હાસ્ય હરાવે ચિંતાને
હાસ્ય હરાવે ચિંતાને
એ વખતે ગાંધીજી, મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીના આ ભકત જેલમાં હતા. ત્રણેય સાથે જ હતા. જેલમાં રહેવામાં કોઈને આનંદ ન જ હોય, પણ આ ભકત જેલમાં પણ ગાંધીજી વગેરેને આનંદ જ કરાવે. તેમનો વિચાર હતો કે 'રડવાથી કંઈ દિવસો પસાર થતા નથી. તો શા માટે આનંદથી ન રહેવું ?'
આમ તો તેઓ ગંભીર પ્રકૃતિના હતા. પણ સમય આવ્યે રમૂજ પણ કરી લેતા. આ રમૂજનો ઉપયોગ તેઓએ જેલમાં સૌને આનંદમાં રાખવામાં કર્યો. ગાંધીજીએ પણ આ વાતની કબૂલાત એક લેખમાં કરી હતી. તેમાં બાપુએ લખ્યું હતું,
'ચાર સાથીઓની આ નાની-સરખી છાવણીમાં એક એવા મશ્કરા મિત્ર છે કે જેઓ કોઈને છોડતા નથી. એમના અણધાર્યા વિનોદકટાક્ષોથી તેઓ મને હસાવી-હસાવીને બેવડ વાળી દે છે. એમની હાજરીમાં 'ચિંતાબાઈ' એનું કાળું મોં સંતાડેલું જ રાખે છે. ગમે તેટલી ઊંડી નિરાશા પણ એમને લાંબો સમય ચિંતામાં ડૂબેલા રાખી શકતી નથી અને એક સાથે બે મિનિટ સુધી પણ તેઓ મને ગંભીર રહેવા દેતા નથી. મારા સંતપણાને પણ છોડતા નથી.'
જાણે કોઈ નિરાશા તો તેમની નજીક જ આવી શકતી નો'તી. નિરાશ થવા જેવું થાય ત્યાં તો રમૂજ આવી ગઈ હોય. ગમે તેવી મુસીબતનું દુ:ખ પણ હાસ્યથી દૂર થઈ જાય. દુ:ખ દૂર કરવાની આ ભકતની આ તો કળા હતી. આ કળાએ દુ:ખને તો સાવ ભૂલાવી જ દીધું હોય. તો શા માટે આનંદમાં ન રહેવું ?
કયારેક હાસ્ય સાથે કોઈક બોધ આપી દેવામાં પણ તેઓ માહિર હતા. તેમના ગામમાં જ્યારે કોઈ પોતાના પુત્રને દહેજ લઈને પરણાવતા ત્યારે આ ગાંધીભકત પૂછી બેસતા, 'આ આખલો કેટલામાં વેચ્યો ?' ત્યારે ક્રોધ આવવા છતાં સૌ હસી પડતા.
આવી રીતે કયાંક દુ:ખ દૂર કરવા, તો કયાંક બોધ આપવા રમૂજ કરીને સૌને હસાવનાર હતા સરદાર વલ્લભભાઈ પટેલ.
હસતાં રહેવું એ પણ એક કળા છે. મુખ પર મધુર હાસ્ય હોય તો મુખ સુંદર લાગે છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં જાણે હસવાનું તો ભૂલી જ જવાય છે. જ્યાંથી મળે ત્યાંથી લાવ-લાવ કરવામાં મુખનું હાસ્ય અદૃશ્ય થઈ ગયું છે અને હા, કેટલાકનાં મુખ જ એવા હોય કે હસતા હોય તો પણ દેખાય નહિ.
