભૂલ થાય કે તરત સંભળાવી દે. મંજૂબા આખો દિવસ મુંગા મોઢે કામ કરતા રહેતા, દિવસો પસાર થતા ગયા ને તેમના જીવનમાર્ગમાં ત્રણ કુમળા ફૂલો પણ ખીલ્યાં હતાં. તેને બે દીકરા ને એક દીકરી હતી. સાસુ પણ સમયના વહેણ ને મંજૂબાની ધીરજ સામે કુણા પડ્યા હતા. ધણીને તો મંજૂ બા એ ક્યારના પોતાના કરી દીધા હતા, આ બધું સહેલું ન હતું પણ મંજૂબાની ધીરજ ને ધગશે તેને દસેક વષૅ ના વાણા વાયા ત્યારે બધું પાટે ચડ્યુ પણ કુદરતે નસીબ માં કંઈક જુદું જ લખેલું કે તેમનો હસતો રમતો પરિવાર એક સાંજે છત્ર છાયા ગુમાવી. મંજૂ બા ના ધણી ,  ત્રણ- ત્રણ બાળકો ના પિતા ને કોઈ ગોઝારો ટ્રક કચડતો ગયો. લોહી લુહાણ હાલતમાં તેને ઘણાય તરફડીયા માયૉ ત્યારે કોઈક ભગવાન નું માણસ હશે તે તેને હોસ્પિટલ લઈ ગયું. પણ કે છે જેના શ્વાસ ખુટ્યા હોય તેને કોઈ રોકી ન શકે તેમ એક દિવસ હોસ્પિટલ માં રહ્યા ને મંજૂબા ની હાજરી માં ઊંડા નિસાસા સાથે તેને દમ તોડયો. મંજૂબા પર તો આમ તૂટી પડ્યું. હસતો રમતો તેનો પરિવાર જાણે નોંધારો બની ગયો. હજી તો માંડ દસેક વર્ષ તેને પતિનો સાચો પ્રેમને સંગાથ મળ્યો હતો. ત્યાં તો કુદરતે તેનું બધું જ છીનવી લીધું. તેના આંખના આંસુ સૂકાવાનું નામ નહોતા લેતા, ઘણીવાર તેને થતું હતું જીવીને શું કરીશ ? પણ તેના નોંધારા બાળકોના ચહેરા સામે આવતા તેના મા ગજબ ની હિંમત આવી જતી કે ભગવાન તે ભલે મારી સાથે અન્યાય કયૉ પણ હું હારીશ નહીં. મારા બાળકો ને ઉતમ જીવન આપીશ.વખત વિતતો ગયો તેમ દુઃખ ને તેણે હ્ર્દય ના ઊંડાણમાં ધરબીને દઈ. જીવન સફરમાં લડવાનું શરૂ કર્યુ. ગુજરાન ચલાવવા માટે એકમાત્ર ખેતીની જમીન હતી. એક સાંજે કુટુંબના વડીલો એ ભેગા થઈને કહ્યુ જમીન વેચી નાખો એટલે પૈસા આવે ને ઘરનું ગુજરાન ચાલે.

તેના મોટા સસરાએ કહ્યું જમીન મને આપી દો હું તમારા પરિવારનું પાલન- પોષણ કરીશ. મંજૂબા ત્યારે તો કંઈ ન બોલ્યા પણ તે રાત આખી તેને ઊંઘ ન આવી શું કરવું તે એને સમજાતું નહીં અંતે પોતાના બાળકોના ભવિષ્ય માટે થઈને તેને દ્રઢ નિશ્ચય કર્યો કે પરિસ્થિતી કોઈ પણ આવે પોતે જમીન નહીં વેચે, બીજા દિવસે સાંજે જ્યારે કુટુંબના વડીલો ભેગા થયા ત્યારે પોતે દ્રઢ રહીને કહ્યું કે તે જમીન નહીં વેચે કે નહીં કોઈને આપે પોતે જાતે મહેનતથી ઘર ચલાવશે તેના સાસુ જેઠાણીઓ બધાએ તેને સમજાવ્યા પણ તે એક ના બે ન થયા. તેને ખબર હતી કે એકલે હાથે આ બધું કરવું મુશ્કેલ છે પણ અશ્ક્ય તો નથી જ. વાવણીનો વરસાદ થતાં જ તેને પોતે હળ જોડી વાવણી કરી. બાળકોને સાથે લઈ તેઓ વહેલા વાડી એ જતા રહેતા મોટો દીકરો ને દીકરી તેને મદદ કરતા. નાનો તો માંડ ચાર વરસ નો થયો હતો તે આખો દિવસ ઝાડ નીચે રમ્યા કરતો, થોડા દિવસ પછી તેને થયું જો પોતે બાળકોને પણ ખેતી કામમાં જોતરશે તો આખી જિંદગી મંજૂરી જ કરશે. તેને બન્ન્ને બાળકો ને નિશાળે બેસાડ્યા અને પોતે એકલા હાથે ખેતીમાં સખત મહેનત કરવા લાગ્યા, કુટુંબનું કોઈ તેને મદદે આવ્યું નહીં કે પૂછતું પણ નહીં, વધારે મોસમ હોય ત્યારે પિયરથી તેના બાપુજી આવતા ને બે ચાર દિવસ રોકાઈને પાક ભેગો કરાવી જતા કયારેક તેના નાના ભાઈને મોકલતા. મોટા બે ભાઈ તો કુટુબીઓની માફક સામું પણ ન જોતાં. તેનો નાનો ભાઈ વાર તહેવાર કે કામની મોસમ હોય વગર તેડાવ્યે આવી જતો. હવે તો છોકરા પણ મોટા થઈ ગયા. મોટો દીકરો તો ભણવામાં ખુબ હોશિયાર હતો જે ભણીને ડૉકટર બન્યો, દીકરી પણ હોશિયાર હતી પણ બા ની જવાબદારી ઘટાડવા તે ઘર ને નાના ભાઈ ને સાચવવામાં વધુ રસ લેતી તેનું મન ભણવામાં લાગતું નહીં માંડ દસ પાસ કર્યુ. મંજૂર બા એ તેના ભાઈની મદદથી સારૂ ઘર શોધી તેને સાસરે વળાવી.

મંજૂબાની જીવન લડત હજી પુરી નહોતી થઈ એક દિવસ જમવા બેસવા જતા હતા ત્યા તેના મોટા દીકરાને લોહીની ઉલટી થઈ તાત્કાલિક ગાડી કરી હોસ્પિટલ પહોંચાડ્યો રાજકોટ રહેતા તેના નાના ભાઈ ને પણ સીધા હોસ્પિટલ બોલાવ્યા ડૉકટરે બધી તપાસ ને રિપોટૅ કરી ને જણાવ્યુ કે તેને બ્રેઈન ટ્યુમર છે અને તે પણ છેલ્લા સ્ટેજ માં ઓપરેશન થઈ શકે તેવી હાલત નથી તેમની માટે તેને ઘરે લઈ જઈ થાય તેટલી સેવા કરો મંજૂબા ના પગ નીચેથી તો જમીન ખસી ગઈ, આફતનું આભ તૂટી પડ્યું. પથ્થર સમાન બની રહ્યા.

હિમંત રાખી તેને ભાઈ ને કહ્યું આપણે તેને અમદાવાદ કે મુંબઈ લઈ જશુ. ભલે ગમે તેટલો ખર્ચ થાય પણ હું મારા દીકરાને મરવા નહીં જ દઉ. ડૉક્ટરે તેને સમજાવ્યા કે અમદાવાદ કે મુંબઈ ગમે ત્યાં લઈ જશો પણ હવે આમનો ઈલાજ શક્ય નથી. તો પણ તે જવા ઈચ્છતા હોય તો તે ચિઠ્ઠી કરી આપે છે તેનો દીકરો એક સારો ડૉકટર હોય તેથી તેની ત્યાં સારી ઓળખાણ હતી પણ રોગ ના આ સ્ટેજમાં તેની ટ્રીટમેન્ટ શક્ય નહોતી અંતે નિરાશ થઈ ને તેઓ પાછા આવ્યા. મંજૂ બા ઘરે તેની સેવા ચાકરી કરતાં તેનું આ દુઃખ જોઈને ગમે તેવો પાષાણ હૃદયનો માનવી પણ પિગળી જાય પણ ભગવાને તો તેની કસોટી લેવાનું નક્કી જ કરી લીધું હોય તેમ તેને દુઃખ આપતા જ રહે છે. એક રાત્રે સખત લોહીની ઉલટી સાથે મંજૂબાના ખોળામાં દેહ છોડ્યો. મંજૂબાના તો આંસુ જ જાણે સૂકાઈ ગયા. મહીનાઓ સુધી તે પથ્થરની માફક મૌન બેસી રહેતા.‌

એકરાત્રે જાણે તેની સામે કોઈ અટ્ટહાસ્ય કરી ને કોઈ તેને કહ્યું બસ ને હારી ગયા ને જીવન લડતમાં.

તેનો અંતર આત્મા જાગી ઉઠયો કે હજી તેની જવાબદારી પુરી નથી થતી. તેના બાળકો માટે તેને કઠણ બનીને જીવવું પડશે તેનો નાનો દીકરાએ ભણવાનું છોડી ખેતી ને ધંધો કરવાનો વિચાર રજુ કર્યો. તેણે કહ્યું મને ભણવા કરતાં ધંધામાં વધુ રસ છે વળી ખેતી પણ થાય. મંજૂબાએ કહ્યું તું ખેતીની ચિંતા કર્યા વગર ધંધો કર, ખેતી હું સંભાળી લઈશ. દીકરાએ કહ્યું બા તમે ઘણું કર્યું હવે તમે આરામ કરો. ત્યારે મંજૂબા એ કહ્યું આરામ તો હવે તારી વહુ લાવું ને ઘેર છોકરા રમે ત્યારે સામટો કરી લઈશ. તું તારે ધંધામાં ધ્યાન દે પૈસા કે ખેતીની ઉપાધી ન કરતો. આમ જીવન લડતમાં મંજૂબા ફરી પૂરી તાકાત સાથે લડવા તૈયાર થયેલા યોધ્ધાની માફક ઊભા થયા ને લડ્યા. ધંધા માટે પૈસાની અછત ઊભી થઈ ને દીકરાને કોઈએ જમીન વેચી નખાય તેવું કહ્યું તેણે જ્યારે મંજૂબા ને વાત કરી કે વધુ પૈસા રોકે તો ધંધો ડેવલપ થાય પૈસા વગર બધું નકામું. બા આપણે થોડીક જમીન કાઢી નાખી એ તો ખેંચ ન પડે. ત્યારે મંજૂબા રિતસર ના ઉકળી ગયા ને કહ્યૂ, બે ટંકનું ના મળે તો ટંકનું ખાજે પણ જમીન વેચવાની વાત આજ પછી મારા જીવતા તો કરતો જ નહીં. બીજે દિવસે મંજૂબા એ તેના થોડા ઘણા દાગીના હતા તે દીકરાને આપ્યાને કહ્યું આ લે અત્યારે આટલાથી કામ ચલાવ. દીકરાએ તે લેવાની ના પાડી ત્યારે તેને કહ્યું આ દાગીના કપરા સમયની મૂડી કહેવાય. કપરા સમયમાં મા ના દાગીના વેચાય પણ આપણી ધરતી મા જેણે આપણો ખાડો પૂર્યો તેને ક્યારેય ન વેચાય. આમ ને આમ વર્ષો વિતતા ગયા આજે મંજૂબા ના દીકરા ના ઘરે જાહોજલાલી છે, સમજદાર વહુ છે દીકરાના ઘરે દીકરા -દીકરી છે. ધંધામાં તેના દીકરા ને રાજકોટમાં સિક્કો જમાવ્યો છે હવે તો તેઓ રાજકોટ મોટા આલીશાન મકાનમાં રહે છે, જમીન હજીય વેચવા નથી દીધી, હાલ તો રાજકોટની નજીક હોય તો કરોડોમાં કિંમત થઈ ગઈ છે પણ આજેય દીકરો મંજૂ બા નું માન જાળવે છે ને પોતાના સંતાનોને પણ કહે છે જમીન આપણી મા કહેવાય તેને વેચીને જાહોજલાલી ન કરાય.

મંજૂબા આજે પણ ઓટલે બેસીને કંઈ ને કંઈ કામ કરતા જાય ને કોઈ પૂછે કેમ છે ? તો કહેતા લીલુડી વાડી ને લીલા લહેર !

આખરે જીવનલડતમાં અવિરતપણે શ્રમ ને સચ્ચાઈથી લડીને મંજૂબાએ તેના જીવન નકશાને વેરાન રણમાંથી લીલુડી વાડીમાં ફેરવી નાખ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational