પ્રથમ પરમાર

Comedy

4  

પ્રથમ પરમાર

Comedy

હાય રે...મારા ચાર કલાક

હાય રે...મારા ચાર કલાક

7 mins
452


 "તો . . પણ . . તને કોઈએ કહ્યું હતું ત્યાં જવાનું ? એવું થતું હોય તારી સાથે તો ન જવાય દોઢા ! "જ્યારે જ્યારે હું મારા જીવનની કોઈ અતિશય કરુણ ઘટના મારા માતા પિતાને કહું ત્યારે એ લગભગ અભણ,નવરો,દોઢો, ઉતાવળિયો આવા મારા અનેક વિશેષણોમાંનું એક વિશેષણ વાપરીને મને આ મુજબનું વિધાન સંભળાવે છે. જ્યારે મારા મિત્રોને કહું છું ત્યારે પરજ્ઞાતિમાં પરણવાની માતા પિતાએ ના પાડી હોય, એનો છોકરો મેળામાં રમકડાં લેવાની જીદ પકડીને ધૂળમાં બેસી ગયો હોય એમ મારી સામે જુએ છે અને મને ઉપરનું બ્રહ્મવાક્ય સંભળાવે છે. ખબર નહિ,હું કોઈને પણ મારા જીવનની કરુણ ઘટનાઓ કહું ત્યારે એ ખડખડાટ હસવા લાગે છે. એ હસનાર જાણે મારા લાગેલા ઘા પર મીઠું ભભરાવતો હોય એવો લાગે. પણ ખેર,જવા દો !

  'પુસ્તકો સિવાય મારે તો ચાલે જ નહીં', 'પુસ્તકો વાંચ્યા વિના મને ઊંઘ જ ન આવે', 'પુસ્તકો વાંચવાથી તો ચારિત્ર્ય ઘડતર થાય છે' આમાનું કોઈ વિધાન મને લાગુ પડતું નથી છતાંય એક લખતા માણસે વાંચતા રહેવું જોઈએ અથવા વિવત્સુ બનવું જોઈએ ને ખાસ તો બીજા લેખકોને થોડી રૉયલ્ટી મળે એવા કર્ણવૃત્તિના આશયથી હું બીજાના પુસ્તકો વાંચતો હોઉં છું ક્યારેક ક્યારેક ! એમાંના એક 'ક્યારેક'ની આ વાત છે.

"ડોબા જેવા પુસ્તકો નહિ વાંચ તો શું કરીશ આર્ટ્સમાં ?" 

"આખો દિવસ નવરા આંટા મારે છે તે થોડું વાંચતા શીખ. "

"કોઈક વખત અહીં પણ આવો તો ઉદ્ધાર થશે. "

 ને હું સ્વપ્નભંગની અવસ્થામાં સફાળો જાગી ઉઠ્યો. એક ખંધી, શુર્પણખા પણ શરમાય જાય એવી સ્ત્રી મારા સ્વપ્નમાં મને આ કહી રહી હતી. એના શરીરમાં જરાય માદકતા નહોતી એટલે એનું વર્ણન શક્ય નથી. હા, કોઈ નવો શિખાઉ ચિત્રકાર જેવા ચીતરડાં કરીને કાબરચીતરા ચહેરા દોરતો હોય એવો એનો ચહેરો હતો અને વિક્ટોરિયન યુગના એને કપડાં પહેર્યા હતા. મને યાદ આવ્યું કે આ તો અમારા શહેરની પુસ્તકાલયના ગ્રંથપાલ બહેન હતા. જાણે એને મારે લીધે જ ટ્રસ્ટવાળાએ પગાર ન ચૂકવ્યો હોય એવી રીતે મારા પર ત્રાટકીને એણે મને ઉપરના વાક્યો-ના,ધમકી- આપી.

  આથી એ બહેનને (હું તો એ ગ્રંથપાલને બહેન જ કહું છું, એ બહેનના મનમાં મારા વિશે શું છે એ પૂછ્યું નથી. ) પગાર મળે એવી આશાથી મારી કામસ્વરૂપા અને મનમોહિની એવી દ્વિચક્રીય સાઈકલ પર સવાર થઈને હું પુસ્તકાલયને પાવન કરવા નીકળ્યો. આમ પહેલા તો બહુ જ નજીક હતું પુસ્તકાલય, પણ જેમ જેમ એમાં પુસ્તકો વધતા ગયા એમ ઢસડાઈ ઢસડાઈને એ મારા ઘરથી ત્રણ ચાર કિલોમીટર (કિલોમીટર જ આવે ને?) દૂર ચાલી ગઈ છે. ઉપરથી કાદવમાં ચંપલ ભળે એમ હું મારી સાઈકલ લઈને જતો હતો. જો કાચબા અને મારી સાઈકલને સ્પર્ધામાં ઉતારવામાં આવે તો હું શરત લગાડી શકું કે કાચબો જ જીતે અને ખાસ કરીને જ્યારે સાઈકલ હું ચલાવતો હોઉ ત્યારે ! એટલી ઝડપથી હું સાઈકલ ચલાવું છું, જાણે દરેક પેડલે અકસ્માત થવાનો હોય એમ.

 "હમણાં ઠોકી દેત, હાલી શું નીકળ્યા છો નમાલાની જેમ ! " ખબર નહિ મારી પાછળના ભાઈના છકડાના આગલા ટાયરને મારી સાઈકલના પાછળના ટાયરમાં શું રતિ જાગી કે એને એના સ્પર્શસુખનો આનંદ માણ્યો અને મારી પાછળના એ ભાઈએ મને ઉપર મુજબનું સંભળાવ્યું ને મારા અનેક વિશેષણમાં 'નમાલો' વધાર્યું. "નમાલો હશે તારો બાપ,એક તો પાછળથી તું ઠોકે છે ને પાછો મને સંભળાવે છે. હાલ પોલીસ સ્ટેશને,જોઈ લઉં તને. હાલી નીકળો છો તે. "આ બધું હું એકીશ્વાસે બોલી ગયો,મનમાં. જગતમાં અમુક માણસો આજીવન શ્રોતા રહેવા જ જન્મ્યા હોય છે અને એને અખાયે જમાનાનું સાંભળવાનું જ હોય છે અને એવા વ્યક્તિઓની જ્ઞાતિમાં મારો સમાવેશ થતો હોવાથી હું અર્ધમૌન રહ્યો. હું આગળ વધતો ગયો ને આખરે એ ભૂલભુલામણી સમી પુસ્તકનગરી આવી.

  પસંદગીની બાબતમાં હું બહુ જ નબળું પ્રાણી છું(એ બાબતે બીજો એક નિબંધ લખીને તમારી પર અત્યાચાર અવશ્ય કરીશ) એટલે હું પુસ્તકોની બાબતમાં નિર્ણય લઈ શકતો નથી કે ક્યુ, ક્યા વિષયનું, કયા લેખકનું પુસ્તક વાંચવા લઈ જઉં? એ મથામણમાં જ ઘણી વખત હું પુસ્તક લીધા વિના નીકળી જઉં છું. પણ આ વખતે ઇતિહાસ-જીવનચરિત્ર-નવલકથા-ટૂંકીવાર્તા-કટાક્ષનિબંધ ને અંતે તારક મહેતા કૃત 'કનુ કાગડો દહીંથરૂ લઈ ગયો' પુસ્તક લઈને ઉપડ્યો ફરી સફર પર. આમેય હું હાસ્યાસ્પદ માણસ છું.

  મારી સાઈકલ પર સોનાના મુગટમાં અડધો તૂટેલો મણિ શોભે એમ કેરિયર શોભતું હતું. એમાં મેં એ પુસ્તકને ગોઠવ્યું. "અરે ડોબા, તને મારા કામની ખબર ન પડી એટલે અહીં ફસાવી દેવાનો?" પાછળથી અવાજ આવ્યો. પાછળ જોયું તો કોઈ હતું નહીં તો પછી બોલ્યું કોણ? ક્ષણવાર તો થયું કે આ પુઠા પરનો કનું કાગડો બોલ્યો કે શું? મને થયું કે મારે મારા ગાલ પર બે ચાર તમાચા મારવાની જરૂર છે. હું આગળ વધ્યો ત્યાં ફરીથી અવાજ આવ્યો,"અરે ઓ જુવાનિયા ! મને અહીં ક્યાં ફસાવી. શરમ નથી આવતી મારા જેવી કોમલાંગીને અહીં ફસાવતા ?'' ફરી એ જ ઘટના ! આશ્ચર્ય. . . . નવાઈ. . ડર. . . પાગલપણું.. . . આ બધા ભાવોની મિશ્ર બાસુંદી મારા મનમાં વહી રહી. હું તો મૂંઝાઈ જ ગયેલો. પછી અચાનક મારી નજર સામે પડેલી એમ્બ્યુલન્સ પડી અને એમાં એક વૃદ્ધ દંપતિ બેઠું હતું. એ પાગલ હતું એમ તો ન કહેવાય કારણ કે આપણે પણ ક્યાં ઓછા પાગલ છીએ ! હવે કોણ બોલતું હતું એ કહેવાની જરૂર નથી.

  એ એમ્બ્યુલન્સમાં મારે બેસવું પડે એના કરતાં વિદાય લેવામાં જ મોક્ષનો માર્ગ છે એમ સમજીને હું ફરીથી નીકળ્યો ઘરે આવવા. અડધે રસ્તે પહોંચ્યો ત્યાં સોફા પર બેસવા જતા વ્યક્તિને સોફા પર પડેલી સોય જેમ ખૂંચે ને સફાળો ઊભો થઇ જાય બસ એમ જ હું સાઈકલને થોભાવી ઊભો થઈ ગયો અને મારા મુખમાંથી "હાય. . . . રામ. . . . એ હોય તો સારું. "એવી ત્રાડ પડી ને આસપાસના લોકો મને જાનવરની જેમ જોવા લાગ્યા. મને યાદ આવ્યું હતું કે મારી સાથે હું એક એવી જોખમકારક વસ્તુ લઈને નીકળ્યો હતો કે જો એ ન હોય તો જગત મિથ્યા થઈ જાય,કરોડો રૂપિયા નકલી થઈ જાય,સોનુ નકામું થઈ જાય ને વાતની ખબર પડતા મારા ઘરના લોકોનો ગુસ્સો શરૂ થઈ જાય. એ વસ્તુ જો ખોવાઈ હોય તો "તું ખોવાઈ જાત તો ચાલત,પણ એને ક્યાં મૂકી આવ્યો?"એમ મને મારા આદરણીય બાપુજી કહે. એવી સમુદ્રમંથનમાંથી નીકળેલ એ અમૂલ્ય ચીજ તે - અમારા ઘરની ચાવી !

  આખાયે ઘરના એકસૂરી સબળ વિરોધ છતાં એનું ઉલ્લંઘન કરીને મેં મારા આત્મવિશ્વાસનું પ્રદર્શન કરવા ચાવી સાથે લઈ લીધેલી. પણ મને હંમેશા ઈશ્વર વહેલી સજા આપે છે એટલે. . . . ! મેં એને પ્રાર્થના કરવા લાગી કે ચાવી ક્યાંય પડી ન ગઈ હોય. ત્યારે હું એવી સ્થિતિમાં હતો કે મારા ગયા જન્મમાં કરેલા પુણ્યો (કારણ કે આ જન્મમાં તો પુણ્ય કરવાનું બહુ બન્યું નથી) મને કામમાં આવે ને તેંત્રીસમાંથી એકાદ દેવતા પણ જો પ્રસન્ન થાય ને વરદાન માંગવાનું કહે તો હું ચાવી જ માંગું. એવી કિંકર્તવ્યમૂઢ અવસ્થામાં મેં સિંહ કે મગરના મુખમાં હાથ નાખતા હોય એમ,કાદવમાં પડેલા મોબાઈલને ઉપાડવા જતા હોય એમ મારા ઠંડી રક્ષક વસ્ત્રના ભોંયરામાં હાથ નાખ્યો. ને થયું એ જ જે મારી સાથે હંમેશા બને છે. ચાવી ગાયબ ! બોલો જય શ્રી કૃષ્ણ.

  સતત ત્રણ કલાક સુધી હું જે જે રસ્તેથી પસાર થયો હતો તે તમામ રસ્તા પર મેં સીઆઇડીના ડોગ સ્કોડની માફક કૂતરાં નજરથી ચકાસ્યું પણ ક્યાંયે ચાવી મળે નહીં. કોઈ દુકાનદારો મને ચોર પણ સમજી બેઠા હશે. મારા વડીલોને આ ખબર પડે ને એ લોકો જેવી ત્રાડ પાડે એવી જ ત્રાડ મારા સાઈકલના પગ એટલે કે ટાયરે પાડી આને કહેવાય દુકાળમાં અધિકમાસ ! મારી સાઈકલના પગમાં છિદ્ર પડી ગયેલું. એને સંધાવવા આસપાસ કોઈ છિદ્રસાધક નિષ્ણાંત હોય તો મેં શોધવા નજર ફેરવી પણ જાણે મારી આસપાસ તો મહાશૂન્ય ! ત્રણ કલાકની જહેમત બાદ અડધી કલાક હું સાઈકલ દોરી ગયો ને ત્યાં એ મહાન સાધક મને દેખાયો ને મેં બીજી અડધી કલાક એને એના શુશ્રુત ક્રિયા કરી.

 આમ,કુલ ચાર કલાકની ગધેડા મહેનત બાદ હું ઘરે સિધાવ્યો ને ત્યાં ઘરમાં ઘુસતા જ એક વડીલ બોલ્યા,"લો, આવી ગયા લાડસાહેબ, રખડીને !" મારી આંખમાં આંસું પડતા પડતા રહી ગયા. "ઉદ્દગ્રીવ દ્રષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટની પાસે. "કાન્તની એ પંક્તિ મારા ચિત્તમાં રમી રહી. મન તો થયું કે સંભળાવી દઉં,"લાડસાહેબની ક્યાં માંડો છો ? આ ચાર કલાકની મહેનત કરીને આવ્યો એનું શું ?"પણ વિવેકી છોકરા તરીકે રહેલી મારી અખંડ છાપ હું બગાડવા માંગતો નહોતો એટલે બધા કડવા વાક્યો હું ગળી ગયો. પછી મારા ઘરના તમામ સભ્યો હાજર થઈ ગયા ત્યારે મેં હિંમત કરીને કહ્યું કે,"મારાથી ચાવી ખોવાઈ ગઈ છે. "મને એમ હતું કે હમણાં બધા ત્રાટકશે પણ ત્યાં બધા ખડખડાટ હસવા લાગ્યા. ખબર નહિ કેમ ? તે દિવસે કોઈએ મને કંઈ કહ્યું જ નહીં.

  ત્યારબાદ બે ચાર દિવસ બાદ એક બે વડીલોને માખણ મારી મારીને કઢાવ્યું ત્યારે ખબર પડી કે હું તે દિવસે ચાવી ઘરથી બહાર નીકળતી વખતે આંગણામાં જ પડી ગયેલી અને મારા માતુશ્રીએ પછી એને યથાસ્થાને ગોઠવી પણ દીધેલી. મારા મનમાં વિચાર ગાજી ઉઠ્યો કે,"હાય રે. . . . મારા ચાર કલાક ! "


Rate this content
Log in

Similar gujarati story from Comedy