મનોમંથન
મનોમંથન
મજૂરી કરીને મોહન પોતાનું ઘર ચલાવતો, ઘરમાં તેની પત્ની અને બે બાળકો હતાં. મહેનત મજૂરી કરવાં છતાં તે એક સમયનો ખોરાક માંડ પોતાના પરિવારને ખવડાવી શકતો. કોરોના જેવી માહમારીના કારણે તેને કામ પણ મળતું ન હતું, તેની પત્ની મીના ગામના કેટલાક ઘરોમાં ઘરકામ કરતી હતી. પરંતુ હમણાં તે પણ છૂટી ગયું હતું. ખાવા માટે પૈસા ન હતાં, એમાં બાળકોનું શિક્ષણ અને બીજી જરૂરિયાત કેવી રીતે પૂર્ણ કરી શકે, એજ મનોમંથન તે દિવસ રાત કર્યા કરતો. કપાળે હાથ રાખી આકાશ સામે જોઈ ભાવી વિચાર કરી રહ્યો હતો. ચીની મોહનની દસ વર્ષની છોકરી હતી. તે ઉંમરની સાથે સાથે ચપળ, હોશિયાર હતી.
તેને ઘરની હાલત જોઈને મનોમન વિચાર કર્યું કે, "આમ, ઘરે બેસવાથી કંઈ નહીં થાય, બહાર નીકળીને થોડુંઘણું કામ મળશે તો બે સમયનું ભોજન ઘરમાં આવશે." તે મોહનને જણાવીને કામ શોધવા ઘરેથી નીકળી, તેને જતાં જોઈને મોહને ચીનીને પાછળથી બૂમ પાડી અને તેની સાથે જવા લાગ્યો. ગામની સીમાએ આવતાં કેટલાંક સમાજ સેવકો ગામની પ્રાથમિક શાળામાં કામ કરી રહ્યા હતા. ત્યાં બધાને કામ કરતાં જોઈ મોહને ત્યાંના એક કર્મચારીને કામ માંગ્યું. તેને આ રીતે કામ માંગતા એ કર્મચારી ખુશ થઈ ગયો, અને મોહનને જરૂરિયાતમંદોને માટે અનાજ પેકિંગ કરવાનું કામ સોંપ્યું, અને ચીની પુરીઓ કરવા લાગી. સવારથી સાંજ સુધી બંને બાપ દીકરીએ કામ કર્યું હતું. ત્યાંના કર્મચારી તેમનાં કામથી ખુશ થઈને મોહનને ગરમ ભોજન અને થોડું અનાજ પેક કરી આપ્યું. અને બીજા દિવસે પણ આવવાં કહ્યું...
બંને બાપ દીકરી ખુશ થઈને પોતાના ઘરની તરફ ઝડપથી ચાલતાં હતાં... મોહનના દિલમાં ખુશી હતી કે આજે મારો પરિવાર ભૂખ્યો નહીં રહે, અને હવે મારા ઘરે પણ ચૂલો સળગશે. આટલું વિચારતાં મોહનની આંખોમાં એક ચમક આવી ગઈ, અને ઘર તરફ વધતાં પગમાં ઝડપ.
ત્યાંજ ચીનીની નજર રસ્તાનાં એક ખુણે બેઠેલી ડોશીમા પર ગઈ. તેને આજુબાજુ જોયું, પણ કોઈ દેખાયું નહીં. ડોશીમાની હાલત ઉપરથી ચીનીએ અનુમાન કર્યું કે, ડોશીમા ઘણાં દિવસોથી જમ્યા નથી. ભૂખના લીધે તેમની જઠરાગ્નિ સંકોચાઈ ગઈ હોય તેમ પેટની ચામડી લચી પડી હતી. ભૂખ, તરસના લીધે શુષ્ક થયેલા હોઠ પર તેઓ વારંવાર જીભ ફેરવતા. અને આવતાં જતાં લોકોની સામે એક આશભરી નજરે જોતાં પરંતુ મદદ માટે હાથ ફેલાવતાં અચકાતાં હતાં. કદાચ આ માહમારીના કારણે તેમને ભીખ માંગવા માટે મજબૂર થયાં છે.
કંઈ પણ વિચાર કર્યા વિના ચીની તેમની પાસે ગઈ, અને ભોજનની એક ડિશ તેમને આપી, સાથે પાણીની બોટલ પણ આપી. મોહને હાથ જોડીને કહ્યું, "માજી કાલે તમે આજ સમયે અહીં આવજો, તમારા માટે અમે ભોજન લઈને આવીશું." આ સાંભળી ડોશીમાની આંખોમાં ખુશીનાં આંસુ છલકાઈ ગયા. સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા. તેઓ બબડતાં હોઠે મનોમન ભગવાન યાદ કરી રહ્યા હતાં.
રાત થવા આવી હતી. સૂરજ પોતાનાં કિરણો સંકેલીને આથમી ગયો હતો. અને ચંદ્રમા પોતાની શીતળ કિરણો ધરતી પર ફેલવવાની તૈયારીમાં હતો. ક્યાંક ક્યાંક તારલાઓ પણ ચંદ્રની આજુબાજુ ચમકી તેને વધુ રળીયામણું બનાવી રહ્યાં હતાં. એક નિરવ શાંતિ પ્રસરાઈ હતી. માણસોએ જાણે કાલની ચિંતામાં મૌન ધારણ કર્યું હોય તેમ રસ્તાઓ સુનકાર ભાસતો હતો. આ દ્ગશ્યો જોઈ મોહનને કુદરતનાં ખોળે હસતો, રમતો ગામ યાદ આવી જતાં તેની આંખોની કોર ભીની થઈ ગઈ હતી. ભૂતકાળની યાદોમાં ઘરનાં પગથિયાં ચડતો મોહન આંખોમાં આવેલા આંસુઓ લૂછી નાંખે છે, આને હસતાં મોઢે ઘરની અંદર જાય છે. ભોજનની સુગંધથી આજે પંદર દિવસે ઘર મહેકી રહ્યું હતું. જીભને બદલે આજે જાણે આંખો વાત કરતી હતી. મીનાએ બધાને પ્રેમથી ભોજન જમાડ્યું.
અર્ધી રાત થવા આવી હતી, છતાં મોહનની આંખોમાં ઊંઘ નહોતી. તે આ મહામારીમાં પોતાનું અને પોતાના પરિવારનું નિભાવ કઈ રીતે કરી શકે તે જ વિચારતો હતો. ત્યાંજ તેના મગજમાં એક વિચાર આવ્યો ને તેના હોઠ પર એક સ્મિત રેલાઈ આવ્યું. આને તે સવારની રાહ જોતો નિંદ્રાધીન થઈ ગયો.
વહેલી સવારે સૂર્યનાં કિરણો અને પંખીઓનાં કલરવથી મોહન જાગી જાય છે. તે તરત જ નિત્યક્રમ પતાવીને પોતાના આડ પડોશમાં રહેતા મિત્રો પાસે જાય છે. આને બધાને ભેગા કરીને કાલની બધી ઘટના કહે છે. આ સાંભળીને બધાં ખુશ થઈ ગયા અને તેઓ પણ મોહન સાથે જવા તૈયાર થઈ ગયા. અને ઘરની સ્ત્રીઓ કાચા અનાજ અને શાકભાજીમાંથી ત્યાં આજુબાજુ વાડ કરીને જમીનમાં ચાસ પાડીને ખેતી માટે અનાજ ઉગાડવાની તૈયારી કરવા લાગી.
મોહન અને ચીની બધાં સાથે પ્રાથમિક શાળાએ પહોંચ્યા, અને ત્યાંના કર્મચારીને બધાંને પણ કામ પર રાખવાની વિનંતી કરી. તે બે ઘડી વિચાર કરવા લાગ્યો અને પછી એક સ્મિત સાથે હા માં માથું હલાવ્યું. બધાં જ ખુબ ખુશ થઈ ગયાં અને પોતાના કામે લાગી ગયાં. તેમના કામથી ખુશ થઈને સાંજે બધાને ભોજન અને અનાજ આપી રવાના કર્યા.
ત્યાં રસ્તાનાં કિનારે ડોશીમા મોહનની રાહ જોતી બેઠી હતી. મોહનને જોઈ તેની આંખોમાં એક ચમક આવી ગઈ, અને હોઠ પર સ્મિત. મોહને તેનાં હાલચાલ પૂછ્યાં અને ભોજનની એક ડીશ એમને પકડાવી ઘરે આવ્યો. ત્યાં મીનાએ ગામની બહેનો સાથે મળીને ખેતીના કામ વિશે જણાવ્યું, આ સાંભળી તે ખુબ જ ખુશ થયો.
થોડાંક જ સમયમાં નાના છોડમાંથી ધાન ઊગી નીકળ્યાં, અને જરૂરિયાત કરતાં વધુ અનાજ મેળવ્યાની ખુશી બધાનાં ચહેરા પર દેખાતી હતી. હવે ભોજનની અછત નહોતી. એટલે મોહન ચિંતામુક્ત થઈ ફરી પોતાના કામે લાગ્યો, અને સાથોસાથ તે જરૂરીયાતમંદની સેવા પણ કરવા લાગ્યો.
મોહને ભીખ માંગવા કરતાં મેહનત મજૂરી કરી ખાવાનું વધું યોગ્ય લાગ્યું, તેનાં મિત્રોને પણ મહેનતનું ખાવાની શીખામણ આપી.
