Vidhi Vanjara

Drama Romance Tragedy

4  

Vidhi Vanjara

Drama Romance Tragedy

હું, તું અને કોફી

હું, તું અને કોફી

10 mins
190


અષાઢનાં ઘનઘોર વાદળાની કાળાશમાં સવારનાં પ્રથમ પહોરે જ્યારે ભાસ્કર પણ હળવે હળવે આળસ મરોડતા ધરતીને પોતાનાં સોનેરી કિરણો થકી શણગારે છે ત્યારે શહેરનાં જંગલ વિસ્તારમાં ડેમ તરફનાં ખાલીખમ રસ્તા પર એક વ્યક્તિ બાહ્ય ઘોંઘાટ અને લોકોથી બેખબર બની બસ પોતાની જ ધૂનમાં ચાલ્યો જાય છે.

પાંચ ફૂટ ચાર ઈંચની ઉંચાઈ, પહોળા ખંભા, રૂપાળો ચહેરો અને મોહક વ્યક્તિત્વ ધરાવતો એ યુવક હતો વિરેન ઠક્કર. શહેરનાં નામાંકિત ઉદ્યોગપતિ શ્રી ઋષભ ઠક્કરનું એકમાત્ર સંતાન. સવારનાં ઘરમાં કોઈને કહ્યાં વગર જ નીકળી ગયો છે એની દુનિયામાં ! હાં, પ્રકૃતિપ્રેમી વિરેન ઠક્કર. જ્યારે જ્યારે એ આ દુનિયાની મુશ્કેલીઓથી કંટાળ્યો હોય, બેચેન થતો ત્યારે તેનું એકમાત્ર આશ્રયસ્થાન એટલે કે પ્રકૃતિનું સાનિધ્ય. 

આજે ફરી એ પોતાની દુનિયામાં નીકળી ગયો છે. મગજમાં ગઈકાલ રાત્રે થયેલાં સંવાદો પડઘાયા કરે છે. પ્રીતિ સાથેની બોલાચાલી પછી કોઈ સાથે કંઈ પણ વાત કર્યા વિના સવારનો નીકળી ગયો છે. એ બસ ભૂતકાળને વાગોળતાં વર્તમાનમાં વિચારોનું મનોમંથન કરતાં કરતાં એ બસ ચાલ્યે જ જતો હતો.

પ્રીતિ પટેલ ! હા પ્રીતિ પટેલ. વિરેનની ધર્મપત્ની. શહેરનાં જાણીતાં કોન્ટ્રાક્ટર જીતેન પટેલની એકમાત્ર પુત્રી. સુડોળ કાયા, પાંચ ફૂટ બે ઈંચ જેટલી ઊંચાઈ અને રૂપ તો ભગવાને એવું ઘડેલું એને જોઈને એની પાછળ છોકરાંઓની લાઈન થતી.‌ એકવાર જુએ તે જોતાં જ રહી જાય. લગભગ આઠ વર્ષ પહેલાંનો સમય હતો. જ્યારે વિરેન અને પ્રીતિ કૉલેજનાં પહેલાં વર્ષમાં મળ્યાં હતાં. એ દિવસ એવો હતો સવારથી જ દોડધામ ! સવારનાં વહેલો ઊઠીને વિરેન ફટાફટ તૈયાર થવા લાગ્યો. મિત્રોને ફોન કરીને ક્યાં પહોંચ્યાં ? ક્યારે આવશો ? ને ક્યાં મળવું છે ? બસ એ જ બધી ધમાલ. બીજી બાજુ પ્રીતિ પણ એવી જ ગૂંચવાયેલી આ જીન્સ પહેરીને જઉ કે ડ્રેસ ? પહેલો દિવસ છે. આમ કરું કે તેમ ? કોની સાથે જઉ ? કેવી રીતે જઉ ? ચાલીને જવું કે રિક્ષામાં કે પછી સ્કુટી લઈને જવું ? ખરેખર, આ કોલેજનો પહેલો દિવસ એટલે યંગસ્ટર્સ માટે તો એક જંગ જ ! પોતાની ઇમ્પ્રેશન ખૂબ સારી પાડવાં માટે બધાં યુવાન હૈયા થનગને છે. અંતે કોલેજનો ટાઈમ થતાં બધાં કોલેજ પહોંચી પણ જાય છે. વિરેન થોડો મોડો થયો હોવાથી પાર્કિંગમાંથી જ ખૂબ ઝડપથી દોડતો દોડતો ક્લાસ રૂમ તરફ જઈ રહ્યો હતો પરંતુ તેને પોતાનો ક્લાસ ખબર જ ન હતી. અચાનક જ એ ઉતાવળમાં એક છોકરી સાથે ભટકાયો. એ હતી પ્રીતિ, પ્રીતિ પણ ખૂબ ઉતાવળમાં હતી એટલે બંને બેખબર બસ પોતાનાં ક્લાસરૂમ તરફ જઈ રહ્યાં હતાં. વિરેને ઉતાવળમાં એટલું જ કહ્યું, "આઈ એમ સોરી". પ્રીતિ પણ મોઢું બગાડતી પોતાનાં ક્લાસરૂમ તરફ નીકળી ગઈ.

ક્લાસરૂમમાં એ જ છોકરીને પોતાની બાજુમાં બેઠેલી જોઈને આશ્ચર્ય અનુભવતાં વિરેનથી પૂછાઈ ગયું, "તમારું નામ શું છે ?" પ્રીતિ સવારે અથડાયા બાદ ખૂબ ગુસ્સે હોવાથી માત્ર એટલું જ કહે છે કે, "પ્રીતિ પટેલ." ત્યારબાદ વિરેન પણ થોડો અકળાયો. બન્નેની પ્રથમ મુલાકાત બાદ થોડાં દિવસો એમનેમ જ ગયાં. પ્રથમ વર્ષે તો બંને એકબીજાનાં કટ્ટર દુશ્મનો રહ્યાં. બંને આમ તો તદ્દન વિરોધી સ્વભાવનાં પરંતું બંનેની એક ખાસિયત હતી. બંનેને ગુજરાતી સાહિત્ય વાંચવાનો ખુબ જ શોખ હતો અને જ્યારે જ્યારે બંને લાઇબ્રેરીમાં વાંચવાં માટે જતાં એ પહેલાં કેન્ટીનમાં એક કોફી પીતાં બસ આ એક જ સામ્યતા કે જે બંને વચ્ચે હતી.

એક દિવસ કોલેજ પૂરી થયાં બાદ બંને કોફી પીને લાઇબ્રેરીમાં ગયાં અને ત્યાં અચાનક જ બુક શોધતા-શોધતા બન્નેની મુલાકાત થઈ. પહેલાં તો બંને એકબીજાને જોઈને ખૂબ જ કતરાયા. બંનેનો હાથ એક જ બુક પર પડતાં બંને વચ્ચે ફરી હુંસાતુંસી થઈ. બંનેને એક જ બુક વાંચવી હતી પછી વિરેને જતું કર્યું અને પ્રીતિએ બુક લઈને વાંચવા બેસી. વીરેન પણ તેની બાજુમાં જ બેસી વાંચવાં લાગ્યો. બંને એકબીજાને ત્રાંસી નજરે જોયાં કરતાં અને પછી ચાલું થયો વાતોનો દોર. કોલેજનાં બીજાં વર્ષમાં પહોંચતાં સુધીમાં તો આ વાતચીતનો દોર એક ગાઢ દોસ્તીમાં પરિવર્તિત થયો.

વિરેન બસ આ ભૂતકાળ અને આ સોનેરી યાદોને યાદ કરતાં કરતાં વર્તમાનમાં બસ ચાલ્યાં જ કરતો હતો. એ ગાઢ જંગલમાં આવેલાં એક ડેમ પર પહોંચી ગયેલો હતો. બસ એનો પ્રેમ, એનો ભૂતકાળ, એ બંનેની સોનેરી યાદો અને બંનેનું લગ્નજીવન ! શું અદભૂત જિંદગી જીવી છે બંનેએ અને આજે ? આજે થોડી બોલાચાલીએ એક ડિવોર્સ પેપર્સનું સ્વરૂપ લઈ લીધું. વિરેન બસ એટલું જ વિચારતો હતો કે એ જે કરવાં જઈ રહ્યો છે એ સાચું છે કે પછી એ કોઈ ભૂલ કરી રહ્યો છે ? હા, ફરી એ ભૂલ જ હતી ને એની જેને પોતાનાં જીવ કરતાં પણ વધુ વહાલ કર્યો એને દૂર કરવાની એ વાત કરી રહ્યો હતો. ફરી એકવાર એ ડેમનાં પાણીનાં ધોધને જોતાં ભૂતકાળમાં ખોવાઈ ગયો.

વિરેન અને પ્રીતિ કોલેજનાં લવબર્ડસ્ માં પ્રથમ નંબરનું જોડું કહેવાતું હતું. એક જમાનામાં જ્યારે બંને એકબીજાનાં નામથી કતરાતા એ આજે એકબીજામાં એટલી હદે ડૂબેલાં હતાં કે એને આસપાસની દુનિયાની કોઈ ખબર જ નથી. ગાઢ દોસ્તીમાંથી એક વર્ષમાં જ તેમનો પ્રેમ દુનિયાનો સર્વશ્રેષ્ઠ પ્રેમ સાબિત થઈ ગયો. બંને મનોમન એકબીજાને પ્રેમ કરતાં હતાં. આખી કોલેજ એમ કહેતી હતી કે વીરેન અને પ્રીતિનાં જ લગ્ન થશે. બંને મનોમન એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં પરંતુ બંનેમાંથી એક પણ એકબીજાને કહેવાની હિંમત કરતાં નહોતાં આખરે ત્રીજા વર્ષનો વેલેન્ટાઇન્સ ડે આવ્યો 14 ફેબ્રુઆરી.

આ વખતે વિરેને નક્કી કરી લીધેલું કે એ કોઈ પણ ભોગે, કોઈપણ હાલતમાં પ્રીતિ ને પ્રપોઝ કરશે. પૈસાદાર પિતાનું સંતાન હોવાથી એણે પ્રીતિ માટે એક ખાસ આયોજન કર્યું. જે કેન્ટીનની કોફીશોપમાં બંને કોફી પીને જ લાઇબ્રેરી જતાં એ જ કોફીશોપ આખું તેણે બંને માટે બુક કર્યું. તેણે પ્રીતિને કંઈ પણ જણાવ્યું ન હતું. સવારે અગિયાર વાગ્યાની આસપાસ તેણે પ્રીતિને ફોન કર્યો અને જ્યાં હોય ત્યાંથી ફટાફટ કેન્ટીનમાં આવવાં જણાવ્યું.

આ તરફ પ્રીતિ પણ લાલ રંગનાં ગાઉનમાં ખુલ્લાં લહેરાતાં વાળ અને હલકા મેકઅપ સાથે તૈયાર થયેલી કેન્ટીનમાં આવી પહોંચે છે. કેન્ટીન કે કોફી શોપ ચારેબાજુ સફેદ અને લાલ ફુગ્ગાઓથી શણગારેલુ હતું. કોફીશોપમાં ક્યાંય પણ વિરેન દેખાયો નહીં તેથી પ્રીતિ થોડી મૂંઝાઈ ગઈ. ત્યાં જ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગ્યું.

ઈસ તરહ આશીકી કા

અસર છોડ જાઉંગા

ઈસ તરહ આશીકી કા 

અસર છોડ જાઉંગા 

તેરે ચહેરે પે અપની

નજર છોડ જાઉંગા

વિરેને પાછળથી આવીને પ્રીતિની આંખો બંધ કરી. એક મસ્ત બુકે આપ્યું. બુકેમાં ગુલાબનાં સફેદ અને પીળા રંગનાં ફૂલો કે જે પ્રીતિને ખૂબ જ પસંદ હતાં ત્યારબાદ પ્રીતિની આંખો ખોલ્યાં બાદ તેને ખુરશી પર બેસાડે છે. વિરેન પ્રીતિને પૂછે છે, "પ્રીતિ, આજે શું લઈશ ?" પ્રીતિ પણ પોતાની એ જ અદાથી એમ જ કહે છે કે, "દર વખતે જે લઈએ છીએ તે જ આપણી ફેવરેટ કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ."

વિરેન ઓર્ડર આપ્યાં બાદ તે કહે છે કે, " પ્રીતિ તું આજે ખૂબ સુંદર દેખાઈ રહી છે." પ્રીતિ કહે છે ,"થેંક્યુ." ત્યારબાદ વિરેન કહે છે કે, "હું જે કહું છું તે તું ધ્યાનથી સાંભળ. વચ્ચે કંઈ બોલતી નહીં અને હું જે કહું તને માન્ય ન હોય તો પણ આપણી દોસ્તીમાં કોઈ ફર્ક નહીં આવે તે મને પ્રોમિસ કર." પ્રીતિ કહે છે કે, "પ્રોમીસ બાબા પ્રોમીસ, પણ હવે વાત શું છે ? એ તો કહે."

બંને પ્રેમીનાં યુવાન હૈયા પ્રેમ,‌ વ્હાલ, ધીરજ, સંકોચ, ગભરાટ અને ઉમંગથી છલકાઈ રહ્યાં હતાં. વિરેન પોતાની વાત રજૂ કરવા જતો જ હતો કે ત્યાં તેમની ઓર્ડર કરેલી કોફી આવી. બંને કોફીનો મગ ઊપાડ્યો છે અને વિરેન પોતાની વાત શરૂ કરે છે. "પ્રીતિ હું પહેલીવાર તને કોલેજમાં મળ્યો ત્યારથી મને પહેલી નજરથી જ તારી સાથે પ્રેમ થઈ ગયેલો છે. તે દિવસે પહેલી વાર મેં તને તારું નામ પૂછ્યું પણ તારો ત્યારે ગુસ્સેથી જવાબ મને થોડો અકળાયો. મારો અહમ ઘવાયો છતાં પણ હું તને હંમેશાં ત્રાંસી નજરેથી જોયાં કરતો તને ખુશ જોઈને ખુશ થતો અને તારા દુઃખે દુઃખી થતો હતો. એક દિવસ લાઇબ્રેરીમાં આપણે બંને જ્યારે એ બુક માટે પણ લડ્યાં ત્યારે પણ મેં તારી ખુશી માટે જતું કર્યું હતું. આમ જ આખી જિંદગી જતું કરવા માટે તૈયાર છું જો તું મારી જીવનસંગિની બને તો ! મને ખબર છે આપણે બંને બધી બાબતોમાં તદ્દન વિરુદ્ધ છીએ. તારી અને મારી પસંદગી અલગ છે પરંતુ આપણી એક પસંદ તો સરખી જ છે તું પણ માને છે આપણું સાહિત્ય અને કોફી. હાં, એ કોફી કે જે આપણી પ્રથમ મુલાકાત અને પછી દોસ્તીથી લઈને આજ સુધીનાં સંબંધોની સાક્ષી છે. હું આપણી આ દોસ્તીને પ્રેમમાં પરિવર્તીત કરવાં માગું છું. હું તને ખુબ જ પ્રેમ કરું છું. અને મારી આખી જિંદગી મારી જીવનસંગીની બનાવવાં માગું છું. આઈ લવ યુ પ્રીતિ.આજે પણ જ્યારે હું તને પ્રપોઝ કરું છું ત્યારે આ આપણાં પ્રેમની સાક્ષી છે. પ્રીતિ, હું ખરેખર તને ખૂબ પ્રેમ કરું છું. શું તું મારી જીવનસંગિની બનીશ ? શું તું સાત જન્મ સુધી તું મારો સાથ આપીશ ?"

પ્રીતિ આ સાંભળીને સ્તબ્ધ બની ગઈ. એનાં મનની વાત આજે એનાં મનનો માણીગર કરી રહ્યો હતો. તે પણ ખુશીથી ઉછળીને કહે છે કે, "હા વિરેન, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું. કોલેજનાં પહેલાં દિવસથી કે જ્યારથી તું મારાથી ટકરાયો હતો. પાગલ તે જ મોડું કર્યું મને પ્રપોઝ કરવામાં ! થોડું વહેલું કર્યું હોત તો તારું શું જાત ?" અને પછી બંનેનું સુખદ મિલન થાય છે કોફીની સંગાથે. ! વિરેન પ્રીતિનો એક હાથ પકડી તેનાં હાથ પર કિસ કરે છે અને કહે છે કે, "દુલ્હન તૈયાર રહેજે ખૂબ જલ્દી તને લેવાં આવીશ." બેકગ્રાઉન્ડ મ્યુઝીક વાગે છે.

મેરા દિલ ભી કીતના પાગલ હૈ

યે પ્યાર જો તુમસે કરતા હૈ

પર સામને જબ તુમ આતે હો 

કુછ ભી કહેને સે ડરતા હૈ

ઓ મેરે સાજન ઓ મેરે સાજન

 ત્યારબાદ વીરેન ઘરે બધાને વાત કરે છે. ઘરનો લાડલો હોવાથી પરિવારનાં તમામ તેની વાત સરળતાથી માની લે છે અને વિરેન પોતાનાં પરિવાર સાથે પ્રીતિનાં ઘરે માંગુ લઈને જાય છે. આ તરફ પ્રીતિ પણ તેના પરિવારની લાડલી હોવાથી અને એકની એક દીકરીની ઇચ્છા પૂરી કરવા માટે તેનાં પિતા પણ ખૂબ સરળતાથી માની જાય છે અને બંન્નેના લગ્ન નક્કી થાય છે. બંન્નેના લગ્ન ખૂબ ધામધૂમથી થાય છે અને આજે પાંચ વર્ષ થઈ ગયાં. 

પાંચ વર્ષો પછી એક નાની વાતને લઈને ખૂબ મોટી તકરાર થઈ પણ આજે વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ. એ વાતથી આઘાત પામેલો વિરેન આજે બસ પ્રકૃતિનાં ખોળે પોતાનાં સવાલોનો જવાબ માંગતો હતો. હવે પોતાનાં સંબંધને ફરીથી કઈ રીતે જાગતો કરવો ? પોતાનાં સંબંધોમાં પડેલી ગાંઠને કઈ રીતે ઉકેલવી ? અચાનક આ ભૂતકાળને વાગોળતાં તેને એક રસ્તો મળ્યો. તેણે તરત જ ઘડિયાળ સામે જોતાં ખબર પડી કે અગિયાર વાગ્યા છે. તેણે ફરીથી એજ કોફીશોપ બુક કરાવ્યું અને પ્રીતિ ને ફોન કરીને કહ્યું કે, "આપણે ભલે ડિવોર્સ લઈએ પણ છેલ્લીવાર તું મને ફરીથી એ જ કોફી શોપમાં મળી લે."

ફરીથી એ જ વાતાવરણ, એ જ મ્યુઝિક, એ જ બુકે, એ જ પ્રીતિ અને એ જ વિરેન ફરી આખાં શોપમાં એ બંને એકલાં ! આજે ફરી વિરેન પૂછે છે, "શું લઈશ ?" એ જ જવાબ ,"આપણી કોફી." વીરેન પૂછે છે ,"આપણી કઈ રીતે હવે તો આપણે હું અને તું થઈ જવાનાં ? આપણે આપણે હશું જ નહીં." પ્રીતિ કાંઇપણ બોલતી નથી અને પૂછ્યું કે, "મને અહીં શું કામ બોલાવી ?" વિરેન કહે છે, "થોડીવાર તો શાંતિ લે." પ્રીતિ કહે છે, "તને તો બધી વાતમાં મોડું કરવાની આદત પડી ગઈ છે." વિરેન કહે છે કે, "હા મેડમ, તે જ મને આદત પાડી છે. ગુસ્સો જોયો છે આ નાક પર ! !" ( હસતાં હસતાં ) ફરી બંને ની કોફી આવે છે અને એ કોફીનો મગ ઉપાડીને એક ચૂસકી લેતાં વીરેન કહે છે, "આજે પાંચ વર્ષ થયાં. આપણે બંને સાથે છીએ. આજ સુધી મેં અઢળક ભૂલો કરી દરેક ભૂલોને ભૂલીને તું મારી સાથે રહી છો. અનેકવાર અસફળતા પછી હું પડી ભાંગ્યો છું ત્યારે તારી બાહોમાં મને ભરીને તે મને ફરી ઊભો કર્યો છે ત્યારે હું સફળ થયો છું. મારી દરેક સફળતાની પાછળ તારો હાથ છે. હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પાંચ વર્ષ પહેલા કરતો હતો. હું ફરી બોલું છું કે મારી ભૂલ હતી અને હું જ ખોટો ઝઘડો કરી રહ્યો હતો. હવે તું ફરી મારી સાથે રહેવા માંગે છે કે નહીં ? એ હું નથી જાણતો પણ એટલું જાણું છું કે તારાં વગર હું અધૂરો છું. તું જ એ વ્યક્તિ છો કે જે મને સંપૂર્ણ બનાવી શકે છે. મને તારી આદત પડી ગઈ છે. સવારે ઊઠું ત્યારથી રાતે સુવ ત્યાં સુધી બસ તારો જ અવાજ સાંભળવાની ઈચ્છા થાય છે. તને જ જોયાં કરવાની ઈચ્છા થાય છે. તું મારી એક આદત બની ગઈ છે તારાં વગર હું નહીં જીવી શકું. પ્લીઝ, પ્રીતિ મને માફ કરી દે. આઈ લવ યુ પ્રીતિ. શું તું ફરી મારી જિંદગીમાં આવીશ ?"

ફરી એક વખત અત્યંત અધિરાઈથી વિરેન પ્રીતિના જવાબની રાહ જોઈ રહ્યો હતો. થોડીવાર વિચાર્યા પછી પ્રીતિ કહે છે કે, " ના,‌ હવે ફરીથી નહીં....." એને અધવચ્ચે જ બોલતાં જ અટકાવી વિરેન કહે છે, "પ્લીઝ, પ્રીતિ પ્લીઝ. ફરી એકવાર વિચાર કરી જો. આપણાં બંનેની જિંદગીનો સવાલ છે. હું તારાં વિના રહી નહીં શકું. આઈ લવ યુ પ્રીતિ."

આ સાંભળી પ્રીતિ ખૂબ હસવા લાગી અને કહે છે, " પહેલાં પૂરી વાત તો સાંભળ ! આજથી પાંચ વર્ષ પહેલાં તે મને પ્રપોઝ કર્યું હતું. આજે પણ જ્યારે આપણાં બંનેની થોડી અણસમજને લીધે હું છૂટાછેડા લેવા માટે તૈયાર થઈ ગઈ. તને મૂકીને હું ચાલી ગઈ ત્યારે પણ તું ફરી પ્રપોઝ કરે છે. ભૂલ મારી છે હું જ સમજી ન શકી. ફરીથી આ પાંચ વર્ષ બાદ પણ તું જ પ્રપોઝ કરે છે એટલે એમ કે એ કરવાનો હક ફક્ત તારો ? આજે હું પ્રપોઝ કરીશ. તારાં દરેક સુખ દુઃખમાં ભાગ લેવાનું વચન આપનાર તારી આ પત્નીને શું ફરીથી તારા હૃદયમાં સમાવીને તારી જિંદગીમાં અપનાવીશ ? હા,‌ વિરેન હું આજે પણ તને ખૂબ ખૂબ ખૂબ પ્રેમ કરું છું. શું તું મારો સાથ આપીશ ?"

આ સાંભળીને અત્યંત આનંદથી વિરેન કહે છે, "હાં, પ્રીતિ હું પણ તને ખૂબ પ્રેમ કરું છું." આમ કહીને ફરી વિરેને પોતાનાં બે હાથ પ્રીતિના ગાલ પર રાખી તેની નજીક જઈ કપાળે કિસ કરી. કોફીની સંગાથે ફરીથી વિરેન અને પ્રીતિનું મિલન થયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama