જીદ
જીદ


'ધાડ' ના અવાજ સાથે બારી દિવાલ સાથે ભટકાઈ. માથું નમાવીને શૂન્યમનસ્ક અવસ્થામાં બેસેલો અરમાન ઘડીક એ દિશામાં તાકી રહ્યો. ફરી એક વાર બારી અને દિવાલના મેળાપ દ્વારા ઉઠેલ ધ્વનિથી તંદ્રા તૂટી તો એ જોરથી માથું ધૂણાવવા લાગ્યો. નાછૂટકે ઉઠતો હોય એ રીતે ધીમેથી એ પથારી છોડી ઊભો થયો. બારી બંધ કરવા માટે લંબાયેલા હાથ વીજળીનો કડાકો જોઈ એક ઝાટકે અટકી ગયા.
"જાન પ્લીઝ, મને ગભરાટ થાય છે! ઘરે હતી ત્યારે તો બ્લેન્કેટમાં ભરાઈ જતી, આજે પહેલી વાર તારી સાથે આટલી નિશ્ચિન્ત ઊભી છું. પ્લીઝ મને ફોર્સ ન કર!" આકાંક્ષાનો અવાજ અવાવરુ ઓરડામાં ગૂંજી ઉઠ્યો, જાણે એ અત્યારે જ બોલી ઊઠી હોય!
"અરે ડોન્ટ બી સ્કેર્ડ માય ડિયર, હું છું ને તારી સાથે!" એક ધૂંધળી આકૃતિએ આકાંક્ષાનો હાથ ખેંચી એને બહાર કાઢી.
ફરી એક વાર વીજળી ચમકી, એક તીવ્ર લિસોટો આંગણામાં ખેંચાયો અને પાકી ફર્શમાં તિરાડ પાડી ભૂગર્ભમાં સમાઈ ગયો. બારી હળવેથી બંધ કરી એની આંખો ભેંકાર ભાસી રહેલી પથારી તરફ ચોંટી રહી. બહાર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો, અને અંદર અરમાનની શૂન્યમનસ્ક આંખોથી પણ!