STORYMIRROR

Manzil Patel

Abstract Tragedy

4  

Manzil Patel

Abstract Tragedy

હિંચકો

હિંચકો

3 mins
289

   ‘’તમને પપ્પા કેટલીવાર કહ્યું કે મેઘાને આમ ચોકલેટો ના લઈ આપો. એ તો છોકરૂં છે - એને શું ખબર પડે ! તમને પાંસઠ વર્ષે નથી ખબર પડતી કે એને કફ થઈ જશે ! તમને એમ હશે કે ચોકલેટ લઈ આપી એટલે કલાક રમશે અને તમને હેરાન ના કરે ! તમારે બીજું કરવું શું છે કે છોકરૂં રાખવાનું જોર આવે છે ! નિરવભાઈ તમે રસોડામાંથી આવતા કર્કશ અવાજની સાથે દિવાલો સાથે પડઘાતી પૂત્રવઘુ-ખુશ્બુની અવિરત વાણી સાંભળી રહ્યાં છો.

     નિરવભાઈ ઓસરીમાં-હિંચકામાં બેસી, હાથમાં છાપું પકડી અશ્રુપટલથી ધૂંધળા થતા અક્ષરોને વાંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યાં છો તમે. જીવનનાં ઉલઝેલાં પાનાં પણ ક્યાં ઉકેલી શકયા છો કયારેય. જો કે આ જ હિંચકા ઉપર બેસી તમારાં ઘર્મપત્ની-ઈલાએ સૂચવેલા – નહીં, બહાર પાડેલા વટહુકમોનું પાલન જ કર્યું છે,જીવનપર્યંત-મને-કમને. છાપું બાજુએ મૂકી ઘમઘમાટ પસાર થતા મોટરસાયકલો અને તેના સવારોને ચહેરા જોવાની મૂક કોશિશ કરતા રહ્યાં તમે. રસ્તાની ચહલપહલ, રસોડામાંથી આવતો વાસણો ખખડવાનો અવાજ અને કપડાં ધોતી મહિલાઓના ધોકાનાં અવાજોની સાથે નિરવભાઈ, તમારા મગજમાં પણ કોલાહલ મચી ગયો છે. હા,આખી જિંદગી, જીવનનાં તમામ વર્ષો, મહિનાઓ અને દિવસો તમે ખુશ્બુનાં સ્વર્ગસ્થ સાસુ-તમારાં પત્ની-ઈલાની મરજી મુજબ જ જીવ્યા. કોઈ જ ઈચ્છા પોતાની નહીં. શું પહેરવું, શું બોલવું, કયારે ખાવું, શું ખાવું, આફીસમાં કયારે રજા રાખવી, કયારે આરામ કરવો, કોની સાથે ઓફીસમાં સંબંધ રાખવો- ન રાખવો એ તમામ બાબતો ઈલાએ જ નકકી કરી છે જીવનભર, અને ભૂલથી પણ તેની મરજી વિરુદ્ધ તમારાથી કંઈક થયું તો ઈલાને જવાળામુખી બનતાં વાર નહોતી લાગતી. એમના આ જ હઠાગ્રહી- તામસ-મનસ્વી સ્વભાવથી –દિલનો એક આંચકો-અને આસ્ફાલ્ટની કાળી સડક જેવી વૈશાખી બપોરી ચિરકાળી શાંતી. તમારી તે વખતની દ્રષ્ટિએ ઈલા માટે અને તમારા માટે પણ.

       ઘરની બહારના સોસાયટીના રોડ પરથી પસાર થતા બાઈક સવારો અને કાર સવારો વગર કારણે નિ:સ્તબ્ધ વેરાનીયતમાં હોર્ન કેમ મારતા હશે ? તમે વિચારી રહ્યાં નિરવભાઈ.

       ઈલાના ગયા પછી, થોડો સમય-થોડા મહિનાઓ તો બહેનો, તમારા સાળાઓ-સાળીઓ, વેવાઈઓ –બઘાં જ સગાં સંબંધીઓ મળવા આવતાં રહ્યાંં અને ફોન કરીને પણ તમારી ખબર અંતર પૂછતાં એટલે તમને ગમતું. પણ સમયાંતરે વહુ-ખુશ્બુની અશબ્દ ચીડ, તમારી ઘરની સતત હાજરીનો અણગમો સપાટી પર આવવા લાગ્યો અને સગાં સંબંધીના કોલ્સ ઘટવા લાગ્યા. તમે સામેથી કોલ્સ કરો તો પણ એ જ સંબંધીઓ વાત ટૂંકાવવાનો પયત્ન કરતા રહ્યાં-જેનો તમને પણ અહેસાસ થતો.

       ઘરમાંથી પૌત્રી-મેઘાનો રડારોળનો અવાજ આવ્યો અને તેની સાથે જ ખુશ્બુનો તીણા અવાજ સાથેનો કકળાટ- ‘’હિંચકા પર બેસી શું કરો છો પપ્પા ? આ છોકરી રડે છે, તો પણ તેને લેવાનું ભાન નથી થતું તમને ? હું આ રોજનાં વૈતરામાંથી નવરી જ નથી પડતી અને તમારે સાહ્યબીમાંથી બા'ર જ નથી નીકળવું. એના પપ્પાને કહું તો મારો જ વાંક !’’

       નિરવભાઈ ઊભાં થયા ઢીંચણના દુખાવાને દબાવવાના પ્રયત્ન સાથે. બેઠકખંડમાં આવીને બાબાગાડીમાંથી ત્રણ વર્ષની મેઘાને તેડીને ઘરના ઓટલા પર આવ્યા. મેઘાના હિબકાં ચાલુ જ હતાં. તેને થાબડતાં થાબડતાં ઓટલા પરની ઈઝીચેરમાં બેઠા, સજળ આંખો સાથે. નિરવભાઈની દ્રષ્ટિ હિંચકા પર પડી. ખાલી હિંચકો હવાના ઝોકા સાથે કીચૂડ કીચૂડ અવાજ સાથે ઝૂલી રહયો હતો - એકદમ ખાલીખમ.                                                                                                   


Rate this content
Log in

More gujarati story from Manzil Patel

Similar gujarati story from Abstract