હેડલાઇન્સ
હેડલાઇન્સ
બે વર્ષના છોકરાએ તેના પપ્પાનો ફોટો ટેલીવિઝન પર દેખ્યો એવો તરત જ તે પલંગ પર ચડી, ઉંમગભર્યા ગાતા અવાજમાં ખુશીથી કુદકા મારવા લાગ્યો. ‘મોમ, લુક…!! ડેડી ઈઝ ઓન ટીવી...! યેય...યેય...!! ડેડી ઈઝ કમિંગ...!! ડેડી ઈઝ કમિંગ...!! યેય...યેય...!!”
રસોડામાથી તે ભયથી ધડકતા હ્રદયે હૉલ રૂમમાં ધસી આવી. ટીવીની હેડલાઇન્સ વાંચતાં જ તેના ગોઠણ ઢીલા પડી ગયા. છાતીમાં મોટો ધ્રાસ્કો પડ્યો ! જે ન્યૂઝ ફ્લેશ થતાં હતા એ સાંભળી તેનો જીવ કપાઈ રહ્યો હતો. જે વાતનો ડર રાત–દિવસ સતત સતાવતો હતો એ ડરે એની સેંથીમાં પૂરેલું સિંદુર ભૂંસી નાંખ્યું. અચાનક આંખે અંધારા છવાઈ ગયા. દીવાલનો ટેકો લઈ તે જમીન પર ફસડાઇ પડી ! કાન જે ન્યૂઝ સાંભળી રહ્યા હતા એને નકારી કાઢવા મન ચિલ્લાઈ રહ્યું હતું. પણ વાસ્તવિકતાનો પડઘો સતત ઓરડામાં ગુંજતો હતો.
‘હાલહી મે ખબર મિલી હે કી બોર્ડર પે હમારે સાત ફોજી જવાન શહિદ હુએ હૈ...’