ઝટપટ કામ, તો ઉત્તમ કામ
ઝટપટ કામ, તો ઉત્તમ કામ
ભારત આઝાદ થયો. તેઓ ભારતના નાયબ વડાપ્રધાન બન્યા. ભારતમાં દેશી રજવાડાંઓનું વિલીનીકરણ કરવાનું હતું. રાજાઓને ધીરજથી સમજાવ્યા. કેટલાક રાજાઓ શાંતિથી સમજી પણ ગયા, જ્યારે કેટલાક રાજાઓએ સમજવામાં થોડો વિલંબ કર્યો, મતલબ કે તેઓને સમજાવવા પડયા.
જામનગરના જામસાહેબ બાબત પણ આવો જ પ્રશ્ન હતો. તેઓની ઈચ્છા પણ પાકિસ્તાન તરફી હતી. તેઓ પાકિસ્તાન જવા માટે એરપોર્ટે પણ પહોંચ્યા. એ પહેલા તો આપણા નાયબ વડાપ્રધાનશ્રીએ જામસાહેબના ભાઈ કે જેઓ લશ્કરના મેજર જનરલ હતા તેઓને બોલાવી, પાંચ મિનિટમાં તો એરપોર્ટ રવાના કરી દીધા. થોડીવારમાં તો મેજર જનરલ પોતાના ભાઈને લઈને નાયબ વડાપ્રધાન પાસે આવ્યા અને અડધા કલાકમાં આ નાયબ વડાપ્રધાનશ્રીએ જામસાહેબને સમજાવી દીધા અને જામનગર ભારત સાથે જ રહ્યું. જૂનાગઢ, હૈદરાબાદ વગેરેની કામગીરી પણ ત્વરિત નિર્ણયશક્તિથી પાર પાડી હતી.
આવું જ કામ તેઓએ કાશ્મીરમાં જમ્મુ અને પઠાણકોટ વચ્ચેનો રસ્તો બનાવવા બાબત કર્યું હતું. આ અટપટા વિસ્તારમાં રસ્તો બનતાં વર્ષો લાગે તેમ હતું ત્યાં પોતાની બુદ્ઘિશક્તિથી ૧૦૦૦૦ મજૂરોને કામે લગાડી, ફ્લડ લાઈટો મુકાવી, આ મજૂરો, કર્મચારીઓ, ઈજનેરો માટે તાત્કાલિક તંબુઓ-મકાનોની વ્યવસ્થા કરી, દવાખાનાં, સિનેમા, બજારો વગેરે દરેક જાતની વ્યવસ્થા કરી આ રસ્તો આઠ માસમાં પૂરો કરાવ્યો.
આઝાદી પછી દિલ્હીમાં ફાટી નીકળેલાં હુલ્લડોને પણ તેઓએ ત્વરિત નિર્ણય લઈને શાંત પાડી દીધાં. કાશ્મીર ઉપર કબ્જો જમાવવા પાકિસ્તાને બે-બે વખત હુમલો કર્યો અને બંને વખતે તેઓએ ફટાફટ સાધન-સામગ્રી, લશ્કર વગેરેની વ્યવસ્થા કરી કડક આદેશ આપી પાકિસ્તાનીઓને હરાવી દીધા.
જે કામ કરવાનું થાય તે ઝડપથી કરવું જોઈએ એવું વિચારીને તે કામને પાર પાડનાર આપણા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
આજે તો કામ કરવાનું હોય તો પહેલા તેમનું સ્વપ્ન જોવાય, પછી કાગળ ઉપર એનો નકશો તૈયાર થાય, પછી તેમનું મુહૂર્ત થાય, પછી લોકોને સપનાં જોતાં કરી દેવાય અને આ સપનાં જોતાં જોતાં ઘણાંનાં તો મૃત્યુ પણ થાય, ત્યારે કામ થવું હોય તો થાય. બાકી વર્ષો વીતે એમ એ કામનું અંદાજપત્ર તો વધતું જ જાય. કામ પૂરું કરવા માટે જરૂર છે નક્કી થયેલું કામ ઝટપટ પાર પાડવાની. આવું જ કામ ઉત્તમ પણ બને.
