ઝરુખો
ઝરુખો
મારુ રોજ ત્યાંથી પસાર થયું ને તમારું ઝરુખે બેસવું. અનાયાસે મળેલી આપણી નજર. એતો, જાણે હવે નિત્યક્રમ બની ગયો. ક્યારેક તમને ઝરુખે ન નિહાળું તો મારી એ સંધ્યા અને નીશા બેચેની ભરી પસાર થતી. બીજા દિવસે પ્રાતઃકાળે એજ અપેક્ષા કે આજે આપના મુખારવિંદ પર હાસ્યની મીઠી લહેરખી નિહાળવા મળશે. અને વારંવાર અરીસા સામે ઉભા રહી વાળ સરખા કરતો.
દરરોજ ઓફિસે આવતા અને જતા મનમાં કંઈ કેટલીય તાલાવેલી, ઝંખના અને ઉત્કંઠા રાખી પસાર થતો. તમારી નજર સામે નજર મિલાવું ત્યારે હળવોક તમારો આંખનો ઉલાળો મારા દિલમાં ઝણઝણાટી પેદા કરી દેતો.
પરંતુ એક દિવસ સવારે જ્યારે પસાર થતો હતો. ત્યારે, તમારા ઘરની સામે એક ટેમ્પો ઉભો હતો. કેટલાક મજૂરો ઘરનો સામાન તેમાં ગોઠવી રહ્યા હતા. તે દિવસે જે ધ્રાસકો પડ્યો જેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તે રાતે મને ઊંઘ ન આવી. સવારે ત્યાંથી પસાર થયો ત્યારે ઝરુખાની એ બારી બંધ હતી. મન વિહ્વળ થઈ ગયું. મારી ઝંખના રોજ તમને નિહાળવાની હવે જીવનમાં ક્યારે પૂરી થવાની ન હતી. તમે ક્યાં ગયા એ જાણવા ઘણા પ્રયત્નો કર્યા. પછી હારી ગયો. તમને મળવાની મારી ઝંખના હવે ક્યારેય પૂર્ણ થવાની ન હતી. હું પણ ત્યાર પછી બીજા શહેરમાં સ્થાયી થયો.
વર્ષો પછી મારાજ શહેરમાં એ જ ચહેરો એજ આખો જોઈ મન વિહવળ થઈ ગયું. તમારા વિશે માહિતી પ્રાપ્ત કરી જાણીને દુઃખ થયું અકસ્માતમાં તમે તમારા પતિને ગુમાવી ચૂક્યા છો. પરંતુ હજુ હું કુવારો જ છું બસ તમારી સંમતિની રાહ જોઉં છું કે ક્યારે હું તમને મળી શકું. તમારા ઉત્તર 'હા' જ હશે એવી ઝંખના સહ.

