STORYMIRROR

Mittal Chudgar Nanavati

Inspirational Others

4  

Mittal Chudgar Nanavati

Inspirational Others

'ઇન્ટેલિજન્સ' વર્સીસ 'ઇનોસન્સ'

'ઇન્ટેલિજન્સ' વર્સીસ 'ઇનોસન્સ'

6 mins
265

લે તને નથી ખબર ? બધા ને ખબર છે, કઈ દુનિયા માં છે ? શું યાર આટલું પણ નથી આવડતું ? નિર્ણય લેતા પહેલા થોડું વિશ્લેષણ કરીને આગળ વધાય ને ? મારા અને કદાચ દરેક ના જીવનમાં એવા પ્રસંગો બન્યાંજ હશે જયારે કોઈએ આપણને આવું કહ્યું હશે. આવા પ્રશ્નો નો સામનો કરીએ ત્યારે ક્યારેક આપણે ઓછાપણું અનુભવીએ, એમ થાય કે આપણેજ જાણે અજાણ, અજ્ઞાન કે મૂઢ છીએ. ઘણીવાર આપણા સીધા અને સરળ પ્રશ્નો કે લીધેલા નિર્ણયો માટે કોઈ બુદ્ધિબુઠ્ઠા કહે ત્યારે આપણને આપણી જ અક્કલ પર શંકા જાગે. દુનિયાનો આ નિયમ છે: આપણો લીધેલો નિર્ણય નિષ્ફળ જાય, કોઈ નુકશાની પહોંચે કે કોઈના થકી દગો ખાઈએ ત્યારે આપણી ગણતરી મૂર્ખ, બુદ્ધિહીન કે અજ્ઞાનીમાં જ થાય. આપણી ભાવનાઓ અને મનઃસ્થિતિની કોઈજ કિંમત ત્યારે ન થાય. 

મનોવિજ્ઞાન અનુસાર તો બુદ્ધિના ઘણા પ્રકારો છે પણ સામાન્ય રીતે આપણે બુદ્ધિ ને 'ઇન્ટેલિજન્સ ક્વટેન્ટ ' સાથે સાંકળીયે છીએ. આઈ ક્યુ ના આધાર પર જ જાણે આપણી ઉન્નતિ નો નિર્ધાર છે એવું આપણે માનતા હોઈએ છીએ. છોકરાઓ ના આઈકયુ ટેસ્ટ કરાવી આપણે એમનું ભવિષ્ય પણ નક્કી કરવા મથામણ કરીએ છીએ. પણ જીવન માટે અતિ ઉપયોગી એવા બીજા EQ , PQ , SQ એવા ઘણા Q 's ને આપણે અવગણીએ છીએ. ઈન્ટેલિજન્સ તો એક ગાઢ સમુદ્ર છે.એના પાણી નો જરૂર પડે ઉપયોગ કરી શકાય પરંતુ એને સંપૂર્ણપણે આપણામાં સમાવી ન શકાય. એ શક્ય જ નથી -ઈટ્સ નોટ હ્યુમન. 

મેં જયારે કોલેજ ના બુકસ્ટોર માં પહેલીવાર 'નયન ને બંધ રાખીને' ગાયન સાંભળ્યું ત્યારે મને એ ભગવાન ની સ્તુતિ લાગી. જૈન હોવાથી ઘરે સ્તવનો સાંભળતા અને આ ગાયન માં મને એવીજ કાંઈક અનુભૂતિ થઈ. મારી ફ્રેન્ડે જયારે મને કહ્યું કે એ પ્રણય ગીત છે ત્યારે મને મારી નિર્દોષતા પર હસવું આવ્યું. ક્યાં પ્રણય ગીત અને ક્યાં ભક્તિ ગીત ! જો એ સમયે એફબી હોત અને ભોળપણ માં મેં એ શેર કર્યું હોય, 'લવ ધિસ ડિવોશનલ સોન્ગ' તો ? લોકો માટે મનોરંજન અને ટ્રોલ નો વિષય બની રહેત. કહે છે ને ભોળપણ હોય ત્યાં ભગવાન સાથ આપે છે, એટલે એવું ન બન્યું ઉલટું હું એ ચૈતન્ય ની ઔર નજીક જઈ શકી આ ગાયન થકી. 

નાની હતી ત્યારે મારા પપ્પા મને હંમેશા મારા મિત્રો ના પુરા નામ પૂછતાં અને મને ક્યારેય પુરા નામ યાદ ન રહેતા. કોઈ મિત્ર ને ત્યાં જવાનું હોય તો એ વળી વળી ને અટક પૂછે એટલે હું યાદ રાખી ને આવું અને કહું,એ પાછળ નો પપ્પા નો હેતુ જાણવામાં પણ મને રસ નહતો. સ્કૂલ પુરી થઈ ત્યાં સુધી હું એ સમજી નહતી શકી કે અટક થી માણસ નું બેકગ્રાઉન્ડ અને ઘણીખરી ઓળખ મળી શકે! કોલેજમાં જયારે કોઈ કટાક્ષ માં બોલે કે સરકાસ્ટિક જોક કરે ત્યારે એ મને ભાગ્યેજ સમજાતા. પછી તો મેં એ ધારી લીધું હતું કે મને જોક્સ ન સમજાય એટલે સાંભળવાજ નહિ. ત્યારે મારા પરમ મિત્ર એ મને સમજાવ્યું કે તું બરાબર સાંભળ ધ્યાન થી સંભાળ, ન સમજાય એવું કશું ન હોય ( એટલે આજનો સિનારિયો જુદો છે હો, હવે થોડા સમજાય છે). છતાં બુદ્ધિજીવીઓ સમક્ષ તો હું કહેવાય ને 'ટ્યુબલાઈટ' જ રહીશ. આ બધા પ્રસંગોમાં ક્યાંક એક નિર્દોષતા છે. કહેવાય છે શિવ માં પણ શાણપણ અને ગાંડપણ બંને છે અને એટલેજ એમને ભોલેનાથ કહેવાય છે. પણ નિર્દોષ હોવું અને અણસમજુ કે બેવકૂફ હોવું એ વચ્ચે એક ફાઈન લાઈન છે અને બેવકૂફી કરવામાં હું કેવી રીતે બાકાત હોઉં ? 

અત્યારે મને સોશ્યિલ મીડિયા લેખક નું ટેગ મળ્યું છે. હું તો ટેગ માં માનતી નથી કારણ કે ટેગ લાગવાથી આપણી સીમા નક્કી થઈ જાય અને એ દાયરા માંજ રહેવું પડે.પણ આપણને બધાને ટેગ આપવાનો શોખ છે એટલે એવરીથીંગ ઈસ લેબલ્ડ ટુડે. જે લોકો એફબી અને અન્ય ઓનલાઈન મીડિયા માં લખે છે કોઈ સમાચાર માં,કે કોલમ કે પુસ્તકો નથી લખતા એવા લોકો ને આ ટેગ અપાય છે આવું મને તાજેતર માંજ ખબર પડી. ખેર, ૨૦૧૪ માં મેં અંગ્રજી માં એક પુસ્તક લખ્યું હતું. ત્યારે એફબી માં લખતી નહતી, બ્લોગ પણ શેર નહતી કરતી. માત્ર ૭૦૦ એફબી ફ્રેંડ્સ અને કોઈજ જાત ની જાહેરાત કે બહુ પબ્લિસિટી કર્યા વગર બુક પબ્લિશ કરી હતી. અલબત્ત પૈસા આપીને પ્રિન્ટ કરાવી હતી.પબ્લીકેશન સારું હતું છતાં પણ મારા તરફ થી કોઈ ખાસ એફર્ટસ નહતા મારી બુક નું માર્કેટિંગ કરવાના. આજે જયારે મહિનાઓ અગાવ મોટા મોટા લેખકો ને માર્કેટિંગ અને એડવરટાઈઝિંગ કરતા અને ઓફર આપતા જોવું છું ત્યારે મને મારી ક્ષતિઓ અને મૂર્ખાઈ સમજાય છે. સિંગાપોર રહી ખાસ કરી ગુજરાત ના સ્ટુડન્ટ્સ માટે પુસ્તક લખ્યું જે મારા અનુભવો પરથી મને લાગ્યું કે પરીક્ષા ની તૈયારી માટે અગત્ય નું છે. કન્ટેન્ટ માટે આજે પણ હું કોન્ફિડન્ટ છું, ઈટ ઈસ નોટ લેસ ધેન બેસ્ટ ! પણ માત્ર વિમોચન થી, વિજ્ઞાપન વિના લોકો સુધી કેમ પહોંચી શકાય એ પણ સિંગાપોર થી ? જે લોકો એ વાંચ્યું એમના પ્રતિસાદ ખૂબ સરસ હતા. ઘણા આપણા ગુજરાતીઓ એ USA માંથી પણ મેસેજ કર્યા હતા. લોકપ્રિય લેખક અને વક્તા જય વસાવડા ના હસ્તે વિમોચન પણ થયું હતું. એમની જોડે કોઈ અંગત ઓળખાણ ન હતી(આ સ્પષ્ટ કરવું પડે) પણ એમણે પુસ્તક ખૂબજ ઉપયોગી છે સ્ટુડન્ટ્સ માટે એમ કહી એમના રવિવાર ના લેખ માં પણ રેફરન્સ આપ્યો હતો.પણ હાં, મારો એ પ્રયાસ સફળ ન કહેવાય. સંતોષ કરી શકાય પણ સેલિબ્રેશન ન થાય. એનું કારણ થોડી સમજણની કચાશ અને માર્કેટિંગ સ્કિલ્સ અને વિઝન નો અભાવ. એ વાત પણ એટલી સાચી છે કે જો મને બધી પ્રોસેસ ની ખબર હોત તો કદાચ હું પુસ્તક પૂરું જ ન કરી શકત. કારણ કે વધુ જાણકારી ચિંતા માં પણ પરિણમે છે. એક ટર્મ છે 'પેરાલિસિસ બાય એનાલિસિસ'. વધુ પડતી ઈન્ફોરમેશન અને એના વિશ્લેષણ થી આપણે ગભરાઈ જઈએ છીએ અને નિર્ણયો લેવામાં વિમાસણ અનુભવીએ છીએ. મેં જે નીડરતા થી પહેલું પુસ્તક લખ્યું એનાથી વધુ કદાચ બીજું લખતાં હું ખચકાઈશ કે અચકાઈશ કારણ કે હવે ડર લાગશે નિષ્ફળતાનો. મારા અનુભવો પરથી હું એ શીખી કે ઈનોસન્સ રાખવામાં કે મૂર્ખ બનવામાં ક્યારેય એટલું નુકશાન નથી થતું જેટલું ક્યારેય પ્રયત્ન નહિ કરવામાં થાય છે. જયારે આપણે નથી આવડતું અને ભૂલ થઈ એમ સ્વીકારી શકીયે, ત્યારે એક એવા સ્તરે પહોંચીએ છીએ જેને 'મેચ્યોરિટી' કહે છે. 'પરિપક્વતા' એટલે સમજણ નો સંપૂર્ણ વિકાસ. હોશિયારી કે જ્ઞાન નો ઘડો તો ક્યારેય ભરાતો નથી એ તો સતત શીખવાની અને ઉમેરવાની પ્રક્રિયા છે.

વાત એવી છે આપણે આપણી લિમિટેશન્સ કે મર્યાદાઓ સ્વીકારતા ગભરાઈયે છીએ. આવડવું અને જાણવું મહત્વ નું નથી પણ એ દેખાડવું કે આવડે છે એ અત્યાવશ્યક થઈ પડે છે. 'આઈ ડોન્ટ નો' કહેવામાં આપણને લો ફીલ થાય છે. આપણી સો કોલ્ડ ઈન્ટેલિજન્સ ને ફટકો લાગે છે. જેવી રીતે જાણકાર હોવાથી કોઈ જ્ઞાની કે પંડિત નથી બની જતું એમ અજાણ હોવાથી કોઈ અજ્ઞાની કે બૉઘું નથી બની જતું. જાણકારી તો પાન ના ગલ્લે પણ મળી જાય પણ જ્ઞાન પ્રાપ્તિ માટે વાંચન, અભ્યાસ, મનન અને ચિંતન પણ જરૂરી છે. ડગલે ને પગલે લેવાતા જીવન ના નિર્ણયો અને બાબતોમાં ક્યાંક આપણે નિર્દોષ હોઈએ છીએ તો ક્યાંક મૂર્ખ, ક્યાંક બુદ્ધિશાળી તો ક્યાંક મૂઢ. ક્યાંક અજ્ઞાની તો ક્યાંક ચતુર. મન અને મગજ ના નિર્ણયો માં ભાગ્યેજ હાર્મની હોય છે અને એટલેજ મોટા ભાગે કોઈ પણ પ્રકાર ના ડિસિશન લેતા પહેલા આપણે કન્ફ્યુઝડ હોઈએ છીએ. મગજ બુદ્ધિ થી કામ લે છે જયારે મન ઈંટ્યૂશન( અંતર્જ્ઞાન) થી, મગજ ગણતરી કરે છે જયારે મન મુક્તપણે પ્રેમ થી કામ લે છે. મગજ ને ભય સમજાય એટલે એ રૅશનલ છે જયારે મન ને આઝાદી માં રસ છે એટલે એ નિર્ભીક વલણ ધરાવે છે. કોઈપણ માણસ માત્ર મન કે મગજ થી ચાલી નથી શકતો એટલેજ એ બુદ્ધિસંપન્ન છે કે બુદ્ધિવિહોણો એનો અંદાજ લગાવવો ખોટો છે. એક જ લાક્ષણિકતા ધરાવતો માણસ આગળ વધી શકે છે - 'હંમેશા શીખતો'. જેને નબળાઈઓ સ્વીકારતા અને સદાકાળ શીખતાં આવડે એને કોણ પછાડે ? બસ હિંમત થી આગળ વધવું પછી એ નિર્દોષ અંતઃકરણ થી હોય કે પછી સર્વોચ્ચ બુદ્ધિ થી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational