હું અને મારી સાંજ
હું અને મારી સાંજ
ગામની એ સંધ્યા આજે પણ યાદ છે મને. જ્યાં ખળખળ અવાજ કરતી નદીનાં ઠંડા અને સ્વચ્છ પાણીની લહેરો શાંત રીતે વહી રહી હતી. તેના કિનારે એક ઘટાદાર લીમડાનું વૃક્ષ હતું, જે હજારો પંખીઓનો આશરો હતો, અને વટેમાર્ગુઓ માટે વિસામો. ડુંગરો પાછળ અસ્ત થતો સૂર્યના લાલ, થોડાક ગુલાબી, આછા નારંગી રંગના કિરણો કોરા આકાશને વધુ આહ્લાદક બનાવી રહ્યા હતા. પંખીઓ ચણ ચણીને માળામાં પાછા આવતા તેમનાં બચ્ચાઓ ભૂખથી પીડાયેલા પોતાની નાની નાની ચાંચ ખોલી તેમની માના ચાંચમાંથી ખોરાક ખાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ગાયોનું ધણ ધૂળની ડમળીઓ સાથે પાછી ફરી રહી હતી. અને હું આ દ્રશ્ય મારી આંખોમાં ભળી કુદરતની સુંદરતાને મનભળી માની રહી હતી. મે જોયું કે કેટલાક ફૂલો સુર્ય અસ્ત થવાની સાથે સાથે કરમાઈ રહ્યા હતા, ફરી એક નવા દિવસે ખિલવાની આશમાં, હું આ પળોને માણી રહી હતી ત્યાંજ આકાશમાં કાળા વાદળાઓની સવારી આવતી દેખાઈ, સાથે વરસાદ પડતા પહેલાં તેની સ્વાગત માટે વાદળો અવાજ કરીને વધાવી રહ્યા હતા, એક સંદેશો ખેડૂતોને આપવાનો સંકેત હતો, કે ખેતરમાં બીજની વાવણી કરવાનો સમય આવી ગયો છે. અચંબિત થયેલી હું કુદરતના બદલતા રંગો, તેની સુંદરતામાં હું શાન ભૂલીને ખોવાઈ જ ગઈ હતી. ત્યાંજ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. હું જમીન પર આળોટતી વર્ષાના પાણીને ખુદમાં જ ભળવા લાગી. બંને હાથ ફેલાવીને હું આંખો બંધ કરી પલળતી કુદરત સાથે જોડાઈ રહી હતી. જાણે હવે કંઈ પામવાની ઈચ્છા જ નહોતી. કુદરતમાં એકાકાર થઈને કુદરતમાં જ ભળી જવું હતું. એક ઠંડા પવનથી જાણે શરીર સિહરી ઉઠ્યું હતું.
સૂર્યની એ પહેલી કિરણ મારા પર પડી, અણગમાની સાથે મેં આંખો ખોલી તો જોયું, પાંદડાઓની એક ચાદર મારા પર પથરાયેલી હતી, જાણે મને ઠંડા પવનોથી બચાવવા માટે કુદરતે મને અનોખો ઉપહાર આપ્યો હોય. હું પાંદડાંઓને ખંખેરીને ઊભી થઈ, ને શાંત રીતે વહી રહેલી નદીમાં મોં ધોયું, પર તે નદીનું પાણી એટલું શીતળ હતું કે હું નદીની અંદર ચાલી ગઈ. બે ત્રણ ડૂબકી લગાવી ઉગતા સૂર્યને જળનું અર્ધ્ય આપી હું નદીમાંથી બહાર આવી. નદીના કિનારે કિનારે ચાલી ખુદને ઠંડા પવનના સહારે સૂકવી રહી હતી. ને થોડી થોડી ભૂખ પણ લાગવા માંડી હતી. મને યાદ આવ્યું કે હું મારા મિત્ર ગ્રુપમાંથી વિખુટી પડી ગઈ હતી. મને મારું શહેર યાદ આવ્યું, મારું ઘર યાદ આવ્યું ને મારા મિત્રો, મમ્મી પાપા યાદ આવ્યાં, યાદ આવ્યું કે હું કઈ રીતે શહેરથી દૂર આ ગામમાં ટ્રેકિંગ માટે આવી હતી. પગમાં ઠોકર વાગવાથી હું એક જગ્યાએ બેસી ગયી હતી. ને મારું ગ્રુપ આગળ નીકળી ગયું હતું. કદાચ એમને જાણ ન થઈ કે હું એમનાથી અલગ પડી ગઈ હતી, કંઈ પણ સમજ્યા વિના હું નદીના કિનારે કિનારે ચાલી મારા ગ્રુપને શોધવાનો પ્રયત્ન કરી રહી હતી. કારણકે અમે નદી કિનારે રોકાણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. એક બે કિલોમીટર ચાલતા મને આખરે મારો ગ્રુપ મળી ગયો, મને જોઈ એ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મને ન જોતાં કદાચ એ લોકોએ મારી શોધ કરી હશે, એ એમના ચહેરાથી અને થાકેલા શરીરથી દેખાઈ રહ્યું હતું. હું ખુશ હતી એ બધાને જોઈને, પણ જે સાંજ મેં કુદરત સાથે વિતાવી એ ક્ષણ, ક્યારેય વિસરી ન શકાય એવી હતી.
